‘અમરિત કી બરખા’ નામના કાવ્યમાં શ્રી વિમલા ઠકાર કહે છે
જીવનની આ અજસ્ર ધારા,
જન્મમાં શ્વાસ, મૃત્યુમાં ઉચ્છ્વાસ લેતી,
છોડતી અમૃત વહાવે છે.

જન્મમરણના તરંગોમાં
અજર અમર જીવન છલકાવે છે.

યુવાન મિત્રો, પોતાના જીવનમાં અમૃત છલકાવવું ઘણું મુશ્કેલ કાર્ય છે. પણ કોઈ વીરલા આ કાર્ય કરીને આપણને મંત્રમુગ્ધ બનાવી દે છે. આપણા સૌની ભીતર પણ આવી અદ્‌ભુત શક્તિ રહેલી છે. આવા વીરલા જીવનનાં ઘોર અંધારાંને ભેદનાર પ્રકાશપુંજ આપણી સમક્ષ પાથરી દે છે. પણ એ માટે જરૂર છે ઘરના આંગણેથી મળતા અમૂલ્ય વારસાની. માતપિતા આપણા જીવનને માટીના માટલાની જેમ ઘડીને ઘાટ આપે છે. આ ઘાટ આપ્યા પછી એને બરાબર તાવે-તપાવે છે. પછી જ એમાંથી ઠંડા પાણીનું માટલું બને છે. આ ઠંડારક માટલું પોતે તો માણે છે, સાથે ને સાથે બીજાનેય શીતળ કરે છે, એમનાં હૈયાંને ઠારે છે, નવો માર્ગ દેખાડે છે, નવી આશા-અપેક્ષાઓ જગાડે છે.

૧૮૭૯ના ફેબ્રુઆરી માસની ૧૩મી તારીખે હૈદરાબાદમાં જન્મેલાં સરોજિની નાયડૂ આવી આશા-અપેક્ષાઓ સેવતાં હતાં. તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતાં અને પોતાના મધુર કંઠને કારણે ‘ભારત કોકિલા’ના નામે સુપ્રસિદ્ધ બન્યાં હતાં. ચાલો, આજે આપણે એમના જીવનની કેટલીક વાતો જાણીએ અને આપણે એ વાતોને, એ વિચારો કે આદર્શાેને આપણા જીવનમાં ઝીલીએ અને જીવી બતાવીએ.

એમના પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય મહાન વિદ્વાન પંડિત હતા. સરોજિની એમના પિતા વિશે આવું લખે છે કે સમગ્ર ભારતમાં એવી વ્યક્તિઓ બહુ ઓછી હશે કે જે વિદ્વત્તામાં એમનાથી વધારે ચડિયાતી હોય. હું એ પણ માનતી નથી કે મારા પિતાથી અધિક સ્નેહી બીજી કોઈ વ્યક્તિ હોય.

એનો અર્થ એ થયો કે એમના પિતાનાં વિદ્વત્તા, પાંડિત્ય અને સ્નેહ અમૂલ્ય લાભ સરોજિનીને મળ્યો હતો. તેમના પિતાએ હૈદરાબાદમાં નિઝામ કોલેજની સ્થાપના કરી હતી. એમને અંગ્રેજી ભાષા પ્રત્યે ઘણો અહોભાવ હતો. એટલે જ સરોજિનીને તેઓ બાળપણથી જ અંગ્રેજી શીખવતા રહ્યા. આજથી ૧૪૦ વર્ષ પહેલાં ભારતમાં દીકરીઓને ભણાવવી એ અયોગ્ય અને અવાંચ્છિત ગણાતું. એટલે છોકરીઓ શિક્ષણથી વંચિત રહેતી. આવા વિષમ સમયે પણ એમના પિતા સરોજિનીને ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રેરણા આપતા રહ્યા. પરિણામે સરોજિની અંગ્રેજી ભાષામાં એટલાં નિપુણ બની ગયાં કે તેઓ પોતાનાં કાવ્યો અંગ્રેજી ભાષામાં લખતાં. એમને માટે અંગ્રેજી ભાષા પિતાનાં પ્રેરણા, પ્રયાસ અને પ્રશિક્ષણને લીધે માતૃભાષા સમાન બની ગઈ હતી.

મિત્રો, ગુજરાતમાં આપણે સૌ માતૃભાષાને ભોગે અંગ્રેજી માધ્યમમાં આંધળંૂકિયાં કરીએ છીએ. પણ આપણે જોયું કે સરોજિનીના પિતાએ જે વાતાવરણ ઊભું કર્યું એવું જ વાતાવરણ આપણા ઘરમાં આપણાં માતપિતા ઊભું કરી શકતાં હોય તો આપણું સાચું કલ્યાણ થાય.

‘પુત્ર કે પુત્રીનાં લક્ષણ પારણામાંથી’ એ પ્રમાણે સરોજિની નાનપણથી જ પ્રતિભાસંપન્ન હતાં. કવિતા રચવાની પ્રેરણા એમને કેવી રીતે મળી, તેની એક રોચક ઘટના છે. એ સમયે તેઓ લગભગ અગિયાર વર્ષનાં હતાં. તેઓ બીજગણિતના દાખલા ગણતાં હતાં. એમાં એક પ્રશ્નનો તેઓ ઉકેલ શોધતાં હતાં. ઘણા પ્રયત્નો કર્યા પણ ઉકેલ જડતો ન હતો. બરાબર એ જ સમયે એમના મનમાં એક કવિતાનું સ્ફૂરણ થયું. એ સાથે એમણે એક લાંબી કવિતા રચી. બસ, આ ઘડીથી એમના કાવ્યજીવનની શરૂઆત થઈ. ૧૩ વર્ષની ઉંમરે એમણે ૬૦૦ પંક્તિની ‘લેડી ઓફ ધ લેય્ક’ નામની કવિતા છ દિવસમાં જ લખી નાખી. મિત્રો, ક્યાંક મળે તો વાંચજો અને વિચારજો કે તમે આવું કંઈક કરી શકો ખરા ?

