ચૈત્ર સુદિ પ્રતિપદા એટલે કે પડવાને મહારાષ્ટ્રના લોકો ગુડી પડવા (ગુઢી પાડવા) ના નામે ઊજવે છે. આ પર્વ વસંતનું પર્વ છે અને મરાઠી લોકો ચાંદ્ર પંચાગ પ્રમાણે એને નવવર્ષના રૂપે ઊજવે છે. પડવો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ પ્રતિપદામાંથી આવ્યો છે. ચૈત્ર માસના અજવાળિયાનો આ પ્રથમ દિવસ છે. એ દિવસે ઘર અને ઘરની બહાર આંગણાને લોકો રંગોળીથી સજાવે છે. તે દિવસે આંબાનાં પાંદડાં, લીમડાનાં પાંદડાં અને ફૂલોને ચાંદીના કે પિત્તળના ઘડા પર રાખે છે. લોકો શેરીઓમાં સરઘસાકારે નૃત્ય કરતાં કરતાં નીકળે છે અને તહેવારની ઉજવણીરૂપે ભાતભાતનાં ભોજન માણે છે. દક્ષિણ ભારતના કોંકણ પ્રદેશમાં એને ‘પાડ્યા’ કહે છે. તેલુગુમાં ‘પાદ્યામિ’ કહે છે. કોંકણના હિન્દુઓ એને ‘સૌસાર પાડવો કે પાડ્યો’ કહે છે. સૌસાર શબ્દ ‘સંવત્સર’નો અપભ્રંશ છે. તેલુગુ ભાષાના લોકો ‘ઉગદિ’ના નામે ઊજવે છે. કોંકણી અને કન્નડ ભાષાના હિન્દુઓ કર્ણાટકમાં એને ‘યુગાદિ’ કહે છે. આમ વિવિધ પ્રદેશોમાં આ તહેવારને ભિન્નભિન્ન નામો મળ્યાં છે. ભારતના કેટલાક પ્રદેશોમાં સૌર પંચાગ પ્રમાણે એપ્રિલ માસની ૧૩ અને ૧૫ તારીખના વચ્ચેના દિવસે ‘વૈશાખી’ના નામે નવવર્ષ શરૂ થાય છે. આ ‘વૈશાખી’ નવવર્ષ ભારતના માત્ર ચોક્કસ પ્રદેશમાં જ નહીં પણ દક્ષિણ પૂર્વએશિયાના બૌદ્ધ ધર્મીઓ અને હિન્દુઓ ઊજવે છે.

સિંધી સમાજના લોકો ચૈત્ર માસના પ્રથમ દિવસને એટલે કે ગુડી પડવાને પોતાના નવવર્ષ તરીકે ઊજવે છે. અને આ દિવસને પ્રભુ જુલેલાલના આવિર્ભાવનો દિવસ માને છે. એટલે એ દિવસે સિંધી લોકો ભગવાન જુલેલાલનાં ભજન અને ગીતો ગાય છે અને એમની પ્રાર્થના કરે છે. તે દિવસે સિંધી લોકો સ્વાદિષ્ટ તેહરી-મીઠો ભાત (બીરંજ) અને શાહીભાજી-પાલકની ભાજીવાળી દાળનું ભોજન રાંધીને ખાય છે.

ગુઢી એટલે ધ્વજ. મહારાષ્ટ્રમાં કેટલાક લોકો પોતાના ઘર પર વાંસની ટોચે રેશમી રંગીન વસ્ત્રનો ધ્વજ પણ ફરકાવે છે. આ પડવો કે પડવા શબ્દને ‘બલિ પ્રતિપદા’ સાથે પણ સંબંધ છે. દિવાળી પછીના ત્રીજા દિવસે એટલે કે ચોમાસુ પાકની લણણી પછી આ ઉત્સવ આવે છે. ગુડી પડવો વસંતઋતુના આગમનનું અને રવિપાકની લણણીનું પ્રતીક પણ છે. આ તહેવારને પૌરાણિક દૃષ્ટિએ ભગવાન બ્રહ્માએ કરેલી કાળ અને બ્રહ્માંડની સંરચના સાથે પણ જોડવામાં આવે છે. વળી આ દિવસે ભગવાન શ્રીરામ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પાછા ફર્યા હતા, એ પ્રસંગ સાથે પણ સાંકળવામાં આવે છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં શિવનૃત્ય પણ યોજાય છે. આ દિવસ રાજા શાલિવાહન વિજય મેળવીને પૈઠણ પાછા ફરે છે તેના પ્રતીક રૂપે ઉજવાય છે.

બ્રહ્માજીએ આ દિવસે સમગ્ર સૃષ્ટિની રચના કરી હતી એટલે બ્રહ્મપુરાણ પ્રમાણે બ્રહ્મધ્વજના પ્રતીક રૂપે આ પર્વ ઉજવાય છે. વળી એને ઇન્દ્રધ્વજ પણ કહે છે. આ પર્વને દુ :ખ, શોક કે અનિષ્ટ તત્ત્વોને નિવારીને સુખસમૃદ્ધિ અને સદ્ભાગ્ય લાવવાના પ્રતીકરૂપે પણ ઉજવે છે. તે દિવસે લોકો ઘર અને આંગણાને સાફ કરે છે અને ઘરની અંદર ગાયના તાજા છાણથી લીંપણ કરવામાં આવે છેે. લોકો રંગબેરંગી નવીન વસ્ત્રો પણ પહેરે છે. આ તહેવાર નેપાળ, બર્મા, કમ્બોડિયા અને એશિયાના બીજા દેશોમાં પણ ઉજવાય છે. આ દિવસ કાશ્મીરમાં નવરોઝ, પંજાબમાં વૈશાખી, બંગાળમાં નવબર્ષ, આસામમાં બીહુ, કેરળમાં વીશુ, તામિલનાડુમાં પુતુહાન્ડુના નામે ઉજવાય છે.

Total Views: 227

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.