રામકૃષ્ણ મઠ, અમદાવાદની પ્રવૃત્તિઓ

* ૨જી માર્ચ, ૨૦૧૯, શનિવારના રોજ વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં સ્વામી વિનિર્મુક્તાનંદજી અને બ્રહ્મચારી જનાર્દનચૈતન્યનાં ભાવવાહી ભજનોનો લાભ ઘણા ભક્તોએ લીધો હતો. બન્નેના કંઠેથી નીકળેલાં સૂરીલાં ભજનોએ એક ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું. વિવેક વિહારનાં બાળકો દ્વારા શિવનૃત્યનો કાર્યક્રમ ભાવિકોએ મનભરીને માણ્યો હતો. ત્યાં વિવેક વિહારનાં બાળકો દ્વારા શિવપૂજન પણ થયું હતું. ૧૫૦ ભાવિકજનોએ આ પૂજામહોત્સવમાં ભાગ લીધો હતો. ઉપસ્થિત ભક્તોએ સ્વામી વિનિર્મુક્તાનંદ મહારાજના મધુર કંઠે સંધ્યા આરતી પછી ભજનોનું રસપાન કર્યું હતું.

* ૮મી માર્ચ, ૨૦૧૯, શુક્રવારે શ્રીરામકૃષ્ણદેવની ૧૮૪મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સવારે મંગલઆરતી, પાઠ, ભજન, કીર્તન અને પૂજાનું આયોજન થયું હતું. સાંજે સંધ્યા આરતી પછી સ્વામી આદિભવાનંદજી અને સ્વામી મંત્રેશાનંદજીનાં શ્રીરામકૃષ્ણ જીવન અને સંદેશ વિશેનાં પ્રવચનો ઉપસ્થિત ભક્તોએ માણ્યાં હતાં. તે દિવસે સાંજે શ્રીરામકૃષ્ણનામ સંકીર્તનનું વૃંદગાન પણ થયું હતું. સમગ્ર દિવસ દરમિયાન ૨૭૫ ભક્તજનોએ આ પાવનકારી દિવસે પ્રસાદનો લાભ લીધો હતો.

* શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૯મી માર્ચ, ૨૦૧૯, શનિવારના રોજ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ભક્ત શ્રી પ્રવીણભાઈ ધારૈયાના નિવાસસ્થાને સાંજે ૬ થી ૮ સુધી સત્સંગ અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વામી આદિભવાનંદજી, સ્વામી પ્રભુસેવાનંદજી અને સ્વામી મંત્રેશાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી અને તેમનાં જીવનકવન વિશે પ્રવચનો આપ્યાં હતાં. બ્રહ્મચારી જનાર્દનચૈતન્યનાં ભજનો સૌનું આકર્ષણ બન્યાં હતાં.

* શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી નિમિત્તે ૧૭મી માર્ચ, ૨૦૧૯ રવિવારના રોજ અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા શ્રી રાજીવભાઈ નાણાવટી અને તુષારભાઈ નાણાવટીના નિવાસસ્થાને સાંજે ૫ :૩૦ થી ૭ :૩૦ સુધી સત્સંગ સભાનું આયોજન થયું હતું. આ સભામાં સ્વામી આદિભવાનંદજી, લીંબડીના સ્વામી ગુણાશ્રયાનંદજી અને સ્વામી મંત્રેશાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી અને તેમનાં જીવનકવન વિશે પ્રવચનો આપ્યાં હતાં. બ્રહ્મચારી જનાર્દનચૈતન્યનાં ભજનો ભાવિકજનોએ માણ્યાં હતાં.

* ૨૧મી માર્ચ, ૨૦૧૯ શુક્રવારના રોજ ભગવાનશ્રી ચૈતન્ય મહાપ્રભુના જન્મજયંતી મહોત્સવ પ્રસંગે મઠમાં મંગલ આરતી, ભજન, કીર્તન અને પૂજનનું આયોજન થયું હતું. સંધ્યા આરતી પછી સ્વામી મંત્રેશાનંદ મહારાજના પ્રવચન અને બ્રહ્મચારી જનાર્દનચૈતન્યનાં ભજનોનો લાભ ભાવિકજનોએ લીધો હતો. આ દિવસે ભક્તોએ શ્યામનામ સંકીર્તનનો લાભ પણ લીધો હતો.

* ૨૪મી માર્ચ, ૨૦૧૯, રવિવારના રોજ અમદાવાદના એસ.જી. રોડ વિસ્તારમાં રહેતા શ્રી પરીક્ષિતભાઈ દિવેટિયાના નિવાસસ્થાન ‘નંદિની નિલયમ’ સંસ્કૃતિ સભાગૃહમાં સાંજે ૫ :૩૦ થી ૭ :૩૦ સુધી સત્સંગ સભાનું આયોજન થયું હતું. આ સભામાં સ્વામી આદિભવાનંદજી અને સ્વામી મંત્રેશાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવના પ્રેરક જીવનપ્રસંગો દ્વારા શ્રીઠાકુરની અમૃતવાણી ભાવિકજનો સમક્ષ પીરસી હતી. બ્રહ્મચારી જનાર્દનચૈતન્યનાં ભજનો ભાવિકજનોએ માણ્યાં હતાં. ઉપસ્થિત ભક્તોએ ભોજનપ્રસાદનો લાભ લીધો હતો.

Total Views: 287

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.