काम एष क्रोध एष रजोगुणसमुद्भवः।
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम्।।37।।

‘રજોગુણથી જન્મેલ એ ઇન્દ્રિયતૃષ્ણા-કામના અને ક્રોધ છે; એ બંને મહાભક્ષી અને મહાપાપી છે; તું એને અહીં (આ મનુષ્યજીવનમાં) વેરી તરીકે જાણી લે.’

શ્રીકૃષ્ણ ઉત્તર આપે છે : काम एष क्रोध एष ‘એ કામ (તૃપ્ત ન થાય તેવી ઇચ્છા) છે ને એ ક્રોધ છે; रजोगुणसमुद्भवः, ‘માનવીઓમાં તેમનો જન્મ રજોગુણમાંથી થાય છે.’ महाशनो महापाप्मा ‘મહાભક્ષી અને મહાપાપી’; विद्धि एनम् इह वैरिणम्, ‘એને તું અહીં જ વેરી તરીકે જાણી લે.’

काम મોટો શબ્દ છે. એની વાત બે દૃષ્ટિબિન્દુએથી કહેવામાં આવે છે. મનુસ્મૃતિમાં કામની ખૂબ પ્રશંસા છે. ‘ભીતરમાંના કામ (ઇચ્છા) વિના માણસ કશું જ કરી શકે નહીં.’ સર્વ કાર્યનો પ્રેરક કામ છે. એટલે કામની અહીં પ્રશંસા કરવામાં આવી છે. આપણી ગ્રામપ્રજા લો; વધારે સારા જીવન માટે કરોડો લોકોમાં ઇચ્છા જ નથી; એટલે એ લોકો અસ્વાસ્થ્યપ્રદ દશામાં, પોતાની નિરક્ષરતાથી સંતુષ્ટ રહે છે; શાળા પાસે જ હોય તો ભલે. એમનામાં કોઈ કામના, ઇચ્છા જ નથી. એ સૌ મોટા સાધુ થઈ ગયેલ છે, તેમ આપણે કહીશું ? જરાય નહીં. ઇચ્છા જગાવવી તે એમના પૂરતો પહેલો પાઠ છે. એક નાનું બાળક છે; જ્ઞાનપ્રાપ્તિની ઇચ્છા તેનામાં જાગે તે માટે તેને ઉત્તેજન આપો; એ શાળાએ જાય અને પછીથી જરા વધારે સારી જિંદગી જીવવા માટે એ મહેનત કરે. આમ, જીવનનું પહેલું સોપાન काम છે.

એવું જ ક્રોધનું છે. કોઈ વાર તમને ક્રોધની પણ જરૂર પડે છે. સામાજિક ગેરવર્તન સામે આ ન્યાયી ક્રોધની આવશ્યકતાની વાત અગાઉ કરી હતી, ત્યારે આ ક્રોધની લાગણી વિના માનવજીવન કેવું ફિક્કું લાગશે તે કહ્યું હતું. કામ અને ક્રોધ બંનેને સ્થાન છે, પણ બંનેને નિયમનની જરૂર છે. એ બંને અંધ પરિબળો છે. પછી નૈતિક જાગૃતિ દ્વારા મૂલ્યજાગૃતિ સહિતની માનવની કેળવણી આવે છે. એ તબક્કે કામ અને ક્રોધને નિયમનમાં રાખવાનું કહેવામાં આવે છે. પોતાની મર્યાદા એ ઓળંગે, ત્યારે તમારે કામને અને ક્રોધને ‘ના’ ફરમાવવી પડે છે. તો જ કોટિ કોટિ લોકોવાળા શાંતિચાહક સમાજમાં આપણે રહી શકીએ. કોઈ ટાપુ ઉપર હું એકલો રહેતો હોઉં, તો મારા કામને અને ક્રોધને સંયમમાં રાખવાની જરૂર નથી. ટાપુ ઉપર હું ગમે ત્યાં જઈ શકું, ગમે ત્યાં દોડી શકું, મને ગમે તે લઈ શકું અને ત્યાંની દરેક વસ્તુ ઉપર ક્રોધ કરી શકું. એ બધું હું કરી શકું ને તેમાં કોઈની સાડીબાર નહીં. પરંતુ સમાજમાં બીજા માણસો છે તેમની ઉપર તમારા કામ-ક્રોધની અસર થવાની. એટલે એ બે બળોને વશમાં રાખવાની જરૂર છે. આપણે એમને અંકુશમાં ન રાખીએ, તો એ બેઉ અનિષ્ટો બની જાય છે. એમને અંકુશમાં રાખો, તો એ અનિષ્ટ નથી. કામ શબ્દનો અર્થ સ્મરણમાં રાખો : આ ગીતામાં જ ૭મા અધ્યાયના ૧૧મા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે, ‘બધાં પ્રાણીઓનાં હૃદયમાં હું કામરૂપે વસું છું, પણ તે ધર્મનો વિરોધી નહીં એવો કામ છે’, धर्माविरूद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ. આમ, કામને સતત ઉતારી પડાયો નથી. પણ નિરંકુશ કામ, સંયમ વગરનો કામ અને ક્રોધ અને એમની સાથેનાં બીજાં અનિષ્ટો આપણા પ્રાથમિક વેરીઓ છે.

માનવીના છ શત્રુઓની વાત વેદાંત કરે છે, એ સઘળા માનવીની અંદર જ વસે છે : કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ ષડ્ રિપુને નામે ઓળખાય છે. માનવીઓ જ તેમની સાથે કામ પાર પાડી તેમને અધ્યાત્મશક્તિથી હરાવી શકે. એ છ પૈકી કામ અને ક્રોધ સૌથી વધારે અગત્યના અને સૌથી વધારે ભયંકર છે. આ બે પર અંકુશ મેળવ્યા પછી બીજા ચારને વશ કરવા સરળ. અર્જુનને ઉત્તર આપતાં શ્રીકૃષ્ણ કહે છે : એ બે છે : કામ અને ક્રોધ. એમનાં મૂળ ક્યાં છે ? સુંદર મનોવૈજ્ઞાનિક અભ્યાસ કહે છે ‘મનુષ્યમાં રહેલા રજોગુણના અતિરેકમાંથી તે જન્મે છે.’ પ્રથમ તમસ, જડતા છે. તમે તમોગુણમાં હો, ત્યારે તમે સારું કે નરસું કંઈ જ કરતા નથી. આ મેજ અને ખુરશીની માફક બધું તમસ; પણ રજસ પ્રગટ થાય, ત્યારે એ શુભ કે અશુભ હોય; શુભ પ્રવર્તે ત્યારે ક્રિયાશીલ બનીને માનવી બીજાની સેવા કરવા પ્રવૃત્ત થાય; અશુભ પ્રવર્તે ત્યારે અતિકામ- ક્રોધ પ્રગટ થાય અને નુકસાનકારક પ્રવૃત્તિઓ મંડાય. એટલે તમસમાંથી રજસ તરફ પ્રગતિ કરવા માટે આપણે બાળકને કેળવણી આપવાની જરૂર છે; ‘મારે આ જોઈએ, પેલું જોઈએ; કશું વચ્ચે આવ્યું તો મારી બધી શક્તિથી હું એને દૂર કરીશ.’ આમ, કામ અને ક્રોધ માનવવિકાસ માટે ઉપયોગી બની શકે છે. સમાજને એ નુકસાન ન પહોંચાડે એ માટે એમને વશમાં રાખતાં પણ બાળકને શીખવવું જોઈએ.

રજોગુણ અને એનાં સંતાન કામ-ક્રોધ. જો એને બરાબર વશમાં ન રખાય તો માણસને ખાડામાં ઉતારે. એ બેઉ महाशनो महापाप्मा ‘મહાભક્ષી અને મહાપાપી છે.’ अशन એટલે ‘ખાવું’ ને महा એટલે ‘મોટું’-ખૂબ’, ‘ખૂબ ખાનાર’ એ અગ્નિના જેવું છે, તમે ઈંધણ નાખતા જાઓ, એ ભડભડ બળતો જાય, કદી તુષ્ટ ન થાય; કામ અને ક્રોધ તેના જેવા છે. તમે તૃષ્ણાને તૃપ્ત કર્યે જાઓ, એ હંમેશાં કહેશે, ‘હજી વધુ, હજી વધુ.’ માનવીઓમાં તૃષ્ણાનું એ સ્વરૂપ છે. અગાઉ ગોયથેના નાટક ‘ફોસ્ટ’માંથી, અરણ્યમાં કહેલી એકોક્તિ મેં ટાંકી હતી :

‘અરે, માનવીની કેવી તે ભગ્ન દશા ! હવે અમારી અતૃપ્તિઓ હું જાણું છું ! ….. મારા હૃદયમાં એ દવ પેટાવે છે, એને ઉભરાવી દે છે, તે એવું છે કે તૃષ્ણાથી એ ઠોકર ખાઈ કબજો મેળવવામાં પડે છે. અને તૃષ્ણાથી સુષુપ્ત થઈને કબજામાં પડી રહે છે.’

Total Views: 349

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.