હોળીનો તહેવાર લોકહૃદયમાં ઘર કરી ગયો છે. ભારતભરમાં નાતજાત, ધર્મસંપ્રદાય, ઊંચનીચ, ગરીબ-તવંગરના ભેદભાવ વિના આ તહેવારને બધા લોકો સાથે મળીને પ્રેમપૂર્વક ઉજવે છે. ફાગણ માસની પૂનમના દિવસે હોળી મનાવવામાં આવે છે. તેના બીજા દિવસે રંગનો તહેવાર ધૂળેટી આવે છે. ભારત, ગુયાના, ટ્રિનિદાદ, ઇંગ્લેન્ડ અને નેપાળમાં આ તહેવાર ઉત્સાહ સાથે ઊજવાય છે. તેને વસંતોત્સવ પણ કહી શકાય. લગભગ વિશ્વભરના દેશોમાં જ્યાં જ્યાં ભારતવાસી વસે છે ત્યાં હોળી-ધૂળેટીને રંગોના તહેવારના રૂપે લોકો માણે છે.

પૂનમને દિવસે સાંજે ગામને પાદર-ગોંદરે કે મુખ્ય ચોકમાં છાણાં-લાકડાંની હોળી ખડકવામાં આવે છે. લોકો વાજતેગાજતે ઢોલ, શરણાઈ જેવાં વાજિંત્રો વગાડતાં વગાડતાં હોળીના સ્થાને એકઠા થાય છે. શુભ મુહૂર્તે હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો શ્રીફળ, ખજૂર, દાળિયા અને ધાણી લઈને હોળીનું પૂજન કરે છે, તેમજ હાથમાં કળશ રાખીને તેની પ્રદક્ષિણા કરે છે. ભારતના વિવિધ પ્રાંતો અને સમુદાયના લોકોમાં હોળીની ઉજવણીની રીતો ભિન્ન ભિન્ન હોય છે પણ ભાવના તો એક જ રહે છે. આ દિવસે હોળી પ્રગટાવીને આપણામાં રહેલાં આસુરી તત્ત્વોનો નાશ કરીને દૈવીશક્તિની ઉપાસના કરવાનો અને એ શક્તિઓને પોતાના જીવનમાં આત્મસાત્ કરવાનો પ્રયાસ – આ ભાવ મુખ્ય છે.

હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે એટલે એને રંગોનો તહેવાર કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે સવારથી સાંજ સુધી આબાલવૃદ્ધ સૌ એકઠા મળીને કેસૂડાના રંગ, અબીલગુલાલ જેવા પદાર્થાે એકબીજા પર છાંટીને ઉત્સાહપૂર્વક આનંદ માણે છે. અત્યારે ક્યાંક ક્યાંક રાસાયણિક રંગોનો ઉપયોગ થાય છે. એ હિતાવહ નથી, એનો ઉપયોગ ટાળવો જોઈએ. આંધ્રપ્રદેશમાં હોલિકાદહનના તહેવારને ‘કામદહન’ તરીકે ઓળખવામાં આવે છે.

હોળીની પૌરાણિક કથા : હિરણ્યકશિપુ દાનવોનો રાજા હતો. તેને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, આ ભૂમિ પર કે આકાશમાં, માનવ કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા તેનું મૃત્યુ નહીં થાય. આ વરદાનને પરિણામે તે લગભગ અમર બની ગયો. તેને મારવો અસંભવ બની ગયું. દાનવ હતો એટલે પોતાની આ શક્તિને લીધે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ, પૃથ્વી, પાતાળ સર્વત્ર એણે તો હાહાકાર મચાવી દીધો. તે પોતાને ઈશ્વર ગણવા માંડ્યો. બીજા દ્વારા થતી ભગવાનની પૂજા બંધ કરાવી અને તેણે પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.

હિરણ્યકશિપુનો પુત્ર પ્રહ્‌લાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. વિષ્ણુ સિવાય બીજા કોઈને તે ભજવા તૈયાર ન હતો. પુત્રને પણ છળપ્રપંચ, પ્રલોભન, ભયનાં શસ્ત્રો બતાવીને વિષ્ણુભક્તિથી દૂર કરવા ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રહ્‌લાદ અચલ રહ્યો. તેણે વિષ્ણુભક્તિ છોડી નહીં. તેને જીવતો મારી નાખવા કેટલાય ઉપાયો કર્યા, પણ ‘જેને રામ રાખે એને કોણ ચાખે’ એવું બન્યું. રામનાં રખોપાં આગળ અહંકારી હિરણ્યકશિપુ બિચારો-બાપડો બની ગયો. અંતે હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાના ખોળામાં પ્રહ્‌લાદને બેસાડીને અગ્નિપરીક્ષા દ્વારા તેનો ખેલ ખતમ કરવાનો વિચાર કર્યો. લોકવાયકા પ્રમાણે હોલિકા પાસે એક ઓઢણી હતી. એ ઓઢણી ઓઢે તો તેને અગ્નિ બાળી ન શકતો. અથવા હોલિકાને એવું વરદાન હતું કે અગ્નિ પણ એને બાળી ન શકે, એમ કહેવાય. પ્રહ્‌લાદને આદેશ અપાયો અને પિતાની આજ્ઞા પ્રમાણે હોલિકાના ખોળામાં બેસી ગયો. ત્યારબાદ અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. આવી ભયંકર વિપત્તિના સમયે પણ પ્રહ્‌લાદ ભગવાન વિષ્ણુના ધ્યાનમાં લીન રહ્યો. કહેવાય છે કે અગ્નિ લાગ્યો ત્યારે હોલિકાની ઓઢણી ઊડી અને પ્રહ્‌લાદને વીંટળાઈ ગઈ. પરિણામ તો સ્પષ્ટ હતું. હોલિકા અગ્નિમાં બળીને ખાક થઈ ગઈ. પ્રહ્‌લાદ સાજોનરવો વિષ્ણુભજન કરતો કરતો બહાર આવ્યો. આ છે હોળીના તહેવારની પૌરાણિક કથા.

આનો અર્થ એ છે કે પોતાના પર ગમે તેવાં સંકટોનાં વાદળો ઘેરાય તોપણ સત્ત્વ હંમેશાં ટકી રહે છે. સાંચને આંચ નથી આવતી. સત્ય તો ગમે તેવા વિષમ સંજોગોમાં સત્યરૂપે ટકી રહે છે. સત્યશીલ અને સત્ત્વશીલ મહામાનવો પણ ગમે તેવા સંજોગોમાંથી બહાર આવીને જગતને ઉજ્જવળ અને શાંત બનાવે છે.

ત્યાર પછી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે. કથા પ્રમાણે છેલ્લા પ્રયાસ રૂપે હિરણ્યકશિપુએ ભક્ત પ્રહ્‌લાદને હણવા એક ધગધગતો સ્તંભ ઊભો કર્યો અને એણે એવું આહ્‌વાન કર્યું કે જો તારો વિષ્ણુ, તારો પ્રભુ, તારો ઈશ્વર હાજરાહજૂર હોય તો આ અગ્નિથી ધખધખતા થાંભલાને ભેટીને એની પ્રતીતિ કરાવ. ભગવાન વિષ્ણુના ચિંતનમાં લીન રહીને જેવો પ્રહ્‌લાદ એ થાંભલાને ભેટવા ગયો કે તરત જ એ થાંભલો ફાટ્યો અને એમાંથી ભગવાન વિષ્ણુ નૃસિંહ અવતાર ધારણ કરીને પ્રગટ્યા. આ નૃસિંહ ભગવાને દાનવરાજને પોતાના ખોળામાં પાડી દઈને, પોતાના નખથી ચીરી નાખ્યો, અને તે પણ બરાબર ઘરના ઉંબરા પર. આથી બ્રહ્મા પાસેથી મેળવેલું અમૂલ્ય વરદાન પણ પોતાની આસુરીવૃત્તિને કારણે નિષ્ફળ બનાવ્યું. આ રીતે સત્ત્વહીન, સત્યહીન હિરણ્યકશિપુનો વધ થયો અને સત્ત્વશીલ, સત્યશીલ પ્રહ્‌લાદને ભગવાને ઉગારી લીધો. એક ભજનમાં આવે છે તેમ, ‘ભોજલ ભરોસો જેને, ત્રિકમજી તારશે તેને…’ પ્રભુનું શરણ એ જ સાચું શરણ.

આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયના આ પર્વ વિશે બીજી પણ કથાઓ પ્રચલિત છે. તેમાં રાધા અને કૃષ્ણના દિવ્યપ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથાનો સમાવેશ થાય છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ ગણાય છે. આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ-કિરણો પ્રસરે છે. આ તેજ- કિરણો વાતાવરણમાં ભિન્ન ભિન્ન રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.

પરંપરા : ગુજરાત અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને ‘હુતાશણી’ અને હોળીના બીજા દિવસ ધૂળેટીને ‘પડવો’ કહે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીના બે કે ત્રણ દિવસ સુધી આ તહેવાર ઉજવાય છે. એને ‘બીજો પડવો’ અને ‘ત્રીજો પડવો’ એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દાંડિયારાસ રમે છે અને એમાંય ખાસ કરીને પોરબંદરના વિસ્તારમાં. ઘણા આદિવાસી વિસ્તારમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારિક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો આ દિવસોમાં શૌર્યપૂર્ણ રમતો રમે છે અને વિવિધ પારંપારિક સ્પર્ધાઓ પણ યોજાય છે. આ સ્પર્ધાઓમાં ઘોડદોડ, આંધળોપાટો અને શ્રીફળ ફેંકવા જેવી રમતો હોય છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદરે આવેલા ‘પાળિયાઓ’નું પૂજનઅર્ચન થાય છે. કેટલાક વિસ્તારોમાં હોળીના દિવસો દરમિયાન ગામના લોકો વાજતેગાજતે આખા ગામમાં ફરે છે અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવે છે. આવા લોકોને ‘ઘેરૈયા’ કહે છે.

હોળીના દિવસે જેને ત્યાં ગયા વર્ષ દરમિયાન પુત્રનો જન્મ થયો હોય, તે ઘરના લોકો સજીધજીને બાળકને સુંદર કપડાં પહેરાવીને હોળીની પ્રદક્ષિણા કરવા લાવે છે. આખા ગામમાં પતાસાં કે ખજૂરની લ્હાણી થાય છે. આ પ્રસંગને ‘દીકરાની વાડ’ કહે છે.

સંગીતમાં હોળી : હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત સુધી તેની આસપાસ બેસીને ગીત, દુહા ગવાય છે. અને ‘હોળીના ફાગ’ કહે છે. આ ફાગ વસંતોત્સવનું પ્રતીક મનાય છે. તેમાં શૃંગારરસ જોવા મળે છે. પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ એમાં વણી લેવાય છે. વૈષ્ણવ ધર્મમાં રાધાકૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમાતી હોળીના વર્ણન કરતાં સુંદર ગીતો મળી આવે છે. એમાંનાં મોટા ભાગનાં ગીતો વ્રજ ભાષાનાં હોય છે. ઉદાહરણ રૂપે અહીં મીરાબાઈના બે પદનો સમાવેશ કરીએ છીએ…

किणु संग खेलूँ होली,
पिया तज गये हैं अकेली,

माणिक मोती सब हम छो’डे,
गलमें पहनी सेली,

भोजन भवन बलो नहीं लागे,
पिया कारण भर्इ रे अकेली,

मुझे दूरी क्यों मेली,
पिया तज गये हैं अकेली… किणु संग

अब तुम प्रित अवरसो जो’डी,
हम से करी क्यों पहेली,

बहु दिन बीते अजहु ना आये,
लगा रही ताला बेली,

कीणु दीलमा ये हेली,
पिया तज गये हैं अकेली… किणु संग

श्याम बिना जीयणो मुरझावे,
जैसे जल बिन बेली,

मीरा को प्रभु दर्शन दीजो,
मैं तो जनम जनम की चेली,

दर्शन दीना ख’डी दोहेली,
पिया तज गये हैं अकेली… किणु संग

* * * * *

होरी खेलत हैं गिरधारी, होरी खेलत हैं गिरधारी ।
मुरली चंग बजत डफ न्यारो संग जुबती व्रजनारी ।।

चंदन केसर छि’डकत मोहन अपने हाथ बिहारी ।
भरि भरि मूठ गुलाल लाल संग श्यामा प्राण पियारी ।
गावत चार धमार राग तहं दैं दैं कल करतारी ।।

फाग जु खेलत रसिक सांवरो बाढ्यो रस व्रज भारी ।
मीराकूं प्रभु गिरधर मिलिया मोहनलाल बिहारी ।।

Total Views: 308

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.