આપણે એક લાંબા દોરડાથી બંધાયેલ ગાય જેવા છીએ. ગાય ઘાસ ખાઈ શકે છે અને એને હરવા-ફરવાની થોડી સ્વાધીનતા પણ છે. પરંતુ મૂરખ ગાયો કેવળ ગોળ ગોળ જ ફરતી રહે છે અને આખું દોરડું લપેટાઈ જાય છે. એ વખતે એ ગાયો પોતાના પગની પાસેનું ઘાસ પણ ખાઈ શકતી નથી. ભગવાન મનુષ્યને ઘણું લાંબું દોરડું આપે છે, પરંતુ વિરલ માનવ જ તેનો યોગ્ય ઉપયોગ કરી શકે. મોટે ભાગે તે એમાં જ અસહાય બનીને ફસાઈ જાય છે અને હલીચલી શકતો નથી. પરંતુ આ ભગવાનનો દોષ નથી. બધી જવાબદારી પોતાના ખભે લેતાં શીખો. પોતાના પર જે કંઈ વીતે છે, તેને માટે ભગવાનને દોષ દેવો સાવ ખોટું છે. ક્ષણભરના સુખ માટે તમે સર્વ કંઈ ભૂલી જાઓ છો અને ભગવાન યુગોથી માનવને જે કહેતો રહ્યો છે, તેને સાંભળતા નથી.

આધ્યાત્મિક જીવનનો ઉદ્દેશ આપણી ભાવનાઓને પવિત્ર અને ઉદાત્ત કરવાનો હોય, તો એનો અર્થ એ પણ છે કે એની સાથે આપણી ઇચ્છાશક્તિનો વિકાસ થતો રહે અને મન ઉચ્ચતર દિશામાં લાગી જાય. એનો ઉચ્ચતર જીવન માટે પૂરેપરો સદુપયોગ થવો જોઈએ. સંસારમાં મહાન ઇચ્છાશક્તિ અને ચિત્તની એકાગ્રતા જોવા મળે છે, પરંતુ એ બન્નેને ખોટી દિશા આપવામાં આવે છે. એને કારણે માનવ ગહનથી પણ ગહનતર અંધકાર અને અજ્ઞાનમાં અધ :પતન પામતો રહે છે. સંસારમાં દેખાતી ઇચ્છાશક્તિને જો સાચી દિશા આપવામાં આવે, તો આપણો આ સંસાર તત્કાળ સ્વર્ગ બની જાય.

એક બાલિકાની સેવિકાએ બાલિકાની માતાને ફરિયાદ કરતાં કહ્યું કે તેને માટે આ બાલિકાને નિયંત્રિત કરવી કઠિન છે. માએ તેને વધારે ઇચ્છાશક્તિનો ઉપયોગ કરવા કહ્યું. સેવિકાએ જવાબ આપ્યો, ‘હું પ્રયત્ન તો કરું છું, પરંતુ બાલિકાની નકારાત્મક શક્તિ મારી ઇચ્છાશક્તિ કરતાં વધારે છે. આ સમસ્યા આધ્યાત્મિક બાળકની પણ છે. તે ઘણું ઇચ્છે છે. તે સદા ધ્યાન કરવાનું, તે આધ્યત્મિક વિચારોમાં લીન રહેવાનું ઇચ્છે છે, પરંતુ મન એ બધા સામે વિદ્રોહ કરે છે. ખ્રિસ્તી માન્યતા પ્રમાણે માનવની ઇચ્છા સ્વભાવત : વિકૃત છે. હિંદુ માન્યતા એવી છે કે મનની ખરાબીઓ સંસ્કારોનું કારણ છે. એને કારણે ઇચ્છાશક્તિનો સાચી દિશામાં ઉપયોગ કરવો કઠિન બની જાય છે. પરંતુ સંસ્કારોને બદલી શકાય છે અને તેનો નાશ પણ કરી શકાય છે. શુભ કર્મો અને સત્સંગથી સારા સંસ્કાર આવે છે. એટલું જ નહીં, પરંતુ ઇચ્છાશક્તિનો નિરંતર પ્રયોગ કરવાથી તે પ્રબળ બને છે, પછી ભલે પ્રારંભમાં તે ગમે તેટલી ઓછી કેમ ન હોય. ત્યાર પછી આધ્યાત્મિક જીવન સરળ બની જાય છે.

ભગવત્કૃપા પુરુષાર્થના રૂપે આવે છે. ઇચ્છાશક્તિનો યોગ્ય દિશામાં સદુપયોગની ઉત્કટ પ્રેરણા અને માર્ગની બાધાઓના ધ્વંશનો પ્રબળ સંકલ્પ એ ભગવત્કૃપાનું લક્ષણ છે. શ્રીરામકૃષ્ણ કથામૃતમાં કહે છે : ‘જ્યાં સુધી ઈશ્વર ન મળે ત્યાં સુધી આપણને ખ્યાલ આવે છે કે આપણે સ્વાધીન છીએ. આ ભ્રમ તેઓ જ રાખી દે છે, એમ ન હોય તો પાપની વૃદ્ધિ થાત, પાપથી કોઈ ન ડરત, અને પાપની સજા પણ ન મળત. જેમણે ઈશ્વરપ્રાપ્તિ કરી છે, એનો ભાવ કેવો હોય છે, એ જાણો છો ? હું યંત્ર છું, તમે યંત્રી છો; હું રથ છું, તમે રથી છો.’

એક દિવસ એક ભક્તે શ્રીશારદાદેવીને પૂછ્યું, ‘જો ભગવાન આપણા પોતાના છે, તો તેઓ દર્શન કેમ નથી આપતા?’ શ્રીમા શારદાએ જવાબ આપ્યો, ‘વિરલ લોકોમાં જ એવી આંતરિકતા હોય છે; મોટા ભાગના લોકો માટે ધર્મ કેવળ ઔપચારિકતા હોય છે.’ પરમાત્મા સાથે આપણા અભિન્નત્વના જ્ઞાનને માટે પુરુષાર્થ આવશ્યક છે. ચિત્તશુદ્ધિ પછી સ્વેચ્છાને ભગવદ્-ઇચ્છામાં લીન કરવાથી આપણને ખ્યાલ આવે છે કે સર્વ કંઈ ભગવાનની ઇચ્છાથી જ થઈ રહ્યું છે. ત્યારે પુરુષાર્થ અને ભગવત્કૃપાનો દ્વન્દ્વ-સંઘર્ષ સમાપ્ત થઈ જાય છે.

સંસાર પ્રત્યેના દૃષ્ટિકોણમાં પરિવર્તન

આના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે આપણે પોતાના તથા બીજા પ્રત્યેના દૃષ્ટિકોણમાં પરિવર્તન કરવું પડશે. બીજાની સાથે આપણા સંબંધો પર પણ પુનર્વિચાર કરવો પડશે. આધ્યાત્મિક જીવન દ્વારા સંસાર પ્રત્યેના આપણા દૃષ્ટિકોણમાં પરિવર્તન થવું જોઈએ. પારિવારિક બંધનમાં બંધાયેલ લોકોએ પોતાના વર્તમાન સંબંધોનું ઉદાત્તીકરણ કરવું જોઈએ. જો બીજા લોકો તમારા દૃષ્ટિકોણને ન સમજે કે પસંદ ન કરે, તો તેનો એ અર્થ નથી કે તમે એમના દૃષ્ટિકોણ પ્રમાણે ચાલો. જો આધ્યાત્મિક જીવન વિશે આવી દ્વિપક્ષીય સમજૂતી ન થઈ શકે તો તમારે એકલાએ નિર્ણય લેવો પડશે. તમારે પરમાત્માના માધ્યમથી બીજાની સાથે સંબંધ સ્થાપિત કરવાનું શીખવું જોઈએ. એક વાર આધ્યાત્મિક આદર્શનો સ્વીકાર કર્યા પછી તેને પોતાના સંબંધો અને મનોભાવોના માધ્યમથી પ્રગટ થવા દો.

આધ્યાત્મિક જીવનમાં બે ખતરાથી બચો. પ્રથમ, કોઈ માનવ-આકૃતિને માનવીયપ્રેમ કરવાથી તેને ખોટેખોટો દૈવી પ્રેમ કહેવો. બીજો, ઉચિત ભાવનાઓની પણ વધારેમાં વધારે ઉપેક્ષા કરવી અને અત્યંત સ્વાર્થી બની જવું. આ બન્ને આધ્યાત્મિક જીવન માટે હાનિકારક છે. બીજા સાથે સાચી રીતે પ્રેમ કરવામાં અને તેમની સેવા કરવા માટે આપણે પોતાના જીવનમાં પરમાત્માના પ્રકાશને અભિવ્યક્ત કરવો જોઈએ. ત્યારે મૌન ભાવુક ઉદ્ગારોથી વધારે વાચાળ હશે અને જો બોલવાની આવશ્યકતા પડે તો તે વધારે ઉપયોગી અને પ્રભાવક બનશે.

Total Views: 358

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.