યોગીન્દ્રનાથ રાય ચૌધરીનો જન્મ એક સમૃદ્ધ, ખાનદાન કુળમાં, ૩૦મી માર્ચ ૧૮૬૧ ફાગણ સુદ ચોથને દિવસે દક્ષિણેશ્વરમાં થયો હતો. એના પિતા પવિત્ર બ્રાહ્મણ હતા અને અઘ્યાત્મની ખોજમાં સારો સમય વ્યતીત કરતા. સ્વામી યોગાનંદને સાવ નાની ઉંમરમાં જ ઠાકુરનાં પવિત્ર દર્શન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું.
પ્રથમવાર પોતાની ઓળખાણ આપ્યા પછી શ્રીઠાકુરે બાકીના લોકોને કહ્યું, ‘યોગિનના કુટુંબીજનો સાવર્ણ ચૌધરી છે. એ લોકોના પ્રભાવથી વાઘ અને ગાય એક જ ઘાટ પર પાણી પીતા. બધા જ ભક્તિભાવ વાળા હતા. ઘરમાં કેટલું બધું ભાગવત્ પુરાણ વંચાતું!’ યોગિન બીજી વખત સીધા શ્રીરામકૃષ્ણ પાસે ગયા એટલે તેમણે કહ્યું, ‘આપણે એક બીજાને ઓળખતા થયા તે એક આશ્ચર્ય છે તારે અહીં વારંવાર આવવું જોઈએ. તારામાં આધ્યાત્મિક મહત્તાના ઘણાં ચિહ્નો છે. આ માર્ગે તું સરળતાથી પ્રગતિ કરી શકીશ.’
શ્રીઠાકુરે જે છ વિશિષ્ટ વ્યક્તિઓને જગન્માતાની કૃપાથી ઈશ્વરકોટિના રૂપે ઓળખ્યા, એમાંનાં આ એક છે.’ સ્વામીજી કહેતા, ‘અમારા બધામાં જો કોઈ સંપૂર્ણપણે કામજયી હોય તો તે છે યોગિન.’ સ્વામી નિરંજનાનંદે એકવાર એમને કહ્યું, ‘યોગિન, તું જ અમારા બધાનો ચૂડામણિ છે.’ એ તો સ્પષ્ટ છે કે આવી ઉચ્ચ પ્રશંસાના અધિકારી એક અસાધારણ મહાપુરુષ જ હશે. વાસ્તવમાં સરલ, મહાન, ત્યાગી, ઉત્કટ તપસ્વી, માતૃભક્ત અને શુકદેવ જેવા પરમ પવિત્ર હતા.
યોગિન દક્ષિણેશ્વરની પાસે રહેતા તેથી હંમેશા આવજા કરતા, ઠાકુરના અનેક કામકાજ કરતા. એક દિવસ શ્રીઠાકુરને કેટલીક મીણબત્તીની જરૂર પડી. ગિરીશ ઘોષને ત્યાંથી તે લઈ આવવા કહ્યું. ત્યાં જઈને જોેયું કે ગિરીશ દારુના નશામાં હતા. ‘મને થોડીક મીણબત્તીઓ લાવવા ઠાકુરે કહ્યું છે,’ ગિરીશે કહ્યું, ‘થોડીક જ શા માટે, આખું ખોખું જ લઈ જા.’ પછી શ્રીરામકૃષ્ણને ભાંડવા લાગ્યા છતાં, દક્ષિણેશ્વર બાજુ જોઈને તેઓ તેમને નમન કરવા લાગ્યા. યોગિને મીણબત્તીઓ લીધી અને દક્ષિણેશ્વર પહોંચીને ઠાકુરને બધી વાત કરી. શ્રીરામકૃષ્ણે ગિરીશનો પરમ ભક્તિભાવ કેવો છે એ દર્શાવીને યોગિનના મનની શંકા દૂર કરી.
૧૮૮૫ની મધ્યમાં શ્રીરામકૃષ્ણને ગળાનું કેન્સર થયું. એમના પગે પણ સોજો ચડવા લાગ્યો અને . મહેન્દ્રલાલ સરકારે ઠાકુરને રોજ લીંબુંનો રસ પીવા કહ્યું. પોતાના ઘરની વાડીનાં તાજાં લીંબું લાવવાનું કાર્ય યોગિને ઉપાડ્યું. ઠાકુર નિયમિત રસ પીવા લાગ્યા. એક દિવસ એ પી શક્યા નહીં. યોગિનને નવાઈ લાગી. પછી જાણવા મળ્યું કે તે જ દિવસથી એ વાડી પટ્ટે આપવામાં આવી છે અને હવે યોગિનનું કુટુંબ વાડીનું માલિક નથી. પરિણામે માલિકની રજા વગર યોગિને આણેલાં લીંબુંનો રસ ઠાકુર ગળે ઉતારી શક્યા નહીં કારણ એ તો ચોરીનું કૃત્ય થાય.
