આપણા આ ભારતવર્ષમાં અગણિત સંતો પ્રગટ થયા છે અને બીજા અસંખ્ય સંતો પ્રગટતા રહેશે. આ દેશ ધર્મ, આધ્યાત્મિકતા, સંસ્કાર, સંસ્કૃતિની ભૂમિ છે. આવા જ એક મહાન સંત થઈ ગયા છે. તેમનું નામ છે ઉડિયાબાબા! તેમનું સંન્યાસનું નામ છે- સ્વામી પૂર્ણાનંદતીર્થ. તેઓ જગન્નાથ પુરીના શંકરાચાર્યના શિષ્ય છે. પરંતુ જન્મ ઓરિસ્સામાં થયેલો તેથી ઉડિયાબાબા નામ પડી ગયું ! ભક્તો પોતાના ગુરુનાં આવાં અવનવાં નામ પાડતા જ હોય છે.

તે દિવસોમાં ઉડિયાબાબા રામઘાટમાં રહેતા હતા. રામઘાટ ગંગાકિનારાનું એક તીર્થ છે. અનેક સાધન-પરાયણ સંતો આ તીર્થમાં રહીને સાધન-પરાયણ જીવન જીવે છે. તદનુસાર ઉડિયાબાબા પણ રામઘાટમાં ગંગાકિનારે રહીને સાધન-પરાયણ જીવન જીવતા હતા.

એક દિવસ એક સંન્યાસિની રામઘાટમાં આવે છે. નામ છે- સરોજિની દેવી! રામકૃષ્ણ મિશનની પરંપરામાં દીક્ષિત સંન્યાસિની છે. સરોજિની દેવી રામઘાટમાં પહેલીવાર આવ્યાં છે. પરંતુ ઉડિયાબાબાના નામથી પરિચિત છે. તેમને ઉડિયાબાબાનાં દર્શન કદી થયાં નથી; પરંતુ આ વખતે તેમના મનમાં એવી ભાવના છે કે ઉડિયાબાબાનાં દર્શન કરવાં છે.

સરોજિની દેવી શોધતાં શોધતાં ઉડિયાબાબાની કુટિયા સુધી પહોંચે છે. બહાર ઊભાં રહીને સરોજિની દેવી એક સેવક દ્વારા ઉડિયાબાબાને સંદેશ મોકલે છે- ‘બાબા ! રામકૃષ્ણ મિશનની એક સંન્યાસિની હું સરોજિની દેવી આપનાં દર્શન માટે આપની કુટિયા પર આવી છું. આપ દર્શન આપવાની કૃપા કરો.’

તે દિવસોમાં ઉડિયાબાબા કોઈ સ્ત્રીને મળતા નહીં અને સ્ત્રી સાથે વાત પણ કરતા નહીં. ઉડિયાબાબાએ એક સેવક દ્વારા સંદેશો મોકલાવ્યો.

‘દેવી ! ક્ષમા કરજો, ઉડિયાબાબા કોઈ સ્ત્રીને મળતા નથી અને કોઈ સ્ત્રી સાથે વાત પણ કરતા નથી.’

સરોજિની દેવીએ આ ઉત્તર સાંભળ્યો. જાણે સિંહણના મસ્તક પર કોઈએ પ્રહાર કર્યો ! સરોજિની દેવી ગર્જના કરે છે-

‘તને કોણે જન્મ આપ્યો છે ? શું તું આકાશમાંથી ટપક્્યો છે ?’

 

થોડીવાર અટકીને ફરી સરોજિની દેવી ગર્જના કરે છે. જાણે સમગ્ર સ્ત્રીજાતિ સાથે ઐક્યભાવ સિદ્ધ થયો હોય તેમ સરોજિની દેવી ગર્જના કરતાં કહે છે-

‘મેં તને નવમાસ સુધી ગર્ભમાં ધારણ કર્યો છે. મેં તને જન્મ આપ્યો છે. મેં તને પય :પાન કરાવ્યું છે. મેં તને ઉછેરીને મોટો કર્યો છે. તું આકાશમાંથી ઊતરીને અહીં પૃથ્વી પર નથી આવી ગયો !’

પુન : થોડીવાર અટકીને સરોજિની દેવી કહે છે- ‘અને… અને… તું મને નહીં મળે ? મને નહીં મળે ?’

આ ગર્જના, અંતરમાંથી નીકળેલી આ હાર્દિકવાણી કુટિયામાં બેઠેલા ઉડિયાબાબા સાંભળે છે. આ વાણીરૂપી શસ્ત્રથી ઉડિયાબાબાનું અંતર ભેદાઈ ગયું. દેવીના આ શબ્દો જાણે તેમની આરપાર નીકળી ગયા.

ઉડિયાબાબા કુટિયાની બહાર આવે છે અને હાથ જોડીને સરોજિની દેવીને કહે છે-

‘માતાજી ! આપ મને ક્ષમા કરો. પુત્રની ભૂલને માતા જેમ ક્ષમા કરે તેમ મને આપ ક્ષમા કરો. આજથી હવે પછી આવી કદી આવી ભૂલ નહીં કરું.’

ઉડિયાબાબા સરોજિની દેવીને પોતાની કુટિયામાં પધારવા નિમંત્રણ આપે છે. સરોજિની દેવી દર્શન પણ પામે છે અને સત્સંગ પણ પામે છે.

આ પ્રસંગ પછી ઉડિયાબાબાનો નિયમ બદલાય છે. ત્યાર પછી તેઓ સ્ત્રીઓને મળે છે, સત્સંગ પણ આપે છે અને સત્સંગ પામે પણ છે. તે દિવસથી સ્ત્રીઓની સામેનો પ્રતિબંધ ઊઠી ગયો.

 

Total Views: 221
By Published On: May 1, 2019Categories: Bhandev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram