સ્વામી વિવેકાનંદની શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૯ને બુધવારે સવારે ૯ થી ૧ સુધી આશ્રમના વિવેક હાૅલમાં મરણોપરાંત પરમવીરચક્ર વિજેતા અને કારગીલ યુદ્ધ – ૧૯૯૯ના વીર કેપ્ટન વિક્રમ બત્રાનાં માતા શ્રીમતી કમલકાંતા બત્રા અને પિતા શ્રી જી. એલ. બત્રાની નિશ્રામાં ‘લવ ઇન્ડિયા’ – સ્વદેશભક્તિનો એક પરિસંવાદ યોજાયો હતો.

કાર્યક્રમનો મંગલ પ્રારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસી અને બ્રહ્મચારીઓના વૈદિકમંત્રોના વૃંદગાનથી થયો હતો. પોતાના સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે સ્વામીજીનાં અમેરિકન શિષ્યા જોસેફાઈન મેક્લાઉડના સંક્ષિપ્ત પ્રશ્નોત્તરથી કર્યો હતો. એક વખત જોસેફાઈન મેક્લાઉડે સ્વામીજીને પૂછ્યું, ‘સ્વામીજી, હું શું સેવા કરી શકું ?’ સ્વામીજીએ તેનો પ્રત્યુત્તર આપતાં કહ્યું કે જો તમે ખરેખર સેવા કરવા ઇચ્છતાં હો તો ‘લવ ઇન્ડિયા -ભારતને ચાહો’. સ્વામીજીના સંદેશને અનુસરવાનો પથ એટલે ભારતને ચાહવાનો પથ. ભારત એટલે ભારતભૂમિ, તેનાં આધ્યાત્મિકતા, સંસ્કૃતિ,પ્રાચીન અમૂલ્ય વારસો, ભારતના ગરીબ, અભણ, અજ્ઞાની સામાન્યજનો અને તેનો કણેકણ. આ ચાહના જો આપણે કેળવીએ તો આપણે સ્વામીજીની કલ્પનાનું મહાન ભારત, પૂર્વે ન હતું તેવું મહાન ભારત સરજી શકીએ. પશ્ચિમમાં ભારતનાં ધર્મ અને સંસ્કૃતિની વિજયપતાકા ફરકાવીને જ્યારે સ્વામીજી ભારતમાં પાછા ફર્યા ત્યારે તેમણે સૌ પ્રથમ ભારતભૂમિની માટીને માથે ચડાવી. કોઈકે એમને પૂછ્યું કે સ્વામીજી, તમે હવે ભારતને કેટલો ચાહો છો ? તેના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે હવે તો મારે મન ભારતની આ માટી પણ અત્યંત પવિત્ર છે. સ્વામીજીના સાહિત્યમાંથી પ્રેરણા લઈને ઘણા ક્રાંતિકારીઓએ સ્વાતંત્ર્ય આંદોલનો ચલાવ્યાં હતાં. એમનું સાહિત્ય બધા માટે એક અનન્ય પ્રેરણાસ્રોત છે. ડૉ. રાધાકૃષ્ણન્ સ્વામીજીનાં પત્રો અને પુસ્તકો વાંચીને ખૂબ પ્રેરાયા હતા. તેમણે એક સ્થળે કહ્યું છે કે એ વખતે સ્વામીજીનાં કેટલાંક પુસ્તકો પર અંગ્રેજ સરકારનો પ્રતિબંધ હતો. મહાત્મા ગાંધીજી કહે છે કે સ્વામીજીનાં પુસ્તકો વાચ્યાં પછી મારો દેશપ્રેમ હજારગણો વધી ગયો છે. ભારતને મહાન બનાવવા આપણે સૌએ સ્વામીજીના આ આદર્શ સંદેશને નજર સામે રાખવો જોઈએ, ‘ઊઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’

ત્યાર પછી શહીદ વિક્રમ બત્રાનાં વીરમાતા કમલકાંતાએ પોતાના સંક્ષિપ્ત પ્રવચનમાં કહ્યું હતું કે ૯મી સપ્ટેમ્બર, ૧૯૭૪માં મેં બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો. રામાયણ પરની શ્રદ્ધાભક્તિને કારણે મેં એ બન્નેનાં નામ લવ-કુશ પાડ્યાં. લવ એટલે વિક્રમ અને કુશ એટલે વિશાલ. વિક્રમ બાળપણથી જ તેજસ્વી, પ્રભાવક વ્યક્તિવવાળો હતો. ગણિતનો જબરો અભ્યાસુ હતો. એનામાં પરગજુપણુ પણ ઘણું હતું. એ પાલનપુરની ડી.એ.વી. સ્કૂલમાં ભણતો. પછી સેન્ટ્રલ સ્કૂલમાં દાખલ થયો. એક વખત સાતમા ધોરણની એક બાળકી બસને બારણે ઊભી હતી અને બારણું ખૂલી જતાં તે નીચે પટકાણી. વિક્રમે છલાંગ મારી અને બાળકીને બેઠી કરી પછી હોસ્પિટલે લઈ ગયો. શાળાએ જવાને બદલે હોસ્પિટલમાં શા માટે? એવો પ્રશ્ન ઊભો થાય એ સ્વાભાવિક છે. હોસ્પિટલે જવાનું મૂળ કારણ પેલી બાળકીને યોગ્ય સારવાર મળી રહે એ હતું. આવી હતી તેની તત્કાલબુદ્ધિ, સમજણશક્તિ અને બીજાના ભલા માટે ઝંપલાવવાની આત્મશક્તિ. બીજાને સહાયભૂત થવું એ એનો સ્વભાવ. તેણે નવા આવેલા ગણિતના શિક્ષકને પ્રયત્નો કરીને ગેસ કનેકશન અપાવ્યું. વિદ્યાર્થીઓ એની ઉદાત્ત પ્રકૃતિથી પ્રભાવિત થતા. સેન્ટ્રલ સ્કૂલ સેનાની છાવણીમાં હતી. એટલે સૈન્યનું અનુશાસન જોઈને તેમજ પિતા પાસેથી વીરતાની વાત સાંભળીને એનો દેશપ્રેમ પ્રબળ બની ગયો. બાળપણથી જ તે વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતો હતો. વિક્રમ ખૂબ જ આજ્ઞાકારી પણ હતો. મેં તેને દરરોજ દુર્ગાસ્તોત્રનો પાઠ કરવાનું કહ્યું હતું. છેલ્લા દિવસ સુધી તેણે મારી આ આજ્ઞાનું પાલન કર્યું હતું.

વિક્રમ બત્રાના પિતા શ્રી જી. એલ. બત્રાએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે વિક્રમ નાનપણથી જ મેધાવી, અસાધારણ ગુણવાળો હતો. ચહેરાની ચમકથી તે અલગ પડી જતો, નટખટ પણ હતો. મને લાગ્યું કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. હું તેને નાનપણમાં સ્વદેશભક્તિના પાઠ ભણાવતો. ઉધમસિંહ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા શહીદોની વાત કરતો. ગુરુ ગોવિંદસિંહનાં બે સંતાનોને દીવાલમાં જીવતાં ચણી દીધાં હતાં તેની વાત પણ કરતો. રાણા પ્રતાપ જેવા પરાક્રમી પુરુષોની જીવનકથા પણ કહેતો અને એ રીતે હું એને એની મરજી મુજબનો વીર માનવ બનાવવા ઇચ્છતો હતો. આજના માતપિતાએ બાળકને આવું બધું શીખવવું જોઈએ. ઘરના ઉંબરેથી થતું સંસ્કારસિંચન કોઈપણ બાળક માટે મોટું જીવનપાથેય બની જાય છે. આ કામ કરવાનો અમે બન્નેએ પ્રયત્ન કર્યો. પણ મૂળ તો દરેક બાળકે પોતે જ પોતાની આત્મશ્રદ્ધાથી પોતાના આદર્શને સાથે રાખીને આગળ વધવાનું હોય છે, પોતાના સ્વપ્નને સાકાર કરવાનું હોય છે. અલબત્ત, કોઈપણ માતપિતા એની પીઠ થાબડીને, પ્રોત્સાહન અને પ્રેરણાનું અમીજળ પાઈને તેને આગળ ધપવા માટેનો માર્ગ ચીંધી શકે છે. સ્કૂલના અભ્યાસમાં તે સારી પ્રતિભાવાળો હતો પણ ટેબલ ટેનિસમાં તે પ્રથમ કક્ષાનો ખેલાડી હતો. તે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ખૂબ રસ લેતો અને ભાગ પણ લેતો. ધોરણ ૧૨ની પરીક્ષા પછી તેણે ચંદીગઢની ડી.એ.વી. કાૅલેજમાં વિજ્ઞાન વિષયનો સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કર્યો. કોલેજકાળ દરમિયાન તે એન.સી.સી.માં સર્વશ્રેષ્ઠ કેડેટ રૂપે પસંદ થયો. એણે પ્રજાસત્તાક દિનની પરેડમાં પણ ભાગ લીધો હતો. તેણે સૈન્યમાં જોડાવાનું મનથી નક્કી કર્યું, એટલે સી.ડી.એસ. (સંયુક્ત રક્ષાસેવા પરિષદ)ની તૈયારી શરૂ કરી દીધી. વિજ્ઞાન વિષયમાં સ્નાતક થયા પછી તેને હોંગકોંગમાં મરચન્ટ નેવીની નોકરી મળતી હતી, પણ એ નોકરી લેવાને બદલે તે સી.ડી.એસ.માં પસંદગી પામીને સેનામાં ભરતી થયો. જુલાઈ, ૧૯૯૬માં તેણે ભારતીય સૈન્ય એકેડેમી, દહેરાદૂનમાં પ્રવેશ મેળવ્યો. તાલીમ પૂરી કરીને ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૭ના રોજ જમ્મુના સોપોર નામના સ્થાને સૈન્યની ૧૩મી જમ્મુકશ્મીર રાયફલ્સમાં લેફ્ટેનન્ટ બન્યો. ૧૯૯૯માં તેણે કમાન્ડોની તાલીમ સાથે બીજું પ્રશિક્ષણ પણ લીધું. ૧ જૂન, ૧૯૯૯ના રોજ એની ટુકડીને કારગીલ યુદ્ધમાં મોકલવામાં આવી. એ વખતે એને તાવ હતો અને અશક્તિ પણ હતી, દાઢી વધી ગઈ હતી. ડોક્ટરોએ એને આરામ કરવાની સલાહ આપી. પણ બહાદુર બત્રાએ કહ્યું, ‘હું અહીં આરામ કરવા નથી આવ્યો.’ આ બત્રાના વીર મનની દૃઢતા દર્શાવે છે. વિક્રમ બત્રા સાથે બીજા કેટલાક સાથીઓ પણ તૈયાર થયા. એનું કારણ પણ બત્રાની સર્વ પ્રત્યેની પ્રેમભાવના હતી.

હમ્પી કે રાકીનાબ સ્થાનો પર વિજય મેળવીને વિક્રમને કેપ્ટન બનાવવામાં આવ્યો. ત્યાર પછી શ્રીનગર લેહના માર્ગની બરાબર ઉપર કેપ્ટન બત્રાની ટુકડીને મહત્ત્વપૂર્ણ ૫૧૪૦ શિખરને પાકિસ્તાન-સૈન્યના કબજામાંથી મુક્ત કરવાની જવાબદારી મળી. જૂન, ૧૯૯૯ની સવારના ૩ :૩૦ કલાકે આ દુર્ગમ શિખરને પાકિસ્તાનના કબજામાંથી છોડાવી પોતાના કબજામાં લીધું. હિમાચ્છાદિત પર્વતો પરથી કપરું અને સીધું ચઢાણ કરવાનું હતું. વિક્રમ બત્રાએ જ્યારે એના પર કબજો મેળવ્યો ત્યારે રેડિયો પર પોતાના વિજયઘોષ સાથે ‘યહ દિલ માઁગે મોર’નું સૂત્ર પણ વહેતું કર્યું.

આ સૂત્ર તો છે પેપ્સીનું, પણ વિક્રમે એની કંપનીના કહેવા પ્રમાણે એને અમર બનાવી દીધું. આ સાથે વિક્રમ બત્રાનું નામ સમગ્ર દેશમાં છવાઈ ગયું. એ સમય દરમિયાન એની દાઢી પણ વધી ગઈ હતી. શેરશાહ ભારતના પરાક્રમી શહેનશાહોમાંના એક હતા તેથી કમાન્ડિંગ ઓફિસર વાય. કે. જોશીએ ‘શેરશાહ’નું ઉપનામ આપ્યું હતું. અને એના સાથી મિત્રો એને ‘શેરશાહ’ના હુલામણા નામે બોલાવતા. સાથે ને સાથે એમને બધાએ ‘કારગીર કા શેર’ની સંજ્ઞા પણ આપી હતી. આગલા દિવસે આપણે ઉપર જણાવ્યું તેમ ૫૧૪૦ શિખર પર ભારતીય ઝંડાની સાથે વિક્રમ બત્રા અને એમની ટુકડીનો ફોટો સમગ્ર મિડિયામાં પ્રસારિત થયો. ત્યાર પછી પણ સેનાએ ૪૮૭૫ શિખરને પણ કબજે કરવાનું અભિયાન શરૂ કરી દીધું. આ બધા હિમાચ્છાદિત પ્રદેશો છે. શિખર પર ચઢવા માટે ક્યાંય વૃક્ષો કે વેલીઓનો સહારો મળે નહીં, હાથપગની મદદથી પેટભરાણીએ ચઢવાનું. ઠંડોગાર બરફ શરીરને થીજાવી દે, એવું વાતાવરણ. આ કપરા ચઢાણની જવાબદારી પણ કેપ્ટન વિક્રમ અને એમની ટુકડીને સોંપવામાં આવી. આ બધાએ પોતાના જીવની પરવા કર્યા વિના આ કાર્ય પાર પાડવાના પરાક્રમનો પ્રારંભ કર્યો. એમની સાથે લેફટેનન્ટ અનુજ નૈયર પણ હતા. તેઓએ કેટલાય પાકિસ્તાની સૈનિકોને મોતના કોળિયામાં હોમી દીધા.

૭ જુલાઈ, ૧૯૯૯ના રોજ દુશ્મનો સાથેની લડાઈ દરમિયાન એક વિસ્ફોટમાં એમના કનિષ્ઠ અધિકારી લેફટેનન્ટ નવીનના બંને પગ ભયંકર રીતે ઘવાયા. કેપ્ટન બત્રા નવીનને બચાવવા માટે એના શરીરને પાછળ ઘસડી રહ્યા હતા ત્યારે એમની છાતીમાં એક ગોળી લાગી અને તેઓ ‘જય માતાદી’ કહેતાં કહેતાં વીરગતિ પામ્યા. આ ઘટના પહેલાં, તેમના એક સૂબેદારે કહ્યું, ‘મિ. બત્રા, તમે રહેવા દો, હું જાઉં છું.’ એના પ્રત્યુત્તરમાં વિક્રમ બત્રાએ કહ્યું, ‘ના, સૂબેદાર તમે નહીં. તમારે ઘર-સંસાર છે. તમારે બાળબચ્ચાં છે. હું જ જઈશ.’

તે પહેલાં ૧૬ જૂનના રોજ કેપ્ટન બત્રાએ પોતાના જોડિયાભાઈ વિશાલને દ્રાસ સેક્ટરમાંથી ચિઠ્ઠીમાં આ શબ્દો લખ્યા હતા : ‘પ્રિય કુશ, મા અને પિતાજીની સંભાળ રાખજે… અહીં ગમે તે થઈ શકે તેમ છે. હું કાં તો વિજય મેળવીને ભારતીય ધ્વજ ફરકાવીને પાછો આવીશ કે તેમાં લપેટાઈને આવીશ. પરંતુ હું નિશ્ચિતરૂપે આવીશ.’

અદમ્ય સાહસ અને પરાક્રમ માટે ૧૫ ઓગસ્ટ, ૧૯૯૯ના રોજ ભારત સરકાર દ્વારા આ વીર પુરુષ કેપ્ટન વિક્રમ બત્રાને મરણોપરાંત ‘પરમવીર ચક્ર’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો.

આ પ્રસંગે કર્નલ વ્યાસ, બ્રિગેડિયર અજિતસિંહ, કેપ્ટન મનન ભટ્ટ અને એન.સી.સી. એવોર્ડ વિજેતા ચિંતન પરીખનાં દેશભક્તિ સભર પ્રવચનો થયાં હતાં. સમસ્ત વાતાવરણ દેશભક્તિના રંગથી રંગાઈ ગયું હતું, જાણે કે દેશભક્તિનો જુવાળ આવી ગયો હતો.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘મારા શબ્દો ધ્યાનમાં રાખજો કે જો તમે તમારા દેશનું હિત કરવા ઇચ્છતા હો તો તમારે દરેકેદરેકે ગુરુ ગોવિંદસિંહ બનવું પડશે… વીર નરો જ પૃથ્વીને ભોગવે છે, તે અચૂક સત્ય છે. વીર બનો… ઊભા થાઓ અને લડતાં લડતાં મૃત્યુને ભેટો !… જગતને મારે આટલું જ કહેવાનું છે. સબળ બનો!… બળ અને વિકાસ એ જીવંતપણાની નિશાની છે. નિર્બળતા મૃત્યુનું ચિહ્ન છે. જે કાંઈ નિર્બળ હોય તેનાથી દૂર રહો ! તેમાં મોત છે. જે કાંઈ બળ હોય તેને નર્કમાં જઈને પણ પકડૉ. માત્ર વીરને માટે જ મુક્તિ છે.’

આ આદર્શને પોતાની ૨૪ વર્ષની નાની ઉંમરે ચરિતાર્થ કરનાર વીર શહીદ આ મહાવીર વિક્રમ બત્રાને હજારો હજારો સલામ હજો !

યુવાન મિત્રો! આવો અદમ્ય ઉત્સાહ, આવી અદમ્ય શક્તિ અને પરમપુરુષાર્થ તમારી રગેરગમાં ભરપૂર ભર્યાં છે! તમે પણ દેશ માટે આવી મરી ફીટવાની ભાવના રાખી શકો છો, એ આદર્શને નજર સામે રાખીને જો તમે આગળ વધશો તો તમારા માટે અને દેશ માટે ગૌરવભર્યું સ્થાન ઊભું કરી શકશો.

Total Views: 122
By Published On: April 1, 2019Categories: Uncategorized0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram