કુરુક્ષેત્રના મેદાન પર લડાઈની તૈયારીઓ થઈ રહી હતી. એક બાજુ કૌરવોની છાવણી હતી. કૌરવરાજ દુર્યોધનને સહાય કરવા ઊભેલા ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ વગેરેના તંબુઓ છે; કૌરવોનું અને માંડલિક રાજાઓનું અગિયાર અક્ષૌહિણી સૈન્ય ઉપસ્થિત છે; હજારો હાથીઓ અને ઘોડાની ધમાલ જોવા મળે છે. સૂર્યના તેજમાં ચળકાટ મારતાં ભાલાઓ અને તલવારો પણ છે. તીક્ષ્ણ અણીવાળાં જીવલેણ તીરો અને ટંકાર માત્રથી ધ્રુજાવતાં ધનુષ્યો પણ છે. આ બધું એક બાજુ પડ્યું હતું. તો બીજી બાજુએ મહારાજ યુધિષ્ઠિરની છાવણી હતી. પાંડવોની જીવનદોરીરૂપ શ્રીકૃષ્ણ, ગાંડિવનો ખેંચનારો અર્જુન, ગદાથી દુશ્મનોના ચૂરેચૂરા કરવા તત્પર થયેલો ભીમ, પૂર્વભવનું વેર લેવા ઊભેલો શિખંડી, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ, આ આખાયે ભીષણ યુદ્ધની અધિષ્ઠાત્રી દેવી સમી દ્રૌપદી. આ બધાં બીજી બાજુ પડ્યાં હતાં.

તૈયારીઓ થઈ ચૂકી હતી; બન્ને પક્ષને મદદ કરવા આવનારા રાજાઓ આવી ચૂક્યા હતા; બન્ને પક્ષને જોઈતી સાધન-સામગ્રી આવી મળી હતી; બન્ને પક્ષમાં મંત્રો તૈયાર થઈ ગયા હતા; બન્ને પક્ષનું માણસ પ્રસંગપૂરતું તૈયાર હતું. હવે તો આવતી કાલ ઊગે અને બાણ છૂટે એટલી જ વાર હતી.

કુરુક્ષેત્રમાં બન્ને છાવણીઓની વચ્ચે એક નાનો શો ટેકરો. ટેકરાની એક ખાડમાં ટીટોડી અને તેનાં બચ્ચાંનો માળો.

યુદ્ધની તૈયારીઓ જોઈને ટીટોડી તો ખૂબ જ ગભરાઈ ગઈ : ‘આવા મહાભારત યુદ્ધમાં સન્ન્ન્ કરતાં બાણો છૂટશે અને એમાં હું મરી જાઉં તેનું તો મને જરાયે દુ :ખ નથી, પણ આ મારાં બચ્ચાઓનું શું ?’ બચ્ચાંની સંભાળના વિચારથી ટીટોડીનું માતૃહૃદય કકળી ઊઠ્યું, ‘અરેરે ! હું શું કરું ? આટલાં બધાં નાનાં બચ્ચાંને ફેરવાય પણ નહીં અને મારા બાપ, આ આખલા લડે એમાં અમે શી રીતે બચીએ ? આટલા બધા હાથી-ઘોડાઓનાં લોહી જ્યાં રેલાવાનાં છે, ત્યાં મારાં બચ્ચાંનો તો વિચાર કરનાર કોણ હોય ?’

પણ ટીટોડી તો બચ્ચાંની મા ! આશા છોડે તોયે કકળાટ શી રીતે છોડાય ? ટીટોડીએ તો કકળાટ ચાલુ જ રાખ્યો.

ટીટોડીના આ કલ્પાંત માટે કોઈને કાન હતા ? એ મારામારી અને કાપાકાપીના વાતાવરણમાં આ નાનકડા પ્રાણીના કલ્પાંતને અવકાશ હતો.

ટીટોડીનું કલ્પાંત શ્રીકૃષ્ણના કાને પહોંચ્યું. આખું બ્રહ્માંડ આ ધર્મયુદ્ધમાં ખપી જાય, તોપણ જેનું રુવાડું ન થડકે એવા શ્રીકૃષ્ણનું અંતર ટીટોડીના આ આર્તનાદથી થડકી ઊઠ્યું. માતાનાં ઊંડા અંતરની ચીસે તેમને ધ્રુજાવી દીધા.

શ્રીકૃષ્ણ ટીટોડીના માળા પાસે ગયા અને ટીટોડી તથા તેનાં બચ્ચાં ઉપર એક મોટો જબ્બર ટોકરો તેમણે ઢાંકી દીધો.

મહાભારતનું યુદ્ધ અઢાર દિવસ સુધી ચાલ્યું. ભારતના અસંખ્ય યોદ્ધાઓ એ યુદ્ધમાં સ્વર્ગે સિધાવ્યા; હાથી-ઘોડાઓનો તો સુમાર જ ક્યાં હતો ? બધા કૌરવોએ ભૂમિશયન સ્વીકાર્યું. ભીષ્મ અને દ્રોણ જેવા પણ કાળના મુખમાં હોમાઈ ગયા. પણ ટીટોડી અને તેનાં બચ્ચાંનો વાળ સરખોયે વાંકો ન થયો !

આવાં આવાં મહાભારતો રચનારા શ્રીકૃષ્ણના હૃદયમાં આ ટીટોડી જેવાં માટે સમાસ હોય એમાં જ એમની પ્રભુતા છે ને !!!

 

Total Views: 91
By Published On: May 1, 2019Categories: Nanabhai Bhatt0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram