* સ્વધર્મનું આચરણ કરો; આ છે સત્ય, સત્યનુંય સત્ય !… અલબત્ત, ખોટું કાંઈ પણ કરવું નહીં, કોઈને પણ વિના કારણ ઈજા ન પહોંચાડવી તેમ જ ત્રાસ ન દેવો; બને તેટલું પારકાનું ભલું કરવું, પણ બીજો આપણું બૂરું કરે અને આપણે ઊભાં ઊભાં એ જોયા કરવું, એ પાપ છે – ગૃહસ્થને માટે તો ખાસ. એણે તો એનો ત્યાં ને ત્યાં જ બદલો વાળવો જોઈએ. (૬.૨૭૩)

* પવિત્રતા એ સ્ત્રી અને પુરુષનો મુખ્ય ગુણ છે; પણ ગમે તેવા કુમાર્ગે ચઢેલ પતિને નમ્ર અને પ્રેમાળ પત્ની સાચે માર્ગે ન લાવી શકી હોય એવા દાખલા અત્યંત વિરલ છે. જગત હજુ એટલું બધું બગડી ગયું નથી. જગતભરમાં ક્રૂર પતિઓ વિશે આપણે ઘણું સાંભળીએ છીએ, પુરુષોની અપવિત્રતા વિશે પણ આપણે ઘણું સાંભળીએ છીએ; પણ સંખ્યામાં પુરુષ જેટલી જ સ્ત્રીઓ પણ નિષ્ઠુર અને અપવિત્ર હોય છે. જો એમનો દાવો છે એટલા પ્રમાણમાં સ્ત્રીઓ પવિત્ર અને ભલી હોય તો જગતમાં એકેય પુરુષ અપવિત્ર રહેત નહીં, એવી મને સંપૂર્ણ ખાતરી છે. એવી કઈ પાશવતા છે કે જે પવિત્રતા અને ભલમનસાઈથી ન જીતી શકાય? ભલી પવિત્ર સ્ત્રી- જે પોતાના પતિ સિવાય દરેક પુરુષને પુત્ર સમાન ગણે છે, અને જે સર્વ પુરુષો પ્રત્યે માતા જેવો ભાવ ધરાવે છે – એની એ પુનિત શક્તિથી એટલી મહાન બનવાની કે પ્રત્યેક પુરુષ એના સાંનિધ્યમાં પવિત્રતાનું વાતાવરણ અનુભવશે. એ જ રીતે દરેક પુરુષે, પત્ની સિવાયની દરેક સ્ત્રીને માતા, દીકરી કે બહેન જેવી ગણવી જોઈએ. વળી ઉપદેશક થવાની ઇચ્છા હોય તેણે દરેક સ્ત્રીને પોતાની માતા સમાન ગણવી જોઈએ અને તેના પ્રત્યે હંમેશાં એ દૃષ્ટિથી જ જોવું જોઈએ. (૩.૫૪)

* ગૃહસ્થ એ સમાજજીવનનું કેન્દ્ર છે. એણે પૈસા કમાવા અને સન્માર્ગે વાપરવા એ ઈશ્વરપૂજા છે. જે ગૃહસ્થ સન્માર્ગે પૈસા કમાવાનો પ્રયત્ન કરે છે, તેનો હેતુ શુભ હોય તો એ કોઈ ત્યાગીની કોટિનો જ છે એમ કહેવું જોઈએ. વસ્તુત : આ માર્ગે એ મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ ગુફામાં બેસીને પ્રભુપ્રાર્થના કરતો યોગી આ સિવાય બીજું શું કરે છે ? ગૃહસ્થ અને ત્યાગીમાં એક જ સદ્ગુણનાં ભિન્ન પાસાં રહેલાં છે. ઈશ્વરોપાસનાની ભાવનાથી પ્રેરાયેલ આત્મસમર્પણ અને સ્વાર્થત્યાગ આ બંનેમાં સમાન રીતે સમાયેલાં જ છે. (૩.૩૬-૩૭) (અભયવાણી પૃ. ૫૬-૫૮)

Total Views: 304

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.