એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત મન્મથનાથ ઘોષ કોલકાતામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થતા હતા. એ વખતે એમણે એક અદ્‌ભુત દૃશ્ય જોયું. એક ફકીર મોટા અવાજે પ્રાર્થના કરતો હતો, ‘હે પ્રભુ ! તમે આવો, હે પ્રિય, તમે દયા કરીને આવો.’ પ્રાર્થનામાં અંતરની એટલી બધી સાચી ભાવના હતી કે એની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી. એ સમયે શ્રીરામકૃષ્ણદેવ કાલીઘાટથી એ જ રસ્તે પાછા ફરી રહ્યા હતા. એકાએક તેમણે ઘોડાગાડી રોકાવી અને નીચે ઊતરીને દોડીને ફકીરની પાસે આવ્યા. બન્ને એક બીજાને ભેટી પડ્યા અને પ્રેમાશ્રુ વહાવવા લાગ્યા. આ અદ્‌ભુત દૃશ્ય જોઈને બધા આશ્ચર્યમુગ્ધ થઈ ગયા.

ઈ.સ.૧૮૮૫માં ગળાનું કેન્સર થવાથી શ્રીરામકૃષ્ણ દેવને કોલકાતાના શ્યામપુકુર મકાનમાં ૩૧મી ઓક્ટોબરે સવારે લાવવામાં આવ્યા. ત્યાં એક ખ્રિસ્તી સંન્યાસી શ્રી પ્રભુદયાલ મિશ્ર આવ્યા. પાંત્રીસેક વર્ષની ઉંમર, ઘઉંવર્ણાે ચહેરો, વિશાળ આંખો, મોટી દાઢી, હાથમાં છડી, યુરોપિયન વસ્ત્રોમાં સજ્જ એવા આ સંન્યાસીએ શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં પ્રવેશ કર્યો કે તરત જ તેમને આવકાર આપ્યો. વાતચીતના પ્રસંગમાં શ્રી મિશ્રે તુલસીદાસને ટાંકીને કહ્યું, ‘દરેક વ્યક્તિમાં રામ જ રહેલા છે.’ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘એક રામ, તેનાં હજાર નામ. ખ્રિસ્તીઓ જેને ગોડ કહે છે, તેને જ હિન્દુઓ રામ, કૃષ્ણ, ઈશ્વર કે બીજાં નામોથી બોલાવે છે. એક તળાવના અનેક ઘાટ છે. હિન્દુઓ એક ઘાટથી પાણી પીએ છે અને તેને ‘જલ’ કહે છે. ખ્રિસ્તીઓ બીજા ઘાટેથી પાણી પીએ છે અને તેને તેઓ ‘વોટર’ કહે છે; મુસલમાનો વળી ત્રીજા ઘાટેથી પાણી પીએ છે અને તેને તેઓ ‘પાની’ કહે છે. એવી જ રીતે ખ્રિસ્તીઓ માટે જે ‘ગોડ’, તે જ મુસલમાનો માટે ‘અલ્લાહ’ છે.’

ઓરડામાં બેઠેલા બીજા ભક્તોએ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી મિસ્ટર વિલિયમની વાત કરી. તેમણે ગુડ ફ્રાઈડેના દિવસે ૧૮૭૬માં શ્રીરામકૃષ્ણદેવની મુલાકાત લીધી અને એમનામાં તેમણે ઈશુ ખ્રિસ્તનો સાક્ષાત્ આવિર્ભાવ જોયો હતો. શ્રી મિશ્રે કહ્યું, ‘અત્યારે તેમને (શ્રીરામકૃષ્ણદેવને) આમ(માનવ સ્વરૂપે) જુઓ છો, વળી તેઓ જ સ્વયં ઈશ્વર છે. તમે લોકો તેમને ઓળખી શકતા નથી. હું અત્યારે મારી સગી આંખેથી તેમને સાક્ષાત્ જોઈ રહ્યો છું, પણ મેં તેમને એક દિવ્યદર્શનમાં આ પહેલાં જ જોયા હતા. મેં એક બગીચો જોયો, તેમાં તેઓ ઊંચી જગ્યા પર બેઠા હતા. નીચે એક અન્ય વ્યક્તિ બેઠેલી હતી, પણ તે એટલી આગળ વધેલી ન હતી.’ વાતચીત વખતે મિશ્રે પાટલૂન નીચે પહેરેલું ભગવા રંગનું વસ્ત્ર બતાવ્યું અને પોતાની વ્યક્તિગત વાતો કરી. શ્રી મિશ્ર બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. પછીથી ઈશુ ખ્રિસ્તને પોતાના ઇષ્ટદેવ રૂપે સ્વીકારીને ક્વેકર સંપ્રદાયમાં જોડાયા. પોતાના એક ભાઈના લગ્નના દિવસે લગ્નમંડપ ભાંગી પડતાં તે ભાઈ અને તેમનો બીજો એક ભાઈ ત્યાં જ મૃત્યુ પામ્યા. તે જ દિવસે તેમણે સંસારત્યાગ કર્યો.

થોડીવાર પછી શ્રીરામકૃષ્ણદેવે ભાવાવસ્થામાં આવીને મિશ્રને કહ્યું, ‘તમે જેના માટે પ્રયત્ન કરો છો તે અવશ્ય મળશે.’ મિશ્રે શ્રીરામકૃષ્ણમાં પોતાના ઇષ્ટ ઈશુ ખ્રિસ્તને જોયા અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. પછી ભક્તોને તેમણે કહ્યું, ‘તમે લોકો તેમને ઓળખતા નથી. તેઓ ઈશુ ખ્રિસ્ત પોતે જ છે.’

શ્રીરામકૃષ્ણને એવી દિવ્ય અનુભૂતિ થઈ હતી કે વિભિન્ન ધર્મો અને સંપ્રદાયોના લોકો તેમની પાસેથી પ્રેરણા મેળવશે અને પોતપોતાના આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ સાધશે. તેમના જીવનકાળમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયોના કેટલાક અનુયાયીઓ તેમની પાસે આવતા અને તેમની મહાસમાધિ પછી પણ આ ક્રમ ચાલુ છે.

શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અખંડાનંદજી જ્યારે હિમાલયનો પ્રવાસ ખેડી રહ્યા હતા, ત્યારે તેમણે એક મુસલમાનની ચાની દુકાનમાં શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જોયો. સ્વામી અખંડાનંદજીએ આશ્ચર્ય સાથે એ વિશે પૂછ્યું, ત્યારે વૃદ્ધ મુસલમાને જવાબ આપ્યો, ‘મને એ ખબર નથી કે આ કોનો ફોટો છે. હું બજારમાં ગયો હતો અને જે કાગળમાં વસ્તુ વિંટાયેલી હતી તેને ખોલ્યો તો તેમાંથી આ ફોટો નીકળ્યો. તેમની આંખોથી હું મુગ્ધ થઈ ગયો. મને લાગ્યું કે તેઓ અમારા પયગંબર જેવા જ હોવા જોઈએ. એટલે આ ફોટો ફ્રેમ કરીને દુકાનમાં રાખ્યો છે.’ સ્વામી અખંડાનંદજી જ્યારે તિબેટમાં પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે કૈલાસની પાસે છેકરામાં લ્હાસાનો એક ધનવાન ખામ્હા તેમની પાસેનો શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જોઈને ભાવાવસ્થામાં આવી ગયો અને તેને લાગ્યું કે આ તો સાક્ષાત્ ઈશ્વરનાં જ ચક્ષુ છે. તેણે સ્વામી અખંડાનંદજી પાસાથી આ ફોટો માગી લીધો અને દરરોજ તેની પૂજા કરવા લાગ્યો.

૧૯૦૨માં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અભેદાનંદજી મહારાજ ન્યૂયોર્કમાં પોતાના અભ્યાસખંડમાં બેઠા હતા. એ વખતે એક અમેરિકન યુવતીએ પ્રકાશનના કાર્ય માટે ત્યાં પ્રવેશ કર્યો. પ્રવેશતાંની સાથે જ વેદી પર રાખેલ શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જોઈને તે દિઙમૂઢ થઈ ગઈ. તેનું કારણ એ હતું કે થોડા વખત પહેલાં તેણે બોસ્ટનમાં શ્રીરામકૃષ્ણદેવનાં અદ્‌ભુત દિવ્યદર્શન મેળવ્યાં હતાં, પણ એ વખતે એને ખબર ન હતી કે એ હિન્દુ યોગી કોણ હતા. સ્વામી અભેદાનંદજી પાસેથી તેણે તેમના ગુરુ વિશે બધું જાણ્યું, પછીથી એ યુવતીએ સંન્યાસ ગ્રહણ કર્યો અને મિસ લાગ ફ્રેંકલીન ગ્લૈનમાંથી સિસ્ટર દેવમાતા બની ગયાં. તેમણે રામકૃષ્ણ સંઘના વિદેશનાં કેન્દ્રોમાં ઘણી સેવા કરી.

અમેરિકાની બીજી એક યુવતીને પણ સ્વપ્નમાં એક ભારતીય યોગીનાં દર્શન થયાં હતાં. આ ઘટના સ્વામી વિવેકાનંદના અમેરિકાપ્રવાસ પહેલાંની છે. ઘણાં વરસો સુધી તે આ યોગીની શોધના કરતી રહી પણ તેમાં સફળતા ન મળી. વિવાહ પછી તે ન્યૂયોર્ક પાસે ન્યૂજર્સીના મોન્ટક્લેયરમાં રહેવા આવી. સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનો સાંભળીને તે વેદાન્તની અનુયાયી બની. રામકૃષ્ણ સંઘના અનુયાયીઓ તેના ઘરની મુલાકાત લેતા. એકવાર સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી સારદાનંદજીએ વાતચીતના પ્રસંગમાં પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવનો ફોટો બતાવ્યો, ત્યારે તે યુવતી બોલી ઊઠી, ‘ઓહ ! આ તો એ જ ચહેરો છે !’ પછી તેણે પોતાનાં દિવ્યદર્શનની સ્વામી સારદાનંદજીને વાત કરી. આ મહિલા શ્રીમતી વ્હીલર જીવનભર શ્રીરામકૃષ્ણદેવનાં પરમ ભક્ત રહ્યાં.

શ્રીરામકૃષ્ણદેવને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં, પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્માચાર્યો અને વિદ્વાનો અને એમાંય વિશેષ કરીને ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસિહા’ રૂપે સ્વીકારી રહ્યા છે. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં ભિન્ન ભિન્ન ધર્મોની સાધના કરી અને તેમના પરમ લક્ષ્યની સિદ્ધિ પણ હાંસલ કરી. ત્યારબાદ પોતાના અનુભવના આધારે તેમણે કહ્યું, ‘જેટલા મત, તેટલા પથ. બધા જ ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે, પછી ભલે એના પથ જુદા જુદા હોય.’

ક્લેડ એલન સ્ટાર્ક પોતાના પુસ્તક “The God of All” માં આલેખન કરે છે કે ‘શ્રીરામકૃષ્ણદેવનો સર્વધર્મ પ્રત્યેનો ઉદાર દૃષ્ટિકોણ જે ઈશ્વરના સાક્ષાત્ અનુભવ પર આધારિત છે તે ધર્મોની વિવિધતાની સમસ્યાના સમાધાન માટે એક વ્યાવહારિક સિદ્ધાંત પ્રસ્તુત કરે છે.’

બોસ્ટન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ફ્રાન્સિસ ક્લૂનીએ લખ્યું છે, ‘શ્રીરામકૃષ્ણ બીજા ધર્મના અનુયાયીઓ સાથે રહીને ખ્રિસ્તી ધર્મને સાચવવાનો એક આધાર પ્રસ્તુત કરે છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે આપણે ઈશુ તરફ જેટલી તીવ્ર ગતિથી યાત્રા કરીશું, એટલા જ વધારે આપણે તે સમજી શકીશું કે ઈશુ એમ ઇચ્છતા હતા કે આપણે આપણા ધર્મોના ઘેરામાંથી બહાર નીકળીને એમને શોધીએ.’ આ જ વિશ્વવિદ્યાલયના પ્રોેફેસર મોહમ્મદ દાઉદ રાહબરે લખ્યું છે, ‘સદીઓની ગુલામીની અવધિમાં હિંદુઓના ધાર્મિક વિચારોને મુસલમાનો તથા ઈસાઈઓએ હીન દૃષ્ટિભાવથી જોયા છે. રાજનૈતિક સ્વતંત્રતા મેળવ્યા બાદ આ સ્થિતિ બદલાઈ ગઈ અને હિન્દુઓના ધાર્મિક પ્રયત્નોની તીવ્રતાએ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. શું સીધા અને સરળ શ્રીરામકૃષ્ણ પોતાની રીતે પૂર્ણ વૈજ્ઞાનિક ન હતા ? એમના પવિત્ર જીવનમાં આપણે ધર્મ અને વિજ્ઞાનનો એક સમન્વય જોઈ શકીએ છીએ.’

કોલકાતાના હોસૈનૂર રહેમાન પોતાના પુસ્તક “Shri Ramkrishna : The Symbol of Harmony of Religions” માં વિસ્તારથી આલેખે છે કે શ્રીરામકૃષ્ણ સાર્વજનિક સુસંવાદિતાનું ઊગમસ્થાન છે.

આજે આપણે અત્યંત કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, જેમાં હિન્દુઓ અને બિનહિન્દુઓ એક જ પરમ ચૈતન્યની આરાધનામાં હાથ મિલાવે, એવું ધર્મમંદિર બનાવવાની તાતી જરૂરિયાત છે. આ પ્રેરણા આપણને શ્રીરામકૃષ્ણદેવ પાસેથી મળશે. પ્રખ્યાત પાશ્વાત્ય વિદ્વાન પ્રો. મેક્સમૂલર શ્રીરામકૃષ્ણ વિશેના પોતાના લેખમાં લખે છે : ‘શ્રીરામકૃષ્ણનાં વચનો દ્વારા કેવળ એમની જ વિચારધારા આપણી સમક્ષ પ્રગટ થતી નથી, પરંતુ કરોડો માનવીઓની શ્રદ્ધા અને આશા પ્રગટ થયાં છે, એટલે એ દેશના ભાવિ વિશે આપણને ખરેખર આશા બંધાય છે…. ઈશ્વર હાજરાહજૂર છે એવો સતત વહેતો ભાવ એ જ ખરેખર તો એવી સર્વસામાન્ય ભૂમિકા છે કે જેની ઉપર નજીકના કાળમાં ભવિષ્યનું મહાન ધર્મમંદિર રચાશે. અને એ મંદિરમાં હિન્દુઓ અને બિનહિન્દુઓ એક જ પરમચૈતન્યની આરાધનામાં હાથ મિલાવશે અને અનેક હૃદયોને જોડશે, એવી આપણે આશા રાખી શકીએ.’

શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે તેમનાં ચરણોમાં એ જ પ્રાર્થના કે આપણે તેમના જીવનસંદેશમાંથી પ્રેરણા લઈને ‘જેટલા મત તેટલા પથ’ એ વાણીનો સ્વીકાર કરીને આવા મહાન ધર્મમંદિરના નિર્માણકાર્યની સાધનામાં પ્રવૃત્ત થઈ શકીએ.

 

Total Views: 261

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.