इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ।
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ।।34।।

‘પોતપોતાના ઇન્દ્રિયવિષયો માટે ઇન્દ્રિયોના ગમાઅણગમા સ્વાભાવિક છે; કોઈએ એમને વશ ન થવુંજોઈએ; એ માર્ગના લૂંટારા છે.’

इन्द्रिय અને इन्द्रियस्यार्थ આ બે શબ્દો અહીં છે. ઇન્દ્રિયો શું છે તે આપણે જાણીએ છીએ. इन्द्रियस्यार्थ એટલે, ‘ઇન્દ્રિયનો વિષય’ ‘આ બંને એકમેક સાથે સંકળાયેલાં છે; इन्द्रियस्य इन्द्रियस्य अर्थे. એ કેવી રીતે સંકળાય છે ? બે લાગણીઓ દ્વારા; રાગ અને દ્વેષ; રાગ એટલે ગમો અને દ્વેષ એટલે અણગમો. વિષય અનુકૂળ હોય તો ગમે છે, એની પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે; એ ન ગમે તો એના પ્રત્યે દ્વેષ થાય છે. બધા ઇન્દ્રિયાનુભવો પ્રત્યે આપણા પ્રતિભાવો આ બે રૂપે વ્યક્ત થાય છે. મીઠો અનુભવ આવકાર્ય છે. અણગમતા અનુભવથી દૂર ભાગવા આપણે કોશિશ કરીએ છીએ. બધી બાહ્ય સંવેદના પ્રત્યે આપણે આ પ્રમાણે વર્તીએ છીએ. रागद्वेषौ व्यवस्थितौ, ‘રાગ અને દ્વેષ દૃઢ થયેલા છે.’ રાગ અને દ્વેષ એ બે લાગણીઓ દ્વારા ઇન્દ્રિય-સંવેદનાના જગતમાં આપણું માનવતંત્ર બરાબર દૃઢ થયેલું છે. પછી શ્રીકૃષ્ણ કહે છે : तयोः न वशम् आगच्छेत्, ‘એમની નાગચૂડમાં આવો નહીં.’ શા માટે ? तौ हि अस्य परिपन्थिनौ, ‘માર્ગના લૂંટારા તરીકે એ પ્રખ્યાત છે !ંં’ ભાષા જુઓ : परिपन्थिनौ. તમે કોઈ માર્ગે જઈ રહ્યા છો, કોઈ લૂંટારો આવે છે અને તમારી પાસેની બધી માલમત્તા લૂંટી લે છે. બસોમાં, રેલગાડીઓમાં અને સર્વત્ર આજે લૂંટારાઓનો આપણે ત્યાં તોટો નથી. પણ, દરરોજ આપણા પોતાના જીવનમાં આપણને આ પ્રકારના લૂંટારાઓ મળે છે. એ આપણું શું લૂંટી જાય છે ? આપણો વિવેક, આપણું જ્ઞાન, આપણું ડહાપણ; માટે ચેતતા રહો, હોશિયાર રહો. એ ભાષા છે. તો આ ચેતવણી સૌ પ્રવાસીઓનાં જીવનને અપાયેલી છે. આપણે સૌ પ્રવાસીઓ છીએ. શિશુ તરીકે જીવનનો આરંભ કરીને આ અને પેલું પ્રાપ્ત કરવા આપણે જગતમાં યાત્રાએ નીકળી પડીએ છીએ. આપણને સૌને આ ચેતવણી અપાઈ છે. તમારા જીવનમાં તમે સફળતા ચાહતા હો તો ચેતતા રહો. આ લૂંટારાઓ માર્ગમાં છે. પ્રવાસમાં બેદરકાર રહ્યે ન ચાલે. તો પછી :

श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात्।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः।।35।।

‘ઊણપવાળો હોય તોપણ બીજાના પૂર્ણ ધર્મ કરતાં પોતાનો ધર્મ સારો છે; પોતાના ધર્મમાં મૃત્યુ વધારે સારું છે; બીજાનો ધર્મ ભયવાળો છે.’ દરેકને પોતાનો ધર્મ અર્થાત્ જીવનની અને કાર્યની રીતિ અને માનવસંબંધો હોય છે. વ્યક્તિની માનસિક પ્રકૃતિ અનુસાર એનાં માનસિક વલણો અને કાર્યશક્તિ હોય છે. એ એનો ધર્મ છે. બીજાના ધર્મને અનુસરી જીવવા કરતાં, પોતાના ધર્મને અનુસરી મૃત્યુ પામવું તે વધારે સારું છે, એમ શ્રીકૃષ્ણ કહે છે. આ માણસ માટે આ ધર્મ ને પેલા માટે પેલો ધર્મ સારો છે. તમારી માનસિક પ્રકૃતિ અનુસારનો તમારો પોતાનો ધર્મ જાણી લો. श्रेयान् स्वधर्मो विगुणः, ‘પોતાનો ધર્મ ઉચ્ચ ગુણોવાળો ન હોય તોપણ, એ જ એને માટે સારો છે.’ વ્યક્તિ વ્યક્તિના અંગૂઠાની છાપ નિરાળી હોય છે તેમ, દરેક વ્યક્તિની ઓળખ પણ નિરાળી છે. તેના પર આ બોધ આધારિત છે. એ જ રીતે ચૈતસિક વ્યક્તિત્વ છે. જીવન, અભિગમો, પ્રતિભાવો, ગમા અને અણગમાના ચોક્કસ માનસિક વલણ પર એ આધારિત છે. આ સર્વ વ્યક્તિના વ્યક્તિત્વનાં અંગો છે; આપણે એનો આદર કરવો જોઈએ, બીજા કોઈની નકલ કરવી જોઈએ નહીં; પોતાની જાતથી શરમાવું નહીં. પોતાની જાતમાં શ્રદ્ધા હોવા વિશે, નિષ્ઠા હોવા વિશે, ચૈતસિક પ્રકૃતિમાં શ્રદ્ધાની જરૂર હોવા વિશે આ શ્લોક કહે છે. વ્યક્તિ વધુ સારા થવા માટે પરિવર્તન કરી શકે પણ એની આપલે ન કરી શકે, બીજાના બીબામાં જાતને ઢાળી શકે નહીં. પછી પ્રશ્ન આવે છે : ‘આપણે જીવનમાં ભૂલો અને ગુનાઓ શા માટે કરીએ છીએ ?’ ગુનાનું કારણ-નિદાન શું છે ? આ ત્રીજા અધ્યાયને અંતે એ અગત્યનો વિષય આવે છે. આ વિષય પરત્વે અર્જુન અતિ ઉચિત પ્રશ્ન પૂછે છે :

अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः।।36।।

‘તો પોતાની ઇચ્છા વિરુદ્ધ, કોનાથી પ્રેરાઈને જાણે પરાણે ખેંચાતો હોય તે રીતે મનુષ્ય પાપ કરે છે ?’ દરેક વ્યક્તિ આ પ્રશ્ન પોતાના મનમાં પોતાની જાતને મૂગા મોંએ પૂછતી જ હશે.

અર્જુન માત્ર મનુષ્યજાતિના દૃષ્ટાંતરૂપ છે. અર્જુન પૂછે છે, ‘કોનાથી પ્રેરાઈને મનુષ્ય પાપ કરે છે?’ अथ केन प्रयुक्तोऽयं. ‘केन’ એટલે શેના અથવા કોના વડે; प्रयुक्तः, એટલે, ‘પ્રેરાઈને’ पापं चरति, ‘પાપ અથવા ગુનો કરે છે ?’ पूरुषः, ‘મનુષ્ય’, ધર્મશાસ્ત્રમાં ‘पापं’ નો અર્થ ‘પાપ’ થાય છે. સામાજિક – રાજકીય વિચારણામાં ‘पापं’ એટલે ગુનો; સમાજ સાથે, બીજા મનુષ્યો સામે, બીજાં પ્રાણીઓ સામેનો ગુનો. વેદાંતમાં પાપ અને ગુના વચ્ચે કોઈ તફાવત નથી. તો પ્રશ્ન આ છે : માણસ શા માટે ગુનો કરે છે ? લોહી રેડવું, ખૂન, ધાડ વગેરે જેવા આજે અનેક પ્રકારના ગુનાઓ થાય છે. દિવસે દિવસે એમાં વધારો થતો જાય છે. ગુનાનું મૂળ અને સમાજમાંથી એનું નિર્મૂલન કેમ કરવું તે જાણવાની જરૂર છે. સમાજશાસ્ત્રમાં અને અપરાધશાસ્ત્રમાં આ વિષયનો અભ્યાસ કરવામાં આવે છે; પોતાના માનવશક્યતાઓના વિજ્ઞાન દ્વારા, માનવ-વ્યક્તિત્વના ગહન પરિમાણમાં. વેદાંતી અધ્યયન વડે ગીતા આપણને તેમાં દૃષ્ટિપાત કરાવે છે. अनिच्छन्नपि, ‘(વ્યક્તિ) ઇચ્છતી ન હોય તોપણ, એમ અર્જુનના પ્રશ્નમાં છે; અનેક ગુનગારો માટે આ સાચું છે, પણ બધા માટે નહીં; बलादिव नियोजितः શબ્દો વડે અર્જુન એની પર ફરી ભાર દે છે, ‘જાણે કે કોઈ શક્તિનો પ્રેર્યો’. રોગનો વિષય, એનું કારણનિદાન અને એને શી રીતે અંકુશમાં લેવો તેનો ઊંડો અભ્યાસ આ છેલ્લા સાત શ્લોક કરે છે.

Total Views: 359

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.