શિકાગોના હિન્દુ મંદિરમાં વ્યાખ્યાન :

૧૭મી તારીખે સવારે શિકાગોના હિન્દુ મંદિરમાં પ્રવચન હતું. અમેરિકાનાં હિન્દુ મંદિરોની એ વિશેષતા છે કે ત્યાં બધાં જ દેવીદેવતાઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા થયેલ હોય છે. રામસીતા, શિવપાર્વતી, રાધાકૃષ્ણ, અંબાજી, તિરુપતિ બાલાજી, ગણેશજી, હનુમાનજી જેવાં બધાં દેવીદેવતાઓ એક જ મંદિરમાં બિરાજતાં હોય છે. એને લીધે દરેક શ્રદ્ધાળુ પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરી શકે છે. તે દિવસે બહાર ભયંકર હિમવર્ષા હતી. આયોજકોને એવો પ્રશ્ન થતો હતો કે આવા વાતાવરણમાં કેટલા લોકો આવશે. આથી બધા કાર્યક્રમને કેન્સલ કરવાનું વિચારતા હતા પરંતુ સદ્ભાગ્યે થોડા લોકો આવ્યા. એટલે કાર્યક્રમ ચાલુ રહ્યો. બ્લાઈન્ડ ફાઉન્ડેશનના ચેરમેન ડૉ. મનુભાઈ વોરાએ આ કાર્યક્રમો યોજ્યા હતા. તેમણે અને જિનેન્દ્ર ફાઉન્ડેશનના ડૉ. કિશોરભાઈ શાહે રામકૃષ્ણ મિશનનાં ભારતમાંનાં વિવિધ કેન્દ્રોને લગભગ ૧૦૦ જેટલાં મોબાઈલ વાન સેવાકાર્યો માટે આપ્યાં છે. શિકાગોમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતા મોટા હિન્દુ મંદિરમાં પ્રવચન હતું. ત્યાં અંગ્રેજી, ગુજરાતી મિશ્રિત ભાષામાં બોલવાનું થયું, કારણ કે શ્રોતાઓમાં ઘણા લોકો ગુજરાતી હતા.

સેન્ટ લ્યૂઈસમાં :

૧૮મી તારીખે સવારે સેન્ટ લ્યૂઈસની ફ્લાઇટ હતી. ત્યાં સવારે ૧૦ વાગ્યે પહોંચી ગયો. ૧૧ વાગ્યે ત્યાંની વેદાંત સોસાયટીમાં વ્યાખ્યાન હતું. વ્યાખ્યાનનો વિષય હતો : ‘Swami Vivekananda a Global Leader for a Global Civilization.’

અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા તે પહેલાં તેઓ જ્યાં રહેતા હતા તે સ્પ્રીંગ ફિલ્ડમાં ૧૯મી તારીખે ગયા. સેન્ટ લ્યૂઈસથી કાર રસ્તે બે કલાક થતા હતા. અમેરિકન સંન્યાસી સ્વામી નિષ્પાપાનંદ મારી સાથે આવ્યા હતા. આ સ્થળે લિંકન ૧૮૪૪ થી ૧૮૬૧ સુધી રહ્યા હતા. તેઓ જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા ત્યારે અહીંના લોકોએ તેમને ભાવભરી વિદાય આપી હતી. તેની સ્મૃતિઓ અહીં સચવાયેલી છે. તેમનું મ્યુઝિયમ અને પુસ્તકાલય પણ છે. ૧૯મી નો દિવસ એ ઐતિહાસિક સ્થળની મુલાકાતમાં પસાર થયો. ૨૦મી તારીખે સેન્ટ લ્યૂઈસમાં પ્રવચન હતું.

અમેરિકન યાત્રાનો સૌથી શ્રેષ્ઠ અને

આશીર્વાદપૂર્ણ દિવસ :

૨૧મી નવેમ્બર, ૨૦૧૮નો દિવસ મારી અમેરિકન યાત્રાનો શ્રેષ્ઠ દિવસ બની રહ્યો. સ્વામી ચેતનાનંદજી સાથેનો વાર્તાલાપ એ મારી આ યાત્રાની શ્રેષ્ઠ ઉપલબ્ધિ બની ગઈ.

અમેરિકાનાં વેદાંત કેન્દ્રોમાં બે પ્રકારની વ્યવસ્થા હોય છે. એક ‘ચેપલ’ – અહીં સત્સંગ હાૅલ હોય છે. તેમાં પ્રવચનો થાય છે, લોકો એકઠા મળે છે એવી એક જાહેર જગ્યા. બીજી ‘શ્રાઈન – મંદિર’, માત્ર સંન્યાસીઓ જ ધ્યાન કરી શકે તેવું નાનું મંદિર. આ વ્યવસ્થા સ્વામી બ્રહ્માનંદજીના શિષ્ય સ્વામી સત્યપ્રકાશાનંદજીએ પચાસ વર્ષ પહેલાં કરી હતી. અહીં શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદામણિ, સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી પ્રેમાનંદજીના relics-ભસ્માવશેષ રખાયા છે. સ્વામી ચેતનાનંદજીએ આ પવિત્ર relics-ભસ્માવશેષનો પ્રત્યક્ષ સ્પર્શ કરાવ્યો. મારા જીવનની આ સર્વશ્રેષ્ઠ પળો હતી.

