(ગતાંકથી આગળ)

નર્મદે હર ! બ્રહ્માજીએ બ્રાહ્મણગાંવના સ્થળે તપશ્ચર્યા કરી હતી અને ત્યાં બ્રહ્મેશ્વર શિવજીની સ્થાપના કરી હતી. એ તપસ્યાનું સ્થાન હવે ગુપ્તેશ્વર તરીકે ઓળખાય છે. આ તીર્થસ્થળે અગિયારસ, બારસ, તેરસ અને શનિવારે રુદ્રનું આરાધન કરનારને મુક્તિ મળે છે એવું માહાત્મ્ય છે.

નર્મદે હર! ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ બપોરે બ્રાહ્મણગાંવમાં સદાવ્રત દ્વારા ભોજન તૈયાર કરીને પછી તેનો પ્રસાદ મેળવીને નર્મદા નદીના વિશાળ ઘાટ પાસે આવેલા વૃક્ષ નીચે થોડો વિશ્રામ લીધો. સાંજના ચારેક વાગ્યા હશે. અમે વિચારતા હતા કે અહીં રાત્રિનિવાસ કરવો કે નહીં ? એનું કારણ એ હતું કે આ નાનકડા આશ્રમનાં કર્તાહર્તા સ્ત્રી-માતાજી હતાં. એમના સહાયકોમાં આસપાસનાં ઘરની કન્યાઓ હતી. એટલે એ સ્થળે ન રોકાતાં ‘નર્મદે હર’ના નાદ સાથે આગળ જવા નીકળી પડ્યા. ૪ કિ.મી. દૂર વિશ્વનાથ ખેડામાં કાશીવિશ્વનાથનું મંદિર આવ્યું. ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલું મેદાન અને પવિત્ર નર્મદાના તટે કાશીવિશ્વનાથનું પ્રાચીન મંદિર ! અત્યંત રમણીય સ્થાન. ત્યાં મજાનો આવકાર મળ્યો. નાનકડી ઓરડીમાં આસન લગાવ્યાં. આશ્રમના એક ખૂણેથી નર્મદા તરફ ૨૦૦ મીટરના અંતરે થોડાં પગથિયાંં ઊતરીને સુંદર નાનો ઘાટ. બે વર્ષ પહેલાં આવેલા પૂરથી થોડું નુકસાન થયું હતું, પણ સ્નાન માટે ઉપયોગી ખરો. શ્રીનર્મદામૈયાના સ્ફટિક જેવા નિર્મળ જળમાં સ્નાન કરીને પરમ તૃપ્તિ અનુભવી.

આશ્રમમાં આવીને જોયું તો બીજા ત્રણચાર સાધુસંતો આવી ગયા હતા. થોડો પરિચય થયો પછી તેમાંના એક સંન્યાસી પોતાને નાગા સંપ્રદાયના સંન્યાસી કહેતા હતા. થોડા અહંકારી અને ઉદ્દંડ લાગ્યા. જાણે અમારી કસોટી કે પરીક્ષા કરતા હોય તેમ તેમણે પૂછ્યું કે તમે કયા સંપ્રદાયના છો ? ગુરુસ્થાન શું છે ? યોગપટ્ટ શું છે ? કઈ મઢીના છો ? વગેરે વગેરે. અમે યથામતિ યોગ્ય ઉત્તરો આપ્યા. જાણે અમે તેમને જાણ કર્યા વગર, પરવાનગી વગર સંન્યાસ લઈને ગુન્હો ન કર્યો હોય! થોડી વારમાં પૂજારીના દિકરા રમેશનાથ મહારાજ આવ્યા. આટલા બધા સંતોને જોઈને ખૂબ રાજી થઈ ગયા અને રાત્રે ભોજન વખતે જાણે કે ભંડારો જ લગાવી દીધો. પૂરી, શાક, દાળભાત, મિષ્ટાન્ન, પાપડ વગેરે. કોણ જાણે કેમ પણ બપોરની સેવા(મજૂરી)નું સાટું શ્રીમાએ અત્યારે વાળી દીધું ! ઠંડીનો સમય હતો. નાનકડી ઓરડીમાં અમે બધા આમતેમ કરીને ગોઠવાઈ ગયા. ત્યાં તો નાગા સંન્યાસીએ ચીલમ કાઢી અને સળગાવવા લાગ્યા. અમે તેમને કહ્યું કે મહારાજ, ઓરડી નાની છે અને ઘણો ધૂમાડો થશે. તમે લોકો બહાર જઈને ચલમ પીઓને. પણ પેલા સાધુ પર અમારા આ શબ્દોની કોઈ અસર ન થઈ. અને પછી જરા શબ્દો અને અવાજને બુલંદ કર્યા. તેઓ તો ધૂંવાંપૂંવાં થતા તેમના ચેલાઓ સાથે બહાર ગયા. બહાર લાકડાની ધૂણી જેવું હતું, તેમાં રમેશનાથ પાસે જઈને ચલમ ફૂંકવા લાગ્યા. અને અમે બન્ને સંન્યાસીએ ફરીથી શ્રાદ્ધ કર્યું એટલે કે નિંદા કરવા લાગ્યા કે આ બધા લેભાગુ સંન્યાસી હોય છે અને એમ ને એમ ગેરુઆં પહેરી લે છે. હવે અમે આવા વાતાવરણ અને લોકોથી ઘડાતા જતા હતા.

સવારે નિત્યક્રમ પ્રમાણે જપધ્યાન પછી અમે પ્રાર્થના, સ્તોત્રો ગાવા લાગ્યા. ખરેખર રાજરાજેશ્વર શ્રીઠાકુર, શ્રીમા, સ્વામીજી અને ભગવતી નર્મદામૈયાની છબીઓ અને તેમનાં સ્તોત્રોની સૂરાવલીઓ અમારા માટે બ્રહ્માસ્ત્ર જેવાં બની ગયાં. એક વાર આ છબીઓ અને પ્રાર્થનાના સૂર (સવારે વિશુદ્ધ વિજ્ઞાન…. પ્રકૃતિં પરમામ્….અનીત્ય દૃશ્યેષુ….નર્મદાઅષ્ટકમ્ અને આરતી વળી સાંજે ‘ખંડન ભવબંધન’…) વગેરે જે કોઈ સાંભળતા કે જોતા તેઓ મહાત થઈ જતા. નાગા સંન્યાસીનું પણ આવું જ થયું. તેમણે સવારના આ ફોટાઓનાં દર્શન કર્યાં અને પ્રાર્થના સાંભળી અને પછી બસ કામ થયું તમામ. નર્મદા તટે ફરી તેમની સાથે મુલાકાત થઈ, ત્યારે અમારી સાથે તેઓ પરાણે પરાણે સન્માનપૂર્વક વાતો કરવા લાગ્યા. આજે તમે રોકાવાના છો કે નહીં ? અમે તો નીકળી જવાના છીએ, એમ કહ્યું. પછી પોતાની ભૂલ માટે ક્ષમા માગવા લાગ્યા અને કહ્યું કે મને ખબર જ ન હતી કે તમે આટલા મોટા મઠના સંન્યાસી છો. અમે નિર્વિકારભાવે અને થોડી ઉદાસીનતાથી તેમની સાથેના સંવાદો ‘હા-ના’માં પૂરા કર્યા. આવી તો શ્રી શ્રીમાની કેટલીયે કૃપા અને કેટલાંય રખોપાં પરિક્રમા દરમિયાન થયાં છે એ બધાનું વર્ણન કરવું અશક્ય છે.

અમારે કપડાં ધોવાનાં હતાં એટલે ત્યાં રોકાઈ ગયા અને સાંજે નર્મદાના જળમાં કપડાં ધોવા લાગ્યા. રસ્તામાં ગારાવાળાં થયેલાં ચંપલ પણ નર્મદાના જળમાં ધોવા લાગ્યા. એટલામાં ગામનો કોઈ નર્મદાભક્ત ત્યાં આવી ચડ્યો. નર્મદાના જળમાં જોડાં ધોવાતાં જોઈને તે ક્રોધથી રાતોપીળો થઈ ગયો અને બોલી ઊઠ્યો કે અરે ! ઓ પરિક્રમાવાસી ! કેવા અબોધ છે આજકાલના પરિક્રમાવાસી ! નર્મદાના પવિત્ર જળમાં જોડાં ધૂએ છે ! શરમ નથી આવતી, ખબર નથી પડતી ! આ સાંભળીને અમે તો બાઘા અને બહાવરા બની ગયા. અત્યારે અમારા માટે નર્મદામૈયા જ કર્તાહર્તા અને સંહર્તા છે, તેઓ જ અમારું સર્વસ્વ છે. ક્યાંય પાણીનો નળ મળ્યો ન હતો એટલે નર્મદાના જળમાં ચંપલ ધોતા હતા. અંતરમનથી વિચારતાં આ બધાં કારણો વાહિયાત લાગ્યાં. ભક્ત એક રીતે સાચા હતા. ભારતની આવી પાવનકારી નદીઓનાં જો આપણે જ સાચી રીતે લાલનપાલન અને જતન નહીં કરીએ અને સ્વચ્છ નહીં રાખીએ તો બીજું કોણ કરશે? એક મોટો બોધપાઠ મળ્યો. પરમ પાવનકારી, નિર્મળ, શુદ્ધ, સ્ફટિક જેવાં અમૃતમય નમર્દાના જળમાં કોગળા ન કરવા, કચરો ન ફેંકવો, સાબુથી કપડાં ન ધોવાં તથા જોડાં, ચંપલ વગેરે ન ધોવાનું વ્રત લીધું. પછી જાણે શ્રીમાને મનાવતા હોય તેમ નર્મદામૈયાની આસપાસ કોઈ નળ ન હોવાથી અજાણતાં જ ભૂલ થઈ ગઈ છે. જો મૈયા! પુત્રથી જાણતાં ભૂલ થઈ જાય તોપણ મા માફ કરી દે છે. આ તો અજાણતાં ભૂલ થઈ છે તો ક્ષમા કરી દો, એમ કાલાવાલા કરીને માને જાણે મનાવી લીધાં. આમ નર્મદાના જળ પ્રત્યે સંન્યાસીની ભક્તિ એટલી બધી વધી ગઈ કે આગળ ગુજરાતમાં રામનંદ સંત આશ્રમમાં ચાતુર્માસ વખતે એક વાર સવારે નર્મદાના નીરમાં સ્નાન કરીને તેમણે જોયું કે ૧૦૦ મીટરના અંતરે દૂર એક બ્રહ્મચારી નર્મદામાં કોગળા કરે છે એ જોઈને સંન્યાસીનો તો પિત્તો જ ગયો. અને દૂરથી જ તેને ધમકાવવાનું શરૂ કર્યું. તે બ્રહ્મચારીને અવાજ કદાચ સંભળાયો હશે કે કેમ પણ સંન્યાસીના હાવભાવથી તે બ્રહ્મચારી નર્મદામાંથી નીકળીને ભાગી ગયો. આમ છતાં સંન્યાસીમાં ગામના લોકોનું સાબુથી કપડાં ધોવાનું અટકાવી શકાય તેટલું સામર્થ્ય તો હતું જ નહીં.

૨ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ નર્મદે હરના નાદ સાથે વિશ્વનાથ ખેડાથી નીકળી છ કિ.મી. દૂર મારુની ચીંચલી ગામે પહોંચ્યા. મારુ જાતિની વસ્તીનું પ્રમાણ ગામમાં વધુ હતું એટલે આ ગામનું નામ મારુની ચીંચલીને નામે જાણીતું થયું. ત્યાં રામમંદિર હતું. બપોર થઈ ગયા હતા. પી. સ્વામીને કહ્યું કે ચાલો ભિક્ષા માગી લાવીએ. અહીં તો કોઈ સદાવ્રત કે અન્નક્ષેત્ર નથી. તો તેમણે કહ્યું કે મારે ખાવાની કોઈ ઇચ્છા નથી. અમારી આ બધી વાત પૂજારી સાંભળતા હતા. તેમણે કહ્યું કે મહારાજ, તમારે ક્યાંય ભિક્ષા માગવા જવાની જરૂર નથી. તમારા એક માટે હું થોડું ભોજન લાવીશ. તેઓ બે જાડી રોટલી અને થોડું શાક લાવ્યા. ત્યાં પી. સ્વામી કહે કે ચાલો હું પણ થોડું ભોજન લઈ લઉં. આમ પરાણે ભૂખને થોડી શાંત કરી. થોડા વિરામ પછી લોહારા જવા આગળ નીકળી પડ્યા. લગભગ આઠ કિ.મી.નો લાંબો માર્ગ હતો. વચ્ચે દેવનદી આવી. કપડાં બરોબર સંભાળીને સામાન માથે રાખ્યો. લાકડીના ટેકે અને એકબીજાની સહાયથી માંડમાંડ દેવનદી પાર કરી. ચાલતાં ચાલતાં સાંજે લોહારા ગામ આવ્યું.

આ સ્થળે કપિલમુનિએ તપ કર્યું હતું. એ સમયે અહીં ગીચ જંગલ હતું. સંગમમાં એક ગુફા હતી. એ આજે પણ ગુપ્ત રીતે છે, એવું કહેવાય છે. એમાં કોઈ સમયે મહાત્માનો વાસ હતો. એમની સફેદ ગાય ગુફામાંથી નીકળીને તટ પર ચરતી અને અન્ય ગાયો સાથે ભળી જતી. આ ગાય દિવસભર ચરતી અને સાંજે પાછી ગુફામાં પ્રવેશી જતી. તટ પર ચરતી ગાયોનો ગોવાળિયો એક દિવસે એ ગાયની પાછળ ગયો. ગાય જેવી જળમાંથી ગુફામાં પ્રવેશી કે તરત જ ગોવાળિયાએ ગાયનું પૂછડું પકડી લીધું અને એ સાથે જ જળમાં માર્ગ થઈ ગયો. ગાય સાથે ગોવાળિયો ગુફામાં પ્રવેશ્યો; અંદર એને મહાત્માનાં દર્શન થયાં. પ્રસાદી રૂપે થોડા કોલસા મળ્યા. બહાર આવીને એણે ફેંકી દીધા. કપડાં પર વળગેલી કોલસાની રજ પછી તો સુવર્ણ બની ગઈ. ફેંકી દીધેલા કોલસા લેવા એ પાછો આવ્યો. પણ ન મળ્યા કોલસા કે ન મળી એ ગુફા અને મહાત્મા તો મળ્યા જ નહીં !

કપિલમુનિએ તપસ્યા કરી હોય કે કપિલા ગાયને કારણે આ સ્થાન કપિલાસંગમના નામે ઓળખાય છે. ખરેખર દિવ્ય અને અદ્‌ભુત આ સ્થાન ! અમારું મન જાણે એક અપૂર્વભાવમાં ચાલ્યું ગયું. બધું જ અનોખું અને દિવ્ય લાગવા માંડ્યું. સાંજે એક વૃદ્ધ માતાજી આવ્યાં; તેમની સાથે એક આધેડ વયનાં સહાયક રૂપે બીજાં માતાજી પણ હતાં. સાંજે તેઓ તપાસ કરી લેતાં કે કેટલા પરિક્રમાવાસી આવેલા છે, એ પ્રમાણે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરતાં. ખૂબ જ પ્રેમ અને જતનથી તેઓ સેવા કરતાં. (ક્રમશ 🙂

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram