(૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનું પ્રથમ વિશ્વ સંમેલન આયોજિત થયું હતું. એ સમયે સ્વામી સારદાનંદ રામકૃષ્ણ મિશનના મહાસચિવ હતા. ૧ એપ્રિલે તેઓએ આપેલ સભાપતિના ભાષણનો એક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

જ્યારે કોઈ નવા આંદોલનની શરૂઆત થાય ત્યારે જોવામાં આવે છે કે સમાજ એના પાયાનાં તત્ત્વો સ્વીકાર કરી લેતા પહેલાં એનો વિરોધ કરે છે અને થોડા સમય બાદ વિરોધ છોડીને એની ઉપેક્ષા કરવાનું શરૂ કરે છે.

કોઈ પણ નવા આંદોલનને આ બે અવસ્થામાંથી પસાર થવું જ પડે છે – આ છે જાણે કે પ્રકૃતિનો અટલ નિયમ.

મનુષ્યનો સ્વભાવ બધી જગ્યાએ સમાન જ છે – પૂર્વ કે પશ્ચિમ – જ્યાં જાઓ ત્યાં આ નિયમનો પ્રભાવ જોઈ શકશો. સમાજનીતિ, રાજનીતિ કે ધર્મ જે કોઈ ક્ષેત્રમાં તમે નવો સંસ્કાર કરવા માગો, નવી કોઈ ભાવધારા પ્રચારિત કરવા માગો તો જો જો કે તમારી ચારે બાજુના લોકો તમારો વિરોધ કરશે. તમારા દ્વારા પ્રચારિત સંસ્કાર-આંદોલન સર્વસ્વીકૃત આચરણથી જેટલું નાવીન્યભર્યું હશે તેટલો જ વિરોધ પ્રબળતર બનશે.

લોકો કહેશે કે તમારું આંદોલન અને તમારો આદર્શ વર્તમાન સમાજ માટે હિતકારી અને અત્યાવશ્યક ગુણોનો પાયો તોડફોડ કરી નાખશે. પરંતુ જો તમારા આંદોલનમાં પ્રબળ પ્રાણશક્તિ હશે, જો એ માનવપ્રકૃતિના અને કાર્યાવલિના પરિચાલક સારસત્ય-સમૂહ ઉપર પ્રતિષ્ઠિત હશે તો પ્રબળ વિરોધનો સામનો કરવા છતાં પણ તમારું આંદોલન વિનાશ નહીં પામે. પરંતુ ઉત્તરોત્તર એનો પ્રભાવ વધતો રહેશે, તથા સમયકાળે માનવહૃદયમાં એ સ્થાયીભાવે બીજારોપણ કરી દેશે.

આ બાહ્ય વિરોધ જ આંદોલનને પોતાની પૂર્ણ શક્તિ એકાગ્ર કરવા તેમજ આંદોલનના મૂળભૂત આદર્શને વ્યવહારિક જીવનમાં પ્રકાશિત કરવા માટે મદદ કરે છે. આ માટે જ બધી બાજુથી ચિંતન કરીને જોઈએ તો બાહ્ય વિરોધ ખરાબ છે એમ કહી શકાય નહીં.

થોડા સમય બાદ એ વિરોધ પોતાની મેળે જ ઓસરી જાય અને વિરોધની જગ્યાએ ઉપેક્ષા આવીને ઊભી રહે. જે લોકો પહેલાં આંદોલનની વિરુદ્ધમાં બખાળા કાઢતા હતા એ લોકો જ હવે કહેશે કે, ‘આ જે આંદોલન જુઓ છો, એમાં વળી નવું તો શું છે? એ લોકો જે તત્ત્વનો પ્રચાર કરે છે એ આપણા પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોના અમુક શ્લોકમાં પહેલેથી જ લખાયેલાં છે. આનાથી જ સારી રીતે પ્રમાણિત થાય છે કે આપણા પૂર્વજો એ તત્ત્વો પહેલાંથી જ જાણતા અને ત્યારથી જ એનો અમલ કરતા આવ્યા છે. આ કારણે એમને લઈને વધુ માથાકૂટ કરવાની જરૂર નથી.’

આ બીજા તબક્કે વિરોધ દૂર થઈ જવાથી આંદોલન બહુ દૂર વિસ્તૃત થઈ પડે, તેમજ સમયકાળે સમાજના લોકો જ્યારે આંદોલનના અસ્તિત્વ અને ઉપકારિતા સ્વીકાર કરી લે ત્યારે એ સમાજમાં એક સ્થાનાધિકાર કરીને બેસી જાય. એના રસ્તામાં બાધા ઊભી કરવાવાળું તેમજ એનો વિરોધ કરવાવાળું કોઈ રહે નહીં.

આ બીજા તબક્કાના અંતમાં સર્વસાધારણની સંમતિથી આંદોલન સમાજમાં સ્વીકૃત થાય તેમજ સન્માન અને આદર પામવાથી લોકોના ટોળેટોળા એમાં જોડાતા રહે.

આ રીતે સર્વ સહમતિથી સમયક્રમે આદરપ્રાપ્ત આંદોલન ઉન્નતિના ચરમ શિખરે પહોંચી ચૂક્યું છે, એમ માની લેવું ઉચિત નથી. કારણ કે બાધાહીન અવસ્થામાં પહોંચીને વિરોધ અવસ્થાના ઉત્સાહ અને ઉદ્યમમાં થોડી ઓટ આવે. પ્રથમ અવસ્થામાં આંદોલનના સંચાલકગણમાં જે ભાવની ગંભીરતા અને ઉદ્દેશ્યની એકતાનતા હતી એ અચાનક વિસ્તારની સાથે જ ઓછી પડી જાય. ત્યારે બાહ્ય વિરોધને બદલે આંદોલનના પોતાના જ અંગોની વચમાં મતભેદ અને અંતર-વિરોધ પ્રગટ થાય.

પહેલા તબક્કે સત્ય માટે જે એક સ્વાર્થત્યાગનો ભાવ હતો એની જગ્યાએ સત્યનો દેખાડો કરી સમાજમાં પ્રતિષ્ઠાલાભનો પ્રયત્ન શરૂ થાય. આંતરિક ગુણોને બદલે બાહ્ય ચમત્કાર પ્રદર્શિત કરવાનું મન થાય. જેઓ સત્ય માટે સ્વાર્થત્યાગ કે કષ્ટ સ્વીકાર કરવાને બદલે આરામથી જીવન વિતાવવા માગતા હોય એ લોકો સ્વાભાવિક રૂપે આ આંદોલન પ્રત્યે આકર્ષિત થાય.

જો આંદોલનના નેતાગણ સતર્ક દૃષ્ટિથી જાગ્રત ન રહે અને આ બધા દોષોની ઉત્પત્તિનો પ્રતિકાર કરવાનો અને તેમના સમૂળગા વિનાશનો ઉપાય શોધીને એ અવસ્થાને સંભાળી લેવાનો પ્રયત્ન ન કરે તો તેના ફળે શું થાય એ સહજતાથી અનુમાન કરી શકાય એમ છે.

જેટલો સ્વાર્થભાવ પ્રવેશતો રહે તેટલું જ આટલા દિવસથી બધા લોકોને એકત્રિત અને મિલિત કરતું પ્રેમના સૂત્રનું બંધન નબળું પડતું જાય.

સંઘના વિભિન્ન અંગો સમગ્ર સંઘની ઉન્નતિ અને કલ્યાણ માટે આવશ્યક ઉદાર વ્યાપક દૃષ્ટિ ભૂલી જઈ અલગ અલગ દળોમાં વહેંચાઈ જાય અને સંઘની સાથે સમગ્ર રૂપે સંબંધ ન રાખીને, સંઘના અલગ અલગ વિભાગની ઉન્નતિ તેમજ સ્થાયીત્વ માટે જવાબદાર થઈ કાર્ય કરતા રહે.

આ રીતે સંઘમાં અવિવેકનો ભાવ આ સંકીર્ણ પદ્ધતિમાંથી પ્રવેશ કરીને સમસ્ત સંઘને ટુકડા-ટુકડામાં ભાંગી નાખે. સમય જતાં ગુરુજનોના અબાધ્યતા, અહંકાર અને આળસ જેવા બીજા સેંકડો દોષો સંઘમાં પ્રવેશિત થઈ હંમેશને માટે સંઘનો સર્વનાશ કરી મૂકે.

શ્રીરામકૃષ્ણને કેન્દ્રમાં રાખીને પ્રવર્તિત આપણા આંદોલને પણ, તેના પ્રધાન પ્રવર્તક અને નેતા સ્વામી વિવેકાનંદના તિરોધાનના કેટલાક વર્ષ પછી, વિરોધ તેમજ ઉપેક્ષારૂપી બે પગથિયાં પાર કર્યાં છે. સ્વામીજીએ પોતાના તિરોધાન પહેલાં જ આ આંદોલનને રામકૃષ્ણ મિશન નામ આપી એક કાર્ય-ઉપયોગી સંગઠન આપ્યું હતું અને સંઘબદ્ધ કર્યું હતું. ત્યાર પછી જ રામકૃષ્ણ મિશન લગભગ ૩૦ વર્ષથી સ્વામીજી પ્રદર્શિત માર્ગે ધીરે ધીરે આગળ વધીને વર્તમાને એવી અવસ્થામાં પહોંચ્યું છે કે અત્યારે મિશને ભારત અને ભારત બહારના કેટલાક દેશોના લોકોના હૃદયમાં આદરપૂર્વકનું સ્થાન મેળવ્યું છે.

પહેલાં મિશન મુખ્યત્વે બંગાળનો એક ક્ષુદ્ર અને નગણ્ય સંઘ હતો, અત્યારે આટલા ટૂંક સમયમાં જ ભારતના બધા રાજ્યોમાં, અને માત્ર ભારત જ ક્યાં, મ્યાનમાર, શ્રીલંકા, મલેશિયા અને સુદૂર પાશ્ચાત્ય દેશો જેમ કે અમેરિકા, ઇંગ્લેન્ડ તેમજ યુરોપમાં કેટલાક અંશે વિસ્તૃત થયો છે.

બંધુગણ, તમે તેમજ તમારા સહયોગી કર્મી ભ્રાતૃગણે સંઘને આ ગૌરવમય વર્તમાનમાં લઈ આવવાના ઉદ્દેશ્યે સ્વેચ્છાએ શ્રીપ્રભુના હાથના યંત્ર સ્વરૂપ થવાનું સૌભાગ્યલાભ પ્રાપ્ત કર્યું છે.

તમે એક માત્ર શ્રીભગવાનની ઉપર નિર્ભર કરી વારાણસી, કનખલ અને વૃંદાવનમાં જનહિતકર સેવાકેન્દ્રોની સ્થાપના કરી છે. તમારા ભવિષ્યદર્શી નેતા સ્વામી વિવેકાનંદે તેમની કેટલીક વક્તૃતાઓમાં કહ્યું હતું કે – અર્થબળથી બળવાન વ્યક્તિ નહીં પરંતુ ચરિત્રબળ, દૃઢ ઇચ્છાશક્તિ-સંપન્ન, તેમજ એક મહદ્ ઉદ્દેશ્ય પ્રતિ તીવ્ર અનુરાગ અગ્નિમંત્રે દીક્ષિત મનુષ્ય જ આ પ્રકારના કાર્યને સ્થાયી અને સાફલ્યમંડિત કરી શકે. તેમનું આ વાક્ય તમે જનસમાજમાં સિદ્ધ કર્યું છે.

તમે મદ્રાસ, બેંગલોર અને દક્ષિણાત્યના અનેક પ્રદેશોમાં તેમજ હાલમાં નાગપુર, મુંબઈ, કુઆલા લમ્પુર (મલેશિયાની રાજધાની), અને રંગૂનમાં (હાલનું યાંગોન, મ્યાનમારનું એક શહેર) પ્રચાર અને શીક્ષાકેન્દ્ર સ્થાપિત કર્યા છે. એ બધા સ્થાનના જનસાધારણે તમારું કાર્ય જોઈ, તમારા પ્રતિ શ્રદ્ધાસંપન્ન થઈ તમારી સાથે સહયોગીતા કરવાની શરૂઆત કરી છે. અને તમે સમગ્ર ભારતના દુષ્કાળ, પૂરગ્રસ્ત, તથા અગ્નિદાહથી ક્ષતિગ્રસ્ત વિપન્ન નરનારીઓની સહાયતા માટે પુન : પુન : સેવાકેન્દ્ર ખોલી સમગ્ર દેશવાસી જનસાધારણના હૃદયે રામકૃષ્ણ મિશન પ્રતિ અત્યારે જે લોકોનો એક વિશ્વાસ થઈ ગયો છે તે જાગૃત કરવામાં મદદરૂપ થયા છો.

તમારું અદ્‌ભુત ધૈર્ય અને અધ્યવસાયના પરિણામે તમારા પોતાના કર્મક્ષેત્રે ૨૦ વર્ષ કે એથી પણ વધુ સમયથી સતત કાર્યમાં લાગીને રહ્યા છો. કોઈ કોઈ સ્થળે સમગ્ર જીવન એક જ સ્થાને સમર્પિત કરીને રહ્યા છો, કારણ કે તમને નિવૃત્ત કરી તમારું સ્થાન લેવાને ઉપયુક્ત સેવક મળી શકે એમ નથી.

 

Total Views: 336

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.