સ્વામી ચેતનાનંદજીએ શ્રીઠાકુર, શ્રીમા, સ્વામીજી અને શ્રીઠાકુરના અંતરંગ શિષ્યો વિશે ૪૦થી વધારે પુસ્તકો લખ્યાં છે. આ પુસ્તકોમાંથી આપણને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને તેમના અંતરંગ શિષ્યોનાં જીવનકાર્યો વિશે અનેક નવીન પ્રસંગો જાણવા મળે છે. ૪૦વર્ષ સુધી તેઓ રોજ ૧૨ થી ૧૩ કલાક સુધી લખતા રહેતા. પછી તો લખતાં લખતાં થાકી જતા. એ વખતે શ્રીઠાકુરને પ્રાર્થના કરતાં કહેતા, ‘હે ઠાકુર ! મને વિશ્રામ ન આપો. મારે હજુ ઘણું કામ કરવું છે.’ ૮૪વર્ષની વયે આજે પણ તેઓ આવો કઠોર પરિશ્રમ કરી રહ્યા છે. તેમની પાસેથી મને શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્યો તથા અનેક સંન્યાસીઓની અસંખ્ય પુરાણી વાતો સાંભળવા મળી. સ્વામી ચેતનાનંદજી સાથેનો સત્સંગ એ મારા જીવનનો અવિસ્મરણીય પ્રસંગ બની રહ્યો. ભસ્માવશેષના સંસ્પર્શની જે દિવ્યાનુભૂતિ તેમણે કરાવી એથી મારી અમેરિકાની આ ચોથી જ યાત્રા નહીં, પણ મારી જીવનયાત્રા પણ સાર્થક બની ગઈ !

વિવેકાનંદ વિદ્યાપીઠમાં :

સેન્ટ લ્યૂઈસથી ૨૧મીની ન્યૂયોર્ક માટેની ફ્લાઇટ હતી. સાંજે ન્યૂયોર્ક આવી પહોંચ્યો. રાજકોટનો મનન શુક્લ એરપોર્ટ પર લેવા આવ્યો હતો. ૨૨મી તારીખે વિવેકાનંદ વિદ્યાપીઠમાં પહોંચી ગયા. આ વિદ્યાપીઠ શ્રીમહેન્દ્રભાઈ અને વંદનાબહેન જાની ચલાવે છે. આ કંઈ વિધિવત્ ચાલતી સ્કૂલ નથી પરંતુ શનિ-રવિમાં બાળકોને મૂલ્યોનું શિક્ષણ આપતી અનૌપચારિક સંસ્થા છે. અત્યારે લગભગ બે હજાર જેટલાં બાળકો શનિ-રવિમાં જીવનમૂલ્યોનું શિક્ષણ લઈ રહ્યાં છે.

આ શાળાની અનોખી શરૂઆત :

અહીં દશ પંદર ભક્તો શનિ-રવિમાં કથામૃતનું વાંચન કરવા માટે મળતા હતા. સાથે તેમનાં બાળકો પણ આવતાં. બાળકોનો શોરબકોર એટલો બધો થતો કે કથામૃતના વાંચનમાં ખલેલ થતી. એટલે મહેન્દ્રભાઈએ આ બાળકોને સાચવવાનું કામ વંદનાબહેનને સોંપ્યું. વંદનાબહેન બાળકોને રામાયણ, મહાભારતની વાતો તથા રામકૃષ્ણ-વિવેકાનંદ જેવા બીજા મહાપુરુષોના જીવનપ્રસંગની વાતો કરતાં. બાળકોને એમાં ખૂબ રસ પડવા લાગ્યો. તેઓ તો પોતાના મિત્રોને પણ સાથે લાવવા માંડ્યાં. આમ, વડીલો કરતાં બાળકોની સંખ્યા વધી ગઈ. એમાંથી ‘બાળસંસ્કાર કેન્દ્ર’ શરૂ થયું. એક નાની એવી શરૂઆત એક વિશાળ સંસ્થા બની ગઈ. આ જોઈને થયું કે વિદેશની ધરતી પર પણ કેવી સરસ રીતે ભારતીય સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે !

શ્રી મહન્દ્રભાઈએ ૨૨મી નવેમ્બરના રોજ એ વિદ્યાપીઠમાં મારાં બે વ્યાખ્યાનોનું આયોજન કર્યું હતું. તેમાંનો એક મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી અને સ્વામી વિવેકાનંદની શિકાગો વ્યાખ્યાનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ‘સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી’ એવો વિષય રાખ્યો હતો. અને મારા બીજા વ્યાખ્યાનનો વિષય ‘સ્વામી વિવેકાનંદ અને શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ’ હતો. આટલી સખત ઠંડીમાં પણ પ્રવચન સાંભળવા ઘણા લોકો આવ્યા હતા. આખો હાૅલ ભરાઈ ગયો હતો. તે દિવસે જેવી ઠંડી પડી તેણે ૧૦૦વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. લોકોએ મને કહ્યું, ‘તમે આવ્યા એની ખુશીમાં આટલી બધી ઠંડી પડી રહી છે !’ તેના પ્રત્યુત્તરમાં મેં કહ્યું, ‘અહીં આવ્યા પછી ઠંડી, શરદી, ઉધરસ, તાવ બધાને સહન કરી લીધાં છે અને અત્યારે આ સૌથી વધારે ઠંડીવાળા દિવસને પણ સહન કરું છું !!’ (ક્રમશ 🙂

(પ્રવચનના આધારે આ યાત્રાનું આલેખન શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ છે.)

Total Views: 227

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.