છેવટે મારી મોટી બહેન લક્ષ્મી સાથે સાહેબ (મારા બનેવી) આવ્યા. બહેન તો મારી દશા જોઈને માંડ માંડ આંસુ ખાળી શકતી હતી. તેને આશ્વાસન આપતા હોય તેમ સાહેબે કહ્યું, ‘જો ભગવાન ઇચ્છે કે તે જીવતી રહે તો મને લાગે છે કે તેને માટે તેમના મનમાં કોઈ ચોક્કસ યોજના હશે જ. એટલે તું ચિંતા ન કર; તે તો ઇતિહાસ રચવાની છે.’

થોડા વખત પછી મારાં માતા અને ભાઈ પણ આવ્યાં. આંખમાં આવતાં આંસુ છુપાવવા માતા ભરપૂર પ્રયાસો કરતી હતી. મારો પરિવાર આ કરુણ ઘટનાનો સામનો કરવા વીરોને શોભે તેવા પ્રયત્નો કરી રહ્યો હતો. સમય ગુમાવ્યા વિના સાહેબે મારા સ્વાસ્થ્યની સ્થિતિ જાણી અને ડોક્ટરોને પૂછ્યું કે હવે શું કરવું જોઈએ ? ડોક્ટરોએ તેમને કહ્યું કે મારે લોહીની તાતી જરૂર છે. સાહેબ તરત લોહી આપવામાં ગુંથાયા. તે કામ પૂરું થયા પછી તેઓ રક્તદાતાઓની શોધ કરવા લાગ્યા. એ કાર્ય મુશ્કેલ લાગતાં ડોક્ટરની સલાહ વિરુદ્ધ જઈને પણ ફરી એક વધુ યુનિટ લોહી તેમણે આપ્યું. તે માટે ડોક્ટરોને રાજી કરવામાં તેમણે પોતાની સમજાવટની કુશળતા કામે લગાડી હતી.

‘શું હું સહેજે નબળો લાગું છું ? મારું વજન ચકાસી જુઓ. મને ખાતરી છે કે મને કશું થશે નહીં. વળી આ તો ખૂબ સારા કામ માટે કરું છું, મારા જીવનને ખતરામાં મૂક્યા વિના કોઈના જીવનને બચાવવાની વાત છે !’ ઘણી નામરજી સાથે છેવટે ડોક્ટર લોહી લેવા રાજી થયા. તેઓ બધા સાહેબને કંઈ થઈ જશે અને દોષનો ટોપલો તેમના પર આવી પડશે, તેમ વિચારતા હતા. બન્ને બાજુએ એટલે કે સાહેબની અને ડોક્ટરની દૃષ્ટિએ પોતપોતાનાં કારણો હતાં.

ડોક્ટરો ખરેખર ચિંતિત હતા. તેમના સાથી ડોક્ટરો લોકોને એક સાથે બે યુનિટ જેટલું લોહી એક સામટું આપવા દેવું, એવા પ્રણાલિકા વિરુદ્ધના પગલાને અનુમોદન તો ન જ આપે. પણ સાહેબનું કહેવું પણ કંઈ ઓછું માનવા જેવું ન હતું. જો તેમને લોહી આપવાની ના પાડવામાં આવે, તો બીજું કોણ આપે તેમ હતું ? પસંદગી માટે વધુ સમય કે સુવિધા ન હતાં. જે ચાર લોકો હાજર હતા, તેમાંથી રાહુલ કે જે હમણાં જ આવ્યો હતો તે કોઈ બીજા પ્રકારની ભાગંભાગમાં રોકાયેલો હતો. મારી બહેન અસ્વસ્થ હતી અને મારાં માતાને મધુપ્રમેહ હતો. સાહેબ જાણતા હતા કે હવે વધુ સમય રાહ જોવાય તેમ નથી એટલે એમણે એક સૈનિકની અદાથી પરિસ્થિતિનો સામનો કર્યો. અમારા પરિવારની આ જ ખાસિયત છે. જેની ઊણપ કે ખોટ હોય તેને વિશે વિચાર કરવામાં અમે સમય ગુમાવતાં નથી. કોઈ કટોકટી આવે ત્યારે વધુ નુકસાન ન થાય તે માટે લેવાનાં પગલાંનો જ વિચાર કરવામાં આવે છે.

મેં એ લોકોને જોયાં ત્યારે મને સ્પષ્ટ જણાતી અગવડો, દુ :ખ અને આઘાતની ભાવનાઓ છતાં મારી ભીતર જાણે કે એક શક્તિનું મોટું મોજું આવ્યું. મારા પરિવારને મારી નજીક જોતાં અને એમાંય વિશેષ કરીને મારાં માતાના લીધે કે જેમણે દુનિયાનો સામનો ખરેખર એકલે હાથે કર્યો હતો અને તેમાં સફળ રહ્યાં હતાં, તેમને નજીક જોઈને મારા મનમાં છવાયેલ શંકાકુશંકાનાં ઘેરાં અંધકારમય વાદળાં વિખેરાઈ ગયાં. મેં સ્વગત કહ્યું, ‘હું તો એક વીર મહિલાની દીકરી છું. મારાથી લડાઈ છોડીને જવાય જ નહીં. હું બચી જ જઈશ. મારાં માને ખાતર પણ હું આ લડાઈ જીતીશ.’ આ પ્રકારના ‘આંતરિક સંયોજન’ પછી મને ખ્યાલ આવ્યો કે મારે એટલું નિશ્ચિત કરવું જરૂરી હતું કે જેથી મારામાં પૂરી શક્તિ છે અને આ ભયંકર કરુણતાને હટાવવાનો મારા મનનો દૃઢ નિશ્ચય છે, તેવું માનીને પરિવાર પોતે ભાવાત્મક-હકારાત્મક રહી શકે.

મેં ટેકો લેવા અને આપવા માના હાથ પર મારો હાથ મૂક્યો. મને હોસ્પિટલના ખાટલામાં આવી ત્રાસદાયી સ્થિતિમાં જોઈને પરિવાર ખૂબ ઉદાસ થયો. મને તેમના ટેકાની જરૂર હતી, તેમ એમને માટે હું મજબૂત મનની બનું તે આવશ્યક હતું. મેં રાહુલ અને સાહેબને વાતચીત કરતા જોયા. મને કશું ખાસ સંભળાયું નહીં. મારી સામે નજર કરીને તેઓ મોં ઉપર ‘બધું સારું છે’ એવો ભાવ રાખતા. પણ આ બધું મને જાણે કે આશ્વાસન મળે તે માટે જ થતું હતું. તેમણે પછીથી કબૂલ્યું કે તેઓ બરેલી હોસ્પિટલ આવતા હતા ત્યારે તેમને વિચાર આવેલો, ના- તેમણે એમ ઇચ્છ્યું હતું- કે હું મરી જાઉં તે જ સારું. એમણે એવું શા માટે વિચાર્યું એ હું સમજી શકી હતી. એક નિર્ભય, તોફાની, હઠીલી, રમતિયાળ અને ચંચળ છોકરી તે ગમે ત્યારે રમૂજી વાતો કરે. સતામણીની મસ્તીભરી રમતો ગોઠવે, ફૂટબોલ અને વોલીબોલ જેવી પુરુષોની રમતમાં પણ તેમનો સામનો કરે, તેવી છોકરી રૂપે મને મારો પરિવાર જાણતો હતો. હવે પછીની શેષ જિંદગી વિકલાંગ બનીને જીવનાર છોકરી રૂપે મને જોવાનો વિચાર તેમને ધ્રુજાવી દેતો હતો.

પણ સાહેબ એટલે મારા બનેવીએ તો ભવિષ્ય ભાખ્યું, ‘જો હું આ જંગ જીતીશ તો તેનો એક માત્ર અર્થ એ જ થાય કે ભગવાનના મનમાં કશુંક આયોજન છે અને તેથી હું કોઈને કોઈ રીતે ઇતિહાસનું સર્જન કરીશ.’ આ શબ્દો મને ખૂબ પ્રોત્સાહિત કરતા, પણ ક્યારે શું થશે એ હું જાણતી ન હતી. મને યાદ છે કે જ્યારે રાહુલ ભાવુક થઈ જતો, ત્યારે હું તેને વઢતી. તે મારા ખાટલાની નજીક ઊભો હતો અને મેં તેને જોયો ત્યારે તેની આંખોમાં આંસુ હતાં. તે મારી આંખોમાં આંખો માંડતો ન હતો. તેને જાણે કે એવું લાગતું હતું કે મારી આ કરુણદશા તેને કારણે આવી ન હોય ! મને ખબર હતી કે આ સારી નિશાની ન હતી. મારા નાના ભાઈને હું સારી રીતે ઓળખતી હતી. તે પણ નિર્ભિક હતો. તેની પાસે લાંબા સમય સુધી થાક્યા વિના કામ કરવાની શક્તિ હતી.

મારી માતા માટે તો એ મોટી સંપદા હતો. મારા પિતા હરેન્દ્રકુમાર સિન્હાના ભેદી મોત અને રવિભૈયાના ખૂન પછી સાહેબ ઉપરાંત રાહુલ અમારા પરિવારનો એકમાત્ર પુરુષ બચ્યો હતો. આવી કટોકટીની ઘટનાઓમાં તેના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો હોય તો એ નિશ્ચિત કરવું બહુ જરૂરી હતું કે તેને કોઈ ‘નકારાત્મક જીવાત’નો ચેપ ન લાગે. અમારે પ્રસન્ન રહેવું બહુ જરૂરી હતું. એનાથી જ આ કટોકટીનો સામનો થઈ શકે. આને માટે અમે હકારાત્મક દૃષ્ટિ રાખીએ અને આ વિષમ પરિસ્થિતિના બોજથી દબાઈ જવાને બદલે તેમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય એવા વિચારો કરવા જરૂરી હતા. રાહુલ રડી પડશે એવાં ચિહ્નો દેખાયાં ત્યારે મેં ઊંચા અવાજે કહ્યું, ‘મૂરખ ન બન, રાહુલ. જા હું ક્યારે ચાલતી થઈ શકીશ એ ડોક્ટરો પાસેથી જાણી આવ !’

મેં ડોક્ટરોને એવું કહેતા સાંભળ્યા કે તેમણે ઘણા દર્દીઓ જોયાં છે, પણ મારા જેવું હિંમતવાન અને દૃઢનિશ્ચયી કોઈ ન હતું. તેઓ કહેતા, ‘આ તો એક અજબ છોકરી છે, ખાસ છોકરી છે !’

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram