આપણી દ્વન્દ્વાત્મક અન્ત :પ્રકૃતિ

‘અસ્તિત્વ માટે સંઘર્ષ’ અને ‘યોગ્યતમની ઉત્તરજીવિતા’નો (ટકી રહેવાનો) જૈવિક સિદ્ધાંત અધ્યાત્મજગતને પણ લાગુ પડે છેે. પશુજગતમાં પશુ એકબીજા સાથે લડે-ઝઘડે છે. માનવજગતના નિમ્નસ્તરે મનુષ્ય મનુષ્ય સાથે લડે છે અને સૌથી વધારે પ્રબળ જીવિત રહે છે. અધ્યાત્મજગતમાં મનુષ્ય અને મનુષ્યની વચ્ચે સંઘર્ષ થતો નથી, પણ માનવના ઉચ્ચતર અને નિમ્નતર સ્વભાવની વચ્ચે સંઘર્ષ થાય છે. અને આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે આપણા ઉચ્ચ અને નિમ્ન સ્વભાવ એક બીજા સાથે નિરંતર લડતા, ઝઘડતા રહે છે; તેમજ આપણને અનંત કષ્ટ પણ આપે છે. ગ્રીકની પુરાણકથાઓમાં સ્ફિંક્સ નામની એક દૈૈત્યાનું વર્ણન જોવા મળે છે, એનો દેહ સિંહ જેવો છે, અને માથું નારીના જેવું છે.

એવું કહેવાય છે કે થીબ્સ દેશની સ્ફિંક્સ વિશે થીબ્સવાસીઓમાં એક ઉખાણું (કોયડો) પુછાયા કરતું પરંતુ એમાં એક કઠિન શરત રખાતી. એ શરત એ હતી કે જે સાચો જવાબ ન આપી શકે તેને મરવું પડશે; અને જે સાચો ઉત્તર આપશે તે થીબ્સના રાજસિંહાસન પર બેસશે. તે જે પ્રશ્ન પૂછતી તે આવો હતો, ‘કોણ સવારે ચાર પગે, બપોરે બે પગે અને સાંજે ત્રણ પગે ચાલે છે?’ જે લોકો સાચો જવાબ ન આપી શક્યા તેવા કેટલાય લોકોને તેણે મોતના મુખમાં ધરબી દીધા. એમ કહેવાય છે કે ઓડિપસે આ કોયડાનો આવી રીતે ઉકેલ બતાવ્યો, ‘મનુષ્ય બાળકના રૂપે બે પગ અને બે હાથ એટલે કે ચાર પગે ચાલે છે, યુવાવસ્થામાં સીધો ચાલે છે એટલે કે બે પગે ચાલે છે અને વૃદ્ધાવસ્થામાં લાકડીને ટેકે ચાલે છે એટલે કે ત્રણ પગે ચાલે છે.’ એમ કહેવાય છે કે સાચો જવાબ સાંભળીને સ્ફિંક્સ સમુદ્રમાં કૂદીને મૃત્યુ પામી અને ઓડિપસ થીબ્સનો રાજા બન્યો.

મિસ્ર (ઇજિપ્ત) ની પુરાણકથાઓમાં સ્ફિંક્સનો દેહ સિંહનો છે અને તેનું મસ્તક પુરુષનું બતાવ્યું છે. પછીના કાળમાં રોમનના સ્ફિંક્સનું માથું ક્યારેક પુરુષનું તો ક્યારેક સ્ત્રીનું રહેતું. વસ્તુત : સ્ફિંક્સ આપણાં બધાં સ્ત્રીપુરુષોનું પ્રતીક છે. સાચું પૂછો તો આપણે બધાં સ્ત્રીપુરુષો વિચિત્ર પ્રાણી છીએ. આપણાં ચરિત્રમાં પાશવિક અને માનવીય બન્ને પ્રકારના ગુણોનો સમાવેશ છે અને એ આત્માને છુપાવી દે છે. જ્યારે સ્ફિંક્સ પૂછે કે ‘તમે કોણ છો ?’ અને જો આપણે કહી શકીએ, ‘હું આત્મા છું’ તો આપણી ભીતરની સ્ફિંક્સ મરી જશે. ત્યારે આત્મજ્ઞાનનો, આપણી ભીતરના ચૈતન્યની જાગૃતિનો અનુભવ આપણને થશે; માનવના વાસ્તવિક સ્વરૂપ, આત્માનું જ્ઞાન થશે અને આ વિરોધી સ્વભાવવાળું વિચિત્ર વ્યક્તિત્વ નાશ પામશે.

વ્યાપક દૃષ્ટિકોણ અપનાવો

આપણે કઠોપનિષદની (૧.૩.૩,૪) ઉપમાનું અધ્યયન કરીએ : આત્મા રથી છે, શરીર રથ છે, બુદ્ધિ સારથિ છે, મન લગામ છે અને ઇન્દ્રિયો ઘોડા છે.

પરંતુ જો આપણે પોતાના રથ તથા તેનાં વિભિન્ન અંગોના ક્રિયાકલાપનું અવલોકન કરીએ તો અવાક બની જવાના. આપણને જોવા મળે છે કે આત્મા (જીવ) નશામાં ચકચૂર છે. સારથિની બુદ્ધિ બેહોશ પડી છે, મનરૂપી લગામ ઢીલી છે, ઇન્દ્રિયો રૂપી ઘોડા અનિયંત્રિત બનીને અહીં તહીં દોડી રહ્યા છે. જો આ બધાંને સુનિયોજિત કરીને તેમને નવી દિશા આપવાનો તત્કાલ પ્રયાસ નહીં કરીએ તો રથ, ઘોડા અને તેમના સ્વામી પર મહાન વિપત્તિ આવી પડશે. આપણા આચાર્યો દર્શાવે છે કે અજ્ઞાનને કારણે રથના સ્વામી આપણા આત્માએ બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને દેહ સાથે ઘણું વધારે તાદાત્મ્ય સાધી લીધું છે, તે પોતાને ભોક્તા સમજવા માંડ્યો છે અને તે (આત્મા) પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી ગયો છે.

પ્રાચીન યોગાચાર્ય પતંજલિનું કથન છે કે અજ્ઞાનવશ આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી જાય છે, (યોગસૂત્ર ૨.૫,૨૪) અને ત્યારે જીવ ખોટાં સ્વપ્ન જોવા માંડે છે અને અનંત કલ્પના કરવા લાગે છે. એ નિદ્રામાં તથા પુરાતન સ્મૃતિઓમાં સમય વ્યતીત કરતો રહે છે. પ્રતિક્ષણ જીવ પોતાની જાતથી દૂર ભાગવા ઇચ્છે છે. અજ્ઞાનનું આ પરિણામ આવે છે. અજ્ઞાન અહંકાર, રાગ અને દ્વેષને જન્મ આપે છે અને માનવમાં જીવન પ્રત્યે તીવ્ર આસક્તિ ઊભી કરે છે. જીવન પ્રત્યેના એના આ લગાવને કારણે માનવ અજબગજબનો વ્યવહાર કરે છે.

પોતાના ક્ષુદ્ર સ્વાર્થની પૂર્તિ માટે આપણે બીજાને નુકસાન પહોંચાડવામાં જરાય ખચકાતા નથી. આપણે ખોટું બોલીએ છીએ, ક્યારેક ક્યારેક બીજાની સંપત્તિ ચોરી લેવા ઇચ્છીએ છીએ, આપણે એક ઉચ્છૃંખલ ઇન્દ્રિયલોલુપ જીવનયાપન કરીએ છીએ અને મોટે ભાગે બીજા પર વધારે આશ્રિત, પરાશ્રયીની જેમ જીવન જીવીએ છીએ. પરંતુ આધ્યાત્મિક જીવનના પ્રારંભ સાથે આપણામાં એક પરિવર્તન આવવું જોઈએ. આપણે અહિંસા, સહાનુભૂતિ, સત્યવાદિતા, નિર્લાેભ, બ્રહ્મચર્ય અને સ્વાધીનતાનો અભ્યાસ કરવાનું શીખવું જોઈએ. આપણે એટલા બધા આળસુ છીએ કે દેહ અને મનથી સ્વચ્છ-નિર્મળ રહેતા નથી. આપણે સદૈવ અસંતોષી રહીએ છીએ, આપણે બધાની વિરુદ્ધ અભિયોગ અને અસંતોષ વ્યક્ત કરતા રહીએ છીએ. એની સાથે એક આરામદાયી જીવનયાપન કરવા ઇચ્છીએ છીએ. આજકાલ આપણે ઘણાં પુસ્તકો વાંચીએ છીએ, પરંતુ આપણું અધ્યયન અવ્યવસ્થિત હોય છે. આપણે પોતાના મનને બીજાના અનંત વિચારોથી ભરી દઈએ છીએ અને આ વિચારો બાહ્ય વસ્તુઓના રૂપે પડ્યા રહે છે તેમજ માનસિક અપાચન ઊભું કરે છે. તદુપરાંત આપણું સમગ્ર જીવન અહં કેન્દ્રિત બની જાય છે.

Total Views: 369

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.