શાળામાં હું આચાર્ય હતો. દરરોજ પ્રાર્થનામાં જીવનઘડતરની વાતો કરતો અને કરાવતો. આવી વાતો શોધી લાવતો અને વિદ્યાર્થીઓ પાસે એમની શોધના પણ કરાવતો. અમેરિકામાં વસતી એક નવ વર્ષની બાળકીએ લખેલું એક કાવ્ય ‘કવિતા’ નામના સામયિકમાં પ્રસિદ્ધ થયું હતું, એ કાવ્ય મેં અંગ્રેજીમાં વાંચ્યું અને પછી તેનો ગુજરાતી અનુવાદ પણ કર્યો. પછી મેં એવી ઉદ્ઘોષણા કરી કે ભગવાને તમારામાં પણ આ શક્તિ આપી છે. તમે પણ એને જગાડૉ. આવતી કાલે આ ૧૨૦૦ છાત્રોમાંથી કોઈ એક વીરલો જાગશે ?

બીજે દિવસે ધોડાદ્રા નામે એક તેજસ્વી વિદ્યાર્થી પ્રાર્થનામાં આવ્યો અને એણે પોતે રચેલી કાવ્યરચના વાંચી. વિદ્યાર્થીઓના આશ્ચર્યનો પાર ન રહ્યો. પણ ત્રીજે દિવસે મેં આપેલા કેટલાક વિષયો પર જ્યારે પંદરવીસ વિદ્યાર્થીઓએ પોતાની કાવ્યરચનાઓ વાંચી ત્યારે મને થયું કે વિદ્યાર્થીઓની ભીતર આ સુષુપ્ત શક્તિ હોય જ છે, માત્ર તેને જગાડવાની જરૂર છે.

૧૮૯૫માં સોળ વર્ષની ઉંમરે સરોજિની વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયાં. એમના પિતાની ઇચ્છા હતી કે તે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે. ત્યાં બી.એ. ર્ક્યા પછી કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયમાં આગળ અભ્યાસ માટે ગયાં અને પછી ભારત પાછાં આવ્યાં.

ભારતમાં આવ્યા પછી તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માંડ્યાં. તેઓ પહેલેથી જ સુપ્રસિદ્ધ હતાં. તેમની ભાષણકળા અદ્‌ભુત હતી. તેમની વાક્છટાથી લોકો અંજાઈ જતા. એમનું ભાષણ સાંભળવા વિદ્યાર્થીઓ, નેતાઓ આતુર રહેતા. પોતાના કાર્યક્રમોમાં વક્તવ્ય આપવા વિદ્યાર્થીઓ તેમને નિમંત્રણ આપતા રહેતા. વિદ્યાર્થીઓને સંબોધતાં મદ્રાસની પચયપ્પા કોલેજમાં તેમણે કહ્યું હતું, ‘તમારા પર ઘણી આશાઓ આ દેશ રાખે છે. તમારા પર મહાન કર્તવ્યોનો બોજો છે. કાર્યો દ્વારા એ કર્તવ્યોને પૂરાં કરવાની જવાબદારી તમારા ખભે છે. તમે કોણ છો, ક્યાંના છો એની ચિંતા કરવાની જરૂર નથી. રસ્તાની સફાઈ કરતો સફાઈ કામદાર પણ દેશભક્ત બની શકે છે. તે આપને સદૈવ પ્રેરે છે, એમની ભીતર પ્રેરણા આપનાર આત્માને આપ જોઈ શકો છો. આપ સૌમાંથી કોઈ તુચ્છ કે ઉપેક્ષિત નથી.’

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢ નિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત તથા પદદલિત લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં, સિંહના જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં એક લાખ સ્ત્રીપુરુષોએ દેશના એક છેડાથી બીજા છેડા સુધી ઘૂમી વળવું જોઈએ.’ (અભયવાણી પૃ.૧૩૨)

આજે પણ આવા જ નિ :સ્વાર્થ, પરાક્રમશીલ, સિંહમર્દ યુવાનોની આ દેશને જરૂર છે. જો એવું થશે તો સરોજિની નાયડૂના અને સ્વામીજીના સ્વપ્નને સાકાર થતું આપણે જોઈ શકીશું.

એ સમયે વિદ્યા અને અન્ય ક્ષેત્રોમાં ભારતીય મહિલાઓને નહિવત્ અધિકારો હતા. સ્ત્રીઓને પણ પુરુષ સમાન મતાધિકાર મળે એ માટે સરોજિની નાયડૂએ આંદોલન ચલાવ્યું અને એમાં સફળતા પણ મેળવી.

સરોજિની નાયડૂ મહાત્મા ગાંધીને પોતાના ગુરુ માનતાં હતાં. સાહિત્યના ક્ષેત્રમાં એમનું મોટું પ્રદાન છે. ભારત અને વિદેશના મહાન કવિઓ પણ તેમની કવિતાની પ્રશંસા કરતા. દેશના લોકો માટે એમણે પોતાના વૈભવપૂર્ણ જીવનનો ત્યાગ કર્યો. ૨જી માર્ચ, ૧૯૪૯ના રોજ તેમનું અવસાન થયું. સૌ કોઈને માટે આદર અને પ્રેરણાનું સ્થાન એવાં શ્રી સરોજિની નાયડૂને શત શત પ્રણામ હજો !

Total Views: 334

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.