ઈ.સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્‌ઘાટન થયું. આ ધર્મ પરિષદમાં વિશ્વના ધર્મોના પ્રતિનિધિઓ આવ્યા હતા. વિશ્વધર્મોના સત્તર પ્રતિનિધિઓને શરૂઆતમાં પાંચ મિનિટ સ્વાગત પ્રવચન માટે આપવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદને પણ પાંચ મિનિટ આપવામાં આવી હતી. સવારના સત્રમાં તો તેમણે પ્રવચન આપવાનું ટાળ્યું. પરંતુ બપોરના સત્રમાં પ્રવચન આપવા ઊભા થયા અને તેમણે ‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’નું ઉદ્‌બોધન કર્યું કે ત્યાં બેઠેલા બધા શ્રોતાઓ ઊભા થઈ ગયા અને બે મિનિટ સુધી તો તાળીઓના ગડગડાટથી આખો હાૅલ ગૂંજી ઊઠ્યો. હવે પાંચમાંથી ત્રણ મિનિટ જ બાકી રહી. આ ત્રણ મિનિટમાં તેઓ પૂરા પાંચસો શબ્દો પણ બોલ્યા ન હતા. ફક્ત ૪૫૯ શબ્દોમાં જ આપેલા એ વક્તવ્યે એમને વિશ્વપ્રસિદ્ધ બનાવી દીધા. વિશ્વના ઇતિહાસમાં જે ત્રીસ પ્રવચનો નોંધાયાં છે, તેમાં સ્વામી વિવેકાનંદનું આ વક્તવ્ય પણ છે! એમના આ નાનકડા પ્રવચને વિશ્વ ધર્મ પરિષદનો સમગ્ર માહોલ બદલી નાખ્યો. અત્યાર સુધી અમેરિકનો ભારતને મદારીઓ અને જાદુગરોનો દેશ માનતા હતા એટલે તેઓ ભારતના લોકોને ધર્મનું શિક્ષણ આપવા મિશનરીઓને મોકલતા હતા. પરંતુ સ્વામીજીના અતિ ટૂંકા પ્રવચને તો તેમની આંખ ખોલી નાખી. તેમને થયું કે ખરી જરૂર તો આપણને છે. ત્યારે તો સ્વામી વિવેકાનંદ એક જ સંન્યાસી ગયા હતા. અત્યારે સાધુઓની ફોજ અમેરિકા જઈ રહી છે અને અમેરિકાના લોકો ભારતની વૈદિક સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત થઈ રહ્યા છે અને તેને અપનાવી રહ્યા છે. આ ઐતિહાસિક પ્રવચનના બીજા જ દિવસે વર્તમાનપત્રોમાં સ્વામીજીના ફોટાઓ સાથે આવ્યું કે તેઓ વિશ્વધર્મના નાયક છે, સ્વામીજી વિશે ‘ન્યૂયોર્ક હેરાલ્ડ’ સમાચાર પત્રે લખ્યું હતું, ‘તેઓ ધર્મ પરિષદમાં ઉપસ્થિત નિ :સંશય માનવ હતા. તેમને સાંભળ્યા પછી આપણને સમજાય છે કે આવા સુશિક્ષિત દેશમાં ધર્મોપદેશકો મોકલનારા આપણે કેટલા મૂર્ખ હતા !’

