કેન્સર આજે પણ મહારોગ ગણાય છે. જો કે કેન્સરની વિવિધ દવાઓ અને ચિકિત્સા પદ્ધતિઓને લીધે હવે ‘કેન્સર એટલે કેન્સલ’ એવો ભય ટળી ગયો છે. કેન્સર થયા પછી દવાની સાથે આહાર પણ ઉપચાર જેટલો જ અગત્યનો છે. આહારનો ફાળો કેન્સર અટકાવવા માટે પણ ખૂબ અગત્યનો છે.

કેન્સર એટલે બીજું કંઈ નહીં પણ કોષોની અનિયંત્રિત વૃદ્ધિ. એ આગળ જતાં કેન્સરની ગાંઠમાં પરિણમે છે. આપણા શરીરમાં ચયાપચયની પ્રક્રિયાઓને અંતે ઉત્પન્ન થતાં ફ્રી-રેડીકલ્સ કેન્સર થવા માટે કારણભૂત હોય છે. જે લોકો સ્મોકીંગ કરતા હોય, મદિરાપાન કરતા હોય કે કોઈપણ સ્વરૂપે તમાકુનું સેવન કરતા હોય, તેમનામાં ફ્રી-રેડીકલ્સની માત્રા ઝડપથી વધે છે. પ્રદૂષણયુક્ત વાતાવરણ પણ શરીરમાં ફ્રી-રેડીકલ્સ વધારે છે. હવે કેન્સર થવા અને અટકાવવા માટે આહાર કેવો ભાગ ભજવે છે એ સમજીએ. જ્યારે આપણે કોઈ પણ કારણસર વિટામીન એ, સી અને ઈથી સમૃદ્ધ આહાર ન લઈએ ત્યારે શરીરમાં આ વિટામીનોની ઊણપ સર્જાય છે. આ ત્રણ વિટામીન કેન્સર અટકાવવા માટે શા માટે અગત્યનાં ગણાય છે, એ પણ જોઈ લઈએ. અગાઉ વાત કરી કે કેન્સરકારક ફ્રી-રેડીકલ્સની અસર ઘટાડવા કે નાબૂદ કરવા આ ત્રણેય વિટામીન અગત્યનો ભાગ ભજવે છે. આ ત્રણેય વિટામીન એન્ટીઓક્સિડંટ્સ તરીકે વર્તે છે. જો શરીરમાં લાંબો સમય એન્ટીઓક્સિડંટ્સ પ્રકારના વિટામીનની કમી રહે તો શરીરમાં ફ્રી-રેડીકલ્સની માત્રા વધે છે અને કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

કેન્સરની શરૂઆત હોય ત્યારે પણ એન્ટીઓક્સિડંટ્સથી ભરપૂર આહાર લેવાથી કેન્સરની અસરો ધીમી પાડી શકાય છે. તાજી લીલી ભાજી, ટમેટાં, કેરી-સંતરાં-લીંબુ-આમળાં જેવાં તાજાં ફળો, લીલી ચા વગેરે એન્ટીઓક્સિડંટ્સનો ભંડાર છે. લીલી ભાજી અને લીલા રંગનાં શાક બીટા કેરોટીન (વિટામીન એ નું પૂર્વ સ્વરૂપ)નો ભંડાર હોય છે. એ જ રીતે કોળું, કેરી, ટમેટાં, ગાજર જેવાં પીળાં-કેસરી ફળો પણ વિટામીન એ (બીટા કેરોટીન)નો ભંડાર છે. ટમેટાંમાં લાયકોપીન નામનું એક વિશિષ્ટ એન્ટીઓક્સિડંટ હોય છે. આ લાયકોપીન અગત્યનું એન્ટીકેન્સર છે. દરેક પ્રકારનાં ખાટાં ફળો એસ્કોર્બિક એસીડ એટલે કે વિટામીન સીમાં સમૃદ્ધ હોય છે. કેન્સર થતું અટકાવવા માટે અને કેન્સર થયા પછી પણ આ વિટામીન અને એન્ટીઓક્સિડંટ્સથી સમૃદ્ધ આહાર ફાયદાકારક નીવડે છે. વિટામીન ઉપરાંત માઈક્રો મિનરલ તરીકે ઓળખાતા ખનીજક્ષારો જેવા કે આયર્ન, કોપર, સેલિનિયમ, ઝિંક અને મેંગેનીઝ પણ ખૂબ અગત્યના છે.

હવે આપણે એ જોઈએ કે કયું વિટામીન કે કયા ખનીજક્ષાર કયા કેન્સર માટે વિશેષ ઉપયોગી છે. વિટામીન સી પાચનતંત્ર ખાસ કરીને મોં, અન્નનળી, જઠર અને આંતરડાના કેન્સરના અટકાવ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. બીટા કેરોટીન કે વિટામીન એમાં સમૃદ્ધ આહાર ખાસ કરીને શ્વસનતંત્રનાં અંગો જેવાં કે ગળું, શ્વાસનળી અને ફેફસાનાં કેન્સર સામે રક્ષણ આપે છે. એવા ઘણા અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે ધૂમ્રપાન કરતા કે તમાકુનું સેવન કરતા લોકો પણ જો બીટા કેરોટીન અને વિટામીન સી પ્રચૂર માત્રામાં લે તો કેન્સર થવાની શક્યતા ઘટી જાય છે. બીટા કેરોટીનના સમૃદ્ધ સ્રોતોમાં લીલી ભાજી, સરગવાનાં પાન, અળવીનાં પાન, ધાણાભાજી, પીળાં ફળો જેવાં કે પપૈયું, કેરી, પાકું કોળું, ગાજર, કેરી અને સાકરટેટી ગણાવી શકાય. વિટામીન સીની વાત કરીએ તો આમળાં વિટામીન સીનો ભંડાર છે. ત્યાર બાદ લીંબુ, સંતરાં, જામફળ, મોસંબી અને ફળગાવેલા કઠોળમાંથી પણ વિટામીન સી મળે છે.

વિટામીન ઈ અને સેલિનિયમ પણ ગળા, શ્વાસનળી અને પેટના કેન્સરથી બચાવે છે. વિટામીન ઈની વાત આવે એટલે આપણને ઓલીવ યાદ આવે. ઘણા લોકો એવું માની બેસે છે કે વિટામીન ઈ ફક્ત ઓલીવમાંથી જ મળે છે. પરંતુ હકીકત એ છે કે વિટામીન ઈ વનસ્પતિજન્ય તેલ જેવાં કે સીંગતેલ, સરસવનું તેલ વગેરેમાંથી પણ મળે છે. આટલું જ નહીં, દરેક પ્રકારનાં તેલીબિયાં જેવાં કે તલ, શીંગદાણા, સૂકો મેવો- બદામ, પીસ્તાં, અખરોટ વગેરે વિટામીન ઈથી સમૃદ્ધ છે. લોહતત્ત્વ માટે રાજગરો અને બાજરો જેવાં ધાન્યો, તલ, દાળિયા, દેશી ગોળ તથા લસણ અગત્યનાં છે.

સેલિનિયમ, કોપર અને ઝીંક માટે પણ તેલીબિ યાં, કઠોળ અને ધાન્યો ખૂબ સારા સ્રોત છે. આ ઉપરાંત એવાં ઘણાં હાથવગાં અને સસ્તાં ખાદ્યો છે જે એન્ટીઓક્સિડંટ્સ અને કેન્સરપ્રતિરોધક વિવિધ કુદરતી દ્રવ્યોથી ભરપૂર હોય છે. આમાં લીલી ચા, લીલી-સૂકી હળદર, આદુ, સોયાબીન, ડુંગળી-લસણ, આમળાં, તુલસી, ફૂદીનો, મશરુમ, નોની, તજ-લવીંગ વગેરેનો પણ સમાવેશ થાય છે.

વિદેશોમાં પાચનતંત્રનાં, ખાસ કરીને આંતરડાનાં કેન્સર વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આની પાછળનું મુખ્ય કારણ પાશ્ચાત્ય ભોજનમાં નોનવેજ ખાદ્યો અને તેના પરિણામે પ્રાણીજ પ્રોટીન અને નોનવેજ ખાદ્યોને રાંધતી વખતે કે પ્રોસેસ કરતી વખતે તેમાં ભળતાં કે ઉત્પન્ન થતાં નાઈટ્રાઇટ, નાઈટ્રોસેમાઇન અને ડાયેટરી AGEs-એડવાન્સ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટસ પ્રકારનાં સંયોજનો વગેરે તેમજ આહારમાં ખાદ્યરેષાની ઓછી માત્રા જવાબદાર ગણાય છે.

જો આહારમાં ખાદ્યરેષાથી ભરપૂર ખાદ્યો જેવાં કે ફળ, કાચાં શાક-ભાજી, સલાડ-કચુંબર, છાલ સહિત ખવાતાં ફળ, તકમરિયાં, ઈસબગુલ, કરકરા દળેલા ધાન્યના લોટ, ફણગાવેલાં કઠોળ, ફોતરાંવાળી દાળ વગેરે ખાદ્યો રેષાથી ભરપૂર હોય છે. ખાદ્યરેષા આંતરડામાં પાણી શોષીને ફૂલી જાય છે. તે મળત્યાગ ઝડપી અને સરળ બનાવે છે. વધુમાં પેસ્ટીસાઈડ્સ રેસીડ્યુ (હાનિકારક રાસાયણિક દવાઓના અંશો), હેવી મેટલ્સ (ભારે ધાતુઓ) અને અન્ય કેન્સરકારક સંયોજનોનો આંતરડાની દીવાલ સાથે સંપર્ક ઘટાડે છે અને તેને આંતરડાની દીવાલમાંથી અવશોષાતાં અટકાવે છે. આ રીતે ખાદ્યરેષાથી ભરપૂર ભોજન પણ પાચનતંત્રના કેન્સર સામે રક્ષણ આપે છે.

સોશ્યલ મિડિયા, ખાસ કરીને વોટ્સ એપ પર કેન્સરના ઉપચાર દર્શાવતા ઘણા ઓડિયો અને વીડિયો મેસેજ વાયરલ થતા જોવા મળે છે. આવા મેસેજમાં ફક્ત ગાજરનો રસ પીવાથી કે અમુક-તમુક એક જ ફળ કે શાકનું સેવન કરવાથી કેન્સર મટી જાય છે, એવો દાવો કરવામાં આવે છે. સાથે ને સાથે એમ પણ કહેવાય છે કે બીજી બધી દવાઓ બંધ કરી દેવા છતાં પણ કેન્સર મટી જાય છે. હકીકતે આવા દાવાઓ પાછળ કેટલી સત્યતા હોય છે, તે કોઈ જાણતું નથી. પણ આવા મેસેજથી દોરવાઈ જવાને બદલે કેન્સર અટકાવવા અને થયા પછી તેમાંથી ફરી સાજા થવા માટે વ્યવસ્થિત ડાયેટ અને દવાઓ લેવાં એ સાચી ઉપચાર પદ્ધતિ ગણી શકાય.

Total Views: 86
By Published On: April 1, 2019Categories: Pritiben H. Dave, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram