સમયસર આપણે સૌ જીવીએ છીએ અને આગળ વધીએ છીએ, એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. આ સમયનું વહેણ જન્મથી માંડીને મૃત્યુપર્યંત સતત ચાલતું જ રહે છે. હું અહીં પુનર્જન્મ વિષે વાત કરતો નથી, કારણ કે કદાચ કેટલાક લોકો પુનર્જન્મ એટલે કે પુન : અવતારના સિદ્ધાંતમાં માનતા નથી. પરંતુ સામાન્ય રીતે કહીએ તો આપણે આપણા જન્મથી લઈને મૃત્યુ સુધીનો કેટલો સમય આપણી પાસે ઉપલબ્ધ છે, તેની હંમેશાં ગણતરી કરતા રહીએ છીએ. અને તેનો જે જવાબ મળે છે તે તો ‘સાપેક્ષ’ છે. તે સમય કદાચ ૭૦, ૯૦ કે ૧૦૦ વર્ષનો પણ હોઈ શકે. અને તે માત્ર ૨૦ વર્ષનો પણ હોઈ શકે. કોને ખબર છે? આ જીવનમાં માત્ર એક જ બાબત ચોક્ક્સ છે અને તે છે મૃત્યુ. જીવનમાં કઈ બાબત સૌથી અચોક્ક્સ છે ? તે છે મૃત્યુનો સમય, કારણ કે કોઈપણ વ્યક્તિ પોતાના મૃત્યુનો ચોક્કસ સમય કહી શકતો નથી.

તેથી આપણે કોઈ જાણતા નથી કે હવે આપણી પાસે (પુુરુષાર્થ માટે) કેટલો સમય બચ્યો છે. વિરોધાભાસ તો જુઓ ! એક તો એ કે આપણે જાણતા નથી કે હવે આપણી પાસે કેટલો સમય બાકી છે અને બીજું, આ બાકી રહેલા સમયમાં શું કરવું તે આપણે જાણતા નથી. આ જીવનનો ઉદ્દેશ્ય શું છે ? તે હું જાણતો નથી. મારા જીવનનું ધ્યેય શું છે ? તે હું જાણતો નથી. એટલે જ સમય વ્યવસ્થાપન માટે સમય કાઢવો તે જ અંતિમ અને ખૂબ જ અગત્યનું પરિબળ છે.

ધારો કે તમે કોઈ કાૅલેજના વિદ્યાર્થી છો, તમને એક પ્રોજેક્ટ કરવા માટે આપવામાં આવ્યો અને તે પૂર્ણ કરવા માટે દિવસરાત મથીને શક્ય તેટલો વધુ ને વધુ સમય તમે ફાળવ્યો. જે પ્રોજેક્ટ પૂરો કરવામાં તમને ૧૫ દિવસ લાગ્યા હોત તે તમે માત્ર અગિયાર દિવસમાં પૂરો કરી દીધો. કેટલું સરસ ! તમે વિચારશો કે તમે કેવું અદ્‌ભુત ટાઇમ મેનેજેમેન્ટ કરી શક્યા ! પરંતુ જ્યારે તમે તે પ્રોજેક્ટ લઈને પ્રિન્સિપાલ પાસે જાઓ અને તે તમને કહે કે તેણે આ પ્રોજેક્ટ કરવાનું તો કહ્યું જ નહોતું, તો શું થાય ? તમે મૂર્છિત થઈ જાવ. તમારા ટાઇમ મેનેજમેન્ટનો શો અર્થ ?

તેવી જ રીતે જીવનના અંતે તમને ખ્યાલ આવે કે તમારા ઉત્કૃષ્ટ ટાઇમ મેનેજમેન્ટ અંતર્ગત તમે જે બાબતો માટે જે સમય ફાળવ્યો હતો તે ખરેખર તો તમે જે ઇચ્છતા હતા તે બાબત માટે તો સમય આપ્યો જ નહીં. તો શું થાય ? તેથી જીવનમાં તમે શું ઇચ્છો છો, તે જાણવું ખૂબ જ અગત્યનું છે.

જીવનરૂપી રમતમાં જીત

દરેક મનુષ્ય જીવનરૂપી આ રમતમાં જીતવાનું જ પસંદ કરે છે. પરંતુ એ ‘જીત’ એટલે શું ? પ્રથમ તો એ જાણવું ખૂબ જ અગત્યનું છે કે આપણે શું પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ. ખરેખર તો તે જાણ્યા પછી જ ટાઇમ મેનેજમેન્ટની શરૂઆત થવી જોઈએ, કારણ કે આપણા સૌ પાસે મર્યાદિત સમય છે. આ મર્યાદિત સમયમાં જ આપણે જે પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ તે પ્રાપ્ત કરવાનું છે. એ સૌએ યાદ રાખવું જરૂરી છે.

સમય એ સાપેક્ષ બાબત છે, સમય નિરપેક્ષ બાબત નથી. આઈન્સ્ટાઈનના મત મુજબ તો સમય એ સાપેક્ષ તેમજ વક્ર પણ હોય છે, તે સીધેસીધો હોતો નથી. વેદાંતના તત્ત્વજ્ઞાનમાં પણ તેને નિરપેક્ષ કહ્યો છે. પરંતુ તે સંપૂર્ણ સત્ય સમય, સ્થળ અને કાર્ય-કારણથી પર હોય છે; તેને ‘માયા’ કહેવામાં આવે છે. આપણે અહીં એ તત્ત્વચિંતનની વાત કરતા નથી, પરંતુ અહીં એટલું તો સમજવું જ રહ્યું કે સમયમાં સાતત્ય હોતું નથી. સમય એ પૂર્ણ વાસ્તવિકતા નથી, સમય સાપેક્ષ હોય છે.

ઉદાહરણ તરીકે તમે જ્યારે બીમાર પડો અને ડાૅકટર તમને કહે કે તમે ત્રણ દિવસ બહાર ન નીકળતા અને ત્રણ દિવસ માટે તમે અમુક ચોક્કસ પ્રકારનો જ ખોરાક ખાજો, ત્યારે તમને એ ત્રણ દિવસ પણ ત્રણ મહિના જેવા લાગે છે. અરે ભગવાન ! ત્રણ દિવસ મારે ઘરમાં જ પુરાઈ રહેવાનું ! ભયંકર ! પરંતુ જ્યારે તમે પોતાનો સમય પસંદગીની વ્યક્તિ સાથે વિતાવો છો, ત્યારે એક કલાક માત્ર એક મિનિટ જેવડો જ લાગે છે. તમને આશ્ચર્ય થશે કે આટલી વારમાં એક કલાક પૂરો થઈ ગયો ! તેમજ જ્યારે તમે તમારી પસંદગીનું કોઈ ચલચિત્ર જુઓ છો, ત્યારે પલકવારમાં જ જાણે ત્રણ કલાક પસાર થઈ જતા હોય તેવું લાગે છે. તેથી જ સમય સાપેક્ષ છે. તે પૂર્ણ સત્ય નથી, તે યાદ રાખવું જરૂરી છે.

સમયનું મહત્ત્વ

સમયનું શું મહત્ત્વ છે ? જ્યાં સુધી તમને સમયનું મહત્ત્વ સમજાશે નહીં, ત્યાં સુધી તમે સમયવ્યવસ્થાપનનું મહત્ત્વ પણ સમજી શકશો નહીં. ‘સમય અને ભરતી કદી કોઈની રાહ જોતાં નથી’ એ કહેવત તમે સાંભળી જ હશે. તમે સમુદ્રને જોયો છે ને? તમે સમુદ્રના કિનારે ઊભા હો ત્યારે શું થાય છે ? એક મોજું આવે છે અને સમુદ્રમાં પાછું ફરે છે. પછી બીજું મોજું આવે છે અને જાય છે. આમ તેની આવન-જાવન સતત ચાલુ જ રહે છે. આ મોજાં ક્યારેય અટકે છે ? ના. તેવી જ રીતે સમય પણ સતત ચાલતો જ જાય છે. તેને કોઈ રોકી શક્તું જ નથી, તે વહ્યે જ જાય છે. અને તમારામાંના દરેકે એ અનુભવ્યું જ હશે કે સમય ખૂબ ઝડપથી ચાલ્યો જાય છે.

ડિસેમ્બર મહિનામાં શું થાય છે ? તમે નવું કેલેન્ડર મેળવવા પ્રયત્ન કરો છો અને મનમાં વિચારો છો કે આપણી પાસે આખું નવું વરસ પડ્યું છે. અને જેવા તમે ‘આમ કરવું કે તેમ કરવું’નાં આયોજનોમાં રત રહો છો, ત્યાં જ પછીનું નવું વરસ આવીને ઊભું રહે છે. જો તમે વિદ્યાર્થી હો તો તમને એવો અનુભવ થાય છે કે પરીક્ષા તો બહુ ઝડપથી આવી જાય છે. ધારો કે તમે નવમા ધોરણની પરીક્ષા આપી હોય, ત્યાં જ તમને એવું લાગશે કે દસમા ધોરણની પરીક્ષા તમારી સામે તાકી રહી છે. તમે એવું પણ વિચાર્યું હોય છે કે પરીક્ષા પછી થોડા દિવસો તમે ખૂબ આનંદ માણશો. પરંતુ તમારી હવે પછી આવનારી પરીક્ષા માટે તમારે પોતે તેની તૈયારી કરવામાં લાગી જવું પડે છે. આમ જીવન અત્યંત ઝડપથી પસાર થઈ રહ્યું છે, તેવો આપણા સૌનો અનુભવ છે.

‘સમય એ જ સાચી મૂડી છે’ એવી કહેવત તમે સાંભળી જ હશે. પરંતુ વાસ્તવિક રીતે સમય એ મૂડી કે ધન નથી. શા માટે ? ધારો કે તમે દસ લાખ રૂપિયા ધંધામાં રોક્યા અને જો તમે પહેલાં જ વરસે પાંચ લાખ રૂપિયાની ખોટ કરો છો, તો તમે પછીના જ વરસે ઉત્કૃષ્ટ રીતે ધંધો કરીને એ પાંચ લાખ રૂપિયાની ખોટ સરભર કરી શકો છો. તે શક્ય છે. પરંતુ તમે તમારો ગુમાવેલો સમય પાછો મેળવી શકશો ખરા ? ૨૭મી મે, ૨૦૧૧ અને સમય કયો ? સવારના ૮ :૩૦નો અને એ ૮.૩૦ નો સમય ફરીથી આવશે ખરો ? ના, આજે તો નહીં જ. આવતી કાલે આવશે, પણ તે તારીખ જુદી હશે. પરંતુ ૨૭ મે, ૨૦૧૧, અને ૮.૩૦ વાગ્યાનો સમય તો કાયમને માટે ચાલ્યો ગયો છે. આપણે એ યાદ રાખવું અત્યંત જરૂરી છે કે સમય એ પૈસા કરતાં ખૂબ જ કિંમતી છે. એક કહેતી છે : ગઈકાલ એ ઇતિહાસ છે, ભવિષ્ય એ રહસ્ય છે અને આજ એ મળેલી અમૂલ્ય ભેટ છે; એટલે જ એને ‘વર્તમાન-પ્રેઝન્ટ’ કહે છે. અર્થકારણના સંદર્ભમાં કહીએ તો ‘ગઈકાલ’ એ રદ કરેલ ચેક છે, ‘આવતીકાલ’ એ હૂંડી છે અને ‘આજ’ એ નગદ છે. તેથી જ તેને ‘પ્રેઝન્ટ’ કહે છે. તેનો શાણપણથી ઉપયોગ કરો. તમારે તમારી ‘આજ’ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ચાલો, આપણે સૌ આપણો દરેક દિવસ જિંદગીનો છેલ્લો દિવસ હોય તે રીતે તેનો ઉપયોગ કરીએ.

ઘણા લોકો માને છે કે આપણી જિંદગીનો સરેરાશ સમયગાળો ૬૦ થી ૭૦ વર્ષનો હોય છે, આ પહેલાં એ ગાળો ૩૫ વર્ષની આસપાસનો હોવાનું મનાય છે. પરંતુ ક્યારેક કોઈ વ્યક્તિ ૫ વર્ષની વયે કે ૬ મહિનાની વયે મૃત્યુ પામે છે અને કદાચ એક દિવસ પણ હોઈ શકે, તેનું શું ? અને ઘણા લોકો ૯૦ વર્ષ જીવે છે. એટલે સરેરાશ આવરદા ૬૫ વર્ષ જેટલી ગણવામાં આવે છે. પરંતુ એવી કોઈ ખાતરી નથી કે તમે ૬૫ વર્ષ તો જીવશો જ. એક સમાજશાસ્ત્રીએ એક એવું સર્વેક્ષણ કર્યું કે જેનાં તારણો ખૂબ જ ચોંકાવનારાં આવ્યાં.

તે કહે છે કે ધારો કે તમારો જીવનકાળ ૭૦ વર્ષનો છે, તેનો અર્થ એ નથી કે તમે પૂરાં ૭૦ વર્ષ જીવન માણી શકો. એનું કારણ એ છે કે તમે ૭૦ માંથી ૨૮ વર્ષ તો ઊંઘમાં જ પસાર કરી દેશો. જ્યારે બાકી બચેલાં વરસોમાંથી ૧૦ વર્ષ અભ્યાસ, ૮ વર્ષ મનોરંજન, ૬ વર્ષ જુદી જુદી નાની-મોટી બીમારીનો સામનો કરવામાં, ૫ વર્ષ મુસાફરીમાં વ્યતીત થઈ જાય છે. ખાવા-પીવામાં ૪ વર્ષ અને તૈયાર થવામાં ૩ વર્ષનો સમય વ્યતીત થઈ જાય છે. તો પછી કામ કરવા માટે કેટલો સમય બચ્યો? માત્ર ૬ વર્ષ !

માત્ર ૬ વર્ષ તમારી પાસે છે અને તમે માનો છો કે તમે ૭૦ વર્ષ જીવશો અને તમારી પાસે પૂરતો સમય છે! પરંતુ ઉપરોક્ત આંક્ડાકીય માહિતી પરથી તમને ખ્યાલ આવશે કે તમારી પાસે ઉપયોગી સમય તો માત્ર ૬ વર્ષનો જ છે. સમયની આ વાસ્તવિકતા ઘણી અગત્યની છે. (ક્રમશ 🙂

Total Views: 427

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.