આપણે માયાને સંપત્તિ ગણીએ છીએ. એના ઘણા અર્થ છે. માયા એટલે ઈશ્વરની મનાતી એક અનાદિ શક્તિ, યોગમાયા, અવિદ્યા, પ્રકૃતિ વગેરે. દેહને જે પાશજાળ કે બંધનમાં નાખે તે અવિદ્યા, કર્મ અને માયા છે. આ અવિદ્યા એટલે દૃશ્યમાં આત્મબુદ્ધિ બાંધનાર મૂલ દોષ. આ અવિદ્યાથી કર્તૃત્વ-આદિ મર્યાદાવાળું અભિમાન જાગે છે. એનાથી રાગ અને દ્વેષ થાય છે. આત્મામાં અવિદ્યા આરોપિત છે. કર્મ ચેતનતત્ત્વનું જડતત્ત્વ સાથેનું રૂપ છે. સર્જનમાં તે જન્મે છે અને પ્રલયમાં વિલીન થઈ જાય છે. માયા જગતનું ભૌતિક કારણ તથા બીજ છે. આ માયામાં ઘણી શક્તિઓ હોય છે. માયાને કારણે જગતનું સર્જન થાય છે. તેમાંથી નિયતિ, કાલ, રાગ, વિદ્યા અને શક્તિ ઉદ્ભવે છે.

સર્વોત્તમ બ્રહ્મ પછી શક્તિ છે. નાદબિંદુ નાદમાંથી જન્મે છે અને પછી શુદ્ધ માયા નિપજે છે. શિવ, શક્તિ, સદાખ્ય, ઈશ્વર અને શુદ્ધ માયા એ શિવજીનાં પાંચ રૂપો છે. માયાથી ઘેરાયેલો જીવ માયામાં જ ગોથાં ખાતો ફરે છે. માયાના ફંદામાંથી એ નીકળી શકતો નથી. માયામાં બંધાયેલા માણસમાં નથી જ્ઞાન, નથી નિષ્કામ કર્મ કે નથી શુદ્ધ ભક્તિ. કારણ કે જ્ઞાનમાં પ્રધાન બાધા તેનું દેહાભિમાન જ છે. અને તે તેને નડે છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ માયા વિશે કહે છે, ‘માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળું વળીને પડેલા સાપ જેવો છે.’ ગતિમાન શકિત તે માયા; અને અવ્યક્ત શાંત શક્તિ તે બ્રહ્મ…. બ્રહ્મનો શક્તિ સાથેનો સંબંધ અગ્નિ અને દાહકશક્તિના સંબંધ જેવો છે…. સૃષ્ટિ માટે શિવ અને શક્તિ બન્નેની જરૂર છે. સૂકી માટી વડે કોઈ કુંભાર ઘડો ન બનાવી શકે; પાણીની જરૂર પડે જ છે….

આપણા વેદાંતી-જ્ઞાની કવિ અખા ભગતે પોતાના છપ્પામાં માયાના સ્વરૂપને ઢાળ્યું છે. માયાના પ્રાબલ્યથી જીવાત્મા પોતાનું મૂળરૂપ ભૂલી જઈને ભ્રમણા ફેલાવતા ભ્રામક સુખ પાછળ આંધળી દોટ મૂકે છે. જીવાત્મા માયાના મોહમાં સપડાય છે. જેમ બકરો કસાઈ પર ભરોસો રાખીને અંતે મરણને જ નોતરે છે તેવી જ રીતે જીવ માયા પર વિશ્વાસ રાખી આમરણ અથડાયા કરે છે. અખો માયાને નટી કહીને આ પ્રમાણે લખે છે :

‘માયા મોટી જગમાહે નટી, તે આગળ કો’ જઈ ન શકે ખટી;

હરિહર અજથી જે આઘી વટી, સમજી ન જાયે એવી માયા નટી.’

માયા રંગમંચની નાચતી એક નટી છે. તે જેવી રીતે નાટક પ્રમાણે વેશ અને ભાવ ભજવે છે, તેવી રીતે માયા પણ માણસને નચાવે છે અને પોતાના તરફ બંધાયેલો રાખે છે. આ માયાને આજ સુધી કોઈ સમજી શક્યું નથી. તે સૌથી મોટી નટી છે. તે સમજી ન શકાય એવી છે. દેખાતી નથી; વસ્તુત : છે જ નહીં. ભારે સામર્થ્યવાળી છે. આ સચરાચર સૃષ્ટિની એ આદ્યજનની છે. ચૌદલોકને એણે જન્મ આપ્યો છે. માયા-નિરીક્ષણ દૃષ્ટિ લાધતાં બ્રહ્મ, ઈશ્વર, જગત અને જીવનું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે. માયા જગત ચિત્તે કલ્પેલું છે. તે વસ્તુત : નથી, આ દ્વૈત જે ભાસે છે તે તો માયા માત્ર છે. વસ્તુત : તો એકલું બ્રહ્મતત્ત્વ જ છે. અખો કહે છે :

હૃદે-ગુહામાં પ્રગટ્યો, તેણે પાલટો મનનો થયો,

માયાને ઠામ બ્રહ્મ ભાસ્યો, સંસારનો સંભવ ગયો.

જેના મનમાં, હૃદયમાં પરમાત્મા આવીને વિરાજે છે તે જ્ઞાની છે. પછી તેનું જીવન પલટાઈ જઈને શુદ્ધ બ્રહ્મ થઈ જાય છે. જગતની જૂઠી માયાને સ્થાને બ્રહ્મ ગોઠવાઈ જાય છે. એટલે સંસાર અસાર લાગવા માંડે છે.

અખો ભગત કહે છે કે ગમે તેવા મલિન જળમાં પ્રતિબિંબ પડવા છતાં સૂર્ય પોતે અશુદ્ધ થતો નથી. તેવી જ રીતે સૂર્ય સમા વિદેહીને સંસારની માયા અને અશુદ્ધિ સ્પર્શતી નથી.

ઊર્ણનાભ જેમ ઊરણા મૂકે, મૂકીને પાછી ભખે;

ત્યમ માયા ચિત્શક્તિ માટે મોટું સામર્થ્ય એ વિખે.

અખો પોતાના એક કડવામાં પચરંગી કાચના મંદિરની ઉપમા દ્વારા જીવ અને બ્રહ્મ તથા માયાનો સંબંધ સમજાવે છે. સૂર્ય તે નિર્ગુણ બ્રહ્મ. પચરંગી કાચ પર સૂર્યનાં અનેક બિંબ દેખાય છે, તે સગુણ ઈશ્વર છે અને ઈશ્વરના અનેક રંગોમાં સત્યપણું માન્યા કરે તે જીવ.

જ્યમ કાચનું મંદિર રચ્યું, નીલ, પીત શુભ શ્યામનું,

તે ઉપર તપિયો સૂર જ્યારે,

ત્યારે વિચિત્ર રૂપ થયું ધામનું,

કૈવલ્ય સૂર તપે સદા અને માયા તે મંદિર કાચ

ઈશ્વર નામ તે તેહનું, જીવ થઈ માન્યું સાચ.

કાચના મંદિરની ઉપમાથી અખાએ કૈવલ્ય, માયા, ઈશ્વર અને જીવની વાત કરી છે. રંગબેરંગી કાચના મંદિર સમા માયામંદિરની અંદર જીવ થઈને સૂર્યનું જે રંગાયેલું સ્વરૂપ અનુભવ્યું તે ઈશ્વર છે. પણ ઉપર જે રંગ રહિત સૂર્ય તપે છે તે કૈવલ્ય બ્રહ્મ છે.

અખા માયા કરે ફજેત, ખાતાં ખાંડ ને ચાવતાં રેત,

જ્યમ લૂણ આવી આંધણમાં ઊકળે, તો શુદ્ધ અર્ણવ શેને બળે.

માયાના પ્રાબલ્યથી જીવાત્મા પોતાનું ખરું સ્વરૂપ ભૂલી જઈને ભ્રામક સુખ પાછળ દોડી રહ્યો છે. પરમાત્મા તરફ પૂંઠ ફેરવીને તે ઇન્દ્રિયવિષય તરફ ખેંચાઈને પોતાનું અસલ કર્મ પણ વિસરી જાય છે.

શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે ઈશ્વર સર્વવ્યાપી છે તો પછી આપણે એને કેમ જોઈ શકતા નથી ? ખૂબ શેવાળથી ઢંકાયેલા તળાવને કાંઠેથી જોતાં તમને એ તળાવનું પાણી નહીં દેખાય. પાણી જોવું હોય તો સપાટી પરની બધી શેવાળ ખસેડૉ. આંખો પર માયાનું પડ છે અને તમે ફરિયાદ કરો છો કે તમને પ્રભુ દેખાતા નથી. તમારે એને જોવા હોય તો તમારી આંખો પરનું માયાનું પડ દૂર કરો…. હંસ નીરક્ષીર જુદાં પાડે છે, એવી માન્યતા છે. એ દૂધ પીઈ જાય અને પાણી રહેવા દે. બીજાં પંખી એમ ન કરી શકે. ઈશ્વર માયા સાથે ઓતપ્રોત થઈ ગયો છે, સામાન્ય માણસો એને માયાથી ભિન્ન જોઈ શકતા નથી. માત્ર પરમહંસ માયાને ત્યજીને ઈશ્વરના વિશુદ્ધ રૂપને જોઈ શકે છે.

કવિ ઉમાશંકર જોષી લખે છે કે બ્રહ્મ વસ્તુ સ્વભાવે તો પૂર્ણ છે. તેમાં પ્રણવની-ઓમકારની ધૂન ઊઠતાં ત્રણ ગુણો સત્ત્વ, રજસ અને તમસમાંથી મહાભૂતો આદિની સૃષ્ટિ સર્જાય છે. જેમ ઠંડીને લીધે પાણીમાં જડતા પ્રગટે ને એ બરફરૂપે પ્રતીત થાય તેમ બ્રહ્મ જ માયા-શબલિત થતાં સૃષ્ટિરૂપે પ્રતીત થાય છે. જાગ્રત સ્વપ્ન જેવું ચિત્તે કલ્પેલું, નામરૂપની સૃષ્ટિવાળું, માયા-શબલિત બ્રહ્મનું રૂપ સાચા જ્ઞાનના પ્રભાવથી શમી જતાં, એ બધાથી પર પરબ્રહ્મ જેવો હતો તેવો યથા, યથાસ્થિત, જેમનો તેમ અનુભવાય છે.

Total Views: 64
By Published On: May 1, 2019Categories: Chandrakant Patel0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram