પ્રશ્ન : આળસને દૂર કરવા શું કરવું જોઈએ ?

ઉત્તર : આળસને દૂર કરવા પહેલાં તો શરીરને સ્વસ્થ રાખવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય સમયે પોષક આહાર મળવો જોઈએ. શરીરને પૂરતું પોષણ મળે એવો ખોરાક લેવાની ટેવ અને યોગ્ય સમયે ભોજન લેવાની ટેવ પાડવી પડે. આને લીધે શરીરમાં શક્તિ આવશે.

બીજો ઉપાય છે નિયમિત વ્યાયામ કે કસરત કરવાં. સવારે યોગાસન અને પ્રાણાયામ નિયમિત કરીએ તો શરીર અને મન બન્ને સ્વસ્થ રહે. બને તો ૩ થી પ કિલોમિટર ચાલવું જોઈએ. શારીરિક પ્રકૃતિમાં તમસ રહેલું છે. આ તમસની સાથે અને એને લીધે શરીરમાં જડતા, શિથિલતા, પ્રમાદ, આળસ, બગાસાં પણ આવે છે. આ બધાને દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય યોગ્ય અને પોષણક્ષમ તેમજ સમયસર ખોરાક લેવો એ છે. પછી આવે છે વ્યાયામ કે યોગાસન. શરીરમાં આળસ ભરેલી હોય તો સવારે વહેલું ઊઠી શકાતું નથી. સવારનો આ સમય આહ્લાદક સમય ગણાય છે. એ સમય દરમિયાન કોઈપણ વ્યક્તિ આખા દિવસની તાજગી અને શક્તિ મેળવી શકે છે.

અત્યારે સામાન્ય રીતે ઘણાં ઘરોમાં મોડે સુધી ટીવીની ગુલામી લોકો હસતે મુખે સ્વીકારે છે. જમ્યા પછી તરત જ લોકો ટીવીમાં મોઢું ઘાલીને બેસી રહે છે. ન કોઈ વાતચીત કે ચર્ચા. ન તાજગી ભરેલા વિચારો મળે. ટીવી ન હોય તો મોબાઈલની મોકાણ તો તૈયાર જ છે. એમાં વ્યસ્ત થઈ ગયા પછી કોણ જાણે કેમ ઘણાંને પથારીમાં પડવાનું યાદ નથી આવતું. મોડે સુધી આવા ખેલ ચાલ્યા કરે છે. પછી તો સવારે વહેલું ઊઠવામાં આળસ તો આવવાની અને આવવાની જ. ઊઠવામાં થોડું મોડું થાય એટલે દોડંદોડ ચાલુ. આ આપણી દૈનંદિન ક્રિયા-પ્રતિક્રિયા છે. પછી આળસ તો બારણે તૈયાર ઊભી જ હોય છે !

એટલે રાત્રે જમ્યા પછી ટાઢા પહોરે થોડું ચાલી લ્યો, ચયાપચયની ક્રિયા સૂતાં પહેલાં થઈ જાય એટલું વહેલું જમી લેવું. પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં ૧૦ વાગ્યે સૂઈ જવું. ૧૦ :૧૫ની આજુબાજુ ઊંઘ આવી જાય તો સવારે ૫ :૦૦ વાગ્યે સરળતાથી ઊઠી શકાય. અને બાકીના ૭ :૦૦ વાગ્યા સુધીના સમયમાં વ્યાયામ, યોગાસન, પ્રાણાયામ કરી શકાય. અને દૈનંદિન ક્રિયાઓ પણ પતાવી શકાય.

આ આળસને ભગાડવા ઉપર જણાવેલા પ્રયત્ન કરો તો આળસ તમારા ઘરનું બારણું ખખડાવશે નહીં.

શ્રીરામકૃષ્ણદેવના જીવનનો એક પ્રસંગ છે. તેઓ પરોઢિયે-બ્રાહ્મમૂહુર્તે એટલે કે ૪ વાગ્યે ઊઠીને ઝાઉતળા જતા. રસ્તામાં નોબતખાનામાં શ્રીમા શારદાદેવી અને ભત્રીજી લક્ષ્મી સૂતાં હોય તેમને બૂમ પાડીને જગાડે. તેઓ બન્ને પછી ઊઠીને નિત્યક્રમ કરી લે. એક દિવસ આ રીતે એમણે એમને જગાડવા બૂમ પાડી પણ શ્રીમા શારદાદેવીએ એ બૂમ સાંભળી નહીં. એટલે બન્ને સૂતાં રહ્યાં. પાછા આવીને શ્રીરામકૃષ્ણે જોયું તો શ્રીમા શારદાદેવી અને લક્ષ્મી બન્ને ઊંઘતાં હતાં. શ્રીઠાકુરે પાણીનો લોટો ભર્યો અને તેમની નીચે લોટાનું પાણી રેડ્યું. પાણીનો રેલો નીચે આવતાં અને ઠંડું લાગતાં બન્ને જાગી ગયાં. જોયું તો ઊઠવામાં ઘણું મોડું થઈ ગયું હતું. આ વિશે વાત કરતાં શ્રીમાએ ભક્તોને કહ્યું હતું કે ઊઠવામાં આપણે એક દિવસ પણ મોડું કરીએ, તો પછી રોજ આપણને થોડી વાર વધારે સૂવાનું મન થયા કરશે. અને આ રીતે શરીરમાં આળસ ઘૂસી જાય છે. એટલે શરીર વિશે એક વાર જે નિર્ણય કર્યો એને દૃઢપણે વળગી રહેવું જોઈએ.

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.