પ્રાણાયામ વિષે ઘણા ભ્રામક વિચારો આજે પ્રચલિત છે. પ્રાણને શ્વાસોચ્છ્વાસ સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રાણને સંયમમાં લાવવાનું સાધન માત્ર છે. આપણા ઋષિઓએ સાક્ષાત્કાર કર્યો હતો કે સમગ્ર વિશ્વ બે વસ્તુઓનું બનેલું છે : આકાશ અને પ્રાણ. આકાશ એટલે વિશ્વના બધા જ પદાર્થાે (matter) જેમ કે પૃથ્વી, મનુષ્ય, વનસ્પતિ વગેરે. પ્રાણ એટલે ઊર્જાશક્તિ (energy) જેમ કે ગુરુત્વાકર્ષણ, સૂર્યમાંથી ઉત્પન્ન થતી ગરમી વગેરે.

પ્રાણ જ પૃથ્વીને સૂર્યની આસપાસ ફેરવે છે, ઋતુઓનું સંચાલન કરે છે અને વનસ્પતિઓમાં જીવનસંચાર કરે છે. આપણા સહુમાં ચાલન-શક્તિ છે પ્રાણ. પ્રાણ આપણાં ફેફસાંને ચલાવે છે કે જેથી આપણે શ્વાસ લઈ શકીએ, હૃદયને ચલાવે છે કે જેથી ઓક્સિજન સમગ્ર શરીરમાં વહે, અને પાચનતંત્ર ચલાવે છે કે જેથી આપણને પોષકતત્ત્વો મળે.

જો આપણે આપણા શરીરમાં અવસ્થિત પ્રાણ પર કાબૂ મેળવી લઈએ તો આપણે આ બ્રહ્માંડમાં આવેલ બધી જ શક્તિઓ ઉપર નિયંત્રણ મેળવી લઈ શકીએ. સ્વામી વિવેકાનંદ કહે છે :

‘જેણે પ્રાણ પર કાબૂ મેળવ્યો છે તેણે પોતાના મન પર કાબૂ મેળવ્યો છે, તથા જગતમાંનાં સર્વ મન પર પણ કાબૂ મેળવ્યો છે. જેણે પ્રાણ પર કાબૂ મેળવ્યો છે તેણે પોતાના શરીર પર કાબૂ મેળવ્યો છે અને જગતમાંનાં સર્વ શરીરો પર કાબૂ મેળવ્યો છે, કારણ કે પ્રાણ એ સર્વ બળોમાં સર્વસામાન્ય બળતત્ત્વની અભિવ્યક્તિ છે.

આ પ્રાણશક્તિ પરનો કાબૂ આપણી સામે લગભગ અનંત શક્તિનો દરવાજો ખુલ્લો કરી દે છે. દાખલા તરીકે, ધારો કે એક માણસે આ પ્રાણ વિશે પૂરેપૂરું જ્ઞાન મેળવ્યું અને તેના પર કાબૂ મેળવ્યો, તો પછી પૃથ્વી પરની કઈ શક્તિ તેના તાબામાં ન હોય ? તે સૂર્ય અને તારાઓને તેમનાં સ્થાનમાંથી ધકેલી દેવાને શક્તિમાન થાય, ક્ષુદ્રમાં ક્ષુદ્ર અણુઓથી લઈને મોટામાં મોટા સૂર્યો સુધીનાં સર્વ કંઈ પર તે કાબૂ ધરાવી શકે, કારણ કે તે પ્રાણ પર કાબૂ ધરાવતો હોય છે. પ્રાણાયામનો ધ્યેય અને હેતુ આ છે. જ્યારે યોગી પૂર્ણ બને છે, ત્યારે કુદરતમાં એવું કંઈ જ નથી રહેતું કે જે તેના કાબૂ નીચે ન આવે. જો તે દેવતાઓને કે પ્રેતાત્માઓને હુકમ કરે તો તેઓ તેના હુકમ પ્રમાણે આવીને હાજર થાય. કુદરતનાં બધાં બળો ગુલામની પેઠે તેનો હુકમ માને. યોગીની આ સિદ્ધિઓ જ્યારે અજ્ઞાનીઓના જોવામાં આવે ત્યારે તેઓ તેમને ચમત્કાર કહે.’

પરંતુ આ તો થઈ સ્થૂળ ક્રિયાઓ. હવે આપણે સૂક્ષ્મ જગતની વાત કરીએ. સૂક્ષ્મ-જગતમાં રહે છે આપણું મન. આ મનમાં ચાલતા વિચારો અને લાગણીઓના પ્રવાહો પણ પ્રાણશક્તિની જ અભિવ્યક્તિ છે. મારામાં પ્રાણ છે માટે હું વિચારી શકું છું, માટે હું અનુભવી શકું છું. મારા જીવનમાં ભણતરનું શું મહત્ત્વ છે, બધા પ્રત્યે મારે કેમ સહાનુભૂતિ અને શિષ્ટતાથી વર્તવું જોઈએ, રહેણી-કરણી, ખાવા-પીવામાં શા માટે સંયમ જાળવવો જોઈએ – આ બધા વિવેકવિચારો પ્રાણશક્તિના પરિણામે ઉદય થાય છે.

મનની પારે પણ એક દિવ્ય જગત છે. ઘણી વાર આપણે જોઈએ છીએ કે આપણે એક સમસ્યા ઉપર લાંબા સમયથી વિચાર કરી રહ્યા હોવા છતાં તેનો ઉકેલ શોધી શકતા નથી જેને પરિણામે આપણે એક મોટી મૂંઝવણમાં પડી જઈએ છીએ. એક દિવસ એકાએક જાણે કે એનું સમાધાન આપણા મનમાં ચાલ્યું આવે છે. આ પ્રક્રિયાને કહે છે સૃજનશીલતા. વિશ્વના મહાન વૈજ્ઞાનિકો, લેખકો, ચિત્રકારો, સંગીતજ્ઞ વગેરેમાં સૃજનશીલતા એટલી ઉચ્ચ કક્ષાએ કેળવાયેલી હોય છે કે તેઓની રચના આપણને આશ્ચર્યચકિત કરી મૂકે છે.

સ્વામી વિવેકાનંદ કહે છે :

‘આપણે જાણીએ છીએ કે તર્કશક્તિને મર્યાદા છે. તર્ક અમુક હદ સુધી જ જઈ શકે, એથી આગળ તે જઈ શકતો નથી. જે વર્તુળમાં એ ફર્યા કરે છે તે ખરેખર ઘણું જ મર્યાદિત છે. છતાં, તેની સાથે સાથે જ, આપણે જોઈએ છીએ કે કેટલીક હકીકતો આ વર્તુળમાં ધસી આવે છે. ધૂમકેતુઓના આગમનની પેઠે કેટલીક ઘટનાઓ આ વર્તુળની અંદર આવી જાય છે; એ ચોક્કસ છે કે તેઓ બુદ્ધિની હદની બહારથી આવે છે, જો કે આપણી તર્કશક્તિ ત્યાં જઈ શકતી નથી. આ નાની શી હદની અંદર પેસી જતી ઘટનાઓનાં કારણો આ હદની બહાર રહેલાં છે. મન અત્યારે છે તેના કરતાં ય વધુ ઉચ્ચ ભૂમિકાએ વસી શકે છે, એ ભૂમિકા છે અતીન્દ્રિય ભૂમિકા. જ્યારે મન એ ભૂમિકા કે જેને સમાધિ કહેવામાં આવે છે ત્યાં પહોંચે છે, ત્યારે તે બુદ્ધિની મર્યાદા વટાવીને પેલે પાર જાય છે અને એવી હકીકતોના પ્રત્યક્ષ અનુભવમાં આવે છે કે જેને કોઈ પણ સહજવૃત્તિ કે બુદ્ધિ કદી જાણી શકે નહીં. શરીરનાં સૂક્ષ્મ બળોની બધી ક્રિયાઓ, પ્રાણશક્તિના વિવિધ પ્રકારો, એમણે જો કેળવ્યાં હોય તો તેઓ મનને ઊંચે ધક્કો મારે છે, તેને વધુ ઊંચે જવામાં અને ઇંદ્રિયાતીત થવામાં સહાયભૂત થાય છે કે જે ભૂમિકાએથી તે મન કાર્ય કરે છે.’

કેટલી સુંદર વાત – ધૂમકેતુના આગમનની જેમ તદ્દન નવા જ વિચારો આપણા મનમાં ઝળહળાટપૂર્ણ વિસ્ફોટ કરી કળા, સાહિત્ય, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના જગતમાં નવા રસ્તા ખોલી દે છે. સ્વામીજીનું પોતાનું જીવન સર્જનાત્મક પ્રકાશપુંજોથી ભરપૂર હતું. સ્વામીજીનાં શિષ્યા ભગિની નિવેદિતા લખે છે :

‘પોતાનાં વ્યાખ્યાનો દરમિયાન થતા અનુભવોની જે કથાઓ તેઓ સ્વયં જણાવતા તેમાંથી પણ કંઈક અંશે આવી એકાગ્રતાનો પરિચય મળે છે. તેઓએ જણાવ્યું હતું કે રાત્રીના સમયે તેમના ઓરડામાં એક અશરીરી વાણી તેમના આગામી દિવસના વ્યાખ્યાનની વાતો મોટે મોટેથી બોલીને તેમને સંભળાવી દેતી હતી અને આગામી દિવસે મંચ પર ઊભા રહીને તેઓ જોતા કે તેઓ તે જ વાતોનું પુન :ઉચ્ચારણ કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક તેઓ સાંભળતા કે બે વાણી અરસપરસ તર્ક-વિર્તક કરી રહી છે. ક્યારેક ક્યારેક તેમને લાગતું કે તે સ્વર કોઈ સુદૂરના સ્થાનેથી આવીને તેમના કાનમાં પ્રવેશી રહ્યા છે અને પછીથી સંભવત : નજીક આવતા જઈને તે સ્વર ધીરે ધીરે ઉચ્ચતર થતા જાય છે. તેઓએ કહ્યું હતું, ‘તમે એવું માની શકો છો કે ભૂતકાળમાં ‘દૈવી પ્રેરણા’ શબ્દનો ભલેને ગમે તે અર્થમાં ઉપયોગ થતો રહ્યો હોય, તે એવું જ કંઈક બનતું રહ્યું હશે !’’

એક બીજી ઘટનાનો ઉલ્લેખ નિવેદિતાએ આ પ્રકારે કર્યો છે :

‘એ પછી તેમના સ્વપ્નની વાત, કે જેનું તેમણે જહાજમાં અમારી સમક્ષ આ રીતે વર્ણન ર્ક્યું હતું, ‘સ્વપ્નમાં મેં બે વ્યક્તિના અવાજ સાંભળ્યા; તેઓ પૂર્વ અને પશ્ચિમના વિવાહના આદર્શાેની આલોચના કરતા હતા; અને છેલ્લે તેઓ આ સિદ્ધાંતે પહોંચ્યા કે બન્નેની અંદર એવા થોડા થોડા અંશ છે કે જે હજીયે જગતને માટે હિતકર હોવાથી છોડી દેવા યોગ્ય નથી.’ આ દૃઢ વિશ્વાસને લીધે જ તેઓ પૂર્વ અને પશ્ચિમના સામાજિક આદર્શાે વચ્ચે શો તફાવત છે તે ઝીણવટથી જોવામાં ખૂબ સમય પસાર કરતા.’

શ્રીરામકૃષ્ણદેવ પણ અતીન્દ્રિય રાજ્યમાંથી પ્રકટ થતી સૃજનાત્મક પરિકલ્પના વિશે કહે છે :

‘ભક્તિથી જ બધું પામી શકાય. જેઓને બ્રહ્મ-જ્ઞાનની ઇચ્છા હોય, તેઓ પણ જો ભક્તિ-માર્ગને પકડી રાખે તો બ્રહ્મ-જ્ઞાન પણ પામે. ઈશ્વરની દયા થાય તો શું જ્ઞાનનો તોટો રહે ? દેશમાં ગામડાંમાં અનાજ માપે ત્યારે ઢગલો જેવો ખલાસ થઈ રહેવા આવે કે તરત જ એક જણ પાછળથી ઢગલો ધકેલી દે. તેમ મા જ્ઞાનનો ઢગલો ધકેલી દે.’

તેઓ કહે છે કે ભક્તિ દ્વારા પણ પ્રાણાયામમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. કથામૃતમાં આલોચિત આ વિષયક વિભિન્ન પ્રસંગો અહીં સંકલિત કરીએ છીએ :

‘મૂળ વાત એટલી કે મન સ્થિર ન હોય તો યોગ થાય નહિ, પછી ગમે તે માર્ગે જાઓ. મન યોગીને વશ હોવું જોઈએ, યોગી મનને વશ નહિ. મન સ્થિર થાય તો વાયુ સ્થિર થાય, કુંભક થાય. એ કુંભક ભક્તિયોગથી પણ થાય, ભક્તિથી વાયુ સ્થિર થઈ જાય.’

‘લજ્જા, ઘૃણા, ભય, એ ત્રણ રહેતાં, (ઈશ્વર દર્શન) ન થાય. લજ્જા, ઘૃણા, ભય, જાતિ-અભિમાન, છુપાવવાની ઇચ્છા એ બધાય પાશ (બંધન) છે. એ બધા જાય તો જીવની મુક્તિ થાય. પાશ-બદ્ધ જીવ, પાશ-મુક્ત શિવ ! ભગવાન પર પ્રેમ દુર્લભ વસ્તુ છે. પ્રથમ તો સ્ત્રીની સ્વામીમાં જેવી નિષ્ઠા હોય, એવી નિષ્ઠા ઈશ્વરમાં આવે ત્યારે જ ખરી ભક્તિ આવે. શુદ્ધ ભક્તિ આવવી બહુ કઠણ. ભક્તિથી મન ઈશ્વરમાં લીન થાય.

ત્યાર પછી ભાવ, ભાવ થતાં માણસ આશ્ચર્યથી વાણી-શૂન્ય થઈ જાય, પ્રાણ-વાયુ સ્થિર થઈ જાય, એની મેળે કુંભક થાય.’

‘ઈશ્વર માટે રડી શકાય તો દર્શન થાય, સમાધિ થાય. યોગમાં સિદ્ધ થવાની સાથે જ સમાધિ. (ઈશ્વરને માટે) રુદન કર્યે કુંભક એની મેળે થાય; ત્યાર પછી સમાધિ.’

શ્રીરામકૃષ્ણ પ્રાણાયામમાં સિદ્ધિ મેળવવા વિશે ખૂબ જ સહજ ભાષામાં આ પ્રમાણે વિવિધ ઉદાહરણો આપે છે :

‘ચૈતન્ય સંપ્રદાયના કીર્તનમાં ‘નિતાઈ મારો મસ્ત હાથી, નિતાઈ મારો મસ્ત હાથી’ એમ બોલતાં બોલતાં જ્યારે ભાવ થઈ જાય, ત્યારે બધા શબ્દો બોલી શકે નહિ, માત્ર ‘હાથી’ ‘હાથી’, બોલી શકે. ત્યાર પછી કેવળ ‘હા.’ ભાવ-અવસ્થામાં પ્રાણવાયુ સ્થિર થાય, કુંભક થાય.

એક જણ ઘરમાં વાસીદું કાઢે છે. એ વખતે બીજું કોઈ આવીને કહે છે કે ‘અરે એય! અમુક હતો ને, તે મરી ગયો ! હવે મરનારો, જે ઝાડુ કાઢે છે તેનો જો નજીકનો સંબંધી ન હોય તો જેમ તે ઝાડુ કાઢે છે, તેમ જ તે કાઢતો રહે, અને વચ્ચે વચ્ચે કહે કે ‘એમ કે ? એ બિચારો મરી ગયો ? માણસ બિચારો સારો હતો !’ આ બાજુ ઝાડુ પણ ચાલતું હોય. પણ મરનાર જો તેનું પોતાનું જ ખાસ નજીકનું સગું હોય તો ઝાડુ હાથમાંથી પડી જાય, અને હેં! કહેતો ને બેસી પડે. એ વખતે વાયુ સ્થિર થઈ જાય. કશું કામ કે વિચાર કરી શકે નહિ.’

‘જેવી રીતે બંદૂકમાંથી ગોળી છોડતી વખતે, જે માણસ ગોળી છોડે તે વાણી-શૂન્ય થઈ જાય અને તેનો પ્રાણ-વાયુ સ્થિર થઈ જાય, તેવી રીતે.’

આ અતીન્દ્રિય રાજ્યમાં પોતાને થયેલ દિવ્ય દર્શનો શ્રીરામકૃષ્ણ આ પ્રમાણે વર્ણવે છે :

‘એક દિ’ માએ દેખાડ્યું કે ચારે કોર શિવ અને શક્તિ, શિવ-શક્તિનું રમણ. માણસ, જીવ, જંતુ, તરુ, લતા એ સર્વ કાંઈની અંદર એ જ શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ ! એનું રમણ !

બીજે એક દિવસે દેખાડ્યું કે નર-મુંડનો મોટો બધો ઢગલો, પર્વત જેવડો ! બીજું કંઈ જ નહિ ! એની વચ્ચે હું એકલો બેઠેલો !

બીજે એક દિવસે દેખાડ્યું કે અફાટ મહાસમુદ્ર ! હું મીઠાની પૂતળી થઈને એ મહાસાગરને માપવા જાઉં છું. માપવા જતાં ગુરુ-કૃપાથી હું પથ્થરનો થઈ ગયો ! જોયું તો એક વહાણ ત્યાં છે; તરત તેમાં ચડી બેઠો ! ગુરુ કર્ણધાર.

ગુરુ કર્ણધાર. એ વખતે જોઉં છું તો હું એક ને તમે એક. વળી છલાંગ મારીને સાગરમાં પડીને મત્સ્ય થયો. સચ્ચિદાનંદ-સાગરમાં આનંદે તરી રહ્યો છું એમ જોયું !

આ બધી અતિ ગુપ્ત વાતો. તર્ક, વિચાર કરીને શું સમજવાના હતા ? ઈશ્વર જ્યારે દેખાડી દે ત્યારે બધું મળી શકે, કશાનો તોટો રહે નહિ.’

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.