ક્ષુરસ્ય ધારા  ઉપનિષદનો સંદેશ

ઉપનિષદના ઋષિએ આધ્યાત્મિકપથનું અનુસરણ કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો ને કહ્યું, ‘મનીષીઓનું કથન છે કે પરમાત્માના સાક્ષાત્કારનો પથ તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા જેવો દુષ્કર છે.’ (કઠ. ૧.૩.૧૪)

क्षुरस्य धारा निशिता दुरत्यया
दुर्गं पथस्तत्कवयो वदन्ति ।

પરંતુ સુયોગ્ય પ્રશિક્ષણ દ્વારા અત્યંત કઠિન પથ પર ચાલી શકાય છે અને પરમાત્માનો સાક્ષાત્કાર પણ કરી શકાય છે. પ્રાચીન હિન્દુ દાર્શનિકો અને આધ્યાત્મિક આચાર્યોએ આ સત્યનો આવિષ્કાર કર્યો હતો. પરમાત્માના રાજ્યમાં આવી કઠિન, પરંતુ સૌથી વધારે મહત્ત્વની યાત્રાનો આરંભ કરતાં પહેલાં કયા પ્રકારના પ્રશિક્ષણની આવશ્યકતા છે ? પુન : ઉપનિષદ (કઠ. ૧.૩.૩-૧૩)નું ઉદાહરણ જોઈએ :

‘આત્માને રથી ગણો અને શરીરને રથ, બુદ્ધિને સારથિ અને મનને લગામ માનો. ઇન્દ્રિયોને અશ્વ અને ઇન્દ્રિયવિષયોને માર્ગ કહે છે. મનીષીગણ દેહ, મન અને ઇન્દ્રિયોથી સંયુક્ત આત્માને ભોક્તા કહે છે. જેનું મન સદા અસંયમી રહે છે, જેની બુદ્ધિ વિવેક વિહોણી છે, તેની ઇન્દ્રિયો દુષ્ટ ઘોડાની જેમ અનિયંત્રિત રહે છે. પરંતુ જેનું મન સદા સંયમી રહે છે, જેની બુદ્ધિ વિવેકયુક્ત છે, તેની ઇન્દ્રિયો સારા ઘોડાની જેમ નિયંત્રણમાં રહે છે. જે વિવેકહીન છે, અન્યમનસ્ક અને અશુચિ છે, તે લક્ષ્ય પ્રાપ્ત કરતો નથી, પરંતુ જન્મમૃત્યુના ચક્રમાં ભમતો રહે છે. જેની બુદ્ધિ વિવેકશીલ છે, જે સદા શુચિ-પવિત્ર અને સંયમી મનવાળો છે, તે લક્ષ્યપ્રાપ્તિ કરે છે અને તેનો પુનર્જન્મ થતો નથી. જેની પાસે વિવેકયુક્ત બુદ્ધિરૂપી સારથિ છે, સંયમી મનરૂપી લગામ છે, તે માર્ગના અંત સુધી પહોંચે છે અને ત્યાં તેને સર્વવ્યાપી પરમાત્મા-પુરુષોત્તમનો પરમ સાક્ષાત્કાર થાય છે.

‘ઇન્દ્રિયોથી સૂક્ષ્મ વિષય (અર્થ) પરમ છે. મન સૂક્ષ્મ વિષયોથી પરમ શ્રેષ્ઠ છે. બુદ્ધિ મનથી શ્રેષ્ઠ છે. મહાન આત્મા બુદ્ધિથી શ્રેષ્ઠ છે. અવ્યક્ત મહાન આત્માથી શ્રેષ્ઠ છે. પુરુષ અવ્યક્તથી શ્રેષ્ઠ છે. પરંતુ અનંત પરમ પુરુષથી શ્રેષ્ઠ એવું કંઈ નથી. એ આત્મા બધાં પ્રાણીઓનાં હૃદયની ગુહામાં છુપાયેલો છે. તે બધાની સમક્ષ પ્રગટ થતો નથી. પરંતુ તેને સૂક્ષ્મ દૃષ્ટિવાળા ઋષિ એકાગ્ર, તીક્ષ્ણ અને સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જુએ છે. પ્રાજ્ઞ-બુદ્ધિમાન વ્યક્તિએ પોતાની વાણીને મનમાં, મનની બુદ્ધિમાં વિલીન કરવી જોઈએ. પોતાની બુદ્ધિને તે મહાન આત્મામાં તથા મહાન આત્માને શાંત આત્મામાં અર્થાત્ પરમાત્મામાં લીન કરો.’

હવે ગુરુ શિષ્યને આદેશ આપે છે : (કઠ. ૧.૩.૧૪,૧૫) ‘ઊઠો, જાગો અને બ્રહ્મજ્ઞ આચાર્યોની નિકટ જઈને આત્માનો સાક્ષાત્કાર કરો…. અશબ્દ, અવર્ણ, અરસ, અગંધ, અક્ષર, અનાદિ, અનંત, મહત્ મનથી પણ પર એ પરમાત્માને જાણી લીધા પછી જ મૃત્યુના મુખમાંથી મુક્તિ સંભવ છે.’

આ શ્લોકોનું પઠન કરવાથી આપણને જાણવા મળે છે કે આપણા આધ્યાત્મિક આચાર્યોએ આપણી સમક્ષ ઉચ્ચતમ આદર્શ શા માટે પ્રસ્તુત કર્યો હતો. તેઓ ઉચિત પાત્રતા પ્રાપ્ત કરવાની આવશ્યકતા પર ભાર દે છે, એના વિના આધ્યાત્મિક પથ પણ ખતરનાક પુરવાર થઈ શકે છે. આમ છતાં પણ સુયોગ્ય અને આવશ્યક પ્રશિક્ષણ દ્વારા અંતતોગત્વા લક્ષ્યપ્રાપ્તિ કરી શકાય છે.

છરાની ધારે ચાલવા પ્રશિક્ષણની આવશ્યકતા

ઘણા લોકો આધ્યાત્મિક પથ પર આગળ ધપવામાં ગભરાય છે. પરંતુ સમુચિત પ્રશિક્ષણ હોય તો એમાં ડરવાની જરૂર નથી. શું મોટર ચલાવવી એ બાળકોનો ખેલ છે ? શું અપ્રશિક્ષિત વ્યક્તિ વિમાન ઉડાડી શકે છે, કે બરફ પર લપસવાની રમત રમી શકે છે ? ના. આ બધા ખતરનાક ખેલ ને શોખ છે, પરંતુ ઉચિત શિક્ષણ લેવાથી આ બધાંને નિયંત્રિત અને શાનદાર રીતે કરી શકાય છે. સંસારમાં સાચી રીતે જીવનયાપન કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે સાધના અત્યંત આવશ્યક છે.

વર્તમાન ભારતના મહાન અવતાર શ્રીરામકૃષ્ણ નવેમ્બર ૧૮૮૨માં રાખાલ-સ્વામી બ્રહ્માનંદ તથા અન્ય શિષ્યો સાથે કોલકાતામાં એક સર્કસ જોવા ગયા. સર્કસમાં કેટલાય કૌશલયુક્ત ખેલ રજૂ થયા. એમાંથી એક ખેલે શ્રીરામકૃષ્ણને ઘણા પ્રભાવિત કર્યા. સર્કસમાં એક ઘોડો ગોળાકાર માર્ગમાં ઝડપથી દોડતો હતો, એના પર વચ્ચે વચ્ચે લોખંડનાં વિશાળ ચક્ર લટકાવવામાં આવતાં હતાં. આ ખેલ પ્રદર્શિત કરનાર ઘોડેસવાર અંગ્રેજ મહિલા પોતાના એક પગથી ઘોડાની પીઠ પર ઊભી રહે છે અને જેવો ઘોડો ચક્રની નીચેથી પસાર થાય છે કે તે તેની પાર કૂદીને ફરીથી એક પગે ઘોડાની પીઠ પર સવાર થઈ જાય છે. ઘોડો ગોળાકાર માર્ગે આવી રીતે અનેક વાર દોડ્યો, પરંતુ પેલી મહિલાએ એકેય વાર પોતાનું સંતુલન ગુમાવ્યું નહીં અને દરેક વખતે ઘોડાની પીઠ પર જ ઊતરી. ખરેખર આ કૌશલ ભરેલા ખેલમાં પારંગત થવામાં અનેક વર્ષો સુધીનો અભ્યાસ એણે કરવો પડ્યો હશે. એ જોઈને શ્રીરામકૃષ્ણને ખૂબ મજા પડી. તેનાથી એમને સાધકના જીવનમાં શું કરવું જોઈએ, એ વાત યાદ આવી ગઈ. શ્રીરામકૃષ્ણે ત્યાં ઉપસ્થિત એક ભક્તને કહ્યું, ‘જોયું, મેડમ કેવી રીતે એક પગની મદદથી ઘોડા પર ઊભી છે અને ઘોડો ઝડપથી દોડી રહ્યો છે. કેટલું કઠિન કામ છે! અનેક દિવસો સુધી અભ્યાસ કર્યો છે, ત્યારે તો આવું શીખીને ! જરા બેદરકાર રહેતાં જ હાથપગ તૂટી જાય અને મૃત્યુ પણ આવી શકે. આ રીતે સંસાર ચલાવવો કઠિન છે. ઘણાં સાધનભજન કર્યાં પછી ઈશ્વરની કૃપાથી જ કોઈક કોઈક એમાં સફળ થાય છે, મોટા ભાગના લોકો નિષ્ફળ થાય છે. સંસાર કરવાથી વધારે બદ્ધ થઈ જાય છે, વધારે ડૂબી જાય છે, મૃત્યની યંત્રણા આવે છે. જનક આદિની જેમ કોઈ કોઈએ ઉગ્ર તપસ્યાના બળથી સંસાર કર્યો. એટલે સાધનભજનની વિશેષ આવશ્યકતા છે. જો એમ ન બને તો સંસાર બરાબર રહી શકતો નથી.’

એટલું જ નહીં પણ સાધના દ્વારા મેળવેલ શાંતિ અને સંતુલનના અભાવે વ્યક્તિ અનેક કષ્ટ પામી શકે છે. જીવનના દરેક ક્ષેત્રની જેમ આધ્યાત્મિક જીવનમાં પણ આવાં જોખમોથી બચવું પડે છે અને બાધાઓને લાંઘવી પડે છે. શું તમે બધા જાણો છો કે આધ્યાત્મિક જીવનની સૌથી મોટી અડચણ કઈ છે ? તે છે પોતાનો શોખ પૂરો કરવા ધાર્મિક જીવન જીવવાની વૃત્તિ. જો આધ્યાત્મિક પિપાસા ન હોય તો આવો ભય રહે જ છે. પરંતુ એ માટે ઉત્કટ ઇચ્છા ઉત્પન્ન થવાથી વ્યક્તિ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા વ્યગ્ર બની જાય છે. ત્યારે વ્યક્તિ ચૂપ બેઠો રહેતો નથી. જે પરમ લક્ષ્યની વધારે ને વધારે નિકટ લઈ જાય છે એ માર્ગને વ્યક્તિ અંગીકાર કરે છે. આપણા આચાર્યોનું એવું કથન છે કે માનવજન્મ આપણું દુર્લભ સદ્ભાગ્ય છે. આ માનવજીવન મેળવીને જો વ્યક્તિ પશુતુલ્ય જીવન જીવે તો તે એનું દુર્ભાગ્ય છે.

કોઈપણ વ્યક્તિ ભલે અસંખ્ય પુસ્તકો વાંચી જાય, અનેક પ્રવચનો સાંભળે, પરંતુ જો મનનું વલણ આધ્યાત્મિક આદર્શ તરફ ન હોય, તો બધું વ્યર્થ છે. એટલે ભારતમાં આધ્યાત્મિક આચાર્યોનું આવું કથન છે : ‘તમારે પોતાના મનની કૃપા પામવી જોઈએ.’ ભગવત્કૃપા તથા ગુરુની કૃપા પૂરતી નથી. આપણને ઘણા આધ્યાત્મિક નિર્દેશો મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત હોય, પરંતુ મનની કૃપા ન થાય તો બધું વ્યર્થ જાય છે. આપણું મન સત્યને ગ્રહણ કરવા માટે ઉન્મુક્ત હોવું જોઈએ. જ્યારે મન ઉત્સુક હોય, આધ્યાત્મિક લક્ષ્ય પ્રત્યે સાચો પ્રેમ પણ હોય, તોપણ પ્રશિક્ષણની આવશ્યકતા છે. આવશ્યક પ્રશિક્ષણ અને અભ્યાસ વિના આપણે કોઈપણ કાર્ય કરી શકતા નથી. આ વાત આધ્યાત્મિક જીવન માટે પણ સાચી છે.

આ વાતના દૃષ્ટાંત સ્વરૂપ એક વાર્તા છે : જેણે કોઈ વિશેષ પ્રશિક્ષણ મેળવ્યું નથી, એવો એક યુવક સંચાલક અધિકારીનું પદ મેળવવા અત્યંત વ્યગ્ર હતો. તેણે બેન્કના ઉપાધ્યક્ષની મુલાકાત લીધી અને તેમને કહ્યું કે તે સારી, અધિકારીનું પદ મળે એવી નોકરી મેળવવા તીવ્ર ઇચ્છા ધરાવે છે. અધિકારીએ એ યુવકને કહ્યું, ‘ભાઈ, મારે દુ :ખ સાથે કહેવું પડે છે કે અમારી પાસે આવું કોઈ પદ ખાલી નથી. અમારે ત્યાં પહેલેથી જ ૧૨ ઉપાધ્યક્ષ છે.’ એ સાંભળીને જરાય નિરાશ થયા વિના યુવકે કહ્યું, ‘હું સંખ્યાની બાબતમાં અંધવિશ્વાસ ધરાવતો નથી. એટલે મને ૧૩મા ઉપાધ્યક્ષ બનવામાં કોઈ આપત્તિ નથી.’

હવે આવી રીતે કંઈ ઉપાધ્યક્ષ તો બને નહીં. એમને તાલીમ આપવી પડે છે. અને આવી રીતે જો તમે ઉચ્ચતમ લક્ષ્ય પ્રાપ્ત કરવા ઇચ્છતા હો, જો તમે ‘તલવારની ધાર’ પર ચાલવા ઇચ્છતા હો, તો તમારે પ્રશિક્ષણની આવશ્યકતા છે. એ વિના પ્રયત્ન કરવા છતાં પણ તમારા (સ્વપ્નના) ટુકડેટુકડા થઈ જશે. પરંતુ ઉચિત પ્રશિક્ષણ મેળવી લીધા પછી કોઈ ભય નથી અને તમે ક્ષુરસ્ય ધારા પર ચાલવામાં આનંદનો અનુભવ કરી શકશો.

દુર્બળ તારથી વધારે વોલ્ટનો વીજપ્રવાહ પ્રવાહિત કરવાથી શું પરિણામ આવે છે, આપણે બધા એ જાણીએ છીએ, એ તાર બળી જાય છે. આમ જો યોગ્ય પ્રશિક્ષણ વિના પરમાત્મા સાથે એકાકાર થવા પ્રયત્ન કરીશું, તો એ પ્રયત્નનો બોજો એટલો વધારે થઈ જશે કે આપણાં દેહ, સ્નાયુ અને મન તેને સહન નહીં કરી શકે. આ એક સત્ય છે. એટલે આધ્યાત્મિક પથનું અનુસરણ કરવા બલિષ્ઠ દેહ, મન, બુદ્ધિ તથા પ્રબળ ઇન્દ્રિયો આવશ્યક છે, નહીં તો આપણા પ્રયાસ નિષ્ફળ જવાના.

Total Views: 324

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.