શિકાગો વિશ્વ ધર્મ પરિષદની શતાબ્દી

વિશ્વ ધર્મ પરિષદનાં બરાબર ૧૦૦ વર્ષ પછી પણ ૧૮૯૩માં શિકાગોની વેદાંત સોસાયટીએ તેની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ફરીથી વિશ્વ ધર્મ પરિષદ યોજવાનું વિચાર્યું. તેમણે એ જ કમિટિને પુન :સ્થાપિત કરી. અલબત્ત, એના એ જ સભ્યો તો ન હતા, પરંતુ કમિટિનાં સ્વરૂપ અને કાર્યવાહી એ જ રાખવામાં આવ્યાં. આ ધર્મ પરિષદનું નામ ‘વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન’ને બદલે ‘પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન’ રાખ્યું. આ પરિષદને ઘણો સારો આવકાર મળ્યો. પ્રથમ પરિષદમાં સાત હજાર વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ બીજી પરિષદમાં આઠ હજાર લોકો ઉપસ્થિત રહ્યા. દર પાંચ વર્ષે આવી પરિષદ યોજવાનું નક્કી કર્યું. સાતમી પાર્લામેન્ટ ૨૦૧૮નાનવેમ્બરની તા. ૧ થી ૭ સુધી ટોરન્ટોમાં યોજવામાં આવી. આની પૂર્વ તૈયારી રૂપે ૨૪મી જૂન, ૨૦૧૮ના રોજ પ્રિ-પાર્લામેન્ટ ઓફ રિલિજિયન રાજકોટમાં યોજવામાં આવી. તેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. રાજકોટમાં ભરાયેલી આ પરિષદની ઘણી પ્રશંસા થઈ. બધાનાં ઉત્તમ વક્તવ્યો થયાં. આ પરિષદ માટે પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયનના ચેરમેનશ્રીએ અમેરિકાથી પ્રશસ્તિપત્ર અને અભિનંદન પાઠવ્યાં. સાથે ને સાથે પાર્લામેન્ટનાં એક ટ્રસ્ટીશ્રી ડૉ. ભદ્રાબહેન શાહ તો આ પરિષદમાં હાજર હતાં. તેમણે તો મને ટોરન્ટોમાં યોજાનારી સાતમી વિશ્વ ધર્મ પરિષદમાં આવવા ભારપૂર્વક આમંત્રણ આપીને કહ્યું, ‘લેખિત આમંત્રણ આપને હું ત્યાં જઈને મોકલાવીશ. પરંતુ આપે આ પરિષદમાં આવવાનું જ છે અને કી નોટ એડ્રેસ પણ આપવાનું છે.’

આમ મૌખિક આમંત્રણ તો મળી ગયું, પરંતુ વિધિવત્ આમંત્રણ આવતાં વાર લાગી અને વિઝા મળવામાં પણ વિલંબ થયો. વિઝા મળવાના વિલંબને કારણે ઘણા લોકો આવી શક્યા નહીં. સ્વામી સર્વસ્થાનંદજીનું પણ પ્રવચન હતું, પણ વિઝાને કારણે તેઓ આવી શક્યા નહીં. મોડે મોડે પણ મને વિઝા મળી ગયા. એટલે જવાનું શક્ય બન્યું. જો કે તૈયારીનો સમય ખૂબ જ ઓછો હતો પરંતુ શ્રીઠાકુરની કૃપાથી બધું સમયસર તૈયાર થઈ ગયું.

પ્રસ્થાન

૨૯મી ઓક્ટોબરે રાત્રે ૯ વાગ્યે રાજકોટથી મુંબઈ જતી ફ્લાઈટમાં નીકળવાનું થયું. રાત્રે ૧૧ વાગ્યે મુંબઈ પહોંચ્યો. અબુધાબી માટેની ફ્લાઈટ સવારે ૪ વાગ્યે ઊપડતી હતી. સામાનમાં તો કેબીન-લગેજની એક સુટકેસ હતી. બાકી બધો સામાન મને ન્યૂયોર્કમાં મળવાનો હતો. એટલે સામાન સાચવવાની કોઈ ચિંતા જ ન હતી. અબુધાબીથી તો પછી સીધી ન્યૂયોર્કની ફ્લાઈટ હતી. સવારે ૪ વાગ્યે અબુધાબીની અને ત્યાંથી સવારે ૧૦ :૩૦ વાગ્યે ન્યૂયોર્કની ફ્લાઈટ હતી.

ફ્લાઈટમાંથી જ ઠાકુરના કાર્યનો પ્રારંભ

લાંબા અંતરની ફ્લાઈટમાં ભોજન આપવામાં આવે છે. તેમાં બે પ્રકારનું ભોજન હોય છેે. શાકાહારી અને માંસાહારી. કહેવાય શાકાહારી પરંતુ તે પણ કંઈ શુદ્ધ હોય નહીં. તેમાં પણ ઘણી ભેળસેળ હોય. આથી મેં વિચાર્યું કે ફળાહારમાં કોઈ મિશ્રણ ન હોવાથી મેં ફ્રૂટડિશ નોંધાવી હતી. આખી ફ્લાઈટમાં ફ્રૂટડિશ મારા સિવાય કોઈએ પણ નોંધાવી ન હતી. એરહોસ્ટેસ ‘ફ્રૂટડિશ’વાળી વ્યક્તિને શોધી રહી હતી. છેવટે તે મારી પાસે આવી અને મારું નામ બોલવા લાગી. પણ ન… એવો ઉચ્ચાર કરીને અટકી જતી હતી. અને પછી મને એ વિશે પૂછ્યું. તેણે ફ્રૂટડિશ તો મને આપી પણ મારું નામ બોલતાં ન આવડ્યું! પછી મને કહે ‘What a big name! આટલું લાંબું નામ અને અટપટું નામ તમે શા માટે રાખ્યું ?’ પછી મેં એને સમજાવ્યું, ‘હું સંન્યાસી છું અને મારા ગુરુજી તરફથી મને આ નામ મળ્યું છે ! અમારે જાતે નામ રાખવાનું હોતું નથી.’ આ સાંભળીને તેણે કહ્યું, ‘Oh ! you are a monk !’ પછી મને પગે લાગીને તે નીચે બેઠી. મારી બાજુમાં બે સીટ ખાલી હતી, છતાં પણ ત્યાં ન બેસતાં તે નીચે બેઠી. ત્યાર પછી મને કહ્યું, ‘તમને ભગવાને જ મારા માટે મોકલ્યા છે. મને ઉપદેશ આપો.’ મેં પૂછ્યું, ‘પણ તારે શા માટે ઉપદેશ જોઈએ છે ?’ એટલે તેણે કહ્યું, ‘હું ઘણા શોકમાં છું. ત્રણ મહિના પહેલાં મારા પતિ ગુજરી ગયા છે… જીવનમાંથી મારો આનંદ ઊડી ગયો છે. હું રોજ પ્રભુને પ્રાર્થના કરતી કે મને આ શોકમાંથી ઉગારે તેવા કોઈ સંતનો મેળાપ કરાવી દો. અને પ્રભુએ તમને મોકલી આપ્યા !!’ પછી તેને જીવનમાં સાચું સુખ અને શાંતિ કેવી રીતે મળે તે સમજાવ્યું. ત્યારે મને થયું કે ભારતનો કિનારો છોડ્યો અને ઠાકુર તેમજ સ્વામીજીનું કામ જાણે શરૂ થઈ ગયું !

અમેરિકામાં પ્રવેશ

૩૧મી તારીખે સાંજે પ વાગ્યે ન્યૂયોર્ક પહોંચ્યો. મારે અત્યારે અમેરિકામાં રોકાવાનું ન હતું. વિશ્વ ધર્મ પરિષદનું કાર્ય પૂર્ણ થયા બાદ ન્યૂયોર્ક આવવાનું હતું, એટલે રાતે ૯ વાગ્યે ટોરન્ટોની ફ્લાઈટ પકડી અને ૧૧ વાગ્યે ટોરન્ટો પહોંચી ગયો. ત્યાં એરપોર્ટ પર ઘણી વિધિઓ પતાવવાની હતી. એ બધી વિધિઓ પછી ટોરન્ટોમાં પ્રવેશ મળ્યો. પહેલે દિવસે તો એક ભક્તના ઘેર રહ્યો. ધર્મ પરિષદના ચુંટાયેલા વક્તાઓ માટે ૧ થી ૭ તારીખ સુધી હોટેલમાં રિઝર્વેશન થયું હતું. બીજે દિવસે હું ટોરન્ટોની વેદાંત સોસાયટીમાં ગયો. સ્વામી વિવેકાનંદે યુરોપ અને અમેરિકામાં કેન્દ્રોને શ્રીરામકૃષ્ણ મિશન કે આશ્રમ એવું નામ ન આપતાં વેદાંત સોસાયટી કે વેદાંત સેન્ટર એવું નામ આપ્યું છે. એનું કારણ એ છે કે તેઓ આ કેન્દ્રોને વૈયક્તિક રૂપ આપવા ઇચ્છતા ન હતા. ધર્મ પરિષદ માટે ભારતમાંથી તો હું એક જ સંન્યાસી હતો, પણ અમેરિકાના બીજા પાંચ સંન્યાસીઓ હતા. એમાં સ્વાભાવિક રૂપે ટોરન્ટોના સ્વામીજી પણ હતા. સેન્ટરમાં ૩૧મી તારીખે ૪ વાગ્યે પહોંચ્યો અને સ્વામી કૃપામયાનંદે મને વર્ગમાં બેસાડી દીધો. પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ત્યાં લગભગ બે કલાક સુધી સરસ રીતે ચાલ્યો. ૩૧મીએ રાત્રે હોટલમાં પહોંચી જવાનું હતું કેમ કે ૧લી નવેમ્બરે તો પાર્લામેન્ટ શરૂ થવાની હતી.

૭મી વિશ્વ ધર્મ પરિષદ, ટોરન્ટો

આ ધર્મ પરિષદમાં ૧૨૦ દેશોના વિવિધ ૨૦૦ સંપ્રદાયોના લગભગ ૧૦,૦૦૦ પ્રતિનિધિઓ આવ્યા હતા. અલગ અલગ દેશોની વિચારધારા ધરાવનાર લોકોનો સમુદાય એક મંચ પર એકત્રિત થયેલો જોવા મળ્યો. એમાં ૫૦થી વધારે તો મુખ્ય પ્રવચનકર્તા (કી નોટ એડ્રેસ આપનાર) હતા. કુલ મળીને ૮૦૦ વક્તાઓ હતા. ૧૨૫ વર્ષ પહેલાં શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદની જાણે કે આ સાતમી બૃહત્ પ્રતિકૃતિ હતી ! આ પરિષદ ૧ થી ૭ નવેમ્બર સુધી ચાલવાની હતી. તેમાં મારું મુખ્ય પ્રવચન ૨જી તારીખે હતું.

૧લી તારીખે ધર્મ પરિષદ શરૂ થઈ. ૧લી તારીખે ગુજરાતી ભક્ત ડૉ. દોલતભાઈ દેસાઈ અને અન્ય લોકો મળ્યા. ૧લી તારીખે તો બધું જોયું. હવે ૨જી તારીખે ધર્મ પરિષદના અધ્યક્ષે મારું મુખ્ય વ્યાખ્યાન દિવાળીના ઉત્સવ દરમિયાન ગોઠવી દીધું, કેમ કે ૬ઠ્ઠી તારીખે (દિવાળીના દિવસે) ઘણા લોકો જતા રહેવાના હતા એટલે શરૂઆતના દિવસોમાં જ આ વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું. આશ્ચર્યની વાત તો એ છે કે કેનેડા સરકારે પણ નવેમ્બર મહિનાને ‘ઇન્ડિયન હેરીટેજ મન્થ’ રૂપે જાહેર કર્યો. વર્લ્ડ પાર્લામેન્ટમાં તો દિવાળીનો પવિત્ર દિવસ મહાલક્ષ્મીનું પૂજન કરીને ઉજવવામાં આવ્યો. મહાલક્ષ્મીની મૂર્તિને એક મોટા હાૅલમાં પ્રતિષ્ઠિત કરીને ત્યાં બધાંને એકત્ર કરવામાં આવ્યા અને મહાલક્ષ્મીની વિધિવત્ પૂજા કરી. આજે વિદેશની ધરતી પર આપણા આ પવિત્ર તહેવારની આવી રીતે થતી ઉજવણી જોતાં, આજથી ૧૨૫ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના સનાતન ધર્મની મહત્તાનાં જે બીજ રોપ્યાં હતાં, તેને આજે વિરાટ વૃક્ષમાં પરિણમતાં જોઈને ખૂબ આનંદ અનુભવ્યો. ‘હે ભારત! તું ઊભો થા અને તારી આધ્યાત્મિકતાથી વિશ્વ પર વિજય મેળવ,’ સ્વામીજીના આ શબ્દો જાણે આજે સાર્થક થઈ રહ્યા હોય એવું અનુભવ્યું.

૨જી તારીખે ‘હિન્દુઈઝમ એન્ડ સ્વામી વિવેકાનંદ’ એ વિષય પર મારું મુખ્ય વ્યાખ્યાન હતું. કેનેડાના વાતાવરણની શરીર પર અસર થઈ. ભારે શરદી, ઉધરસ છતાં પણ શ્રીઠાકુરની કૃપાથી આ પ્રવચન ખૂબ સારું રહ્યું. ૧૨૫ વર્ષ પહેલાં સ્વામીજીએ જે વેદાંત ધર્મની પ્રતિષ્ઠા કરી હતી, તેની આધુનિક ભૌતિક યુગમાં કેવી તીવ્ર આવશ્યકતા છે તેમજ વ્યાવહારિક વેદાંતના પાલનથી જ જીવનમાં સાચા સુખ અને શાંતિ મળી શકશે, અને સ્વામીજીનો સંદેશ અપનાવ્યા વગર વિશ્વનો ઉદ્ધાર થવાનો નથી – આવી વાતો પ્રવચનમાં વણી લીધી હતી.

સ્વામીજી, તમારે પાછા આવવું પડશે હોં!

૩જી તારીખે પ્રદર્શન જોયું. ૪થી તારીખે ત્યાંના સનાતન મંદિરમાં પ્રવચન ગોઠવ્યું હતું. મંદિરમાં જતાં જ એક સુંદર દૃશ્ય જોયું. લગભગ ૧૫૦ જેટલાં બાળકો સરસ્વતીપૂજા કરી રહ્યાં હતાં. દરેક બાળક પાસે એક થાળીમાં પૂજાની સામગ્રી હતી. બ્રાહ્મણ પંડિત જે પ્રમાણે માઈક દ્વારા પૂજામંત્રોનું ઉચ્ચારણ કરે એ પ્રમાણે પ્રત્યેક બાળક પૂજા કરી રહ્યું હતું. ઘડીભર તો હું ભૂલી ગયોે કે હું વિદેશની ધરતી પર છું ! લગભગ બે કલાક સુધી આ બાળકોએ મંત્રોચ્ચાર સાથે પૂજા કરી. પૂજા પૂરી થયા પછી બાળકો તો ચાલ્યાં ગયાં. અહીં યુવાનો અને બાળકોની સંખ્યા વધારે છે એટલે મને એવું પ્રવચન આપવા કહેવાયું હતું. મારા પક્ષે તૈયારી એ પ્રકારની હતી. પણ પછી શ્રોતાઓમાં તો લગભગ ૫૦૦ વૃદ્ધો અને પ્રૌઢો બેઠેલા દેખાયા. પરિણામે મારે પ્રવચનના વિષયવસ્તુ બદલવા પડ્યા. ત્યાં મોટા ભાગના લોકો ગુજરાતી હતા એટલે તેમણે કહ્યું, ‘સ્વામીજી, તમારે ગુજરાતીમાં બોલવું પડશે.’ પછી તો આખું પ્રવચન ગુજરાતીમાં જ થયું. આથી બધા ખુશ થઈ ગયા અને આગ્રહપૂર્વક કહ્યું, ‘સ્વામીજી, તમારે પાછા આવવું પડશે, હોં!’

પાંચમી તારીખે વિશ્વધર્મ પરિષદમાં ‘વેદાંત ફોર પીસ એન્ડ હેપીનેસ’ એ વિષય પર પેનલચર્ચા દરમિયાન વ્યાખ્યાન આપ્યું. એ પેનલચર્ચામાં મારા સિવાય બીજા ત્રણ સંન્યાસીઓ હતા. ટોરન્ટોના વેદાંત સેન્ટરમાં છઠ્ઠી તારીખે કાલીપૂજાનો લહાવો લીધો. સાતમી તારીખે નાયગ્રાનો ધોધ જોવાનો કાર્યક્રમ ગોઠવાયો. પ્રકૃતિ માતાની આ અદ્‌ભુત કૃતિને જોઈને માનવીય અલ્પતાનો અહેસાસ થયા વગર રહેતો નથી. આઠમી તારીખે ટોરન્ટોથી હ્યુસ્ટન જવા માટે રવાના થયો અને અમેરિકાની મારી ચોથી યાત્રાનો પ્રારંભ થયો.

Total Views: 388

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.