સ્વામી અખંડાનંદે સારગાચ્છીના અનાથ બાળકો માટે આજીવન નિષ્કામભાવે સેવાકાર્ય કર્યું હતું.

સ્વામી અખંડાનંદને અનુલક્ષીને સ્વામીજીએ શિષ્યને કહ્યું : ‘જો આ કેવા કર્મવીર છે ! ભય, મૃત્યુ વગેરેને તે જાણતા નથી. પોતાનું કામ ખંતથી કર્યે જાય છે. તેમનું કામ એટલે અનેકનું કલ્યાણ, અનેકને સુખ સંપડાવવું તે.’

શિષ્ય : સ્વામીજી ! આ શક્તિ ઘણી તપશ્ચર્યાને અંતે તેમને પ્રાપ્ત થઈ હોવી જોઈએ.

સ્વામીજી : ખરી વાત છે; શક્તિ તપશ્ચર્યામાંથી જ મળે છે. પણ બીજાને માટે કાર્ય કરવું તે જ તપ છે.કર્મયોગી કર્મને જ તપશ્ચર્યાનું અંગ લેખે છે. જેમ એક બાજુ તપશ્ચર્યા ભક્તમાં જનકલ્યાણની ભાવના વધારે છે અને તેને નિષ્કામ કર્મ કરવા પ્રેરે છે, તેમ બીજા માટે કરેલું કર્મ તે કરનારને તપશ્ચર્યાનું અંતિમ ફળ એટલે કે ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરાવે છે અને એ રીતે પરમાત્માના સાક્ષાત્કારને પંથે લઈ જાય છે.

શિષ્ય : પણ સ્વામીજી ! આપણામાંના કેટલા થોડા માણસો શરૂઆતથી જ અંત :કરણપૂર્વક બીજા માટે કામ કરી શકે છે ! પોતાના સુખની ઇચ્છાનો ત્યાગ કરી અન્ય માટે પોતાનું જીવન અર્પણ કરવાની આવી ઉદારતા મેળવવી કેટલી કઠિન છે !

સ્વામીજી : અને તપશ્ચર્યા તરફ પણ કેટલાનાં મન જાય છે ? કામ અને કાંચનનું આકર્ષણ અન્ય માર્ગે લઈ જતું હોય ત્યાં કેટલાને ઈશ્વરપ્રાપ્તિની ઇચ્છા થાય ? ખરેખર તો નિષ્કામ કર્મ એ પણ તપશ્ચર્યા જેટલું જ કઠિન છે. તેથી જે લોકો બીજા માટે કર્મ કર્યે જાય છે તેમની વિરુદ્ધ તમને કંઈ કહેવાનો અધિકાર નથી. જો તમને તપશ્ચર્યા પસંદ હોય તો ભલે તે કર્યા કરો; બીજાને કદાચ કર્મ અનુકૂળ લાગતું હોય તો તેના પર પ્રતિબંધ મૂકવાનો તમને અધિકાર નથી. તારા મનમાં આ વિચાર જાણે ઘર ઘાલી બેઠો લાગે છે કે કામ કરવું એ તપશ્ચર્યા જ નથી!

શિષ્ય : હા જી ! આ પહેલાં હું પણ તપશ્ચર્યાનો અર્થ સાવ જુદો જ સમજતો હતો.

સ્વામીજી : જેમ આપણી સાધના કરતાં કરતાં ધીરે ધીરે તે માટે આપણામાં એક જાતનું દૃઢ વલણ બંધાય છે, તેમજ વારંવાર નિ :સ્વાર્થ કર્મ કરવાથી આપણને ધીરે ધીરે જણાશે કે આપણી ઇચ્છા તેમાં મળી જાય છે. બીજાઓને માટે કામ કરવાની વૃત્તિ આમ વિકાસ પામે છે, સમજ્યો ? પ્રથમ ભલે ઇચ્છા વિરુદ્ધનું લાગે, પણ આવું કર્મ કરી જો અને પછી ખાતરી કર કે તપશ્ચર્યાનું ખરું ફળ મળે છે કે નહિ. બીજા માટે કર્મ કરવાથી મનને ખૂંચે તેવી વૃત્તિઓ સુંવાળી બની જાય છે અને માણસ બીજાના કલ્યાણ માટે અંત :કરણપૂર્વક આત્મબલિદાન આપવા ધીરે ધીરે તૈયાર થાય છે.

શિષ્ય : પણ સ્વામીજી ! બીજાનું ભલું કરવાની આવશ્યકતા શી છે ?

સ્વામીજી : પોતાના જ કલ્યાણ માટે એ જરૂરી છે. જે શરીરને આપણે અહંકાર સાથે અભેદ માનીએ છીએ તે શરીર બીજાની સેવા માટે છે એમ જ્યારે આપણે વિચારતા થઈએ ત્યારે આપણે અહંકારને ભૂલી જઈએ છીએ અને લાંબે ગાળે વિદેહી દશાનું ભાન પેદા થાય છે. જેમ જેમ તમે વધુ તીવ્રતાથી બીજાના કલ્યાણનો વિચાર કરો તેમ તેમ તમારી જાતને વધારે વીસરતા જાઓ છો. આ પ્રમાણે જેમ જેમ તમારું હૃદય કર્મથી પવિત્ર બનશે તેમ તેમ તમને તમારો આત્મા સર્વ પ્રાણીઓ અને સઘળી વસ્તુઓમાં ઓતપ્રોત છે, એ સત્યનું ભાન થશે. આમ બીજાનું કલ્યાણ કરવું એ પોતાના આત્માને પ્રગટ કરવાનો એક ઉપાય છે. આને પણ આધ્યાત્મિક સાધનાના એટલે કે ઈશ્વરપ્રાપ્તિના એક ઉપાય તરીકે જાણવો જોઈએ. તેનું લક્ષ્ય પણ આત્મસાક્ષાત્કાર છે. જેમ તે ધ્યેય જ્ઞાન અને ભક્તિથી સિદ્ધ થાય છે, તેમ જ તે બીજાઓને માટે કર્મ કરવાથી પણ સિદ્ધ થાય છે.

શિષ્ય : પરંતુ સ્વામીજી ! જો હું રાતદિવસ બીજાઓ વિશે જ વિચાર કર્યા કરું તો હું આત્મા વિશે ક્યારે ચિંતન કરી શકું ? જો હું કોઈ વિશિષ્ટ સાપેક્ષ વસ્તુમાં જ રચ્યોપચ્યો રહું તો નિરપેક્ષ આત્માનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકું ?

સ્વામીજી : સર્વ સાધનાઓનું, તમામ આધ્યાત્મિક માર્ગાેનું સર્વોચ્ચ લક્ષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જો તમે બીજાઓની સેવામાં નિમગ્ન રહીને તથા એવાં કર્મો દ્વારા ચિત્તશુદ્ધિ મેળવીને સર્વ પ્રાણીઓ આત્મા છે એવી ભાવના કેળવી શકો તો આત્મસાક્ષાત્કાર માટે પ્રાપ્ત કરવાનું બીજું શું બાકી રહે ? શું તું એમ કહે છે કે આત્મજ્ઞાન એટલે આ દીવાલ કે આ લાકડાના ટુકડા જેવી જડ સ્થિતિ છે ?

શિષ્ય : એવો જો કે અર્થ નથી, તેમ છતાં જેને શાસ્ત્રો આત્માને પોતાના સ્વરૂપમાં પાછો લાવવો એમ કહે છે, તેનો ઉપાય તો છે મનની સર્વ વૃત્તિઓનો અને કર્મોનો નિરોધ.

સ્વામીજી : બરાબર છે. શાસ્ત્રો જે આ સમાધિની વાત કરે છે તે પ્રાપ્ત કરવી સહેલી નથી. જ્યારે ક્વચિત્ એ અવસ્થા કોઈનામાં દેખાય છે, ત્યારે પણ જો તે લાંબો સમય ટકતી નથી, તો માણસ કયા કામમાં લાગી રહેશે? એની શી પ્રવૃત્તિ રહેશે ? માટે જ શાસ્ત્રમાં બતાવેલી સ્થિતિએ પહોંચ્યા પછી સાધક બધાં પ્રાણીઓમાં આત્માને જ જુએ છે અને તેવા ખ્યાલ સાથે સેવાના કાર્યમાં મગ્ન રહે છે, જેથી આ શરીર દ્વારા જે કોઈ પણ પ્રારબ્ધ કર્મ બાકી રહેલું હોય તે પૂરું થાય. શાસ્ત્રો જેને ‘જીવન્મુક્તિ’ તરીકે વર્ણવે છે તે આ છે.

શિષ્ય : તો પછી સ્વામીજી ! છેવટે તો એમ થયું કે જ્યાં સુધી જીવન્મુક્તિની સ્થિતિએ પહોંચાય નહીં ત્યાં સુધી અન્ય માટેનું કામ ખરી રીતે કરી શકાય જ નહીં.

સ્વામીજી : હા; શાસ્ત્રો તેમ કહે છે ખરાં. પણ તેઓ એમ પણ કહે છે કે બીજાના કલ્યાણ માટેનું કર્મ કે સેવા આ જીવન્મુક્તિની સ્થિતિએ લઈ જાય છે. એમ ન હોત તો શાસ્ત્રોમાં જે કર્મયોગ કહેવાય છે તે જુદો ધર્મમાર્ગ આપણને શીખવવાની જરૂર જ ન રહે.

શિષ્ય હવે મુદ્દો સમજી ગયો અને ચૂપ થયો. સ્વામીજીએ વાત પડતી મૂકી અને ‘દુ :ખી બ્રાહ્મણીના ખોળામાં સૂતેલો તું કોણ છે ?’ તે ચરણથી શરૂ થતું ગિરીશબાબુએ શ્રીરામકૃષ્ણની જન્મતિથિની યાદગારી માટે રચેલું ગીત અસામાન્ય મીઠા સ્વરે ગાવું શરૂ કર્યું.

 

Total Views: 316

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.