એક વફાદાર સૈનિકની જેમ મારો ડાબો પગ મારી સાથે ઘસડાતો રહ્યો હતો. માંડ એક પાતળી ચામડીના ટુકડાથી જોડાયેલો રહીને પણ તે છેક બરેલી હોસ્પિટલ સુધી મારી સાથે આવ્યો. હવે તેનું અવતારકાર્ય પૂરું થયું હતું. ટ્રેઈનનાં પૈડાં હેઠળ કચડાઈ ગયો હોવા છતાં તે મને વળગી રહ્યો. જાણે કે તે કહેતો ન હોય કે લાંબા સંબંધો આમ જ સાવ તૂટી ન જાય! વાત તો સાચી! સંબંધ તો લાંબો હતો. રાષ્ટ્રિયકક્ષાની વોલિબોલ ખેલાડી તરીકે મેં મારા હાથની જેમ જ મારા બન્ને પગ ઉપર મદાર રાખ્યો હતો. હું બીજી પણ રમતગમત રમતી. જ્યારે એક બોલને લાત મારું કે ફરી ફરીને ઠોકરો મારી બોલ આગળ લઈ જાઉં અને નેટ પર ઉછાળું કે પછી મારા હરીફોની ચાલમાંથી ખસી જાઉં, એ બધી ક્રિયા મારા પગ મને એ ઝડપ, સંતુલન અને ચપળતા જરૂર આપશે, એ વાત ઉપર મદાર રાખીને કરતી. અને આવી જરૂર દરેક રમતવીરને હોય છે.

મારા પગ મને રમતગમત સિવાય પણ ઘણા ઉપયોગી થતા. જ્યારે જ્યારે મારા બે ભાઈઓ મને તેમની વિરુદ્ધ યોજના ઘડતી પકડી પાડે, ત્યારે તેમનાથી દૂર ભાગી જવા આ પગ જ કામ આવતા. પિતાજી આગળ સાયકલ ઉપર જઈને જ્યાં સુધીનું છેવટનું લક્ષ્ય આપતા, ત્યાં સુધીની દોડની રમતમાં બન્ને ભાઈઓ સાથે તેમની બરોબરી મારા આ પગ જ કરાવતા. તોફાની બાળકો હોવાથી અમે ઘણી વખત ખતરનાક ખેલો પણ ખેલતાં. ઘરની ઊંચી વાડની દીવાલ ઉપર ચાલવું, જોનારાની આંખોમાં જે જાતનો વિશ્વાસ ન બેસવાની ભાવના ડોકાતી તે જોવાની અમને બહુ મજા પડતી. મારાં હાડકાં તંદુરસ્ત બને તે માટે જ્યારે જ્યારે મટન કે ચીકનની વાનગી ખાઉં ત્યારે કેવળ માંસ નહીં, પણ તેમનાં હાડકાં પણ હું ચાવી જતી. મેં ક્યારેક એવું સાંભળ્યું હતું કે પ્રાણીઓનાં હાડકાંમાં કેલ્શિયમનો ઉત્તમ સ્રોત હોય છે. હકીકતમાં હું બહુ ગર્વથી કહેતી ફરતી કે મારાં હાડકાં તો પોલાદી છે.

‘થેન્ક યુ’ કાર્ડ અને સંદેશાઓના જમાનામાં એ આશ્ચર્યજનક વાત છે કે અમારી પાસે જેમણે તમને એક સ્વસ્થ અને તંદુરસ્ત શરીર આપ્યું છે, એ ભગવાનને ‘થેન્ક યુ’ કહેવા માટે આપણને માંડ માંડ સમય મળે છે. આપણામાંથી મોટા ભાગના લોકો શરીરને સન્માન આપતા નથી. એ બધાંની જેમ મેં પણ મારા પગને સામાન્ય જ ગણી લીધા હતા. પણ હવે અમારો સંબંધ અંત તરફ જઈ રહ્યો હતો. સદ્ભાગ્યે જમણો પગ મારી સાથે જ રહેવાનો હતો. આમ છતાં પણ અગાઉ જેવો તે સ્વસ્થ નથી રહેવાનો. ડોક્ટરોની વાતોથી મને સમજાયું કે મારાં ઘણાં હાડકાં એવાં વિચિત્ર રીતે તૂટી ગયેલાં હતાં કે સામાન્ય પ્લાસ્ટરથી કશુંય વળે તેમ ન હતું. એટલે આ વાસ્તવિકતા સાથે હું કઈ રીતે રહી શકીશ તે વિશે હું વિચારવા લાગી. હું વારંવાર દરવાજે નજર નાખતી કે મારાં પરિવારજનો આવી પહોંચ્યાં છે કે નહીં. આટલું તો હું સમજતી હતી કે તેઓ આ સમાચાર સાંભળતાંની સાથે જ મારી પાસે પહોંચવા નીકળી ગયાં હશે.

કવિ શેલીના કથન પ્રમાણે આપણે સૌ જીવનના કાંટાથી ભરાયા છીએ અને લોહી વહે છે. પરંતુ કસોટીના સંયોગોમાં હારી-થાકી જવાને બદલે આપણે વારંવાર થતી એ કસોટીઓમાંથી વધુ પ્રબળ બનીને બહાર આવીએ છીએ. મને એ ખ્યાલ નથી આવતો કે હું કેટલો સમય મારા ભૂતકાળમાં ગુંથાયેલી રહી. બસ્તી જિલ્લાના કુદ્રાહા તાલુકાના એક સરકારી સ્વાસ્થ્યકેન્દ્રમાં મારાં માતા સ્વાસ્થ્યનિરીક્ષક હતાં. તેમને મધુપ્રમેહની બીમારી હતી અને લશ્કરમાં કામ કરનાર અમારા પિતા જ્યારે અમારા સરકારી આવાસની બહાર આવેલા હોજમાંથી રહસ્યમય સંયોગોમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવ્યા ત્યારથી અમારા ઉછેર માટે મારાં માતા સતત મહેનત કરતાં હતાં. મારા પિતાના એ ભેદી મોત પછી આઠ મહિને પોલીસ અમારે દરવાજે આવીને ઊભી રહી. અમારા નજીકના એક સગાએ ફરિયાદ લખી હતી કે મારા પિતાના મોતમાં મારાં માતા, મારાં મોટાં બહેન અને મોટા ભાઈનો હાથ હતો. અમને ખ્યાલ આવ્યો કે હવે અમારા અંધકારમય દિવસો શરૂ થઈ ગયા હતા. કદાચ મારું અને મારા બીજા ભાઈ રાહુલનું નામ એ ફરિયાદમાં ન હતું, કારણ કે અમે બન્ને ખૂબ નાનાં હતાં. હું છ વર્ષની અને રાહુલ મારાથી એક વર્ષ નાનો હતો. દેખીતું હતું કે અમારા વડીલોની ધરપકડ અમારા પરિવારને હેરાનગતિ પહોંચાડવાના હેતુથી કરવામાં આવી. પોલીસ પણ આ વાત સમજતી હતી.

સદ્ભાગ્યે થોડી તપાસથી જ ખ્યાલ આવ્યો કે ફરિયાદીની વાતમાં કશો માલ ન હતો અને થોડા સમયમાં મામલો શમી ગયો. બાવીસ દિવસમાં મારાં માતા, બહેન અને ભાઈને જામીન પર છોડવામાં આવ્યાં. છતાં પણ આજે એ વાત યાદ કરતાં મારાં રૂવાડાં ઊભાં થઈ જાય છે કે અમે બે નાનાં ભાઈ-બહેન એકલાં રહ્યાં અને રોતાં રહેલાં અને જાતે બધું કરવાનું આવેલું તેમાં કેટલું મૂંઝાતાં હતાં ! જ્યારે આજુબાજુના લોકો જાનવરો જેવા બન્યા હતા ત્યારે એક ખરા જાનવરે અમારું ધ્યાન રાખ્યું ! મારા પિતાએ એક ગાય ખરીદી હતી. આ કપરા સમયમાં એ ગાય અમારા ઘરની રક્ષા કરતી અને તેના દૂધને લીધે અમે બચી ગયાં. અમે ઘરમાં રહેવામાં એટલો ભય અનુભવતાં કે આખો વખત ઘરની બહાર બેસી રહેતાં. રોતાં અને ગાયની બાજુમાં જ સૂઈ પણ જતાં. એ આખો વખત ગાયે જ અમારી રક્ષા કરી.

અમારે એ ગાયને વેચી નાખવી પડેલી. કારણ કે અમુક દૂરનાં સગાં અને મિત્રોએ પરિવારને નિર્દાેષ ઠરાવવાની જુબાની આપવા તૈયાર થવાની શરત તરીકે આમ કરવા કહેલું.

જેલમાંથી છૂટ્યા બાદ મારી માતાની બદલી થોડા જ સમયમાં મહેડવાલના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં કરવામાં આવી જે હવે કબીરનગર જિલ્લાનો એક ભાગ છે. કુદ્રાહથી આ સ્થળ લગભગ સોએક કિલોમીટર દૂર હતું. મારા મોટા ભાઈ રવિએ કુદ્રાહમાં એક નાની દુકાન અમુક મિત્રોના સહકારથી શરૂ કરી. એ માટે તેમણે ત્યાં જ રહી જવાનું નક્કી કર્યું. મહેડવાલ આવ્યાના એક વર્ષ દરમિયાન તેઓ અમને મળવા આવતા.

 

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram