થેંક્સ ગીવિંગ થર્સ્ડે :

અમેરિકામાં વરસમાં એક વખત થેંક્સ ગીવિંગ ડે મનાવવામાં આવે છે. નવેમ્બર મહિનાનો ત્રીજો ગુરુવાર ‘થેંક્સ ગીવિંગ ડે’ હોય છે. તે દિવસે પરિવારના બધા સભ્યો સાથે મળે છે. એકબીજાનો આભાર માને છે. ૨૨મી, નવેમ્બરે આ ‘થેંક્સ ગીવિંગ ડે’ હતો. આ દિવસો દરમિયાન ત્યાં કોઈ કામ ન કરે. આખું અઠવાડિયું આ ‘થેંક્સ ગીવિંગ વીક’ તરીકે ઉજવાય છે. એ દિવસોમાં કોઈ કામ નહીં, કોઈ વ્યાખ્યાન નહીં. મહેન્દ્રભાઈએ કહ્યું કે ૧૨વાગ્યા પછી કોઈ કામ કરશે નહીં. એટલે ૨૨મી તારીખે સવારના ૮ થી ૧૨ :૩૦ સુધી જ કાર્યક્રમો યોજાયા.

રિઝલી મેનોરમાં આધ્યાત્મિક શિબિર :

૨૩મી નવેમ્બરે રિઝલી મેનોરના કેન્દ્રમાં જવાનું હતું. આ કેન્દ્ર હોલીવુડ સેન્ટરની નીચે ચાલે છે. સ્વામીજી જ્યારે અમેરિકામાં હતા, ત્યારે સખત પરિશ્રમને લીધે ખૂબ થાકી ગયા હતા. એ વખતે આરામ માટે ફ્રાંસિસ લેગેટ તેમને આ સ્થળે ત્રણ વાર લાવ્યાં હતાં. એક વાર તો લગભગ ૧૦ અઠવાડિયાં તેઓ અહીં રહ્યા હતા. અહીં તેમણે ખૂબ આરામ, શાંતિ અને હળવાશ અનુભવ્યાં હતાં. આ સ્થળ સાથે સ્વામી અભેદાનંદજી, સ્વામી સારદાનંદજી મહારાજની પણ ઘણી સ્મૃતિઓ સંકળાયેલી છે. આ સંસ્થાની આ મારી ચોથી મુલાકાત હતી.

સ્વામી વિવેકાનંદ ભારતમાં અને વિદેશમાં જે જે સ્થળે રહ્યા હતા, તે સ્થળે તેમનાં સ્મૃતિકેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. સમગ્ર વિશ્વમાં આવાં કુલ ૧૫ કેન્દ્રો છે. આ ૧૫ કેન્દ્રોમાંથી અમેરિકામાં ત્રણ – થાઉઝન્ડ આયર્લેન્ડ પાર્ક, સાઉથ પેસેડીનાનું મકાન અને રિઝલી મેનોર છે. બાકીનાં ૧૨ કેન્દ્રો ભારતમાં છે. તેમાંથી ગુજરાતમાં પોરબંદર, લીંબડી અને વડોદરા, એમ મળીને ત્રણ કેન્દ્રો છે.

સ્વામી વિજ્ઞાનાનંદજીના શિષ્ય સ્વામી સ્વાહાનંદજી જ્યારે અમેરિકામાં હતા, ત્યારે સ્વામી આત્મસ્થાનંદજીએ તેમને રિઝલી મેનોરની જગ્યા ખરીદી લેવા ભારપૂર્વક કહ્યું હતું, ‘પૈસા ન હોય તો લોન લઈને પણ આ કેન્દ્ર ખરીદી લો.’ એટલે સ્વામી સ્વાહાનંદજીએ ૬૫ એકર જમીન લોન લઈને ખરીદી લીધી. અહીં સ્વામીજીનું સ્મૃતિમંદિર છે. અહીં સ્વામીજીની દિવ્યસ્મૃતિઓ જળવાઈ રહી છે. જે સોફા પર સ્વામી વિવેકાનંદજી આરામ કરતા તે આજે પણ તે જ જગ્યાએ શોભાયમાન છે. જે ડાયનીંગ હાૅલમાં જે ડાયનીંગ ટેબલ પર જમતા તે પણ એમનું એમ જ છે. ખુરશીઓ પણ એની એ જ. કઈ જગ્યાએ સ્વામીજી બેસતા તે વિદિત છે, પણ કઈ ખુરશીમાં બેસતા એનીજાણ નથી. એટલે કેટલાક ભક્તો વારાફરતી બધી જ ખુરશીઓ પર બેસીને સ્વામીજી પ્રત્યેની પોતાની શ્રદ્ધા પ્રગટ કરે છે.

૨૪મી તારીખે શુદ્ધાત્મપ્રાણા અને ગીતાપ્રાણા માતાજીએ શનિવાર હોવાથી આધ્યાત્મિક શિબિર ગોઠવી હતી. પરંતુ આટલી સખત ઠંડીમાં હિમવર્ષા થતી હોવાથી અને Thank Giving Week હોવાથી તેમને મનમાં એવી ચિંતા હતી કે આ શિબિરમાં કોણ આવશે ? એટલે મેં એમને જણાવ્યું, ‘આપણી સમક્ષ શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદજી)નું ઉદાહરણ છે. શશી મહારાજ મદ્રાસમાં ઘણે દૂર પગે ચાલીને ગયા. ત્યાં જઈને જોયું તો કોઈ આવ્યું ન હતું. આમ છતાં પણ જરાય અચકાયા વગર તેમણે એક કલાક સુધી પ્રવચન આપ્યું અને પછી પાછા આશ્રમમાં આવી ગયા. કોઈએ એમને પૂછ્યું એટલે તેમણે કહ્યું, ‘હું અને ઠાકુર બે તો હતા જ. મેં ઠાકુરને સંભળાવ્યું.’ મેં કહ્યું કે કોઈ નહીં આવે તો આપણે ત્રણ અને ઠાકુર,મા અને સ્વામીજી ત્રણ, આટલાં તો ઘણાં.’ પરંતુ તેમના આશ્ચર્ય સાથે આટલી બધી હિમવર્ષામાં પણ શનિવારના દિવસે લગભગ ૨૫ ભક્તો આવ્યા હતા. કેટલાક તો ઘણે દૂરથી અને છેક કેનેડાથી પણ આવ્યા હતા. આ શિબિરનો વિષય હતો ‘Vedanta in every day life’. રિઝલી મેનોરની આ શિબિર યાદગાર બની ગઈ.

ન્યૂયોર્કની વેદાંત સોસાયટીમાં :

૨૫મી તારીખે ન્યૂયોર્કની વેદાંત સોસાયટીમાં વ્યાખ્યાન હતું. આ વેદાંત સોસાયટીની સ્થાપના ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે કરી હતી. એ વખતે બેલુર મઠની સ્થાપના પણ થઈ ન હતી. બેલુર મઠ ૧૮૯૮માં સ્થપાયો. સ્વામી સર્વપ્રિયાનંદજીએ અહીં મને ‘9-11 to 9-11’ એવો વિષય આપ્યો હતો. આ વ્યાખ્યાનમાં મેં સ્વામીજીના શિકાગોના વ્યાખ્યાનને ઉદ્ધૃત કરીને જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મ સભામાં ૯-૧૧-૧૮૯૩ના રોજ આપેલો સંદેશ આપણે ન સ્વીકાર્યો એટલે જ ૯-૧૧-૨૦૦૧ની ઘટના બની. અને ધાર્મિક કટ્ટરતાના પરિણામે ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ના બન્ને ટાવર નષ્ટ થયા. ધર્મ સભામાં પ્રારંભિક પ્રવચનના અંતે સ્વામી વિવેકાનંદે જણાવ્યું હતું કે, ‘જે ઘંટ વગાડવામાં આવ્યો તે સર્વ ધર્મ ઝનૂનવાદનો મૃત્યુઘંટ બની રહો.’ સ્વામીજીના સંદેશને વિશ્વે સ્વીકારવો જ પડશે. શિકાગો ધર્મ સભામાં સ્વામીજીએ જે અહિંસા, વિશ્વબંધુત્વ અને સર્વધર્મ સમન્વયનો સંદેશ આપ્યો હતો, તેની પૂર્વતૈયારી તેમણે ગુજરાતમાં પોરબંદરના શંકર પાંડુરંગ પંડિતના ભોજેશ્વર બંગલામાં કરી હતી. આજે અહીં રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર છે. સ્વામીજીને શિકાગો વિશ્વ ધર્મ પરિષદની માહિતી પણ ગુજરાતમાંથી જ મળી હતી. રાજકોટથી પોરબંદર જતાં જેતલસર સ્ટેશનના આસિ.સ્ટેશન માસ્તર હરગોવિંદદાસ અજરામર પંડ્યાએ તેમને શિકાગોની વિશ્વ ધર્મ પરિષદની વાત કરી હતી. આમ સ્વામીજીના જીવનમાં ગુજરાતનું ઘણું મહત્ત્વ છે. આવી વાત મેં કરી એટલે અમેરિકાના ઘણા ભક્તો ગુજરાતની યાત્રા કરવા તૈયાર થઈ ગયા.

વિવેકાનંદ સેન્ટર ઓફ ન્યૂયોર્કમાં વ્યાખ્યાન :

આ કેન્દ્ર બંગાળના શ્રી પ્રકાશ ચક્રવર્તી અને કેટલાક ભક્તો ચલાવે છે. આ અનૌપચારિક કેન્દ્ર છે. બીજાં બે ઔપચારિક કેન્દ્રો ન્યૂયોર્કમાં હોવા છતાં અહીં કેટલીયે સારી સેવા પ્રવૃત્તિઓ ચાલે છે.

૨૫મી તારીખે સાંજે આ કેન્દ્રમાં ઘણો મજાનો કાર્યક્રમ યોજાયો. આ સભામાં બાળકો, યુવાનો અને વૃદ્ધો આમ આબાલવૃદ્ધ શ્રોતાઓ હતા. મોટા ભાગના શ્રોતાઓ બંગાળી હતા. પ્રારંભમાં અંગ્રજીમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું અને મેં જોયું તો એક જ બાળક એ ધ્યાનથી સાંભળતો હતો અને બાકીના બીજા કોઈને અંગ્રેજી સમજાતું ન હોય એવું લાગ્યું. એટલે પછી બંગાળીમાં બોલવાનું શરૂ કર્યું અને બધા શ્રોતાઓ ખુશખુશાલ. એમાંય મોટાભાગના તો બાંગ્લાદેશના હતા. એથી એમની બંગાળી ભાષામાં જ્યારે મેં કહ્યું, ‘માનુષ શેષ હોઈયા ઝાય કિંતુ કાઝ શેષ હોય ના.’ ત્યારે બધા શ્રોતાઓ તાળીઓ પાડી ઊઠ્યા. વિદેશની ધરતી ઉપર પણ માતૃભાષાનું કેટલું મહત્ત્વ હોય છે, તે આજે પ્રત્યક્ષ અનુભવાયું !

૨૬મીનો દિવસ શોપિંગ માટેનો હતો. પરંતુ વરસાદને લીધે શોપિંગ થઈ ન શક્યું. જે સ્થળે વર્લ્ડ ટાવરનો ધ્વંશ થયો હતો, ત્યાં તો સપાટ મેદાન જ થઈ ગયું છે. તેની બાજુમાં મ્યૂઝિઅમ ઊભું કરવામાં આવ્યું છે. ત્યાં ઘણી વસ્તુઓનું વેચાણ થાય છે. એની આવક વર્લ્ડ ટાવરનો ભોગ બનેલ લોકોના પરિવારજનો માટે વાપરવામાં આવે છે. ત્યાંથી થોડુંઘણું ખરીદવાની ઇચ્છા હતી, પણ ધોધમાર વરસાદે એ ઇચ્છા પર પાણી ફેરવી દીધું.

૨૭મી એ Christian Hindu Dialogue એ વિષય પર લોંગ આઈલેન્ડના ચર્ચમાં સરસ મજાનો કાર્યક્રમ થયો. જિસસ ક્રાઈસ્ટ, મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદની વાતો કરી. જિસસનાં પ્રેમ અને કરુણા, મહાત્મા ગાંધીજીની અહિંસા, સ્વામી વિવેકાનંદના સર્વધર્મ સમન્વયને આજના યુગે અપનાવવાં જોઈએ એ વિના વિશ્વનો ઉદ્ધાર નથી. આ બધી વાતો સમજાવીને કહ્યું કે સ્વામીજી જ્યારે પરિવ્રાજક રૂપે ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે માત્ર બે જ પુસ્તકો હતાં, એમાંનું એક શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બીજું, થોમસ કેમ્પિસનું ઇમીટેશન ઓફ ક્રાઇસ્ટ. આ ઉપરાંત શ્રીરામકૃષ્ણદેવે ઈશુનો સાક્ષાત્કાર કેવી રીતે કર્યો હતો એ વાત સાંભળીને બધા ખુશખુશ થઈ ગયા.

આઈ.ટી.સી. ચેનલના ડાયરેક્ટર શ્રી અશોક વ્યાસે મારો ઇન્ટરવ્યૂ લીધો, ત્યારે મેં સ્વામી વિવેકાનંદજીના વિચારો ‘ઇન્ટરફેય્થ હાર્મની’ માટે કેટલા મહત્ત્વના છે તેની વાતો કરી. મોટા ભાગના શ્રોતાઓ ન્યૂયોર્ક અને લોંગ આઈલેન્ડના અતિ ગણમાન્ય વ્યક્તિઓ હતા. ભારતના ડેપ્યુટી કોન્સલ જનરલ શ્રી શત્રુઘ્ન સિન્હા વિશેષ અતિથિ રૂપે હાજર રહ્યા હતા.

ન્યૂજર્સીમાં ગેટ ટુ ગેધર :

ન્યૂયોર્કથી ત્રણ કલાક કારની મુસાફરી કરીને અમે ન્યૂજર્સી પહોંચ્યા. ત્યાં ૨૮મી તારીખે શ્રી સુધીરભાઈ અને શ્રીમતી તૃપ્તિબહેન પરીખના ઘરે ‘ગેટ ટુ ગેધર’ રાખ્યું હતું. વિવેકાનંદ વિદ્યાપીઠથી મહેન્દ્રભાઈ જાની તથા વંદનાબહેન જાની આવ્યાં હતાં. બીજા ઘણા લોકો આવ્યા હતા. અહીં વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં આવવાના હતા. એટલે ‘Secret of Success and Happiness’ એવો વિષય રાખ્યો હતો. પણ જોયું તો વિદ્યાર્થીઓ કરતાં તેમનાં માતપિતા વધારે પ્રમાણમાં હતાં. એટલે ત્યાં શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવીનાં જીવનની વાતો કરી. બધાંને એટલું વધારે ગમ્યું કે પ્રશ્નોત્તરી ત્રણ કલાક સુધી ચાલી.

ભારત ભણી પ્રયાણ :

૨૯મી એ સવારે ૧૦ વાગ્યે જ્હોન ઓફ કેનેડી એરપોર્ટ પર જવા નીકળ્યા. નાગપુરનાં એક જૂનાં ભક્ત દંપતીનું ઘર એરપોર્ટ જતાં રસ્તામાં જ આવતું હતું. આથી બપોરનું જમવાનું ત્યાં રાખ્યું હતું. ત્યાં એકાદ કલાક રોકાઈને સીધા એરપોર્ટ પર પહોેંચી ગયા. ૩૦મીએ સવારે પેરીસ, ત્યાંથી ૧૧ :૩૦ની ફ્લાઇટમાં ૧લી ડિસેમ્બરે સવારે ૧ વાગ્યે મુંબઈ અને મુંબઈથી ૭ :૫૫ની ફ્લાઇટમાં સવારે ૯ વાગ્યે રાજકોટ આવી પહોંચતાં એક મહિનાની અમેરિકાની મારી યાત્રાની સમાપ્તિ થઈ. શરદી, ઉધરસ અને તાવની થોડી અસર હતી, જાણે કે એટલા માટે જ શ્રીમા શારદાદેવીની કૃપાથી જેટ એરવેઝની પેરીસથી મુંબઈની ફ્લાઇટમાં મને અપગ્રેડ કરી બિઝનેસ ક્લાસમાં સ્લિપર કોચ આપ્યો.

અમેરિકાની યાત્રાની ઉપલબ્ધિઓ :

અમેરિકામાં વસતા ભારતીયોનો સંસ્કૃતિપ્રેમ : અમેરિકામાં વસતા ભારતીયો પોતાનાં સંસ્કારો, ધર્મ, શ્રદ્ધાભક્તિને જાળવી રાખવા જાગ્રતપણે પ્રયત્નો કરે છે. ત્યાંના ભારતીયો દ્વારા ભારતીય મંદિરોમાં બધાં દેવદેવીઓની થતી પૂજા જોઈને મને એનો પ્રત્યક્ષ અનુભવ છે. આપણા ધાર્મિક તહેવારો- ઉત્સવોમાં ભારતીયો સાથે મળીને પૂજા, સ્તોત્રગાન, સમૂહભોજન વગેરે કાર્યક્રમો યોજે છે. ભલે તેઓ દરરોજ મંદિરે જતા નથી, પણ અઠવાડિયે એક વાર જ્યારે જાય છે, ત્યારે સમર્પિત ભાવે પોતાના ઇષ્ટદેવની આરાધના કરે છે. પોતાનાં બાળકોમાં શ્રદ્ધાભક્તિ વધે, જીવનમૂલ્યોના સંસ્કાર દૃઢ થાય, એ માટે વિવેકાનંદ વિદ્યાપીઠ જેવી ઘણી સંસ્થાઓ કાર્યરત છે. ભોગવાદી સંસ્કૃતિની વચ્ચે પણ ભારતીય બાળકો પોતાના સંસ્કારો જાળવી શક્યા છે.

ભારતની આધ્યાત્મિકતાનો સ્વીકાર : સ્વામી વિવેકાનંદ આર્ષદ્રષ્ટા હતા. તેમણે પોતાની આર્ષદૃષ્ટિથી એ જોયું હતું કે ભારત તેની આધ્યાત્મિકતાથી સમગ્ર વિશ્વ પર વિજય મેળવશે. તેમની આ આર્ષવાણી સાર્થક બની રહી છે. એ પણ જોવા મળ્યું કે આજે માત્ર અમેરિકનો જ નહીં પણ સમગ્ર વિશ્વના લોકો યોગ અને ધ્યાન પ્રત્યે વળી રહ્યા છે. આંતરરાષ્ટ્રિય યોગદિવસ – ૨૧મી જૂનના રોજ દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આ ઉપરાંત ભારતનાં અહિંસા, વસુધૈવ કુટુંબકમ્, વિશ્વબંધુત્વ, સર્વધર્મ સમન્વય અને સર્વધર્મ સમાનતાના ખ્યાલો આજે વિશ્વફલક પર સર્વસ્વીકૃત બની રહ્યા છે.

૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના ઐતિહાસિક દિનની ચિરંતન સ્મૃતિ જાળવવા ઇલિયોનર સ્ટેટની ગવર્નમેન્ટે આ દિવસને વિવેકાનંદ દિવસ તરીકે જાહેર કર્યો છે અને દર વર્ષે તેની ઉજવણી કરવાનો આદેશ આપ્યો છે. આ રીતે ૧૨૦ વર્ષ બાદ સ્વામી વિવેકાનંદની દિવ્ય ચેતના જાણે કે અમેરિકામાં પુન : પ્રતિષ્ઠિત થઈ રહી છે, એની પણ ખાતરી થઈ.

કેનેડિયન ગવર્નમેન્ટે નવેમ્બર મહિનાને ઇન્ડિયન હેરિટેજ મન્થ જાહેર કર્યો છે. એટલે ૭મી સર્વધર્મ પરિષદમાં ભારતના પવિત્ર તહેવાર દિવાળીની ઉજવણી લક્ષ્મીપૂજનથી કરીને ભારતીય સંસ્કૃતિની મહત્તાનો સ્વીકાર કર્યો. એને આ ધર્મ પરિષદની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી શકાય.

ધર્મ પરિષદમાં આવેલા વિશ્વ ધર્મોના પ્રતિનિધિઓ પ્રેમ, ઉષ્મા અને ભાવથી એકબીજાને મળ્યા. એ બતાવે છે કે પ્રતિનિધિઓમાં સર્વધર્મ સમન્વયની ભાવના જાગી ઊઠી છે. કટ્ટરતા અને ધર્મઝનૂન ઘટતાં જાય છે. ભવિષ્યમાં સર્વધર્મ સમાદર અને વિશ્વબંધુત્વ અવશ્ય સ્થપાશે, એવી આશા જાગી છે. ભલે લોકો સ્વામી વિવેકાનંદનું નામ લે કે ન લે, પણ તેમના વિચારો અને આદર્શાે પ્રમાણે તેઓ પોતાનું કાર્ય પરોક્ષ રીતે કરી રહ્યા છે.

આ ૧૨૫ વર્ષમાં સ્વામી વિવેકાનંદે પ્રગટાવેલી આધ્યાત્મિકતાની જ્યોત ભોગવાદના પ્રચંડ આક્રમણ વચ્ચે પણ હોલવાઈ નથી, એને બદલે એ વધુ તેજસ્વી બની રહી છે. આની દૃઢ પ્રતીતિ થતાં સ્વામીજીનું આર્ષદર્શન જરૂર સાચું પડશે એ શ્રદ્ધા સાથે મેં અમેરિકાને આવજો કર્યું.
(પ્રવચનના આધારે આ યાત્રાનું આલેખન શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ છે.)

Total Views: 340

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.