૨૬મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સાંજે ટાકાખલથી નીકળીને એક કિ.મી. દૂર આવેલ ખડેશ્વરી બાબાના નીરવ અને શાંત આશ્રમે રોકાયા.

૨૭ જાન્યુઆરી, ૨૦૧૫ના પ્રાત :કાળે ‘એક સંન્યાસી’ નિત્યક્રમ મુજબ ૨૦૦ મીટર દૂર આવેલ નર્મદામાં સ્નાન કરવા ગયા. પી.સ્વામી નર્મદાસ્નાન કરીને ખડેશ્વરી બાબાના આશ્રમે જતા રહ્યા. પરિક્રમાનો પ્રારંભ થયાનો આજે ૨૭મો દિવસ. પોતાના આશ્રમમાં ચા સાથે અનેક પ્રકારના બાલ્યભોગ-નાસ્તો લેવા ટેવાયેલ સંન્યાસીને આજે સવારમાં જ ભૂખ લાગી. અહીં નર્મદા તટે ઘાટ ન હતો, એટલે સ્નાન કરવા યોગ્ય જગ્યા શોધવી પડે એવું હતું. કિનારાના એક ખૂણામાં કેટલા બધાં ફૂલો વગેરે તણાતાં આવ્યાં હતાં. સંન્યાસીના મનમાં ચમકારો થયો, ફૂલો આવ્યાં તો શ્રીફળ તો હશે જ. સ્નાન કરવા માટે યોગ્ય જગ્યા નજરે પડી. ત્યાં સામે જ શ્રીફળની પ્રસાદી પણ હાજર! સંન્યાસીએ અત્યંત આનંદ સાથે શ્રીફળ બાજુમાં રાખીને સ્નાનવિધિ પૂરો કર્યો. સંન્યાસી ભીતરથી થોડા અસ્વસ્થ હતા. ભંડારામાં અને આમતેમ કરીને ઝોળીમાં પૈસા વધી ગયા હતા. પરિક્રમા દરમિયાન ક્યારેક નાની ટૂથપેસ્ટ, ક્યારેક ચપ્પલ તૂટી કે ખોવાઈ જાય તો સામાન્ય ચપ્પલ અને નર્મદાતટના ગામડાંનાં બાળકોના ‘નર્મદેહર’ના સાદ સામે ‘નર્મદેહર’ કહીને ચોકલેટ આપવાની પ્રથા માટે આવી રીતે કૂલ મળીને સીતેર-એંશી રૂપિયા જેટલી રકમ રાખી. બાકીના બધા પૈસા લઈને નર્મદાતટે આવ્યા. સંન્યાસી બોલ્યા, ‘મા! આ પૈસા તારા છે, તું રાખી લે. જરૂર પડે ત્યારે આપજે.’ એમ કહીને નર્મદા મૈયાને પૈસા અર્પણ કર્યા. એટલે કે નર્મદાના વહેણમાં પૈસા પધરાવી દીધા. જાણે કે કોઈ ભાર ઊતરી જાય અને હળવાફૂલ થઈ જઈએ એવો ભાવ સંન્યાસીએ અનુભવ્યો. આગળ મળેલ ત્યાગીજી પણ અહીં સાથે જ હતા. આગળ ચીંચલી ગામના કોઈ એક ભક્ત દૂધ અને ફળ લઈને કોઈને શોધતાં શોધતાં આશ્રમમાં આવી પહોંચ્યા. ત્યાગીજીને જોઈને ખૂબ હર્ષઘેલા થઈ ગયા અને કહેવા લાગ્યા, ‘બાબા, જાણે કે તમને જ શોધતો ન હોઉં ! આ દૂધ અને ફળ તમારા માટે જ લાવ્યો છું.’ તે સાંભળીને ત્યાગીજીએ કહ્યું, ‘ભાઈ, હું તો તમને ઓળખતો નથી !’ પેલા ભાઈએ કહ્યું, ‘બાબા, આ તમારા માટે જ છે. હું બીજું કંઈ ન જાણું.’અમે થોડી ઇર્ષા, આશ્ચર્ય અને આનંદ સાથે આ ત્યાગીજીના પ્રભાવને વંદી રહ્યા. એ ભલે ગમે તે હોય પણ અમને તો અમારા બાલભોગમાં સુંદર ચા, શ્રીફળની પ્રસાદી અને ફળ મળી ગયાં.

