મિત્રો, બેલુર મઠની પવિત્ર ભૂમિ પર રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલ બે દિવસના આ યુવસંમેલનમાં ભાગ લેવા માટે અહીં એકઠા થયેલા તમને સહુને જોઈને ઘણો આનંદ થાય છે. જો કે તમારામાંથી મોટા ભાગના તો તરતમાં જ આવી રહેલી પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત હશો. આમ છતાં અમારા કહેણને તમે પ્રતિસાદ આપ્યો છે એટલે હું તમને સૌને અંત :કરણપૂર્વક ધન્યવાદ પાઠવું છું.

યુવાપેઢી પાસેથી સ્વામી વિવેકાનંદે ખૂબ ઊંચી આશાઓ સેવી હતી. તેઓ વારંવાર કહેતા કે થોડા શક્તિશાળી અને નિષ્ઠાવાન યુવજનો આખા વિશ્વને ધરમૂળથી પલટાવી શકે છે. આજે વિશ્વને એવી ક્રાંતિની આવશ્યકતા ઊભી થઈ છે. આ હું કોઈ રાજકીય ક્રાંતિની વાત કરતો નથી. આ તો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્રાંતિની વાત છે. એની અત્યારે તાતી જરૂર છે.

સ્વામીજીએ સમગ્ર ભારતમાં અને પશ્ચિમના ઘણા દેશોમાં પરિભ્રમણ કરીને વિશ્વ શું ઝંખી રહ્યું છે, તે સમજી લીધું. ભારતને પોતાના ભૂતકાળની ગરિમા પુન : સ્થાપિત કરવા પોતાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના પુનરુત્થાનની સાથોસાથ ભૌતિક ઉન્નતિની જરૂર છે. તો બીજી બાજુ તેમણે એ પણ જોઈ લીધું કે પશ્ચિમને પણ પોતાની સમગ્ર ભૌતિક પ્રગતિની સાથે એક પ્રબળ આધ્યાત્મિક સંસ્કૃતિના પાયાની આવશ્યકતા છે. સ્વામીજી સમજતા હતા કે વિકાસના આ બન્ને ઘટકોમાંથી કોઈ એક જ, અન્યથી નિરપેક્ષ રહીને ટકી શકે નહીં. તેમના મતે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સુમેળ જ વિશ્વનાં બધાં અનિષ્ટો માટેનું રામબાણ ઔષધ છે. એટલા માટે પશ્ચિમમાંથી ભારતમાં વિજયપ્રવેશ કર્યા બાદ તરત જ સમગ્ર વિશ્વમાં વિચાર-પરિવર્તન લાવવા માટે સ્વામીજીએ ‘બહુજન હિતાય’ અને ‘બહુજન સુખાય’ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. મિશનનો આદર્શ કંઈ કેવળ ભારતીય જનસમુદાય માટે જ પ્રયત્ન કરવાનો નથી, પરંતુ સમગ્ર વિશ્વના સકળ માનવ સમુદાયની સર્વાંગીણ સુખાકારી સાધવાનો છે. મિશનની સ્થાપનાને સો વર્ષ થયાં ત્યારે આપણે એટલું કહી શકીએ કે કશુંક સારું કામ તો થયું છેે, તોપણ હજુ ઘણું બાકી છે.

આજકાલ આપણા નૈતિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક તાણાવાણામાં નુકસાન થયેલું જોવા મળે છે. બધે સ્થળે અને બધાં જ ક્ષેત્રોમાં અધોગામી વલણ દેખાય છે. વિકાસની બધી જ કેડીઓમાં નકારાત્મક વિચારોથી આકર્ષાયેલા લોકો નજરે પડે છે. સર્વત્ર ફેલાયેલી આવી ખેદજનક પરિસ્થિતિને લીધે યુવા વર્ગ ખૂબ પીડા અનુભવી રહ્યો છે. નિર્બળ વિચારોના અવિરત આક્રમણને કારણે યુવાનો આત્મવિશ્વાસ ખોઈ બેઠા છે. એટલું જ નહીં, પણ તેમણે રાષ્ટ્રની પ્રાચીન અને ભવ્ય સંસ્કૃતિને પણ ઉવેખી દીધી છે. સાથે ને સાથે એક વાર જો પોતાનામાંથી, પોતાની પરંપરાઓમાંથી, પોતાની સંસ્કૃતિમાંથી શ્રદ્ધા ડગી ગઈ, તો પછી એવા માણસે એની સજા ભોગવવી જ રહી ! આવું થયા પછી તો અન્યનું આંધળું અનુકરણ કરવાનું વલણ જ રહેવાનું! અત્યારે આ દેશમાં આવું જ થઈ રહ્યું છેે. ઘણા ખરા યુવાનો કશાય હેતુ વિનાનું જીવન જીવી રહ્યા છે.

આટલા માટે ક્રાંતિની જરૂર છે. સ્વામી વિવેકાનંદ જેની વાત કરે છે એ ક્રાંતિ છે શું ? અને એને કેવી રીતે લાવી શકાય ? ક્રાંતિનો અર્થ આપણે એવો નથી કરતા કે તમારે બધાએ એકબીજા સાથે લડતા-ઝઘડતા રહેવું! તમે પેલા બાળકની વાત તો સાંભળી હશે. કોઈ એક વ્યક્તિએ ભારતના નક્શાના ટુકડે ટુકડા કરી નાખ્યા. બાળકે એ જોયું, પણ એણે પહેલેથી જ એ નક્શાની પાછળ છપાયેલ માનવ-આકૃતિને જોઈ હતી. એટલે એણે ભારતના નક્શાના કરી નખાયેલા ટુકડાઓને ફરી વખત બરાબર ગોઠવ્યા હતા. જો કે એણે નક્શાની બીજી બાજુ તૂટેલા માણસના ચિત્રને જ બરાબર ગોઠવ્યું હતું. આમ જ્યારે માણસ બરાબર બંધબેસતો થઈ ગયો એટલે નક્શો પણ બરાબર બંધબેસતો બની ગયો ! આવી જ રીતે દેશના નાગરિકો મહાન અને ચારિત્ર્યવાન બને તો રાષ્ટ્ર પણ મહાન બની જાય છે. એનું કારણ એ છે કે રાષ્ટ્ર વ્યક્તિઓનું જ બનેલું છેે. એટલે જેટલા પ્રમાણમાં નાગરિક બળવત્તર હશે અને ચારિત્ર્યવાન હશે તેટલા પ્રમાણમાં રાષ્ટ્ર પણ પ્રબળ બનવાનું. એટલે યુવાનોએ પોતાના ચારિત્ર્યનો વિકાસ કરવો જોઈએ જેથી તેઓ રાષ્ટ્રને અપેક્ષિત સન્માર્ગે લઈ જઈ શકે.

ચારિત્ર્યનો આ વિકાસ કેવી રીતે થઈ શકે ? સૌથી પહેલાં તો તમારામાંના દરેકે નકારાત્મક વિચારસરણીનો પરિત્યાગ કરવો જોઈએ. તમે નિર્બળ અને નિ :સહાય છો એવો વિચાર કરવાનું છોડી દો. તમારી ભીતરની મૂળભૂત શક્તિઓ અને ક્ષમતાઓ પર દૃઢ શ્રદ્ધા રાખો. ભૂતકાળની બધી ભૂલો જ ભૂલી જાઓ. હંમેશાં વર્તમાન પરિસ્થિતિ અને ભાવિ શક્યતાઓ વિશે જ વિચાર કરો. આ અત્યંત મહત્ત્વનું પ્રથમ પગથિયું છે.

બીજી વાત એ છે કે બને તેટલા નિ :સ્વાર્થ બનવાનો પ્રયત્ન કરો. તમારી આસપાસના લોકોની સાચુકલા હૃદયથી સેવા કરવાનો પ્રયત્ન કરો. અને એ સેવા એવો વિચાર મનમાં રાખીને કરો કે તે બધાના ઉપર જ તમારા દેશનું ભાવિ અવલંબે છે. અન્યની સેવા માટે પોતાની જાતને સમર્પિત કરવી, એ આત્મસેવાનો અને રાષ્ટ્રસેવાનો સર્વોત્તમ માર્ગ છે. ભારતના ઉત્થાન માટે આપણી યુવાન પેઢીએ આ માર્ગ અપનાવો જોઈએ એમ સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા.

સ્વામીજીનું અવતરણ તમારા માટે સાર્થક બની રહો! આજે જ પ્રતિજ્ઞા કરો કે સ્વામીજીએ દોરેલી રૂપરેખા પ્રમાણે આત્મવિકાસ માટે તમે સૌ કાર્ય કરતા રહેશો. જો આમ થશે તો થોડા જ વખતમાં તમે જોઈ શકશો કે તમારામાં અને સામાન્ય રીતે સમાજમાં કેવું અને કેટલું પરિવર્તન આવ્યું છે.

સ્વામીજી તમારામાંના દરેકને વિશેષત : સ્વદેશના કલ્યાણ માટે અને સામાન્યત : વિશ્વના કલ્યાણ માટે કામ કરવાનું આહ્‌વાન આપે છે. આ આહ્‌વાનને સાંભળો અને તમે તેમના બતાવ્યા માર્ગે પ્રગતિ કરો. તમારા આ પ્રયત્નમાં તમને સફળતા મળે એમ હું ઇચ્છું છું.

Total Views: 507

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.