પ્રશ્ન : આજે જ્યારે સમગ્ર વિશ્વ સંલગ્ન છે ત્યારે ભારતીય સંસ્કૃતિને કેવી રીતે પુન : જીવિત કરવી કે જાળવવી ?

ઉત્તર : ભારતીય સંસ્કૃતિને પુન : જીવિત કરવી એ એક તાત્ત્વિક ઘટના છે અને તે ગમે તે ઉંમરે થઈ શકે. નિવેદિતા કહે છે તે પ્રમાણે શ્રુતિ એ સનાતન મૂલ્યો છે. દા.ત. જ્યારે ન્યૂટને ગુરુત્વાકર્ષણ શોધ્યું ત્યારે આપણે એમ નથી કહેતા કે એક અંગ્રેજે શોધ્યું છે. ન્યૂટનની ગુરુત્વાકર્ષણની શોધનો ઉપયોગ વિશ્વભરના વૈજ્ઞાનિકો કરે છે અને પ્રૌદ્યોગિકીઓમાં પણ તેનો ઉપયોગ થયો છે. તે એક વૈશ્વિક તત્ત્વ છે. તેવી જ રીતે શ્રુતિઓ પણ સનાતન મૂલ્યો છે. પરંતુ આધુનિક સંદર્ભમાં તેને કેવી રીતે અપનાવવી તે વિશે પરિવર્તન દેખાશે. આપણે ટેકનોલોજીનો અને પ્રાપ્ય જાહેર પ્રચારપ્રસારનાં પ્રસાધનોનો ઉપયોગ પ્રાચીન જમાનામાં કરતા હતા તે રીતે કરી શકીએ. આપણી ભારતીય સંસ્કૃતિ વિશે એક વૈજ્ઞાનિકતાની વાત છે કે આપણા પૂર્વજો કે જે લખવાનું જાણતા હતા છતાં તેઓ મૌખિક અભિવ્યક્તિનો મોટા પાયે ઉપયોગ કરતા હતા. એનું કારણ એ છે કે કાનથી સાંભળીને તમારે ચોક્કસ બાબતોને યાદ રાખવાની હતી કે જેથી કરીને તે તમારી સ્વકીય વિદ્યા બની જાય. પરંતુ એને સ્થાને તમે કાગળ કે કમ્પ્યૂટર પર લો તો એ જ્ઞાન તમારું રહેતું નથી. એટલે પહેલાં તો તમારે જ્ઞાનને ભીતર ઉતારવું પડે, આ મુખ્ય વિચાર છે. તમારે આપણી સંસ્કૃતિને પણ ભીતર ઉતારવી જોઈએ અને તમારા જીવનમાં તેને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી ભલે આ કામ તમે ઇન્ટરનેટ દ્વારા કરો કે માનવસંબંધો દ્વારા પ્રત્યક્ષ રીતે કરો. આપણે જાણ્યું છે કે માનવીય મધ્યસ્થી આવશ્યક છે. આપણે ઇન્ટરનેટ દ્વારા દીક્ષા લઈ શકતા નથી. એમાં માનવીય સંસ્પર્શની જરૂર પડે છે; આપણને ગુરુના માર્ગદર્શનની જરૂર પડે છે. એટલે ભારતીય મૂલ્યોમાં તમારે સંતુલન જાળવવું પડે. જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિનાં જ્ઞાનમાહિતીને લાગે વળગે છે ત્યાં સુધી તમે મિડિયાનો ઉપયોગ કરી શકો છો પણ તેને પ્રભાવક રીતે ઉપયોગમાં લાવવા તમારા દૈનંદિન જીવનમાં અમલમાં મૂકવું પડશે.

પ્રશ્ન : સંસ્કૃતિ અને ધર્મ વચ્ચે શો ભેદ છે ?

ઉત્તર : દરેક સંસ્કૃતિ જુદી જુદી જાતિઓની સુટેવોનું પરિણામ છે. જો તમે ભારતીય સંસ્કૃતિ એમ કહો તો તેને ધર્મ સાથે જોડવી પડે. ભારતમાં ધર્મ અને સંસ્કૃતિ બન્નેને અલગ કરી શકાય તેમ નથી. અને ભૂતકાળમાં આપણે આ જ ભૂલ કરી. કદાચ આપણે એમ કહ્યું કે આપણું બંધારણ બિનસાંપ્રદાયિક રાષ્ટ્રનું બંધારણ છે, પણ આનો આપણે ખોટો અર્થ કર્યોે. આપણે તો આ બિનસાંપ્રદાયિકતાના નામે ધર્મને સંસ્કૃતિથી સાવ અલગ કરી દેવાની મહાન ભૂલ કરી. જેમ આપણે સંસ્કૃત અને સંસ્કૃતિને એક બીજાથી અલગ ન કરી શકીએ કારણ કે એ બન્ને એક બીજા સાથે જોડાયેલ છે. એવી જ રીતે આપણે ધર્મ અને સંસ્કૃતિને પણ અલગ ન કરી શકીએ. સ્વામી વિવેકાનંદે આ વિશે વારંવાર ચેતવણીઓ આપી છે. શ્રીરામકૃષ્ણે આચરણમાં મૂકેલ ધર્મ જ ધર્મનું સૌથી સાચું રૂપ છે અને એ છે સનાતન ધર્મ. અને છતાંય જો આપણે ધર્મ અને સંસ્કૃતિને અલગ કરીશું તો આપણા દેશ માટે તે એક ભયંકર આપત્તિ ગણાશે. ભારતમાં રિલિજિયનને ધર્મ કહ્યો છે અને તેનો અર્થ છે આધ્યાત્મિકતા. એટલે કે કોઈ ચોક્કસ નક્કી કરેલ માન્યતાઓ જ નહીં પરંતુ એ પ્રમાણે જીવન જીવી બતાવવાની વાત છે. અને આ વસ્તુ માત્ર ભારત માટે નહીં પણ સમગ્ર વિશ્વને ટકાવી રાખવા માટે આવશ્યક છે. આ ધર્મ અને સંસ્કૃતિ વચ્ચેનો પાયાનો ભેદ છે.

Total Views: 281

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.