શ્રીરામકૃષ્ણ – જેમને આત્મજાગૃતિ થઈ છે, જેમને ઈશ્વર જ સત્ અને બીજું બધું અસત્, અનિત્ય, એવો બોધ થઈ ગયો છે તેમનો એક પ્રકારનો જુદો જ ભાવ હોય. તેઓ સમજે કે ઈશ્વર જ એક માત્ર કર્તા, બીજા બધા અકર્તા. જેમને ચૈતન્ય થયું છે તેમનો પગ બેતાલ પડે નહિ…. ઈશ્વર ઉપર તેમનો એટલો બધો પ્રેમ હોય કે જે કામ તેઓ કરે એ સત્કર્મ. પરંતુ તેઓ જાણે કે એ કામનો કર્તા હું નહિ, હું તો ઈશ્વરનો દાસ, હું યંત્ર, ઈશ્વર યંત્ર ચલાવનાર…

જેમને આત્મજાગૃતિ થઈ છે તેઓ પાપપુણ્યથી પર. તેઓ જુએ કે ઈશ્વર જ બધું કરી રહ્યો છે. એક ઠેકાણે એક મઠ હતો. મઠના સાધુઓ રોજ માધુકરી (ભિક્ષા) લેવા જાય. એક દિવસ એક સાધુ ભિક્ષા લઈને આવતાં જુએ છે તો એક જમીનદાર એક માણસને ખૂબ માર મારી રહ્યો છે. સાધુનું અંતર બહુ જ દયાળુ. એટલે તેણે ત્યાં જઈને વચ્ચે પડીને જમીનદારને પેલા માણસને મારતો અટકાવવાનો પ્રયાસ કર્યો. જમીનદાર ખૂબ ક્રોધે ભરાયેલો હતો. પેલા સાધુને વચ્ચે પડતો જોઈને તેણે પોતાનો બધો ગુસ્સો તેના પર ઉતાર્યો અને એવો માર માર્યો કે સાધુ બેભાન થઈને ત્યાં પડી ગયો. એટલામાં ત્યાંથી કોઈએ જઈને મઠમાં ખબર આપ્યા કે તમારા એક સાધુને પેલા જમીનદારે ખૂબ માર માર્યો છે. એ પરથી મઠના સાધુઓ દોડી આવ્યા અને જોયું તો પેલો સાધુ અચેત થઈને પડ્યો છે. તરત જ એ લોકો ચાર પાંચ જણ મળીને તેને ઊંચકીને મઠમાં ઉપાડી લાવ્યા અને ઓરડામાં સુવડાવી દીધો. સાધુ બેભાન પડ્યો છે, તેની ચારે બાજુ મઠના માણસો ઘેરી વળીને ઉદાસ ચહેરે બેઠેલા છે. કોઈ કોઈ એને પંખો કરે છે. એટલામાં એક જણે કહ્યું કે તેના મોઢામાં દૂધ રેડી જુઓ તો. એ પરથી તેના મોઢામાં હળવે હળવે દૂધ રેડતાં તે પેટમાં પહોંચ્યું એટલે તેને ચેતના આવી ને આંખો ઉઘાડીને તે જોવા લાગ્યો. એટલે એક જણે કહ્યું કે ‘અરે જરા જુઓ તો ખરા કે તેને ભાન બરાબર આવ્યું છે કે નહિ, ઓળખી શકે છે કે નહિ.’ એ પરથી બીજા એક જણે ખૂબ ઘાંટો અવાજ પાડીને પૂછ્યું, ‘મહારાજ તમને કોણ દૂધ પાય છે ?’ પેલા સાધુએ ધીમે અવાજે જવાબ આપ્યો કે ‘ભાઈ, જેણે માર માર્યો હતો તે જ અત્યારે દૂધ પાય છે.’

ઈશ્વરને ઓળખ્યા વિના એવી અવસ્થા ન થઈ શકે. (શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૧, પૃ.૧૯૩-૯૪)

Total Views: 338
By Published On: August 2, 2019Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram