ચૈત્ર સુદિ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાનશ્રી સ્વામીનારાયણનો જન્મ ૩જી એપ્રિલ, ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭)ના રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામમાં થયો હતો. આ સંપ્રદાયના અનુયાયીઓ એને ‘હરિનોમ’ રૂપે ઊજવે છે. પિતા શ્રીહરિપ્રસાદ (ધર્મદેવ) અને માતા પ્રેમવતી (ભક્તિદેવી)એ એમનું નામ ઘનશ્યામ રાખ્યું હતું. તેમણે નાની ઉંમરમાં યજ્ઞોપવીત સંસ્કાર મેળવીને શાસ્ત્રોનું અધ્યયન કર્યું. ૧૧ વર્ષની ઉંમરે માતપિતા ગુમાવ્યાં અને પછીના વર્ષે ગૃહત્યાગ કરીને ૭ વર્ષ સુધી ભારત-પરિભ્રમણ કર્યું. તેઓ ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં કાંચી, શ્રીરંગપુર, રામેશ્વર વગેરે યાત્રા સ્થળે જઈને પંંઢરપુર અને નાસિક થઈને ગુજરાતમાં આવ્યા. એ યાત્રા દરમિયાન તેઓ નીલકંઠવર્ણીના નામે પરિચિત થયા. એક દિવસ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પાસેના લોજ ગામમાં સ્વામી મુક્તાનંદ સાથે તેમનો પરિચય થયો કે જે સ્વામી રામાનંદના શિષ્ય હતા. રામાનંદ સાથેની મુલાકાત પછી તેમણે નીલકંઠવર્ણીને મુક્તાનંદજી સાથે રહેવાનું કહ્યું. થોડા સમયબાદ સ્વામી રામાનંદે નીલકંઠવર્ણીને વંથલી-જૂનાગઢ પાસેના પીપલાણા ગામે દીક્ષા આપી અને તેમનું નામ સ્વામી સહજાનંદ રાખ્યું. એક વર્ષ પછી જેતપુરમાં એમણે સહજાનંદને પોતાના સંપ્રદાયનું આચાર્યપદ પણ સોંપી દીધું. સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડે ગામડે જઈને તેમણે વંચિતોને પોતાના અનુયાયીઓ બનાવ્યા. દીક્ષા આપતી વખતે તેઓ માંસ-મદિરા, વ્યભિચારનો ત્યાગ અને સ્વધર્મનું પાલન કરવાનો આદેશ આપતા. સ્વામી સહજાનંદે કુરિવાજો બંધ કરાવ્યા અને સામાન્ય લોકોને ધર્માભિમુખ બનાવ્યા. એમના કાર્યકાળ દરમિયાન અમદાવાદ, મૂળી, ભૂજ, જેતલપુર, ધોળકા, વડતાલ, ગઢડા, ધોલેરા અને જૂનાગઢ વગેરેમાં ભવ્ય શિખરબંધ મંદિરોનું નિર્માણ થયું હતું. ભગવાન સ્વામિનારાયણ ૧લી જૂન, ૧૮૩૦ના રોજ મહાસમાધિમાં લીન થઈ ગયા. આજે વિશ્વભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનેક મંદિરો સ્થપાયાં છે.

હવે તેમના ‘વચનામૃત’માંથી એક ઉદ્ધરણ અને તેની વિશેષ નોંધ જોઈએ.

ગઢડા પ્રથમ પ્રકરણ-વચનામૃત : : ૬

‘આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે; અને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાનાં હિતકારી માને છે અને દુ :ખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટ્યપને પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે; અને ભગવાન ને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે, તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે, તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંત વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંતમાં મોટ્યપને પામે છે.’

નોંધ : ધર્મનિષ્ઠ અને અધ્યાત્મમાં ડૂબેલા ભક્તો વિવેકબુદ્ધિવાળા હોય છે. સારાસાર વિવેકબુદ્ધિને કારણે તેઓ હંમેશાં પોતાના દોષ જોતા રહે છે. ભગવાન તેમજ ભગવાનના ભક્તના ગુણ તરફ જ નજર રાખે છેે. એ ગુણોને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક સદ્ગુણો પ્રાપ્ત કરવા કઠણ વચન પણ સાંભળવાં પડે છે. પણ આ કઠણ વચન સદ્ગુણપ્રાપ્તિ માટે આવશ્યક છે. આવાં વચનો સાંભળીને તે ભક્ત પોતાની ઉન્નતિ કરે છે. સત્સંગ અને સાધનામાં આગળ ને આગળ વધતો રહે છે. સંત કબીર કહે છે, ‘મીઠા મીઠા સબ કોઈ પીએ, કડુઆ ન પીએ કોઈ; સબસે કડુઆ જો પીએ, સબસે મીઠા હોઈ.’ વિવેકબુદ્ધિવાળા ભક્તો આ અતિ કઠિન કાર્ય કરી શકે છે, આત્મશ્લાઘાથી દૂર રહે છે, બીજાના ગુણધનને પોતાનું જીવનધન બનાવે છે અને ધન્ય બની જાય છે.

આનાથી ઊલટું, જેને બીજાના અવગુણ જ દેખાય છે અને એ અવગુણને જ સતત જોતો રહે છે તે પોતાની છિદ્રાન્વેષણ વૃત્તિને લીધે પ્રતિષ્ઠાહીન, ધ્યાનહીન અને શ્રદ્ધાહીન બની જાય છે. સત્સંગના લાભથી તે સદૈવ વંચિત રહે છે અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકતો નથી. શ્રીમા શારદાદેવી કહેતાં, ‘જો તમારે માનસિક શાંતિ જોઈતી હોય, તો બીજા કોઈના દોષ જોવા નહીં.’ મનની શાંતિ અને ઉન્નતિ માટે અને આધ્યાત્મિક પથે આગળ ધપવા આપણે કોઈના દોષ જોવા ન જોઈએ. એને બદલે ‘નિંદક નિયરે રાખીએ, આંગન કુટિર છવાઈ, બીન પાની બીન સાબૂના નિર્મલ કરે સુકાય.’ વિવેકી, ગુણાન્વેષી, ભક્ત પ્રભુને પામવા સમર્થ બને છે.

Total Views: 321

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.