આશ્રમના બીજા એક સાધુ મુન્ના મહારાજે ખૂબ જ પ્રેમથી ચૂલા ઉપર ટિકળ (મોટીજાડી ભાખરી) અને દાળ બનાવ્યા હતા. મુન્ના મહારાજ ચીલમના ભારે રસીયા. સાંજના જપધ્યાન પતાવી શિયાળાની ઠંડીમાં તેમના ચૂલા પાસે રસોઈ બનાવતા હતા, ત્યાં અમે આસન લગાવીને બેસી ગયા. એમણે તરત પોતાની ચીલમ સંતાડી દીધી. તેઓ ચીલમ પીવે તો અમને કંઈ તકલીફ નહીં થાય તે અમે જણાવ્યું. નર્મદા તટે આવવાનો તેમનો ઇતિહાસ વિચિત્ર હતો. તેઓ પોતાના ગામમાં સાધારણ ખેડૂત હતા. બીજા મોટા જમીનદારે કાવાદાવા કરીને તેમની જમીનને હડપ કરી લીધી હતી. ખૂબ ક્રોધના આવેશમાં તેમણે જમીનદારને ખતમ કરી નાખ્યો હતો. કેસ ચાલ્યો. સામેવાળા વકિલે સાબિત કર્યું કે મુન્નાએ ક્રૂરતાપૂર્વક નિરપરાધી જમીનદારને મારી નાખ્યો છે. એટલે મુન્નાને જનમટીપની વીસ વર્ષની સજા થઈ. મુન્નાને ખૂબ પશ્ચાત્તાપ થવા લાગ્યો હતો. તે શ્રીશ્રીમા નર્મદાનો ભક્ત હતો અને વારે વારે પ્રાર્થના કરતો હતો. જેલમાં તેનું ચાલચલન ખૂબ સારું હતું. બન્યું એવું કે આ ગાળા દરમિયાન ભારતમાં ઈંદીરાગાંધીની હત્યા થઈ હતી અને પછી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા. ઈંદીરાગાંધી હત્યાના એક વર્ષની પુણ્યતિથિના અવસરે ભારત સરકારે વિવિધ કલ્યાણકારી કાર્યો જાહેર કર્યાં. તેમાં એક હતું આખા ભારતની જેલોમાંથી સારા ૧૦,૦૦૦ કેદીઓને મુક્ત કરવા. અને આશ્ચર્યની વાત જાણે શ્રીશ્રીમાએ એમની પ્રાર્થના સાંભળી હોય તેમ મુક્ત થનારા કેદીઓના લીસ્ટમાં તેમનું નામ પ્રથમ હતું. જેલમાંથી છૂટીને સીધા નર્મદા તટે આવ્યા અને ત્યારથી છેલ્લાં ૨૫ વર્ષથી તેઓ મા નર્મદાના સાનિધ્યમાં રહે છે. આમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારા કરુણામયી શ્રીશ્રીમા નર્મદા મૈયા પાપી-તાપી, સારા-નરસા બધા ભક્તો પર અમૃતરૂપી કૃપા વરસાવતાં રહે છે. નર્મદે હર!

અહીં બડગામનો આ આશ્રમ માંડવ્યા આશ્રમ તરીકે પ્રસિદ્ધ છે. પાસે જ નાનાં નાળાં જેવી વિશોકા નદી વહેતી હતી. એનો નર્મદાજી સાથે સંગમ થયો હતો. પ્રાચીન કાળમાં માંડવ્ય ઋષિએ અહીં નિવાસ કર્યો હતો. વિભાંડક ઋષિએ પણ અહીં તપસ્યા કરી હતી. સામે તટે માઈલેક દૂર પ્રાચીન કાળની માહિષ્મતી મનાતી તે હાલની મહેશ્વર નગરી હતી. મહેશ્વરના એક સેવાભાવી ભક્તે ઘણાં વર્ષો પૂર્વે માંડવ્યા આશ્રમની પ્રાચીન કાચી ગુફાનું પાકું ચણતર કરાવ્યું હતું. કિનારાના ઊંચા ટેકરાની ઊંડી ગુફામાં ત્રણ ત્રણ ઓરડીવાળા રૂમ બંધાવી પાકી ધર્મશાળા બંધાવી હતી. નર્મદામૈયાનાં દર્શન આશ્રમમાંથી સ્પષ્ટ રીતે થતાં હતાં. અનેક વૃક્ષોથી આશ્રમ ઢંકાયેલો હતો. એટલે જ અહીં એક દિવસ રોકાઈ ગયા.

આજે ૨૦ જાન્યુઆરી,૨૦૧૫ અમાવસ્યા. સવારે નિત્યકર્મ કરી નર્મદા સ્નાન કર્યું. પૌષ મહિનાની ભયંકર ઠંડી હતી. સવારના સાતેક વાગ્યા હશે. નર્મદામાં માંડ એક બે ડૂબકી મારીને તરત જ સ્નાન કરીને બહાર નીકળ્યા. શરીરમાં એટલી બધી ધ્રુજારી થવા લાગી કે બત્રીસી પણ ડગડગવા લાગી. પરિક્રમાના માર્ગે આગળ ચાલતાં શરીર ગરમાઈ ગયું.

માંડવ્યા આશ્રમ એટલે કે બડગામ ગુફાથી આગળ જતાં જમણે હાથે નર્મદાજીની જળધારાની પાસે જ વિશોકેશ્વર શિવનું પ્રાચીન શિવાલય ઊભું હતું. કાળામેશ પથ્થરોનું મધ્યમ કદનું એ મજબૂત શિવાલય હતું. એ જળધારા પાસે જ હતું એટલે વર્ષાકાળે તો જળમાં ડૂબી જતું હતું. પછીથી અંદર અને ઉપર ઘણો કાદવ ચોટી જતો હતો. શિવાલયનું લિંગ તદ્દન ઘસાઈ ગયું હતું. એ પુરાતન હોવાની સાક્ષી પૂરતું હતું. વિશોકેશ્વર શિવજીનું આ શિવાલય તથા માંડવ્ય આશ્રમ બંને બહુ ચમત્કારિક-જાગૃત સ્થાન છે. લગભગ સાડા નવ-દસ વાગે શાલીવાહન ઘાટ આવવાનો હતો. પાછળનાં ખેતરોના રસ્તેથી આવતા હતા, ત્યારે જાણે કોઈ અમારી રાહ જોઈને ઊભા હોય તેમ શાલીવાહનના ભક્તો પ્રેમપૂર્વક સ્વાગત કરીને અંદર લઈ ગયા. પ્રત્યેક અમાવસ્યાના દિવસે શાલીવાહન આશ્રમમાં કન્યાભોજન અને સાધુભંડારો થતો હોય છે. તેઓ સાધુ-સંતોની રાહ જોતા હતા અને અમે ભંડારામાં પહોંચી ગયા. ઇંટોની દિવાલો અને માટીથી ચણાયેલ આશ્રમ સાધારણ હતો. પરંતુ અહીં પણ રોકાઈ જવાની ઇચ્છા થઈ. અહીં શાલિવાહનેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય છે. આ સ્થાન ઘણું રમણીય છે. વૃક્ષની ઘટાઓ વચ્ચે શિવાલય શોભતું હતું. આ સ્થળનો વાયુપુરાણમાં સ્વર્ણદ્વીપ તીર્થ તરીકે ઉલ્લેખ છે. પ્રાચીન કાળમાં શાલિવાહન રાજાએ અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. તે પછી છેલ્લો જિર્ણાેદ્ધાર ૧૯૦૮માં એક ભક્તે કરાવ્યો હતો. સામે જ પ્રસિદ્ધ રાણી અહલ્યાબાઈની મહેશ્વર નગરી છે. કાર્તિકી પૂર્ણિમાને દિવસે બધાં તીર્થાે અહીં આવી વસે છે. ચૈત્રી અમાસે તથા દરેક માસની ચતુર્દશી અને પૂર્ણિમાએ અહીં પિંડદાન, તર્પણ કરનારના પિતૃઓની મુક્તિ થાય છે. અહીં દાન કરવાથી કુરુક્ષેત્રમાં દાન કર્યાનું પુણ્ય મળે છે.

આશ્રમમાં બપોરે ભંડારાનો પ્રસાદ ગ્રહણ કરીને, પ્રાચીન મંદિરોમાં દર્શન કરી, નર્મદા તટે જઈ પહોંચ્યા. પિંડદાન-તર્પણ ઇત્યાદિ કરવા માટે લોકોની ભીડ જામી હતી. સામેના તટે વિશાળ અહલ્યાઘાટનાં દર્શન સુમનોહર હતાં. અહીં આખો દિવસ જપધ્યાનમાં વિતાવ્યો. આ આશ્રમમાં લસણ-ડુંગળીનો ઉપયોગ થતો હોવાથી ઘણા ભક્તો અને વૈષ્ણવ સાધુઓ અહીં રોકાતા નહીં. માટીથી લીંપાયેલ વિશાળ હોલમાં અમે અમારા આસન લગાવ્યાં. સંધ્યાઆરતિ, જપ-ધ્યાન તથા ભોજનપ્રસાદ ગ્રહણ કરી, ઠંડીના દિવસોમાં વહેલાં સૂઈ ગયા. કઠોરા ગામના સૌમ્ય-કાંતિવાળા જટાધારી પણ અહીં આવેલ હતા. તેમણે પણ અમારી બાજુમાં જ આસન લગાવ્યું. સવારે નિત્યકર્મ, નર્મદા સ્નાન કરી નર્મદાજીની આરતી વગેરે કર્યાં. છ વાગે ચાની હરિહર થઈ. રસોડામાંથી ચા લાવ્યા. હું પણ અનાયાસે તે જટાધારી સાધુબાબા માટે પણ ચા લઈ આવ્યો. ચાની ચહેલ પહેલ થતાં જટાધારી બાબા પણ જાગી ગયા. તેમના હાથમાં તરત જ ગરમ ચાનો કપ મળતાં જ મહારાજ આનંદિત થઈ ઊઠ્યા, ‘અરે! ગુરુભાઈ મેરે લીયે ચાઈ લાયે !’ આની પહેલાં પણ કઠોરાના પ્રસંગે જોયું હતું કે આ કોઈ અસાધારણ સાધુ લાગતા હતા. તેમની પાસે નાનકડી અમથી ચામડાની બેગ હતી. તેમના શરીરે ઓઢેલી ગરમશાલ અને શરીર સ્વચ્છ હતાં. કૃષ્ણવર્ણ શરીરમાંથી જાણે કે તેજ નીકળતું હતું. નાનકડી સેવાથી જટાધારી મહારાજને થયેલ અત્યંત આનંદનું પ્રતિબિંબ મારા હૃદયમાં કંડારાયેલ છે.

હવે ખભે રહેલ બેગનો વજન ખૂબ જ લાગતો હતો. આટલી બધી ઠંડી હોવા છતાં એક સ્વેટર, એક ટોપી અને એક જોડી મોજાં ત્યાં જ આશ્રમમાં આપી દીધાં. હવે અમે ‘નર્મદે હર’ના નાદ સાથે પરિક્રમા માર્ગમાં આગળ વધ્યા.

આગળ સહસ્રધારાનાં મોહક દર્શન આવે છે. દૂરથી જ નાની મોટી જળધારાઓનો એક સરખો સુરીલો સૂર સંભળાતો હોય છે. કહેવાય છે કે સહસ્રાર્જુને પોતાની હજાર ભૂજાઓ વડે નર્મદાજીને બાંધવાનો અહીં પ્રયત્ન કર્યો હતો. સહસ્રાર્જુનની રાજધાની નર્મદા તટે હતી. તે પ્રાચીન નગરી માહિષ્મતીના નામે પુરાણપ્રસિદ્ધ થઈ છે. અમુક વિદ્વાનોના મત પ્રમાણે સામે તટે આવેલું મહેશ્વર તે પ્રાચીન માહિષ્મતી નગરી હતી. જો કે માહિષ્મતી અસલમાં ક્યાં હતી એ વિવાદ તો હજુ ઊભો જ છે! મહેશ્વરથી સહસ્રધારા તરફ આવતો નર્મદાજીનો પ્રવાહ પથ્થરો અને શિલાઓ વચ્ચેથી વહેતો હોવાથી વિભાજિત થઈ જતો હતો. નાની નાની ઘણી ધારાઓ વહેતી હતી. પણ બે-ત્રણ ખૂબ જ મોટી ધારાઓ હતી. એવી એક ધારા આ દક્ષિણ તટ તરફ અને બીજી સામે ઉત્તર તટ તરફ વહેતી હતી. તેથી નર્મદાજીની પહોળાઈ અહીં જાણે માઈલેક જેટલી લાગતી હતી. આ દક્ષિણ તરફની ધારા ખડકો ઉપરથી નીચે પડીને આગળ વહેતી હોવાથી નાના મોટા ઘણા ધોધ બની જતા હતા. નીચે પડીને દોડતી અમુક ધારાઓનો વેગ પ્રબળ હતો. બધી ધારાઓ આગળ જઈ એક બીજીને મળી જવા જાણે દોડતી હતી, ઊછાળા મારતી હતી, નર્તન કરતી હતી; જાણે ૐ ૐનું સૂરીલું સંગીત સંભળાવતી હતી. આવું સોહામણું દૃશ્ય જોયા જ કરીએ! શીતળતા, શાંતિ, સ્વચ્છતા અને મનને નિર્મળ બનાવી દેતું સૌંદર્ય ચારે તરફ પથરાયેલું હતું અને તન-મનમાં આનંદનું સંચાર કરતું હતું.

ઓમકારેશ્વરમાં દર્શને આવેલા યાત્રીઓ પંચાવન કિ.મી દૂર આવેલ મહેશ્વર નગરી તથા મહેશ્વરથી પાંચ કિ.મી દૂર આવેલ સહસ્રધારાનાં દર્શન કરવા આવતા હોય છે. અહીંથી ઢાલખેડામાં નવનિર્મિત દુર્ગામંદિરમાં પહોંચ્યા. બે દિવસથી મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ ચાલતો હતો. લગભગ ભક્તો બધા ચાલ્યા ગયા હતા. બપોરે અને સાંજે ભંડારાનો પ્રસાદ મળ્યો. અહીં કઠોરા ગ્રામમાં મળેલ ત્યાગીજીનાં ફરીથી દર્શન થયાં. કઠોરા ગ્રામમાં ઘાટી છાશ આપી હતી તેથી તે ત્યાગીજી અમને તરત જ ઓળખી ગયા. ત્યાગીજીનો સ્વભાવ એવો કે અડધી રાત સુધી મોટેથી ‘શ્રીરામ જયરામ જય જયરામ’ની ધૂન કરતા. પછી કેટલાક ભક્તોએ પરાણે તેમને મનમાં ધૂન કરવા કહ્યું. અહીં રાત્રે અંધારામાં ગણપતિના વાહન ઉંદરજી અમારા શરીર ઉપર અને આસપાસ કૂદતા રહ્યા. બીજે દિવસે તપાસ કરતાં ખબર પડી કે ત્યાગીજીના સામાનમાંના નાના ડબ્બામાં રહેલ શુદ્ધ ઘીની સુગંધથી ઉંદરો આકર્ષિત થયા હતા. આમ દીવા માટે શુદ્ધ ઘી રાખવાથી ઉંદરજી તથા બીજા જીવજંતુઓના પરચા પણ મળે, કપડાં પણ ખરાબ થઈ શકે ને અવાર નવાર ભિક્ષામાં શુદ્ધ ઘી માગવું પડે એટલે અમે તો પૂજા અગરબત્તીથી જ પૂરી કરી દેતા.

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram