અમેરિકાના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મિહાલી ચેકોનમિહાલીના પ્રખ્યાત પુસ્તક ‘Flow’ કે જેમાં એકાગ્રતાની શક્તિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને જે પુસ્તકને આધુનિક મનોવિજ્ઞાનમાં પાયાનું પુસ્તક માનવામાં આવે છે, તેમાં લેખક કહે છે કે આપણા બધા પાસે માહિતીની પ્રક્રિયા માટે મર્યાદિત ક્ષમતા છે. ઇન્ફર્મેશન ટેકનોલોજીની ભાષામાં એક વ્યક્તિનું મન સભાનતાથી ૧૫૦ બિટ્સ પ્રક્રિયા કરી શકે છે. બિટ્સ એ માહિતીનો એકમ છે. આ ૧૫૦ બિટ્સમાં આપણા શરીર-મન-સ્થળ-કાળ વગેરેનો સમાવેશ થાય છે. અને એકાગ્રતા એટલે વસ્તુ, વિષય અથવા પદાર્થ કે જેના પર આપણે એકાગ્ર થવા માગીએ છીએ. તેના પર ૧૫૦ બિટ્સમાંથી વધારેમાં વધારે માત્રામાં અંક મેળવી શકીએ તે એકાગ્રતાનો માપદંડ છે. જેટલા અંક વધારે હોય તેટલી આપણી એકાગ્રતા વધારે. આપણે સહુને શાળાનો અનુભવ યાદ છે કે જ્યારે આપણા શિક્ષક આપણને ‘ધ્યાનથી સાંભળો – ધ્યાન આપો’ જેવા શબ્દોથી આપણા ધ્યાનને સભાનપણે ચેતનવંતંુ બનાવતા. આ ‘ધ્યાન આપો’ તે એકદમ સાચંુ છે. આ ‘ધ્યાન આપો’ શબ્દો એ આપણને ૧ સેકન્ડે મળતા ૧૫૦ બિટ્સના રૂપમાં પ્રાપ્ત થતાં રોકડ નાણાં જેવા છે. તેમાંથી આપણે જેટલાં નાણાં વધારે વાપરીએ તેટલું આપણને વધારે વળતર મળે. જેઓની પાસે ૮૦% થી ૯૦% ક્ષમતા હતી તેટલા પ્રમાણમાં વધારે બિટ્સની માત્રામાં તેઓ એકાગ્ર હતા અને તેથી તેઓ વધારે સારી રીતે માહિતીનો ઉપયોગ કરી શક્યા. થોડા ઘણા લોકો ૩૦% થી ૪૦% બિટ્સનો ઉપયોગ કરી શકે છે અને બાકીના માત્ર સાક્ષી બને છે.

ઘણાં બાળકોને મેં ભણવામાં મુશ્કેલી અનુભવતાં જોયાં છે. સામાન્ય રીતે માતાપિતાની ફરિયાદ હોય છે- મારો પુત્ર કે પુત્રી મ્યુઝિક સાંભળ્યા કરે છે, મોબાઈલ ફોન પર સમય બગાડે છે, નેટ પર કંઈ કંઈ કર્યા કરે છે અને જ્યારે ત્યારે થોડો સમય વાંચે છે. આમાંનું કંઈ પણ લઈ લેવામાં આવે તો એ અસ્વસ્થ, અશાંત થઈ જાય છે. ખાસ કરીને કિશોરવયનાં બાળકોમાં આ બાબત વધારે જોવા મળે છે. આને લીધે આવા કિશોરોમાં ભણવા માટેનું આકર્ષણ ખૂબ જ ઓછું હોય છે. તેમનો થોડો સમય સંગીતમાં, થોડો ઇન્ટરનેટમાં, થોડો ઘણો મસ્તીમાં – આમ મોટાભાગનો સમય વેડફાઈ જાય છે જેથી તે અભ્યાસ પ્રત્યે ધ્યાન નથી આપી શકતા અને પોતાની મસ્તીમાં તે જીવતા હોય છે. જો તમે આમાંથી કંઈ પણ લઈ લો તો આવા કિશોર અસ્વસ્થ થઈ જાય છે. આ વિષયમાં ડૅનિયલ ગોલમેન જેઓનું Emotional Intelligence નામનું પુસ્તક ખૂબ જ પ્રખ્યાત છે, તેમણે તાજેતરમાં ‘ફોકસ’ નામનું પુસ્તક લખેલ છે. તેમાં તેઓ લખે છે કે આપણે ત્યાં હમણાં વ્યગ્રતાનો રોગચાળો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને ડિજિટલ સાધનોનો છૂટથી ઉપયોગ કરવામાં આવતાં, આપણને સહુને આ વ્યગ્રતાએ ગુલામ બનાવી દીધા છે. યુવાનવયે એક વાર આ આદત પડી જવાથી એવાં સાધનો તેમના મનને વ્યગ્ર બનાવે છે અને આને લીધે એકાગ્રતાપૂર્વક મનને કેન્દ્રિત કરવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે.

હું ૨૫ વર્ષથી શિક્ષણના ક્ષેત્રમાં યુવાનોના સહવાસમાં છું. સવારથી સાંજ સુધીમાં આ યુવાનો આનંદપ્રમોદ કે મનોરંજનનાં સાધનો જેવાં કે કાર્ટૂન્સ, ટીવી, ઇન્ટરનેટ અને વિશેષ કરીને સોશિયલ મિડિયાના સતત સંપર્કમાં હોવાથી દર સેકન્ડે મળતા ૧૫૦ બિટ્સમાંથી ભાગ્યે જ ૨૫ થી ૩૦ બિટ્સ અભ્યાસમાં વાપરે છે. તેમને ચાૅક અને બ્લેકબોર્ડમાં રસ નથી પડતો, તે ખૂબ જ કંટાળાજનક લાગે છે. ડૅનિયલ ગોલમેનના અભિપ્રાય પ્રમાણે બાળકોમાં એકાગ્રતા કેળવવાની પદ્ધતિ વિકસાવવામાં આવે તો તેઓ ઘણી પ્રગતિ કરી શકે. આ માટે તેઓ બાળકોને ધ્યાન કરાવવાનું સૂચવે છે. આધુનિક સકારાત્મક મનોવિજ્ઞાનમાં પણ ‘ધ્યાન’ને વિશેષ મહત્ત્વ અપાયું છે. મિહાલીના ‘Flow’ નામના ૫ુસ્તકના મધ્યભાગમાં જણાવ્યા પ્રમાણે પૂર્વ અને પશ્ચિમના શ્રેષ્ઠ સાહિત્યના ચયન પછી ધ્યાન વિશે પતંજલિ યોગસૂત્ર કરતાં વધુ સારું પુસ્તક લેખકના ધ્યાનમાં આવ્યું નથી. તત્ત્વજ્ઞાનને, પ્રબુદ્ધ જ્ઞાનને કેવી રીતે એકાગ્ર કરવાનું છે તે પતંજલિ યોગસૂત્ર શીખવે છે. તમારા અભ્યાસ કે તમારા કાર્યમાં કેવી રીતે એકાગ્રતા સાધવી, માત્ર તેના માટે આ યોગસૂત્ર નથી. આ સૂત્ર જ્ઞાની-પ્રબુદ્ધ થવા માટે છે. પતંજલિ યોગસૂત્રનો હેતુ આપણને પ્રબુદ્ધત્વ સુધી લઈ જવાનો છે. તમને અને મને બુદ્ધ બનવા માટે જો કોઈ આડે આવતું હોય તો તેનું કારણ આપણે બુદ્ધની જેમ ધ્યાન નથી કરી શકતા તે છે. આપણું મન વ્યગ્ર છે, વિચલિત છે. જો તમે મનને શાંત કરી શકો તો તે જ્ઞાન છે. સ્વામીજી પતંજલિ યોગસૂત્રના ત્રીજા સૂત્રને ટાંકીને કહે છે- तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् અર્થાત્ ત્યારે જ આપણી અંદરનો દ્રષ્ટા મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય છે – ત્યારે જ દ્રષ્ટા જે આપણી અંદર બિરાજે છે તે પોતાના મૂળ સ્વરૂપમાં રહે છે. આ પૂર્વેનું સૂત્ર છે- योगः चित्तवृत्ति निरोधः અર્થાત્ યોગ મનની એ સ્થિતિ છે જે અશાંત મનને સ્થિરતા આપે છે, મનની ગતિને-વૃત્તિને શાંત કરે છે. તે સ્થિતિમાં મનની અંદર તેમજ મનની પાછળ રહેલું સત્ય પ્રકટ થાય છે. પતંજલિ યોગસૂત્રમાં જે કાર્યપદ્ધતિ આપી છે તે એકાગ્રતાને પ્રાપ્ત કરવા માટે છે.

સૌ પ્રથમ તેમાં આવે છે નૈતિક આજ્ઞાપાલન-યમ અને નિયમ. ત્યાર પછી આવે છે કે કેવી રીતે આસનમાં બેસવું. શાંત બેસવું એ મનને શાંત કરવાનો ઉત્તમ માર્ગ છે. મન ત્યારે જ કેન્દ્રિત થાય, જ્યારે શરીર શાંત હોય. મારા હિમાલય-પ્રવાસ દરમિયાન એક સ્થળે જોયું કે હિમાલયના સાધુ વર્ગ દરમિયાન કવાયત કરતા વિદ્યાર્થીઓને ‘हिलो मत, बोलो मत, सोचो मत’ એવી સૂચનાઓ આપતા હતા. આ ત્રણ તબક્કા પ્રમાણે પ્રથમ શરીરને શાંત કરવાનું, પછી મનની ચેતન ભૂમિકામાં અને ત્યાર બાદ મનના ઊંડાણમાં શાંતિનો અનુભવ કરવાનો. પ્રાચીન ઋષિઓનું અન્વેષણ છે કે મન અને શ્વાસોચ્છ્વાસને સીધો સંબંધ છે. મન જેટલું શાંત, શ્વાસોચ્છ્વાસ તેટલો જ લયબદ્ધ. અને આ જ ઊલટા ક્રમમાં. શ્વાસ જેટલો લયબદ્ધ, મન તેટલું જ શાંત. પ્રાણાયામનું સમગ્ર વિજ્ઞાન લયબદ્ધ શ્વાસોચ્છ્વાસ સાથે સંકળાયેલું છે. હજુ વિશેષ ઊંડાણમાં મનને લઈ જાઓ એટલે પ્રત્યાહાર અર્થાત્ મનને અસંખ્ય વિગતોમાંથી ખેંચી લેવાનું, અલિપ્ત રાખવાનું. આમ આગળ જોયા પ્રમાણે પ્રતિ સેકન્ડે ૧૫૦ બિટ્સ એકમ જેટલું મન આપણે આપણી સમક્ષના કાર્યમાં નિયોજિત કરી શકીશું અને આમ સંપૂર્ણ એકાગ્રતાથી કાર્ય કરી શકવા શક્તિમાન બનીશું. આ પ્રક્રિયા આગળ વધીને ધારણા અર્થાત્ જેના પર એકાગ્ર થવાનું છે તેની પર સંપૂર્ણપણે કેન્દ્રિત થવું તેમાં પરિણત થાય છે. અને અંતે સમાધિ.

Total Views: 255

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.