૧૪મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ BAPS (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંઘ)ના પ્રમુખશ્રી પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાના સંઘના કેટલાક સંન્યાસીઓ સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. સંતો સાથે તેઓશ્રી સૌ પ્રથમ શ્રીરામકૃષ્ણ મંદિરના ગર્ભગૃહમાં દર્શનાર્થે ગયા હતા અને ત્યાં શ્રીઠાકુરને પુષ્પમાળા તથા પુષ્પાંજલી અર્પણ કર્યાં હતાં. મંદિરના પવિત્ર, શાંત અને આધ્યાત્મિકભાવને પ્રેરતા પરિવેશથી તેઓ ખૂબ પ્રસન્ન થયા હતા. આશ્રમના પરિસરમાં બધા સંતો સાથે પૂજ્ય મહંત સ્વામી ફર્યા હતા અને ‘વિવેકાનંદ બૂક વર્લ્ડ’ની મુલાકાત લીધી હતી. તેઓએ અહીંનાં ગુજરાતી પ્રકાશનો, હિન્દી તેમજ અંગ્રેજી પ્રકાશનોની સારો એવો સમય ફાળવીને નોંધ લીધી હતી. ત્યાર પછી બન્ને સંસ્થાના સંન્યાસીઓ એકી સાથે મુલાકાતીઓ માટેના વિશેષ ખંડમાં સત્સંગ માટે એકત્રિત થયા હતા.
મહંત સ્વામીએ પોતાના આશીર્વચનમાં કહ્યું હતું : ‘રામકૃષ્ણ મઠ અને મિશન પોતાના પ્રારંભકાળથી સર્વાંગીણ માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. આવી પ્રવૃત્તિઓ આ સંસ્થા વધુ ને વધુ વિકસાવતી રહે તેવી હાર્દિક પ્રાર્થના પણ કરું છું. આ બન્ને સંસ્થાઓ સમગ્ર માનવ સમાજના પ્રેયસ અને શ્રેયસ માટે પ્રયત્નશીલ છે એ ખરેખર ગૌરવની વાત છે.’ તેઓએ સાથે ને સાથે BAPSની વિવિધ માનવ કલ્યાણકારી પ્રવૃત્તિઓની વાત પણ કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો : ‘યોગીજી મહારાજના વખતમાં રામકૃષ્ણ સંઘના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી સાથે મુલાકાત થઈ હતી, ત્યારથી માંડીને આજ સુધી આશ્રમ સાથે અમારો નિકટનો સંબંધ રહ્યો છે.’ બન્ને સંસ્થાના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓનો પરિચયવિધિ પણ થયો હતો. તા. ૫મી ડિસેમ્બરથી ૧૫મી ડિસેમ્બર સુધી યોજાયેલ પ્રમુખ સ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતી મહોત્સવના રૂપે સ્વામિનારાયણ નગરની મુલાકાત સ્વામી પ્રભુસેવાનંદજી અને બ્રહ્મચારી મૈનાકે લીધી હતી.
તા. ૧૨મી ડિસેમ્બરના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલશ્વરાનંદજીએ સ્વામિનારાયણ નગરના કાર્યક્રમમાં પ્રવચન આપ્યું હતું. તે વખતે મહંત સ્વામી મહારાજે તેમનું સન્માન કર્યું હતું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ મહંત સ્વામીજીને આશ્રમની મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ આપ્યું હતું.
સામાન્ય રીતે BAPSના સંન્યાસીઓ પોતાની સંસ્થા સિવાય ક્યાંય ભોજન લેતા નથી. અહીં આવીને અપવાદ રૂપે મહંત સ્વામી અને તેમની સાથે આવેલા સંન્યાસીઓએ આશ્રમમાં પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
તેમણે આશ્રમની નોંધપોથીમાં આવી નોંધ લખી છે :
‘અમારી બન્ને સંસ્થા એટલે કે રામકૃષ્ણ મઠ અને મિશન અને BAPS માનવકલ્યાણની પ્રવૃત્તિઓ સમગ્ર વિશ્વમાં કરી રહી છે. રામકૃષ્ણ મઠ અને મિશનની પ્રવૃત્તિઓ સમગ્ર વિશ્વમાં વધારે ને વધારે વ્યાપતી રહો એવી શુભેચ્છા પાઠવું છું.
આ સંસ્થા નિ :સ્વાર્થ સેવા તેમજ સર્વકલ્યાણની ભાવનાને સદૈવ પ્રસરાવતી રહે તેવી શુભેચ્છા. શ્રીરામકૃષ્ણ આશ્રમના બધા સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને ભક્તજનો પર પ્રભુની અમીકૃપા રહો તેવી પ્રાર્થના…
પ. પૂ. મહંત સ્વામી મહારાજ
સાધુ કેશવજીવનદાસજી’
Your Content Goes Here