ગતાંકથી આગળ

કથામૃતની સાધારણ જેવી આવક પણ શ્રી ઠાકુર, શ્રી શ્રીમા અને સાધુસેવામાં ખર્ચાય છે.

વિશ્વવિદ્યાલયના કૃતિ-સંતાન શ્રી મ.એ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણવ્રતમાં જ વ્યતીત કર્યું. એમની સાથે સ્કૂલમાં કામ કરીને સમજી શક્યો કે તેઓ એક અતિ ઉચ્ચ શ્રેણીના શિક્ષક હતા. છોકરાઓના સ્તર પર નીચે ઊતરીને તેઓ ભણાવતા હતા. સાધારણ રીતે શિક્ષક વિદ્યાર્થીઓને પુસ્તકના વિષયો પ્રમાણે બતાવ્યા કરે છે, પણ વિદ્યાર્થીઓ એ ગ્રહણ ક્રી શકે છે કે નહિ એ જોતા નથી, પણ આટલા સારા મેધાવી પંડિત હોવા છતાં, શ્રી મ. પહેલાં જોતા કે છોકરો કેટલું ગ્રહણ કરી શકે છે અને ક્યા ઉપાયની સાથે આપવાથી ગ્રહણ કરી શકશે; એટલે તેઓ નકશા, છબિ, ડાયાગ્રામ જેવાં વિવિધ શૈક્ષણિક સાધનોનું અવલંબન લેતા. તેને લીધે છોકરાઓ જોઈને શીખી શકે. ત્રીસ વર્ષ પૂર્વે જ્યારે વિશ્વવિદ્યાલયમાં માતૃભાષામાં શિક્ષણ આપવાની વાતની આલોચના થઈ હતી, એ સમયથી શ્રી મ.એ મોર્ટન સ્કૂલમાં બંગાળી ભાષાના માધ્યમથી ભણાવવાનું શરૂ કરી દીધું હતું. તેઓ માત્ર છોકરાઓને જ શીખવતા હતા, એવું ન હતું પણ શિક્ષકોને સારા પ્રકારની અભ્યાસ પ્રણાલી શીખવતા.

સંસારમાં ‘મોટા ઘરની દાસી’ની જેમ અને ‘પાંકાલ માછલી’ (કીચડની માછલી)ની જેમ રહેવાનો શ્રીરામકૃષ્ણે શ્રી મ.ને ઉપદેશ આપ્યો હતો. શ્રી મ. લાંબા સમય સુધી ઘરમાં દાસી અને પાંકાલ માછલીની જેમ રહ્યા. પોતાના ઘરમાં જાણે તેઓ અતિથિ હતા. ઘરના લોકો પર જીવનધારણ માટે કોઈ બોજ નહીં. સાધુભક્ત થઈ ગયા એમના પોતાના માણસો અને પોતાના જાણે પારકા. શરીરત્યાગ સમયે પણ સાધુ-ભક્તોને લઈને ‘ઠાકુર વાડી’માં રહેતા. પરિવાર મોર્ટન સ્કૂલમાં. એ પણ જોયું છે કે એક ધોતીની જરૂર હોય તો જાણે ઠાકુર અને મા પાસે – જેમ સાધુ ભિક્ષા કરીને જરૂર હોય તો માગી લે છે તેમ – માગી લેતા. જે પોશાકમાં ઠાકુરનાં દર્શન કર્યાં હતાં તે જ પોશાક આખી જીંદગી રાખ્યો. બે ધોતી અને બે ખાદીના ઝભ્ભા અને એક ચાદર. ક્યાંક જવું હોય તો એક ધોતી રાખી મૂકતા.

