(સ્વામી તુરીયાનંદજીના કથોપકથન ‘જીવનમુક્તિ સુખપ્રાપ્તિ’માંથી સંકલિત – સં.)

૨૨ જૂન, ૧૯૧૫

શક્તિ તો જોઈએ પ્રેમની. નાનપણમાં મારું મન પ્રેમથી ભરપૂર હતું – સાગરના ઊછળતા મોજાની જેમ! મારા ભાઈ પ્રતિ એટલો પ્રેમ હતો કે હું જ્યારે સંન્યાસી બની જઈશ ત્યારે તેમનો ત્યાગ કરવો પડશે એ વિચારી હું રોતો. ત્યાર બાદ ઠાકુરે ફટાફટ બધી માયા કાપી નાખી. ઠાકુરે એક વ્યક્તિને પ્રશ્ન કર્યો હતો, ‘તું કોને સ્નેહ કરે છે?’ એણે ઉત્તર આપ્યો, ‘મહાશય, હું કોઈનેય સ્નેહ કરતો નથી.’ ઠાકુર નારાજ થઈ બોલ્યા, ‘હટ્! સૂકા ઠૂઠા સાલા!’ઈશ્વર છે કે નહીં એ સંદેહ મને ક્યારેય થયો નથી.

૨૪ જૂન, ૧૯૧૫

મનુષ્યને તમે મનુષ્યદૃષ્ટિથી જોશો તો ક્યારેય મુક્તિ મળશે નહીં, મનુષ્યને તમે ઈશ્વરદૃષ્ટિથી જુઓ. એક મહા ઉન્નત ઋષિ, જ્ઞાન-વૈરાગ્ય વગેરે ઐશ્વર્યથી વિભૂતિમાન – જો તમે એમને ઈશ્વરદૃષ્ટિથી નહીં જુઓ તો એમની ઉપાસના કરવાથી પણ મુક્તિ મળશે નહીં. તમારામાં જ્ઞાન, વૈરાગ્ય વગેરે ગુણ આવી શકે માત્ર. પરંતુ સ્વયં ઈશ્વર-અવતારની જાણ્યે, અજાણ્યે કે ભ્રાંતીભાવે ઉપાસના કરાય તો તેઓ જ આખરે ઈશ્વરબોધ કરાવી દે.

જેમ કે કૃષ્ણલીલામાં શિશુપાલ વગેરેને ‘દ્વિષન્ હૃષીકેશમ્ અપિ’ (શિશુપાલને શ્રીકૃષ્ણનો દ્વેષ કરીને પણ) ઊર્ધ્વગતિ મળી હતી. ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રેમિકભાવે જોવા છતાં પણ છેવટે તેમને શ્રીકૃષ્ણ પ્રત્યે ઈશ્વરભાવ થયો હતો. એક ગોપીને તો તેના પતિએ ઘરમાં દરવાજા બંધ કરી પૂરી દીધી હતી. ત્યારે વિરહ દુ :ખે તેનો પાપનાશ થયો, શ્રીકૃષ્ણના ધ્યાનાનંદે પુણ્યનાશ થયો, અને છેવટે તેને મુક્તિ મળી.

પ્રશ્ન : તો જેમ લોકો કહે છે ‘ઈશ્વર-જ્ઞાન’ જતું રહે એ વળી શું?

સ્વામી તુરીયાનંદ : જેઓ ઈશ્વરદર્શન પછી પણ ઈશ્વરના સાન્નિધ્યમાં રહેવા માગે તેઓ ઈશ્વરના ઐશ્વર્યને કાળજીપૂર્વક જાળવી રાખે. ગોપીઓ સામાન્ય નથી, તેઓનું ભાગવતી તનુ (દૈવી શરીર). (આપણું શરીર અને મન ત્રણ ગુણોનું બનેલું છે – સત્ત્વ, રજસ અને તમસ. તમસ અને રજસ કર્મના બંધનમાં બાંધે છે, જ્યારે સત્ત્વ ઈશ્વરભક્તિથી મનને પરિપૂર્ણ કરે છે. પરંતુ મુક્તિ મેળવવા માટે સત્ત્વને પણ કાપી નાખવું પડે. એનો અર્થ કે ભક્તિ રહેતાં અંતિમ મુક્તિ મળે નહીં. પરંતુ કેટલાક સિદ્ધ પુરુષો ઈશ્વરભક્તિમાં એટલા ભરપૂર હોય છે કે તેઓ ભક્તિનો ત્યાગ કરી મુક્તિ તો મેળવી લે છે પરંતુ ત્યાર બાદ મુક્ત મનને કાળજીપૂર્વક ભક્તિરસમાં તરબોળ કરીને રાખે છે. જેમ શ્રીરામકૃષ્ણ કહે છે, ‘નેતિ નેતિ કરી અગાશીએ ઊઠવું અને ઇતિ ઇતિ કરી પાછા હેઠા આવવું.’ – સં.)

***

વીર્યધારણ જ છે મુખ્ય સાધના. ૧૮ વર્ષની ઉંમરે વીર્ય પરિપક્વ થાય. જે વીર્યધારણ કરી શકે તેને જ્ઞાન, ભક્તિ બધું જ થાય. કામનું નામ છે ‘મનસિજ’. એટલે કે કામનો જન્મ મનમાં જ થાય. જે વીર એ જ ઇન્દ્રિયોના આક્રમણથી બચી શકે અને અતીન્દ્રિય રાજ્યમાં પ્રવેશ કરી શકે.

Stubbornness (જિદ્દીપણાને) જો તમે strength (શક્તિ) ગણો તો હું તમારી સાથે સહમત નહીં થાઉં. જિદ્દીપણું દુર્બળતા છુપાવવા માટેનું એક આવરણ માત્ર છે. દુર્બળ મનને સંતાડવા માટે as a covering (આવરણ રૂપે) એક જિદ્દીપણાનો ભાવ રાખી દીધો છે. Real strength (સાચી શક્તિ) બધી દિશાઓમાં પ્રસરે, બધી દિશાઓમાં કામ કરે તેમજ પાછી પોતાની અસલી શક્તિ પાછી મેળવે.

૨૭ જૂન, ૧૯૧૫

શ્રીરામકૃષ્ણદેવની દીક્ષા તો સામાન્ય ન હતી, દીક્ષા આપવાની સાથોસાથ કુંડલિની જાગૃત કરી દેતા. જાણે કે ખળખળ કરીને હૃદયમાં ઝરણું વહે છે. મને કહ્યું હતું, ‘તું અભિષિક્ત થઈશ?’ મેં કહ્યું, ‘હું શું કહું, મને ખબર નથી.’ એમણે કહ્યું, ‘તો ભલે રહેવા દે.’ (જગદંબાની ઉપાસના માટે અતિ પવિત્ર અને શુદ્ધ તંત્ર સાધના કરવા માટે સાધકે પૂર્ણાભિષેક ગ્રહણ કરવો પડે છે. શ્રીઠાકુર તુરીયાનંદજી તંત્ર સાધના માટે ઉપયુક્ત છે કે નહીં એ જાણવા માટે એમની પરીક્ષા કરી રહ્યા છે. પૂર્ણાભિષેક વિશે આપણા સાહિત્યમાં આ પ્રમાણે લખાયું છે – ‘આ રીતે પૂર્ણાભિષેક કરાવવા સુધી બ્રાહ્મણીએ કંઈ કેટલી જાતનાં અનુષ્ઠાન કરાવેલાં તેનો હિસાબ થાય તેમ નથી.’ (શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ) ‘સને ૧૯૦૪ થી શ્રીમાની સેવાનું પૂર્ણ દાયિત્વ ગ્રહણ કર્યા પહેલાં સ્વામી સારદાનંદજીના જીવનની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે, તેમની તંત્રસાધના. સ્વામી બ્રહ્માનંદ સાથે વિચારણા કરી તેઓએ શ્રીમાની અનુમતિ-પ્રાર્થના કરી હતી. શ્રીમાની અનુમતિ પ્રાપ્ત કરી તેઓ ૨૦ નવેમ્બર, ૧૯૦૦ના રોજ પિતૃતુલ્ય ઈશ્વરચંદ્રની પાસે પૂર્ણાભિષેક મેળવ્યો હતો અને તંત્રમત અનુસારે સાધનામાં ડૂબકી મારી હતી.’ – ‘સારદાનંદ ચરિત’ લે. સ્વામી પ્રભાનંદ)

એક દિવસ કાલીઘરેથી પ્રણામ કરી પાછો આવું છું. ત્યારે તેઓએ મને લક્ષ્ય કરીને અન્ય એક વ્યક્તિને કહ્યું, ‘એનું ઊંચી શક્તિનું ઘર, જ્યાંથી નામ-રૂપ પ્રકટ થાય છે.’ (દક્ષિણેશ્વરમાં કાલીમંદિર, જેને શ્રીઠાકુર કાલીઘર કહેતા.) (વેદાંત અનુસાર ચાર અવસ્થાઓ છે : સ્વપ્ન, જાગ્રત, સુષુપ્તિ અને તુરીય. તુરીય અવસ્થા નામ-રૂપ એટલે કે ઇન્દ્રિયાતીત છે. આ કારણે જ હરિ મહારાજનું નામ તુરીયાનંદ આપવામાં આવ્યું.) મારામાં તીવ્ર મુમુક્ષુત્વ જાગૃત થયું હતું.

આ જીવનમાં જ કર્મભોગ પૂરો કરવો છે, એ આકાંક્ષા મારામાં બાળપણથી જ હતી. પણ ઠાકુરે મારું મન બીજી દિશામાં જ વાળી દીધું. હવે આ શરીર રહ્યું કે ગયું! (જ્યારે સ્વામી વિવેકાનંદે પૂરો સમય સમાધિમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી ત્યારે ઠાકુરે કહ્યું હતું કે તું કેવી હીન બુદ્ધિની વાત કરે છે. ઠાકુરના મત અનુસાર પૂર્ણ જ્ઞાની સંસારનો ત્યાગ કરી ઈશ્વરપ્રાપ્તિ કરે અને ત્યાર બાદ ઈશ્વરપ્રેમમાં ઉન્મત્ત બની આ ઈશ્વરનો જ સંસાર છે, એમ સમજીને ઈશ્વરના ગુણગાન ગાતો સંસારમાં જ રહે.)

 

Total Views: 357

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.