૧૮૮૫ના સપ્ટેમ્બરમાં શ્રીરામકૃષ્ણને સારવાર માટે કોલકાતા લઈ ગયા. પછી ડિસેમ્બરમાં એમને કાશીપુરમાં ખસેડાયા. યોગિને ઠાકુરની સેવા કરવાનું મુશ્કેલ કાર્ય માથે લીધું. એકવાર ઠાકુરે કોલકાતાથી ખરીદીને પાલોની ખીર, તપખીરનાં ચૂર્ણવાળી ખીર ખાવાની ઇચ્છા વ્યક્ત કરી. યોગિનને એ લાવવા કહ્યું. રસ્તામાં યોગિનને વિચાર્યું કે બજારુ ભેળસેળવાળી ખીરથી ઠાકુરનું દર્દ વકરશે. બલરામને ઘેર જઈને ઘરની સ્ત્રીઓને બધી વાત કરી. યોગિનને જમવા રોક્યા અને પછી ચોક્ખા દૂધની ખીર બનાવી આપી. ખીર સાથે બપોર પછી મોડેથી યોગિન કાશીપુર પહોંચ્યા. ભોજનનો સમય વીતી જતાં શ્રીરામકૃષ્ણે પોતાનું રોજનું ભાણું લઈ લીધું. યોગિન પાસેથી હકીકત જાણીને શ્રીઠાકુરે કહ્યું, ‘મારે પેલી જ દુકાનની ખીર ખાવી હતી માટે મેં તને ત્યાંથી ખરીદી લાવવા કહ્યું. ભક્તોને તકલીફ આપીને ખીર તું શા માટે લાવ્યો ? આ ખીર તો ખૂબ જાડી છે તેથી એ ન પચે. હું એ નહીં ખાઉં.’ પછી ઠાકુરે માતાજીને આજ્ઞા કરી કે, ‘આ બધી જ ખીર ગોપાલની માને ખવડાવવી. ભક્તની આપેલી આ વસ્તુ છે. તેની અંદર ગોપાલ છે. તેના ખાવાથી મારું ખાવાનું પણ થઈ જશે.’
યોગિન પોતાનું સઘળું ભૂલીને પોતાના પ્રાણસ્વરૂપ ગુરુની સેવામાં રત હતા. અતિ પરિશ્રમથી તેઓ બીમાર પડી ગયા. ઠાકુરે દુ :ખપૂર્વક કહ્યું : ‘મારી સેવામાં ખામી ન આવે માટે તમે લોકો તમારી તબિયતનું ધ્યાન રાખતા નથી, પણ જો તમારા બધાની તબિયત બગડશે તો પછી મારી સંભાળ કોણ રાખશે ? છોકરાઓ, તમે ખાવા-પીવાનું આટલું મોડું ન કરો.’ એ પછી ઠાકુર કોઈને પણ કસમયે જમવા દેતા નહીં. ફક્ત ઠાકુરની સેવામાં જ યોગિન તત્પર રહેતા, અવસર મળતાં જ તેઓ આત્મચિંતનમાં જ મગ્ન રહેતા. સ્વામી શિવાનંદે કહ્યું હતું : ‘કાશીપુરમાં અમે એકસાથે જ હતા. યોગિન ખૂબ ધ્યાન કરતો.’
પીડાતા લોકો માટે ઊંડી લાગણી યોગિનના સ્વભાવનું બીજું પાસું હતું. એક વેળા પોતાના ગામડાનો એક માણસ રેલગાડીના અકસ્માતમાં મૃત્યુ પામ્યો અને એનાં બૈરા છોકરાં નિરાધાર બની ગયાં. પોતાના ગુરુભાઈઓને યોગિને આ વાત કહી અને તારકે (સ્વામી શિવાનંદે) તરત જ એ કુટુંબની સહાય માટે યોગિનને ચાળીસ રૂપિયા આપ્યા.
પોતાના ભાવિ સંઘને શ્રીરામકૃષ્ણે કાશીપુરમાં અંતિમ ઘાટ આપ્યો ને નરેન્દ્રને પોતાના શિષ્યોના નેતા બનાવ્યા. એકવાર મોટા ગોપાલ ભગવા કપડાના બાર ટુકડા અને બાર માળાઓ લાવ્યા, ઠાકુરે એ વસ્તુઓને પોતાના શિષ્યોમાં વહેંચી આપી. એમાં યોગિન પણ સમાવિષ્ટ હતા.
કાશીપુરમાં ઠાકુરની સ્મૃતિની સાથે યોગિન બીજી પણ એક રીતે જોડાયેલા હતા. મહાસમાધિના આઠ-નવ દિવસ પહેલાં એક દિવસ ઠાકુરે યોગિનને પંચાંગ લાવીને તેમાંથી બંગીય ૨૫ શ્રાવણથી લઈને દરરોજની તિથિ-નક્ષત્ર વગેરે વાંચી સંભળાવવા આદેશ આપ્યો. તેમણે તે પ્રમાણે શ્રાવણ મહિનાની સંક્રાંતિ સુધીના બધા જ દિવસોનું વિશેષ માહાત્મ્ય વાંચ્યું. ૩૧ શ્રાવણ સુધીનાં તિથિ-નક્ષત્ર વગેરે સાંભળ્યા પછી ઠાકુરે પંચાંગ રાખી દેવા ઈંગિત કર્યું. તે દિવસે શુભ પૂર્ણિમાની રાત્રે ૧ ને ૬ મિનિટે (૧૬મી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૬) ઠાકુર દેહત્યાગ કરી મહાસમાધિમાં લીન થઈ ગયા.
Your Content Goes Here