વિદ્યાર્થીનો પ્રશ્ન : વ્યસન છોડવા માટે શું કરવું જોઈએ ?

ઉત્તર : વ્યસન છોડવા માટે સૌ પ્રથમ તો મનનો મક્કમ નિર્ણય જોઈએ. ભલે ગમે તે થઈ જાય પણ હવે ફાકી, ગૂટકા ખાઈશ નહીં, ધૂમ્રપાન કરીશ નહીં. એવો નિર્ણય તો લેવાઈ જાય પણ એ લાંબો સમય ટકતો નથી. મનની શિથિલતાને કારણે સંકલ્પ પણ શિથિલ થઈ જાય છે. નિર્ણય તો લીધો કે કાલથી આ નહીં ખાઉં વગેરે. પણ આવતી કાલ ક્યારેય આવતી નથી. એટલે નિર્ણયમાં ધીમે ધીમે બાંધછોડ કરતા જઈએ છીએ. અને પછી ‘મેલ કરવત મોચીના મોચી’ જેવું થઈ જાય છે. એટલે આપણને જેમનામાં શ્રદ્ધા હોય એમની સમક્ષ- પછી એ સંત, ઘરની વરિષ્ઠ વ્યક્તિ કે ગુરુજન હોઈ શકે; આવો દૃઢ સંકલ્પ કરવો જોઈએ. આવી વ્યક્તિની સહાયથી આપણે વ્યસનમાંથી સહજ સરળ રીતે મુક્ત થઈ શકીએ. શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય ગિરીશચંદ્ર ઘોષ દારૂ બહુ પીતા. તેમણે કહ્યું છે, ‘જીંદગીમાં મેં એટલો દારૂ પીધો છે કે એની બોટલોનો ઢગલો કરું તો મોટા પર્વતોનેય ટપી જાય.’ અને એમણે એમ પણ કહ્યું છે, ‘શ્રીઠાકુર પાસે તો બધા શુદ્ધ સાત્ત્વિક છોકરા આવ્યા. પણ એવું કોઈ પાપ નથી કે જે મેં ન કર્યું હોય. આમ છતાં પણ એમણે મને અપનાવી લીધો અને મને કોઈ પણ બાબતની મનાઈ કરી નહીં. પછીથી આ બધું જ પોતાની મેળે છૂટી ગયું છે.’ શ્રીરામકૃષ્ણદેવના સાન્નિધ્યમાં આવીને તેઓ દુરાચારીમાંથી સદાચારી બની ગયા અને તેમનાં બધાં વ્યસનો છૂટી ગયાં. સંતકૃપા અને દૃઢ નિશ્ચયથી ગમે તેવું વ્યસન છૂટી જાય છે. શ્રીરામકૃષ્ણદેવે એ માટે રસ્તો બતાવતાં કહ્યું છે, ‘પૂર્વ તરફ ચાલવા માંડો, પશ્ચિમ એની મેળે છૂટી જશે.’ એટલે કે નશાનો વિચાર કરવાને બદલે ભગવાનના નામનો નશો કરો તો વ્યસન આપોઆપ છૂટી જાય.

શિક્ષકનો પ્રશ્ન : સાંપ્રત સમયમાં અંગ્રેજી માધ્યમમાં જવાનો ગાડરિયો પ્રવાહ ચાલે છે. શું આ યોગ્ય છે ? ગુજરાતી (માતૃભાષા)માં શિક્ષણ આપવું કે અંગ્રજી ભાષામાં ?

ઉત્તર : સાંપ્રત સમયમાં દિન-પ્રતિદિન અંગ્રેજીનું મહત્ત્વ વધતું જાય છે. સાર્વત્રિક સંપર્કભાષા તરીકે અંગ્રેજીનું મહત્ત્વ છે. પણ એનો સાચો મંત્ર છે, ‘માધ્યમ ગુજરાતી અને સારું અંગ્રેજી.’ પણ અત્યારે તો માતપિતા પોતાનું બાળક નર્સરીમાં જતું થાય અને એબીસીડી બોલતું થાય તેમજ અંગ્રેજીમાં જોડકણાં કે કાવ્ય બોલે તેવું ઇચ્છે છે. આવી ઇચ્છાને પરિણામે બાળકના અત્યંત કોમળ મગજ પર વિદેશી ભાષાનો ભારે બોજો પડે છે. એનું કારણ પણ સ્પષ્ટ છે કે આપણે પોતાના ઘરમાં સૌ કોઈ અંગ્રેજી ભાષામાં વાત કરતું નથી. બધા ગુજરાતી ભાષમાં જ વાત કરે છે. એટલે બાળકના મન પર જન્મથી જ ગુજરાતી ભાષાના સંસ્કાર છે, અંગ્રેજી ભાષાના નહીં. એટલે જ એ ભારે બોજારૂપ બને છે. નાનું બાળક પોતાના ઘરના આડોશપાડોશના વાતાવરણમાંથી ભાષા બોલતાં શીખે છે. એટલે એમને માટે ચકલી, પોપટ, મોર, કેરી, કેળું આવા શબ્દો સહજ બની જાય છે. અને કોઈ પણ જાતના ભાર કે બોજા વગર તે સહજ-સરળ રીતે શીખી જાય છે. આનાથી ઊલટું સ્પેરો, પેરેટ, પીકોક, મેંગો, બનાના આવા વિદેશી ભાષાના શબ્દોને યાદ રાખવા તેના વિકસી રહેલા મગજને ભારે પ્રયાસ કરવો પડે છે. એટલે જ શિક્ષણશાસ્ત્રીઓ ભારપૂર્વક કહે છે કે બાળકનું પ્રાથમિક શિક્ષણ એમની માતૃભાષામાં અપાવું જોઈએ. વળી એક ઉક્તિ છે, ‘બાળકને જે ભાષામાં સ્વપ્ન આવે અને એને સમજાય એ એની માતૃભાષા છે.’ યુરોપમાં પોતપોતાની ભાષામાં શિક્ષણ અપાય છે. ઇંગ્લેન્ડની નજીક ફ્રાંસમાં કોઈ અંગ્રેજી બોલતું નથી.

 

Total Views: 211
By Published On: February 2, 2019Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram