જ્યારે સ્વામી વિવેકાનંદ એક અકિંચન સંન્યાસીના રૂપે કોઈ મિત્ર વિના અને આનુષંગિક માહિતી કે પત્ર વિના અમેરિકા પહોંચી ગયા ત્યારે એમની પાસે બૌદ્ધિક અને આધ્યાત્મિક સંપદા, અદમ્ય સાહસ અને ઉત્સાહ, પોતાના ઉદ્દેશ સાથેના ભારત પરિભ્રમણ દરમિયાન અર્જિત કરેલી ઇચ્છાશક્તિ સિવાય બીજું કશુંય ન હતું. વળી અમેરિકામાં વિવેકાનંદના પોતાના જ એક સુપ્રસિદ્ધ અને અત્યંત પ્રતિષ્ઠિત દેશવાસીએ એમના વિશે મિથ્યા આરોપોનો પ્રચાર કર્યો અને અમેરિકનોની નજરોમાં તેમને કલંકિત કરવાનો પ્રયત્ન કર્યો. અનેક મુશ્કેલીઓ હોવા છતાં શિકાગો ધર્મસભામાં ભાગ લેવાનો માર્ગ વિવેકાનંદ માટે નીકળ્યો. અને ત્યાંથી જ એમને જબરી માન્યતા મળી. આ ઐતિહાસિક ધર્મસભામાં તેઓ સંભવત : સૌથી નાની વયના પ્રતિનિધિ હતા. તેઓ એક હિન્દુ છે, એ તથ્ય સિવાય એમની પાસે બીજું કોઈ પ્રમાણપત્ર ન હતું. એમના ગુરુદેવ(શ્રીરામકૃષ્ણ)નું નામ પણ યુરોપ કે અમેરિકામાં કોઈ જાણતું ન હતું. તેઓ પોતે પણ આવી પ્રસિદ્ધિથી માઈલો દૂર રહેલા એક નવયુવાન હતા. એમની વિદ્વત્તા અને સાધુતા માટે અથવા એક જનનાયકના રૂપે એમને પોતાના દેશમાં પણ કોઈ જાણતું ન હતું.

આટલું તો સ્પષ્ટ હતું કે પૂર્વના આ યુવાન અજનબીનું સ્થાન આ બધાની નીચે હતું. એનું કારણ એ હતું કે બીજાની સહૃદયતા અને સહયોગને કારણે તેઓ ત્યાં ઉપસ્થિત હતા. આમ હોવા છતાં પણ તેઓ એ વિશાળ ધર્મસભા પર એક વાવાઝોડાની જેમ કેવી રીતે છવાઈ ગયા, કેવી રીતે ભગવાં વસ્ત્ર અને પાઘડી ધારણ કરેલ એ હિન્દુ યુવાનનાં રેખાંકિત ચિત્રથી અમેરિકાનાં સમાચારપત્રો ભરાયાં હતાં, વળી કેવી રીતે અમેરિકાનાં નરનારીઓ ટોળે વળીને એમને જોવા અને સાંભળવા આતુર રહેતાં હતાં, આ બધું ઇતિહાસનો એક હિસ્સો બની ગયો છે. રોમન સમ્રાટ સિઝરના વિજયોલ્લાસ કે સંદેશમાં થોડું પરિવર્તન કરીને આપણે આવું કહી શકીએ, ‘સ્વામી વિવેકાનંદ ગયા, એમણે જોયું અને સાંભળ્યું, સાથે ને સાથે એમણે સૌને જીતી લીધા.’ જાણે કે એક જ છલાંગે તેઓ અજાણ્યા તળમાંથી નીકળીને સિદ્ધિના શિખર પર જઈ પહોંચ્યા. ધર્મસભાના કેટલાય જાણીતા પ્રવક્તાઓમાં કેવળ એક જ નામ, સ્વામી વિવેકાનંદનું નામ શા માટે યાદ કરાય છે ? આયુમાં સૌથી નાના આ હિન્દુ સંન્યાસી એક કઠોર અને પૂર્ણ અનુશાસનમાં ઘડાયા હતા. એમના ગુુરુદેવનાં ચરણોમાં બેસીને એમને આ શક્તિ પ્રાપ્ત થઈ હતી. એમણે પ્રાચીન આર્ય ઋષિઓના જ્ઞાનસ્રોતના ચિરપ્રવાહમાં ભીતર પ્રવેશીને એનું ગહનતાથી પાન કર્યું હતું. તેઓ એટલા સાહસસંપન્ન હતા કે કોઈ પણ જાતના ઉદ્વેગ વિના સમગ્ર વિશ્વનો સામનો કરવા સક્ષમ હતા.

વિદ્વાનોની એ સભામાં પ્રભાવશાળી-સબળ વ્યક્તિત્વ, સુંદર તથા મોહક મુખમંડળ, ચમકતી વિશાળ આંખો અને ગહન લયવાળી તરત જ ગળે ઊતરી જતી વાણીએ એમને આ ઉત્કૃષ્ટ સિદ્ધિ અપાવી. પ્રાચીન ભારતનું જ્ઞાન, તેની શક્તિ અને પ્રાચીન આર્યજાતિની અપાર સહનશીલતા અને સંસંવેદન ભાવ જાણે કે એમના માધ્યમથી ફરીથી સજીવન થયાં અને સાકાર પણ થયાં.

એમના આ અદ્‌ભુત પ્રભાવને કારણે તેમની પાસેથી ઉપદેશ જ્ઞાનનો લાભ મેળવવા લોકો એમની આસપાસ ઘૂમતાં રહેતાં. કેટલાંય નરનારીઓએ એમને પ્રેમભાવે પત્ર પણ લખ્યા. એક દંતચિકિત્સકે વિના મૂલ્યે દાંત સાફ કરી આપવાની પ્રતિજ્ઞા પણ કરી. કેટલાક ભાવિકોએ પોતાનાં સુંદર અને મોંઘાં ઉપકરણો દેવાની ઇચ્છા વ્યક્ત કરી પણ ભારતના અકિંચન સંન્યાસીને આ બધી વસ્તુઓની કોઈ આવશ્યકતા ન હતી. આવી હતી તેમની પ્રભાવક અસર અમેરિકાનાં નરનારીઓ પર!

 

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.