तदेतत् सत्यं यथा सुदीप्तात्पावकाद्विस्फुलिङ्गाः
सहस्रशः प्रभवन्ते सरूपाः ।
तथाऽक्षराद्विविधाः सोम्य भावाः
प्रजायन्ते तत्र चैवापियन्ति ।।2.1.1।।

तत् एतत् આ તે (બ્રહ્મ) છે, सत्यम् પોતે સત્ય છે, यथा જેમ કે, सुदीप्तात् पावकात् જાજ્વલ્યમાન અગ્નિમાંથી, सरूपाः विस्फुलिङ्गाः એક સરખા રૂપવાળા તણખાઓ, सहस्रशः प्रभवन्ते હજારો નીકળે છે, सोम्य હે સૌમ્ય, तथा એ પ્રમાણે, अक्षरात् અક્ષરમાંથી (બ્રહ્મમાંથી), विविधाः भावाः અલગ અલગ પ્રાણીઓ, प्रजायन्ते ઉત્પન્ન થાય છે, तत्र च एव अपियन्ति અને તેમાં જ લીન થઈ જાય છે.

બ્રહ્મ જ પરમાર્થતત્ત્વ છે. પ્રજ્વલિત અગ્નિમાંથી જે રીતે સમાન સ્વરૂપવાળા હજારો તણખા ઉત્પન્ન થાય છે તેવી જ રીતે હે સૌમ્ય ! બ્રહ્મમાંથી જુદી જુદી ભાતની હસ્તીઓ – પ્રાણીઓ – પદાર્થાે વગેરે ઉત્પન્ન થાય છે અને તેમાં જ પાછી વિલીન થઈ જાય છે.

સ્વામી વિવેકાનંદની વ્યાખ્યા :

હે સોમ્ય ! આ સત્ય છે કે ભડભડ બળતા અગ્નિમાંથી અસંખ્ય સ્ફુલિંગો ઊઠે છે તેમ આ અક્ષર બ્રહ્મમાંથી આ બધાં રૂપો, આ બધા વિચારો, આ બધી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને એમાં બધું લીન થાય છે.

दिव्यो ह्यमूर्तः पुरुषः सबाह्याभ्यन्तरो ह्यजः ।
अप्राणो ह्यमनाः शुभ्रो ह्यक्षरात्परतः परः ।।2।।

(सः) दिव्यः पुरुषः તે પ્રકાશમય પુરુષ, हि अमूर्तः પોતે કોઈ રૂપવાળો નથી, स-बाह्य-अभ्यन्तरः તે બહાર તેમજ અંદર ઉપસ્થિત જ છે, हि अजः તેને ખરેખર કોઈ જન્મ નથી, अप्राणः તે શ્વાસ ન લે તેવો છે, हि अमनाः વળી તે મન વગરનો છે, शुभ्रः નિષ્કલંક છે, हि अक्षरात् परतः परः જે ‘અક્ષર’થી પણ ઉચ્ચતર છે.

આ પ્રકાશમય પુરુષને કોઈ રૂપ નથી. (એટલે કે કોઈ ગુણ પણ નથી). એ સર્વવ્યાપક છે – બહાર તેમજ અંદર બધે જ એ છે. વળી એ અજન્મા છે, એને કોઈએ બનાવેલ નથી. એને કોઈ શ્વાસોચ્છ્વાસ નથી (કારણ કે એને કોઈ શરીર નથી અને શ્વાસોચ્છ્વાસ તો જેમાં ફેરફાર થયા કરતો હોય તેને જ હોય છે. અહીં એવો કોઈ ફેરફાર નથી) એને મન પણ નથી. એને કોઈ દાગ નથી, કલંક નથી, (એ નિર્ગુણ છે). અને માયાના (નામ અને રૂપના)ના સ્થૂળ જગત કરતાં ઉચ્ચતર છે. એટલું જ નહિ, પણ જેને પ્રકૃતિ કે અવ્યક્ત કહેવામાં આવે છે, તે સૃષ્ટિબીજ કરતાં પણ એ ઉચ્ચતર છે.

સ્વામી વિવેકાનંદની વ્યાખ્યા :

એ સનાતન પુરુષ શાશ્વત, અરૂપ, અનાદિ, સર્વની અંદર તથા બહાર છે, મનાતીત છે, વિશુદ્ધ છે, અક્ષરથી પર, બધા પદાર્થની પણ પર છે.

एतस्माज्जायते प्राणो मनः सर्वेन्द्रियाणि च ।
खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी ।।3।।

एतस्मात् આ (બ્રહ્મ) માંથી, प्राणः मनः सर्वेन्द्रियाणि च જીવનશક્તિ, મન અને બધા ઇન્દ્રિય અવયવો, खम् वायुः ज्योतिः आपः આકાશ, વાયુ, અગ્નિ, જળ, विश्वस्य धारिणी पृथिवी (અને) બધાના આધારરૂપ પૃથિવી, जायते નીકળે છે.

આમાંથી (આ સગુણ બ્રહ્મમાંથી) જીવનશક્તિ, મન, બધી ઇન્દ્રિયો (ના અવયવો), તેમજ આકાશ, વાયુ, તેજ, જળ અને વિશ્વના આધારરૂપ પૃથ્વી પ્રકટ થાય છે.

સ્વામી વિવેકાનંદની વ્યાખ્યા :

એ પુરુષમાંથી જ પ્રાણ, મન, બધી ઇન્દ્રિયો, વાયુ, તેજ, જલ અને બધાં પ્રાણીઓને ધારણ કરતી આ પૃથ્વી જન્મે છે.

Total Views: 340

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.