સવારના આઠ વાગી ગયા હતા. સંન્યાસી અને પી.સ્વામી આગળ પ્રસ્થાન કરવા માટે તૈયાર. ત્યાગીજી તો જ્યાં દૂધ મળે ત્યાં રોકાઈ જાય. તેઓ કહે, ‘હું પછીથી આવીશ.’ અમે લોકો નર્મદેહરના નાદ સાથે નીકળ્યા.

પ્રફુલ્લવદને મુખે નામસ્મરણ કરતાં કરતાં આગળ ચાલ્યા. એક કિ.મી. પછી બે રસ્તા આવ્યા. એક બાજુએ પથ્થરની અનેક ખાણો. પથ્થર ભરેલાં ટ્રકોની અવરજવર હોવાથી રસ્તા ધૂળિયા સફેદ માટી જેવા હતા. આગળ ચીંચલી ગામે પહોંચવાનું હતું. એક રસ્તો નર્મદાના કિનારે કિનારે સીધો અને બીજો રસ્તો ડાબી બાજુએ ફંટાતો હતો. ક્યા રસ્તે જવું એના માગદર્શન માટે ટ્રકવાળા કે વટેમાર્ગુની રાહ જોતા હતા. પાંચસાત મિનિટ પસાર થઈ ગઈ, પણ કોઈ નજરે ન ચડ્યું. અમે એક બીજા સામે જોયું અને મા નર્મદાના કિનારાવાળા સીધા રસ્તે જવાનો નિર્ણય કર્યો. વિશાળ પહોળાઈ, સ્નિગ્ધ અને તીવ્ર પ્રવાહ દૂરદૂર સુધી પરમ પાવની મા ભગવતી શ્રીનર્મદામૈયાનાં દર્શન થતાં હતાં. જાણે કે શ્રીમા નર્મદાની આંગળી પકડીને અમે સાથે સાથે ચાલતાં હોઈએ એવું લાગ્યું.

ઇષ્ટનામનું સ્મરણ કરતાં કરતાં આગળ પાછળ થોડું અંતર રાખીને બન્ને સંન્યાસીઓએ બે કિ.મી. જેટલું અંતર ક્યારે કાપ્યું, એની ખબરેય ન પડી. હવે રસ્તામાં ત્રણ મીટર પહોળું એક નાળું આવ્યું. એ નાળામાં મા નર્મદાનો પ્રવાહ તીવ્ર વેગેે વહેતો હતો. દંડ ભગવાનની મદદથી તપાસતાં અને વહેણના વહેતા પ્રવાહથી એવું લાગ્યું કે નાળું ઘણું ઊંડું હશે. એક તો તીવ્ર વેગે વહેતો પ્રવાહ અને બીજી ઊંડાઈ. આમ નાળું હતું ભલે નાનું પણ પગે ચાલીને તેને પાર કરવું લાગ્યું અસંભવ. નાળાની સામેની બાજુએ બસ્સો મિટર જેટલો ભાગ નર્મદા નદી તરફ ફેલાયેલો હતો. એટલે વાસ્તવમાં અમે નર્મદાના તીવ્ર વેગથી બનેલ નાળારૂપી નદીના એક કિનારે અમે ઊભા હતા. નાળારૂપી નદીના કિનારે કોઈ દેખાયું નહીં. હવે અમારી પાસે બે જ વિકલ્પ હતા. એક નાળારૂપી નદીના કિનારે ચાલતાં ચાલતાં એકાદ કિ.મી. ચાલ્યા પછી આ નાળાનો પ્રવાહ થોડો છીછરો થાય તો પગે ચાલીને એને પાર કરી શકીએ અને બીજો બે કિ.મી. પાછા ફરીને ડાબા રસ્તે થઈને ચીંચલી ગામે પહોંચવું. અમે પ્રથમ વિકલ્પ પસંદ કર્યો. નાળારૂપી નદીના કિનારે ચાલવા લાગ્યા.

થોડું અંતર કાપ્યા પછી નાળારૂપી નદીની સામેની બાજુએ નર્મદાના કિનારે એક નાની નૌકા દેખાણી. અમને જોઈને ‘બાબા ઊભા રહો, આવું છું, આવું છું.’ એમ કહીને થોડી વારમાં એ નૌકાવાહકે નાળારૂપી નદીના કિનારે બરાબર અમારી સામે નૌકાને ગોઠવી દીધી. નૌકા નાનકડી અને ચાલક નાનો બાળક ! નૌકા દ્વારા આ નાળાને પાર કરવાનો ત્રીજો વિકલ્પ ફૂટી નીકળ્યો! અમારો મનોમન સંકલ્પ એવો હતો કે બને ત્યાં સુધી વાહનનો ઉપયોગ કરવો નહીં, પણ અહીં તો અતિ કઠિન નાળું પાર કરવાનું હતું. વળી આ નૌકાવાળો તો અનાયાસ આવી ચડ્યો હતો. અમે એને બોલાવ્યો ન હતો. આમ મનમાં દ્વિધા ઊભી થઈ કે નૌકાથી નાળું પાર કરવું કે કેમ? નૌકાવાળા બાળકનો અતિ આગ્રહ હતો અને વળી સામેથી આવ્યો હતો; એટલે આ નર્મદામૈયાની જ ઇચ્છા હશે એમ માનીને મનેકમને બન્ને સંન્યાસીઓએ નૌકામાં બેસીને નાળું પાર કરવાનું નક્કી કર્યું.

એક સંન્યાસીએ દંડ અને કમંડળ નૌકામાં લઈ લીધાં. પછી એક પગ નૌકામાં રાખતાં જ બીજો પગ નાળાની ચીકણી માટી પર પડ્યો અને પગ લપસ્યો. સીધે સીધું કેડ સુધીનું શરીર નર્મદા નદીમાં ! માંડ માંડ પોતાના શરીરને સંભાળ્યું અને અડધા પલળેલા શરીરે નૌકામાં બેસાયું. એક ચપ્પલ તો ગયું. વગર ચપ્પલે ચાલવાનો મહાવરો જ નહીં. એટલે હાંફળાફાફળા થઈને નર્મદામાં ચપ્પલ શોધવા લાગ્યા. થોડી વારમાં ચપ્પલ નર્મદાના નીર પર તરતું તરતું આવ્યું. સંન્યાસીએ તરત જ એને ઝડપી લીધું.

પી.સ્વામી આ બધો ખેલ જોઈ રહ્યા હતા. સંન્યાસીએ કહ્યું, ‘અહીંની માટી ખૂબ ચીકણી અને લપસણી છે. તમે અહીંથી ન ઊતરતા.’ પછી છોકરાને કહ્યું, ‘તારી નૌકાને નર્મદાના મુખ્ય પ્રવાહના કિનારે લાંગરી દે, ત્યાંથી પી.મહારાજને ઊતરવાનું સહેલું પડશે.’ સંન્યાસીએ પ્રથમ તો પી. મહારાજનાં દંડ કંમડળ અને તેમની બેગ નૌકામાં લઈ લીધાં. સંન્યાસીએ પી. મહારાજને કહ્યું, ‘લાવો તમારો હાથ પકડી રાખું.’ મારો હાથ પેલી બાજુએ કોઈએ પકડી રાખ્યો હોત તો નર્મદામાં અડધો ભીંજાયો ન હોત.

નૌકાવાળો નાનો બાળક ટગર ટગર આંખે આ બધો ખેલ જોઈ રહ્યો હતો. સંન્યાસીઓ નૌકાના સંતુલનના વ્યવહારિક જ્ઞાનથી અજાણ. એટલે મહારાજનો હાથ પકડીને જેવો એક પગ મૂક્યો કે એની સાથે આ નાનકડી નૌકા પાણીમાં સાવ આડી થઈ ગઈ અને પી. સ્વામી પણ કેડ સુધી પલળી ગયા. આમ સંન્યાસી અને પી.મહારાજ કેડ સુધી ભીંજાઈ ગયા. અને પી. સ્વામીએ ખૂબ ત્વરાથી નૌકામાંથી પોતાનો એક પગ ઉપાડીને કિનારા તરફ ચાલી ગયા અને નૌકા ફરી મૂળસ્થિતિમાં આવી. અમારા બન્નેના વજનથી નૌકા એક તરફ નમી જશે એ બાબતથી અમે બન્ને અજાણ હતા. પછી પી. સ્વામી સાવ સંભાળીને ધીરેથી નૌકાના સામેના ભાગમાં બેઠા અને નૌકા સમતોલ બની ગઈ. નોંધનીય વાત તો એ હતી કે અમે બન્ને નદીના પાણીમાં કેડ સુધી ભીંજાયા ખરા પણ શરીર પર એક નાનો એવો ઘસરકો પણ પડ્યો નહીં !

નૌકાવાળા છોકરાએ પૂછ્યું, ‘તમારો કોઈ માલસામાન તો બાકી નથી રહી ગયો ને ?’ સંન્યાસી એ કહ્યું, ‘હવે તું ઝડપથી નૌકા ચલાવ અને અમને નાળું પાર કરાવી દે.’ ભયપૂર્વક અમારી સામે જોઈને છોકરાએ પૂછ્યું, ‘તમને બન્નેને તરતા તો આવડે છે ને?’ સંન્યાસી બોલી ઉઠ્યા, ‘હવે તરવાના દિકરા તું જલ્દી નૌકા ચલાવ.’ વાસ્તવમાં સંન્યાસીને તરતા તો આવડતું જ ન હતું. ધીરે ધીરે નૌકા ચાલવા લાગી અને નાળાના સામા કિનારે પહોંચી ગઈ. અમે બન્ને નૌકામાંથી ઊતરી ગયા અને છોકરાને મહેનતાણાના દસ દસ રૂપિયા આપીને તેનો આભાર માન્યો. આ આખી ઘટના જાણે કે ચિત્રપટની જેમ ઘટી છે. કોઈ વિક્ષેપ, ઉદ્વિગ્નતા, ભય કે નિરાશા એવું કશું જ નહીં જાણે સાક્ષીભાવે ઘટના ઘટી. પી. સ્વામીએ સંન્યાસીનું એ વાત પર ધ્યાન ખેંચ્યું કે આપણા માટે આ એક મોટો બોધપાઠ હતો. આપણે માનસિક રીતે કોઈ વાહનમાં ન બેસવું એવો સંકલ્પ કર્યો હતો. પણ આપણે વાહનમાં બેઠા એટલે આવી ઘટના બની. ભવિષ્યમાં આ બાબતનું આપણે ધ્યાન રાખવું. પરંતુ સંન્યાસીએ ભારપૂર્વક કહ્યું કે મારો તો કંઈક બીજો જ અનુભવ છે.

મા ભગવતી નર્મદા આપણી સાથે જ છે તો પછી આવા અવરોધ વળી શા ! છેલ્લા બે કિ.મી. ચાલીને એવું લાગ્યું કે જાણે નર્મદામૈયાની આંગળી પકડીને ચાલીએ છીએ. તો શું મુશ્કેલીને ટાણે એ આંગળી છોડીને ચાલી જાય ? ના. એનાં સ્પષ્ટ કારણો હતાં. બન્નેને કોઈ ઈજા ન થઈ. આખી ઘટના દરમિયાન મૃત્યુ સામે હોવા છતાં કોઈ પણ જાતનો ભય ન જણાયો. સંન્યાસીને લાગ્યું કે નર્મદામૈયાએ પોતાના ખોળામાં બેસાડીને વિકટ નાળું પાર કરાવ્યું. એની સાબિતી એ છે કે બન્ને સંન્યાસીઓ કેડ સુધી ભીંજાયેલા હતા. જ્યારે કોઈના ખોળામાં બેસીએ ત્યારે ખોળાને કેડ સુધીનો ભાગ જ સ્પર્શ કરે. અહીં મા નર્મદાનું જળસ્વરૂપ હતું એટલે સંન્યાસીઓ કેડ સુધી ભીંજાયા. આમ મા નર્મદાની કૃપાથી વિના વિઘ્ને આનંદપૂર્વક આ દુર્ઘટના ટળી ગઈ.

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram