ઐશ્વર્યનો વિસ્તાર અનંત છે, આ વિશ્વ પ્રભુની અનંત શક્તિઓનું પ્રાકટ્ય છે, શક્તિઓનું નિવાસસ્થાન છે. પરમાત્માના અનંત ઐશ્વર્યના વિસ્તારને જોવા અને સમજવા માનવ પેદા થયો છે. મનુષ્યનો જન્મ આ વિશ્વનો બોધ મેળવવા વ્યક્ત અને અવ્યક્તના પડદામાં ગુંઠિત અને ઢંકાયેલો જે પ્રભુ છે, વિભુ છે એની સાથે મિલન સાધવા માટે થયો છે. એ સાક્ષાત્કાર અને મિલન માટે માનવી પાસે સાધન છે, કરણ છે, ઉપકરણ છે, ઇન્દ્રિયો છે. બહિર્મુખી અને અંતર્મુખી બન્ને ઇન્દ્રિયો છે. એનો સાચો ઉપયોગ કરવાનું માનવ શીખી લે તો વ્યક્ત અને અવ્યક્ત બન્ને દ્વારા પ્રગટ થવા આતુર પરમાત્મા સાથે તેનું મિલન થાય છે…..

સુખ અને દુ :ખમાં આપણે ગૂંચવાઈ જઈએ છીએ…. વ્યક્તના સંબંધમાંથી જે સુખદુ :ખનાં સંવેદનો ઊઠે છે, એમને મન પોતાના પાલવમાં ઝીલે છે. એનો પાલવ ફેલાવીને સુખદુ :ખનાં સંવેદનોને મન એકઠું કરે છે, પરિગ્રહણ કરે છે. અસલમાં આ પરિગ્રહણની વસ્તુ નથી. આ પરિગ્રહો સૂક્ષ્મ છે અને આ પરિગ્રહમાં અનુરાગ થઈ જાય છે, અવાંચ્છિત પ્રત્યે દ્વેષ અને વાંચ્છિત પ્રત્યે રાગ; અપ્રિય પ્રત્યે દ્વેષ અને પ્રિય પ્રત્યે રાગ, આમ રાગદ્વેષમાં એનું દામન ગૂંચવાઈ જાય છે.

સાગર કિનારે ચમકતા પથ્થરો એકઠા કરનાર બાળકો અને મનના પાલવમાં સુખદુ :ખનાં સંવેદનો એકઠા કરનાર માનવ એ બન્ને વચ્ચે શું ફરક ? બાળકો લડીઝઘડીને કહે છે, ‘મારી પાસે વધારે ચમકદાર પથ્થર છે અને તારી પાસે ઓછો ચમકદાર પથ્થર છે; મારી પાસે તો આટલા બધા રંગોના પથ્થર છે અને તારી પાસે તો બે જ રંગના પથ્થર છે; મારી પાસે તો ત્રિકોણ, ચતુષ્કોણ અને ષટ્કોણ આકારના પથ્થર છે અને તારી પાસે એવું કશુંય નથી.’ આવી જ રીતે સુખદુ :ખનાં સંવેદનોને એકઠાં કરવામાં આત્મશ્લાઘા, આત્મગૌરવ, આત્મગ્લાનિ અને વિષાદ માનીને આપણે જીવીએ છીએ. એટલા માટે આનંદની પ્રાપ્તિ થતી નથી. આ ઇન્દ્રિયવિષય સંબંધમાં જિંદગી વહી જાય છે. ઇન્દ્રિયો આપણા જ જીવનનો બલિ લે છે. ઇન્દ્રિયવિષયના સંબંધથી થતાં સુખદુ :ખને ઝરુખા સમજીને, તેમાંથી જોવાની જાગૃતિ જેની પાસે હોય તે જીવી જાય છે. આ થયો બહિર્મુખી ઇન્દ્રિયોનો વ્યાપાર. મનનો પાલવ ફેલાયેલો પડ્યો છે. તેમાં સુખદુ :ખનાં સંવેદન આવે તોપણ એને જોઈ લીધાં અને ખરી જવા દીધાં, એને સ્મૃતિમાં એકઠાં ન કર્યાં. સ્મૃતિમાં જો એકઠાં કરતાં જઈશું તો પરિગ્રહના બોજમાં દબાઈ જઈશું.

પરિગ્રહ મનુષ્યને દબાવે છે. પછી એ પરિગ્રહ વિચારનો હોય, વૃત્તિનો હોય, સંવેદનાનો હોય, પાષાણ-પથ્થરોનો હોય, ધનદોલત કે પદાર્થનો હોય અથવા વ્યક્તિનો હોય, આ પરિગ્રહ મનુષ્યને દબાવે છે. એટલા માટે વીતરાગ પરિગ્રહી નથી અને અપરિગ્રહી પણ નથી. પરિગ્રહનો અભાવ એ અપરિગ્રહ. વીતરાગની પાસે પરિગ્રહ અને અપરિગ્રહનો દ્વન્દ્વ છે જ નહીં. પ્રારબ્ધવશ જે આવ્યું તેનો વિનિયોગ કરી લીધો, પરિગ્રહ-અપરિગ્રહના દ્વન્દ્વમાંથી મુક્ત રહીને.

 

Total Views: 284
By Published On: February 2, 2019Categories: Vimala Thakar0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram