સમર્પાે, કિંતુ ના જરીય બદલામાં કંઈ ચહો,
અરે ! બિન્દુ ઇચ્છો ! તજી દઈ તમે સાગર મહા !

સહુ ભૂતો કેરો સુહૃદ બસ એ પ્રેમ સમજો,
અને બ્રહ્મે, કીટે સકળ અણુ આધાર ગણજો.

સહુનો એ પ્રેમી, પરમ તમ, પ્રેમાસ્પદ બનો,
બધું વારી નાખો, તનમન પ્રભુનાં ચરણમાં;

બહુ રૂપોમાં એ ઈશ અચલ ઊભા તમ કને,
બીજે શોધો શાને ? જીવ – પૂજનમાં છે શિવપૂજા.

સ્વામી વિવેકાનંદે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરીને ભારતના સામાન્યજનોનાં દુ :ખ-દર્દ, પીડા અને એમના હૃદયની ઉદારતા નિહાળી હતી. અમેરિકાની શિકાગો વિશ્વ ધર્મ-પરિષદમાં ભારતના વેદાંત ધર્મની વિજયપતાકા ફરકાવીને તેઓ ભારત પાછા ફર્યા. ૧૮૯૭ના મે મહિનાની ૧લી તારીખે તેમણે ‘સર્વજન હિતાય સર્વજન સુખાય’ના સુકાર્ય માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.

ત્યારથી માંડીને આજ સુધીમાં રામકૃષ્ણ મઠ-મિશને લોકોનાં દુ :ખ-દર્દ, પીડાને દૂર કરવા અને આપત્તિના સમયે એમની વહારે ધાઈને લોકોનાં આંસુ લૂછવાનાં જે મહાન કાર્યો કર્યાં છે એ બધાં લોકોની નજર સામે જ રહ્યાં છે. સેવાની આ ઉમદા કાવડ એમને એમ સૌના સાથ સહકારથી ચાલતી રહી છે અને ચાલતી રહેશે.

સૌથી વધારે મહત્ત્વની સેવાકાર્યની પ્રવૃત્તિઓમાં ગ્રામવાસીઓ પોતાના પગ પર ઊભા રહી શકે તેમજ દૂર સુદૂર વસેલા આદિવાસીઓ પણ ઉન્નત બનીને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું પ્રદાન કરી શકે એવાં ક્યારેક આપણી નજરે ન ચડતાં, પણ ગ્રામોન્નતિ અને વન્યપ્રજાની ઉન્નતિનાં કાર્યો રામકૃષ્ણ મઠ અને મિશનનાં ઘણાં શાખાકેન્દ્રો કરી રહ્યાં છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે જો પર્વત મહમ્મદ પાસે ન આવે તો મહમ્મદે પર્વત પાસે જવું જોઈએ. એટલે કે ગ્રામ્ય અને ગિરિજનોનાં ક્ષેમકલ્યાણ માટે અને એમની સાર્વત્રિક ઉન્નતિ માટે એમની પાસે જઈને સેવાકાર્ય કરવાં જોઈએ.

રામકૃષ્ણ મઠ અને મિશન ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં આવેલાં પોતાનાં શાખાકેન્દ્રો દ્વારા આવાં સેવાકાર્યો કરે છે. શહેરી વિસ્તારમાં આવેલાં કેટલાંક શાખાકેન્દ્રોએ પણ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં આ સેવાકાર્ય ઉપાડી લીધું છે. અમારી શૈક્ષણિક અને આરોગ્ય ચિકિત્સા-સેવાનાં કેન્દ્રોમાં ગ્રામ્ય વિસ્તારના લોકો જઈને તેનો લાભ ઉઠાવે છે. આમ ત્રિવિધ રીતે રામકૃષ્ણ મઠ અને મિશન ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના લોકોની સેવાનાં કાર્યો કરે છે.

પીવાનું શુદ્ધ પાણી – આ કાર્યોમાં કૂવા, તળાવ ખોદીને અને વોટર ફિલ્ટર પ્લાન્ટ લગાડીને ૭૮ પ્રકલ્પો દ્વારા ૫૧ ગામડાંમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનું કાર્ય કર્યું છે.

વોશીંગ અને સેનિટેશન- સાર્વત્રિક સ્વચ્છતા માટે શાળા અને સમાજ માટે ૩૧૦ શૌચાલય બનાવ્યાં છે, જેનો લાભ ૧૭૪ ગામડાંના લોકો લે છે.કસબા અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરદીઠ એક એવા ૧૮૫૫૨ શૌચાલય બનાવ્યાં છે. તેનો લાભ ૫૬૭ ગામડાં-કસબા લે છે. એવી જ રીતે ગંદા પાણીના નિકાલ માટે ૧૫૩૮ ગટર અને શોષખાડાની વ્યવસ્થા કરી છે અને તેનો લાભ ૨૨૩ ગામ-કસબા લે છે.

જંતુનાશક દવા છંટકાવ અને બેક્ટેરીયા નિર્મૂલનનો લાભ ૨૩૪૫ ગામના લોકો લે છે.

કૃષિ અને સિંચાઈ – અગાઉ દર્શાવ્યા પ્રમાણે ત્રિવિધ રીતે રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રો દ્વારા કૃષિ કેમ્પ અને નિદર્શનના ૨૦૭ કાર્યક્રમોનો લાભ ૫૩૬ ગામના ૭૭૫૨ ખેડૂતોએ લીધો હતો. ૬ કિશાનમેળા દ્વારા ૨૭૧ ગામના ૧૪૬૨૩ ખેડૂતોએ લાભ લીધો હતો.

બીજ અને રોપા વિતરણ – ૧૮૪ ગામડાંમાં ૨૦૦૩૨ના જથ્થામાં બીજ અને રોપાનું વિતરણ થયું હતું, જેનો લાભ ૧૦૧૫ ખેડૂતોને મળ્યો હતો.

ખાતર – ૭૦૦ ગામડાંના ૧૨૩૨ ખેડૂતોને ૧૪૭૨૨ કિલો ખાતર અપાયું હતું.

જંતુનાશક દવા – ૧૨ ગામના ૧૨૫ ખેડૂતોને ૫૦૦ લીટર જંતુનાશક દવા અપાઈ હતી.

ખેતીનાં સાધનો – ૫ ગામના ૯૦ ખેડૂતોને ૯૦૦ ખેતીનાં સાધનો અપાયાં હતાં.

જમીન ચકાસણી – ૪૦૬૬ ખેડૂતોની જમીનના ૧૮૪૧ નમૂના ચકાસવામાં આવ્યા હતા.

પડતર જમીનનો વિકાસ – બે ગામની ૫૦ જેટલી પડતર જમીનને ખેતીલાયક જમીન બનાવી છે.

પશુસંસાધન વિકાસ – આ કાર્યક્રમ હેઠળ ૧૬ ગામના ૬૭૦ પશુપાલકોને પશુચિકિત્સા અને પશુપાલનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

જન જાગરણ કાર્યક્રમ – તંદુરસ્તી, આરોગ્ય, રોગપ્રતિકારક રસી, એઈડ્સ, રક્તપિત્ત, વ્યસનમુક્તિ અને કુટુંબ નિયોજન જેવા કાર્યક્રમો હેઠળ ૧૦૯ ગામમાં ૮૨૭ કાર્યક્રમો દ્વારા ૫૯૨૬૭ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો થયા છે.

સામાજિક અને નાગરિકત્વ જાગરણ – ૭ ગામમાં ૭ કાર્યક્રમ દ્વારા ૭૧૩ લોકોમાં સામાજિક ઉન્નતિ, સર્વધર્મ સમભાવ, નાગરિકોની ફરજ અને તેમના હક્કો વિશે તેમજ મૂલ્યો વિશે જાગૃતિ કેળવવાના વિશેષ પ્રયત્નો થયા હતા.

સ્વાવલંબન માટે માર્ગદર્શન – ૩૪૮ ગામમાં ૫૯,૩૭૧ લોકો માટે પગભર થવાના અને સ્વાવલંબી બનવાના કાર્યક્રમો યોજાયા હતા.

બાંધકામ સમારકામ – બે ગામમાં બે નિવાસી મકાનો બે પરિવાર માટે બાંધી આપ્યાં છે. એ જ રીતે બે ગામમાં બે શાળાનાં મકાનો બાંધવામાં આવ્યાં છે. પાંચ ગામમાં પાંચ કોમ્યુનિટી હોલ બાંધવામાં આવ્યા છે. તેનો લાભ ૫૫૦૦ લોકોને મળે છે. બીજાં ૨૭૦ બાંધકામો ૧૫ ગામમાં ૨૭૦ લાભાર્થીઓ માટે થયાં છે.

સૂર્યઊર્જા – બે ગામમાં ૨ સૂર્યઊર્જા એકમો ઊભા કરાયા છે.

ઉપર્યુક્ત મોટા ભાગની સેવાઓ અરુણાચલ પ્રદેશના આલો, રાયગઢના હતમુનિગુડા, છત્તીસગઢના નારાયણપુર, કોલકાતાના નરેન્દ્રપુર, બેલુરના શારદાપીઠ, ચેરાપુંજીના સોહરાના ગ્રામ્ય વિકાસ અને તાલીમ સંસ્થા તેમજ ગ્રામ્ય વિકાસના સઘન પ્રકલ્પો દ્વારા સંપન્ન થઈ છે.

નરેન્દ્રપુર કેન્દ્રના લોકશિક્ષા પરિષદ એકમ અને શારદાપીઠ કેન્દ્ર બેલુરના જનશિક્ષા મંદિર તેમજ સમાજશિક્ષણ મંદિરના એકમો પણ આ કાર્યમાં પોતાનું મહત્ત્વનું પ્રદાન કરે છે. મુંબઈ કેન્દ્ર દ્વારા સાકવારમાં સઘન ગ્રામ્ય વિકાસ કાર્યક્રમ પણ ચાલે છે.

ગદાધર અભ્યુદય પ્રકલ્પ હેઠળ સમગ્ર ભારતમાં ૧૮૫ એકમો કાર્યરત છે. આ પ્રકલ્પમાં પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારનાં કુપોષિત અને અત્યંત ગરીબ બાળકોના સર્વાંગીણ વિકાસના કાર્યક્રમો હાથ ધરાય છે. ભારતભરનાં ૭૮ શાખાકેન્દ્રોએ આવાં ૯૮૯૩ બાળકોના સાર્વત્રિક વિકાસ માટે ૯.૦૯ કરોડ રૂપિયા વાપર્યા છે.

 

Total Views: 150
By Published On: February 2, 2019Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram