(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ)

ડૉ. અબ્દુલ કલામનો પ્રથમ પરિચય મને એમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦, એ વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ’ દ્વારા થયો. હું એમના વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. એનું કારણ એ છે કે હું દૃઢપણે માનું છું કે સ્વામી વિવેકાનંદ ઋષિ હતા, આર્ષદ્રષ્ટા હતા. તેમણે ભવિષ્ય કથન કર્યું હતું કે ભારતવર્ષ એટલું મહાન અને ભવ્ય બનશે કે એની ભૂતકાળની ભવ્યતા ઝાંખી પડી જશે. સમગ્ર ભારતમાં હજારો યુવાનો સાથે મારે જ્યારે વાર્તાલાપ કરવાનું થાય છે, ત્યારે એમની સમક્ષ હું આપણી માતૃભૂમિનું આશાસ્પદ ચિત્ર રજૂ કરું છું, પરંતુ સમગ્ર દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને જોઈને તેઓ મારી વાત સ્વીકારવા તૈયાર નથી. જો કે હવે આ પુસ્તકમાં ભારત વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રે કેટલું આગળ વધી રહ્યું છે, એ દર્શાવતા આંકડા આપેલા છે. આ આંકડા મને ખૂબ જ ઉપયોગી થઈ રહ્યા છે. આ ઉપરાંત મને જાણવા મળ્યું કે ડૉ. કલામે નિવૃત્તિ લઈને દેશના એક લાખ નવયુવાનોના માનસને પ્રજ્વલિત કરવા યુવાનોને પ્રત્યક્ષ મળવાનું નક્કી કર્યું છે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું હતું, ‘મારી શ્રદ્ધા યુવાન પેઢીમાં રહેલી છે.’

મેં ડૉ. કલામની સાથે સંપર્ક સાધવા અને તેમને પોરબંદર આવવાનું આમંત્રણ આપવા વિચાર્યું. મેં તેમના દિલ્હીના નિવાસસ્થાને ફોન કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે તેમણે પોતે જ ફોન ઉપાડ્યો. મેં તેમને ભૂકંપ રાહતકાર્યના રૂપે જે ૮૧ શાળાઓનું પુનર્નિર્માણ કર્યું હતું તેમાંની એક શાળાના ઉદ્‌ઘાટન માટે પોરબંદર આવવા માટે આમંત્રણ આપ્યું. એ વખતે હું રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં સચિવ હતો. તેમણે નમ્રતાપૂર્વક જણાવ્યું કે તેઓ હમણાં ખૂબ જ વ્યસ્ત છે, પણ પછી તેઓ ત્યાં આવવા જરૂર પ્રયત્ન કરશે. ડિસેમ્બર, ૨૦૦૨ની મધ્યમાં મેં વર્તમાનપત્રમાં વાંચ્યું કે તેઓ ક્રાઈસ્ટ કોલેજના એક ઉત્સવમાં ભાગ લેવા રાજકોટ આવવાના છે અને તરત જ મેં તેમને ફોન જોડ્યો અને કહ્યું કે રાજકોટ પોરબંદરથી નજીક છે અને તેની સાથે પોરબંદરનો કાર્યક્રમ સાથે જોડી દેવા વિનંતી કરી. તેમણે કહ્યું, ‘સ્વામીજી, આ વખતે અગાઉથી જ કાર્યક્રમ નક્કી થયો છે, પણ ભવિષ્યમાં હું જરૂર પ્રયત્ન કરીશ. મને લાગે છે કે મારે આપના માટે ખાસ કાર્યક્રમ બનાવવો પડશે.’ એ સમયે તેઓ અન્ના યુનિવર્સિટી ચેન્નઈમાં ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશનના પ્રોફેસર તરીકે જોડાઈ ગયા હતા.

૨૫મી ડિસેમ્બરે તેમને પ્રત્યક્ષ આમંત્રણ આપવા હું રાજકોટ ગયો. મેં તેમને પહેલેથી પુછાવ્યું કે હું તેમને ક્યાં મળી શકું ? એમણે મને સંદેશો મોકલ્યો, ‘સ્વામીજી, હું તમને મળવા માટે તમારા આશ્રમમાં આવીશ.’ તેઓ અત્યંત વ્યસ્ત હોવા છતાં સાંજે ૬ :૦૦ વાગ્યે એરપોર્ટ જતા પહેલાં આશ્રમમાં આવ્યા. રાજકોટ આશ્રમના તત્કાલીન અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી સાથે મેં તેમને સત્કાર્યા. સૌથી પહેલાં અમે તેમને એક પ્રદર્શન જોવા લઈ ગયા. ‘ભારતીય સંસ્કૃતિ અને સ્વામી વિવેકાનંદ’ પરનું એ પ્રદર્શન જોતી વખતે તેમણે પૂછ્યું, ‘સ્વામીજી, શું હું સંન્યાસી ન થઈ શકું ? લોકો કહે છે કે તમે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ્યા છો એટલે તમે સંન્યાસી ન થઈ શકો.’

મેં તેમને કહ્યું, ‘ડૉ. કલામ, આપ તો જાણો છો કે બે પ્રકારની હવાઈ સફર હોય છે, એક તો છે સીધી અને ઝડપી. એ તરત જ પહોંચાડી દે છે. એ છે બ્રહ્મચર્યાશ્રમથી સંન્યાસાશ્રમ. બીજી છે વચ્ચે આવતાં સ્ટશનો પર રોકાઈને થતી સફર. એ છે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. અમે રામકૃષ્ણ મઠના સંન્યાસીઓએ સીધી ફ્લાઈટ પકડી છે.’

આ સાંભળીને તેઓ હસ્યા અને કહ્યું, ‘મને પણ સીધી ફ્લાઈટ પકડવાનું ગમશે !’

પછી અમે તેમને અચકાતાં અચકાતાં પૂછ્યું કે તેઓ મંદિરની મુલાકાત લેશે ખરા ? તેમણે તો તરત સંમતિ આપી દીધી. એ સમયે મંદિરમાં સાંજની આરતી થઈ રહી હતી. જેવા તેઓ મંદિરમાં પ્રવેશ્યા કે તેમણે પૂછ્યું, ‘આ વિદ્યાર્થીઓ જે સ્તોત્ર ગાઈ રહ્યા છે, તેમની પાસે હું બેસી શકું ?’

આશ્રમના વિદ્યાર્થીઓ શ્રીરામકૃષ્ણદેવના મહિમાને વર્ણવતું અને સ્વામી વિવેકાનંદે રચેલું ‘ખંડન ભવ બંધન’ એ આરતી-ગીત ગાઈ રહ્યા હતા. આ આરતી-ગીત રામકૃષ્ણ મઠ અને મિશનનાં બધાં જ કેન્દ્રોમાં નિત્ય ગવાય છે. જેવા તેઓ બેઠા કે તરત જ તેઓ ધ્યાનમાં લીન થઈ ગયા. લગભગ પંદર મિનિટ થઈ ગઈ. તેમને મુંબઈ જતું સાંજનું વિમાન પકડવાનું હોવાથી મોડું થતું હતું. એટલે સ્વામી જિતાત્માનંદજીએ તેમના ખભાને ધીમેથી સ્પર્શ કર્યો અને તેમના મનને બાહ્ય ભૂમિકામાં લાવવા જાગૃત કર્યું.

તેઓ ઊઠ્યા, મંદિરની બહાર આવ્યા તેમણે તેમના બૂટ પહેર્યા નહીં, પણ હાથમાં લઈ લીધા. અને મંદિરથી તેમની મોટર સુધી તેઓ ઉઘાડે પગે જ દોડ્યા અને પોતાની મોટરમાં બેઠા પછી જ તેમણે બૂટ પહેર્યા.

સ્વામી જિતાત્માનંદજીએ તેમને પૂછ્યું, ‘શું થયું ?’ તેમણે જવાબ આપતાં કહ્યું, ‘સંગીતના દિવ્ય સૂરો પ્રથમ તો મારા કાનમાં પ્રવેશ્યા, પછી મારા હૃદયમાં પ્રવેશ્યા અને ત્યાર બાદ મારા આત્મામાં પ્રવેશ્યા અને હું તેમાં ડૂબી ગયો !’

 

Total Views: 345

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.