સમગ્ર સૃષ્ટિ મહાચૈતન્યનો લીલાવિલાસ છે. મહાચૈતન્ય તો એક અને અદ્વિતીય છે. પરંતુ ‘એકાકી ન રમતે’ અર્થાત્ એકલા લીલા ન થઈ શકે, એટલે આ એક અને અદ્વિતીય અનેક સ્વરૂપો ધારણ કરે છે. તે મહાચૈતન્યનાં અનંત સ્વરૂપો છે, કારણ કે જે અનંત હોય તેનાં સ્વરૂપો પણ અનંત હોય, એ સ્વાભાવિક છે. અહીં આપણે એ જોવું છે કે શ્રીમદ્ ભગવદ્ગીતામાં આ મહાચૈતન્યનાં કયાં કયાં સ્વરૂપોનું કથન થયું છે.

૧. જીવ : (ગીતા ૧૫.૭માં)ભગવાન કહે છે :

ममैवांशो जीवलोके जीवभूतः सनातनः।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति।।7।।

આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને તે જ આ પ્રકૃતિમાં રહેલી મનસહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે.
આ શ્લોકમાં ભગવાન સ્પષ્ટપણે કહે છે કે આ દેહમાં રહેલો દેહનો સંચાલક પણ તેમનો જ અર્થાત્ ઈશ્વરનો અંશ છે. આ જીવાત્મા શાશ્વત, સનાતન છે, કારણ કે તે ઈશ્વરનો અંશ છે. જીવ અને ઈશ્વરમાં બે સમાનતા છે.

૧. જીવ અને ઈશ્વર બન્ને અનાદિ અને અનંત છે.

૨. જીવ અને ઈશ્વર બન્ને ચૈતન્યસ્વરૂપ છે.

જીવ અને ઈશ્વરમાં ત્રણ અસમાનતા છે.

૧. જીવ અંશ છે. ઈશ્વર અંશી છે.

૨. જીવ અવિદ્યા-માયાથી બદ્ધ છે. ઈશ્વર માયાનો અધિપતિ છે પણ માયાબદ્ધ નથી.

૩. જીવ સંચાલિત છે. ઈશ્વર સમગ્ર સૃષ્ટિનો સંચાલક છે. ઈશ્વર કર્તા, ધર્તા અને સંહર્તા છે.

૨. જગત : શ્રીમદ્ ભગવદ્ગીતા આ જગતને સત્ય માને છે. માયાવાદીઓની જેમ જગતને મિથ્યા ગણતા નથી. જગત પરમ ચૈતન્યની જેમ પરમ સત્ય નથી; પરંતુ સાપેક્ષ સત્ય છે. જગત કોઈક રૂપે સત્ય તો છે જ.

જગતના સ્વરૂપને સમજવા ગીતામાં (૭.૪/૫)બે પ્રકારની પ્રકૃતિનું કથન છે :

भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च।
अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा।।4।।

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર આ રીતે આઠ પ્રકારે વિભાજિત મારી પ્રકૃતિ છે.

अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम्।
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्।।5।।

આ પ્રકારના ભેદની અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે અને હે મહાબાહો ! આ સિવાયની છે મારી જીવરૂપા અર્થાત્ ચેતન પ્રકૃતિ. તેને તું જાણ. એનાથી આ આખું જગત ધારણ કરાય છે.

આ આખી સૃષ્ટિ બે પ્રકારની પ્રકૃતિથી બનેલી છે. અષ્ટધા જડ પ્રકૃતિ અર્થાત્ અપરા પ્રકૃતિ અને ચેતન પ્રકૃતિ. આ ચેતન પ્રકૃતિ દ્વારા જગતને ધારણ કરવામાં આવે. આ પ્રકૃતિ સમગ્ર જગતનો આધાર છે. આ છે જગત, સ્થૂળ સૃષ્ટિ અને તેના આધાર રૂપ ચેતન પ્રકૃતિ.

૩. ઈશ્વર : સમગ્ર સૃષ્ટિનું સર્જન, ધારણ અને વિસર્જન કરનાર પ્રકૃતિનું સંચાલક તત્ત્વ, તે ઈશ્વર છે.

सर्वस्य चाहं हृदि सन्निविष्टो
मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च।
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृद्वेदविदेव चाहम्।।
(ગીતા ૧૫.૧૫)

હું જ સૌ પ્રાણીઓનાં હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન-નિવારણ થાય છે. બધા વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું. તેમજ વેદાંતનો કર્તા અને વેદનો જાણનાર પણ હું જ છું.

ભગવદ્ગીતામાં ઈશ્વરના સ્વરૂપ વિશે અનેક વિધાનો છે. અહીં ઈશ્વરનું અંતર્યામી સ્વરૂપ અને સર્વ વેદો દ્વારા જેનું જ્ઞાન મેળવવાનું છે, તે ઈશ્વરનું કથન છે. એટલું જ નહીં, પરંતુ વેદાંતના કર્તા અને વેદોના જાણનાર તરીકે પણ ઈશ્વરના સ્વરૂપનું કથન થાય છે.

૧. સર્વના હૃદયમાં અંતર્યામીરૂપે કોણ છે ?

૨. સ્મૃતિ, જ્ઞાન અને અપોહનના કર્તા કોણ છે?

૩. સર્વ વેદો દ્વારા જેનું જ્ઞાન મેળવવાનું છે, એ કોણ છે ?

૪. વેદાંતનો કર્તા કોણ છે ?

૫. વેદોનો જાણનાર કોણ છે ?

એ ઈશ્વર જ છે અને ઈશ્વર સિવાય બીજું કોઈ નથી.
ભગવદ્ગીતામાં ઈશ્વરનાં સ્વરૂપો વિશે આ સિવાય પણ ઘણાં વિધાનો છે. આપણા માટે અહીં આટલું સમજવું પૂરતું છે કે આ સમગ્ર સૃષ્ટિના કર્તા, ધર્તા અને સંહર્તા ઈશ્વર જ છે. ગીતામાં આ સ્વરૂપના ઈશ્વરની પ્રતિષ્ઠા છે.

૪. બ્રહ્મ : અર્જુનના અનેક પ્રશ્નોના ઉત્તરમાં ભગવાન શ્રીકૃષ્ણ (ગીતા ૮.૩માં) કહે છે :

अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते।
भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः।।3।।

પરમ અક્ષરતત્ત્વ તે જ બ્રહ્મ છે. પોતાનું સ્વરૂપ અર્થાત્ જીવાત્મા ‘અધ્યાત્મ’ને નામે કહેવાય છે. સમગ્ર ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર અને સૃષ્ટિ-રચનારૂપી વિસર્ગ થાય છે તે કર્મ છે. અહીં ભગવાન અક્ષરતત્ત્વને ‘બ્રહ્મ’ કહે છે.
હવે આપણે અક્ષરતત્ત્વ વિશે વધારે જોઈએ.

द्वाविमौ पुरुषो लोके क्षरश्चाक्षर एव च।
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते।।16।।

આ અસ્તિત્વમાં ક્ષર (નાશવંત) અને અક્ષર (સનાતન) એમ બે પુરુષો છે. સર્વ પ્રાણીઓનાં શરીરો ‘ક્ષર’ તત્ત્વ છે. જે કૂટસ્થ છે, તે અક્ષરતત્ત્વ છે. (ગીતા ૧૫.૧૬)

આપણે જોઈ ગયા છીએ કે અક્ષર અર્થાત્ સનાતન તત્ત્વ તે જ બ્રહ્મ છે. બ્રહ્મ કૂટસ્થ છે એટલે કે તે સર્વથા અલિપ્ત છે. અક્ષરબ્રહ્મ નિરાકાર, શાશ્વત અને ચૈતન્ય છે. બ્રહ્મ સૃષ્ટિનાં કર્મ, સર્જન, વિસર્જનથી પણ સદા અલિપ્ત છે.

૫. પરબ્રહ્મ (પુરુષોત્તમ) : ક્ષર અને અક્ષર આ બન્ને પુરુષની વાત કર્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ (ગીતા ૧૫.૧૭,૧૮ અને ૧૯માં) આગળ કહે છે :

उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय र्इश्वरः।।17।।

ક્ષર અને અક્ષર એ બન્નેથી ઉત્તમ પુરુષ તો અન્ય જ છે. તે ત્રણેય લોકમાં પ્રવેશીને સૌનું ધારણપોષણ કરે છે. તેને ‘પરમાત્મા’ એવા નામથી ઓળખાવાય છે.

यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः।
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः।।18।।

હું નાશવંત જડસમુદાય-ક્ષરથી સર્વથા અતીત છું અને અવિનાશી એવા અક્ષરબ્રહ્મ તત્ત્વથી પણ ઉત્તમ છું. એટલે લોકમાં અને વેદોમાં ‘પુરુષોત્તમ’ના નામે પ્રસિદ્ધ છું.

यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमम्।
स सर्वविद् भजति मां सर्वभावेन भारत।।19।।

હે ભારત ! જે જ્ઞાની પુરુષ મને આ રીતે તત્ત્વથી પુરુષોત્તમ રૂપે જાણે છે, તે જ્ઞાની પુરુષો સર્વ રીતે, સર્વભાવે મને એટલે કે પુરુષોત્તમને ભજે છે.
અહીં ભગવાન ક્ષર (અવિનાશી જડતત્ત્વ) અને અક્ષર (સનાતન બ્રહ્મતત્ત્વ)થી પર એવા પુરુષોત્તમ-પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ દર્શાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ સ્પષ્ટપણે કહે છે કે પોતે જ આ પુરુષોત્તમ છે અને જે ભગવાન શ્રીકૃષ્ણને પુરુષોત્તમ રૂપે જાણે છે, તે જ્ઞાની પુરુષ છે. તેમજ તે સર્વભાવે ભગવાન શ્રીકૃષ્ણને પુરુષોત્તમ રૂપે જ ભજે છે.

સમાપન : આમ, ભગવદ્ગીતામાં આપણે જીવ, જગત, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ અર્થાત્ પુરુષોત્તમના સ્વરૂપ વિશે ભગવાન શ્રીકૃષ્ણના કથનને જોયું. તેનાથી શું સિદ્ધ થાય છે ? એક પરમ તત્ત્વ છે મહાચૈતન્ય. આ મહાચૈતન્ય આ અસ્તિત્વમાં અનેક સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. ‘એકાકી ન રમતે’ એકલા લીલા કરવી શક્ય નથી. આ નિયમ પ્રમાણે

‘વિવિધ રચના કરી અનેક રસ લેવાને
શિવ થકી જીવ થયો એ જ આશે’
– નરસિંહ મહેતા

તે મહાચૈતન્ય પોતે જ અનેક સ્વરૂપ ધારણ કરે છે. મહાચૈતન્ય તો અનંત છે અને એમનાં અનંત સ્વરૂપો હોઈ શકે છે. આપણી સમજ માટે અહીં આટલાં સ્વરૂપો આપ્યાં છે – જીવ, જગત, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ.

શ્રીમદ્ ભગવદ્ગીતમાં મહાચૈતન્યનાં આ પાંચેય સ્વરૂપોનું કથન છે. આનો અર્થ એ થયો કે શ્રીમદ્ ભગવદ્ગીતાનો દૃષ્ટિકોણ ઘણો વ્યાપક છે.

હવે એક વાત !

આ પાંચ તત્ત્વોમાંથી અવતાર કોનો થાય છે ? કઈ ચેતના અવતાર ધારણ કરે છે ? આનો ઉત્તર પણ અહીં ભગવાન શ્રીકૃષ્ણના કથનમાં છે જ.
ભગવાન શ્રીકૃષ્ણ પોતાને ‘પુરુષોત્તમ’ ગણાવે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે પુરુષોત્તમ-ચેતના જ અવતાર ધારણ કરે છે. આ છે ભગવદ્ગીતાનું બૃહદ્ અને વ્યાપક દર્શન !

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે…અખિલ

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે…અખિલ

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે…અખિલ;

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;

મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સૂઝે…અખિલ

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;

ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે…અખિલ બ્રહ્માંડમાં

– નરસિંહ મહેતા

Total Views: 1,141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.