એક વાર મને મોર્ટન સ્કૂલમાં પેટની માંદગી આવી પડી. લગભગ વીસ વાર ઝાડા થયા. શરીર દુર્બળ ને બેંચ પર ઢળી પડયો. ભાટપાડાના એક ભક્ત આવ્યા અને શ્રી મ.ને વિનંતી કરીને કહેવા લાગ્યા, ‘જગબંધુની આવી અવસ્થા છે. કોઈ એની ખબર લેતું નથી.’ શ્રી મ.એ ગંભીરતાથી ઉત્તર આપ્યો : વારું, જોઉં છું કે તે ઝાડની નીચે ઊભા રહેવા રાજી નથી. અસ્વસ્થ કે સ્વસ્થ હોય સાધુનું સ્થાન ઝાડની નીચે જ છે. અસ્વસ્થ હોય તોપણ ઝાડની નીચે પડ્યા રહે છે – ‘औषधं जाह्नवीतोयं वैद्य नारायण हरिः’।

શ્રી મ. સાથે ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા પછી પણ એમના કામમાં પરસ્પર વિરોધી કેટલાય ભાવોને જોઈને એમને સમજવામાં ઘણી મુશ્કેલી પડતી. એક-એક ભાગનો અભિનય કરતાં જાણે નાટકમાં એક જ વ્યક્તિના અલગ-અલગ ભાગ. ક્યારેક તો જોતો કે શ્રી મ. જાણે વિષયશ્રેષ્ઠ. સંપૂર્ણ મન દઈને વિષયને જોતા. અને વળી ક્યારેક કર્તૃત્વભાવની ચરમ અભિવ્યક્તિ જોવા મળતી. ક્યારેક રંગરસમાં સુરસિક અને વળી સાધુભક્તો સામે દાસાનુદાસ. જ્યારે સ્કૂલમાં જઈને બેસતા તો વાણી અને કાર્યમાં જાણે સિંહ. ભણાવતી વખતે અવાજ મધુરગંભીર નીકળતો અને વળી ચાર વાગ્યે સાધુભક્તો આવે, એટલે એક અલગ જ રૂપ ધારણ કરતા. આંખો, મુખ, ચહેરો અને કંઠસ્વર બદલાઈ જતાં. એ વખતે મુખેથી બહાર નીકળતું ‘કથામૃત’ જાણે કે એક ઝરણાની જેમ – દાસવત્ સાધુભક્તોને પીરસાય છે. પરંતુ આ ભાવવિપર્યયની વચ્ચે પણ શ્રી મ.ની ભીતર નિરાભિમાનતા અને પ્રશાંતિની ઝાંખી થતી. બહુરૂપીની જેમ વિવિધ ભાવ જોઈને એક વાર ક્ષુદ્ર આધાર એવા અમે વિદ્રોહી બની ગયા. જિજ્ઞાસા જાગી, મહાશય અસલી કે નકલી ? એક અલૌકિક દિવ્ય હાસ્ય શ્રી મ.ના મુખમંડળ પર ફૂટી પડ્યું સાથે ને સાથે તૂટી ગયું અમારાં ક્રોધ અને સંશયનું મૂળ અને એમના મુખમાંથી વહ્યું ‘અસલી’. આપોઆપ મસ્તક ઝૂકી ગયું અને શરણાગત થઈને પૂછ્યું, ‘આવું તે થાય છે કેમ ?’ તત્ક્ષણ ઉત્તર મળ્યો, ‘ગુરુકૃપાથી અને અભ્યાસથી.’ શ્રી મ.ને ઠાકુરે શિખવાડી દીધું હતું, જ્ઞાની ગૃહસ્થ હશે શાંત, નિરભિમાની; કર્મક્ષેત્રે સિંહતુલ્ય, રસરાજ રસિક અને વળી સાધુભક્તો પાસે દાસ. પોતાને અકર્તા જાણીને સંસારમાં રહેશે. મેં આ બધાનો પૂર્ણ પ્રકાશ જોયો શ્રી મ.માં.

શ્રી મ.ની કર્મશક્તિ આગળ એક ડઝન યુવકોની શક્તિ હાર માનતી. ‘કથામૃત’ના પ્રચાર અને પ્રકાશ માટે જ શ્રી મ.નું આગમન થયું. પચાસ વર્ષ સુધી એનો પ્રચાર અને પ્રકાશ કરીને તેઓ બાઉલની માફક ચાલ્યા ગયા. એક વાર પુરીમાં મને ગર્વભર્યા સ્વરે કહ્યું, ‘ઠાકુરે મને કહ્યું હતું, તારે ‘મા’નું જરા જેટલું કામ કરવું પડશે. અને એ પચાસ વર્ષથી કરી રહ્યો છું; હજુ રજા નથી મળી.’

શ્રી મ. દીક્ષા લેવાની વાત લગભગ કરતા જ ન હતા. કોઈને દીક્ષા પણ ન આપતા. પરંતુ જમીન તૈયાર કરવા માટે ખૂબ કહેતા અને યથેષ્ટ સહાય પણ કરતા. એમનો મત હતો – ક્યારે ઈંડું ફોડવાનું છે એ ‘મા’ જાણે છે. કોઈએ આટલી ચિંતા શા માટે કરવી ? પરંતુ જો કોઈ મઠમાંથી દીક્ષા લઈને આવતું, તો ‘ધન્ય-ધન્ય’ કહીને પોતાનો આનંદ અને ઉલ્લાસ પ્રગટ કરતા. હવે મને તેઓ મઠમાં જઈને દીક્ષા લેવા માટે વારંવાર કહેવા લાગ્યા. અને કહ્યું કે હવે મઠમાં જ જઈને રહો સદાને માટે. જ્યાં સુધી તેમનું શરીર રહે, ત્યાં સુધી અમારી ઇચ્છા એમની સાથે રહેવાની હતી. પરંતુ તેઓ તો કંઈ સાંભળતા જ ન હતા. કહેતા, ‘મઠ સાસરાનું ઘર, બધાંએ ત્યાં એક દિવસ જવું જ પડશે. છોકરી મોટી થાય એટલે બાપના ઘરે નથી રખાતી. દીકરી ભલે ત્યાં રહેવા માગે, પરંતુ બાપ નથી રાખતો અને રાખવી બરાબર નથી. (જનાન્તિક પ્રત્યે) અહીંયાં રહીને adaptation, આદત થઈ ગઈ છે. મઠમાં જવા નથી ઇચ્છતો. અને ત્યાંનો એક વાર સ્વાદ લાગી જાય પછી અહીંયાં આવશે જ નહીં. બાપ-મા મુશ્કેલીમાં પડે ને દીકરીને લખે તો જવાબ આપે છે, ‘કેવી રીતે આવું, હવે અહીંયાં બહુ કામ છે, છોકરાની પરીક્ષા અને કેટલાંય બહાનાં.’ એ જ છોકરી વિવાહ સમયે સાસરે જવા રાજી ન હતી.

એ સમયે અમે પુરી ચાલ્યા ગયા. પરંતુ શ્રી મ.એ છેડો પકડી રાખ્યો. જ્યાં સુધી મઠમાં ગયો નહીં, ત્યાં સુધી નિશ્ચિંત ન થઈ શક્યા. એક ભક્ત દ્વારા કડક શબ્દોમાં મઠમાં જવા માટે ચિઠ્ઠી લખાવી. ભક્તે લખ્યું, ‘જો પૂજનીય માસ્ટર મહાશય તારા સમાચાર મેળવવા ચિંતિત ન થયા હોત તો હું તને ક્યારેય આ રીતે ન લખત… તારો પત્ર તો છે જાણે કે અંધારા ઓરડાનો પ્રકાશ… તારો પત્ર વાંચીને માસ્ટર મહાશયે કહ્યું, ‘એમને લખજો કે મેં એમને મઠમાં જોડાવા પત્ર લખ્યો છે, વળી આટલું લખો કે જ્યારે મઠમાંથી દીક્ષા થઈ કે તમે અન્ય ઘરના થઈ ગયા છો. તને આગળ રાખીને મઠમાં જે કોઈ બીજું હોય તે મઠમાં યાત્રા કરશે. .. તેઓ એ માટે ચિંતિત છે. શ્રી મ.એ સ્વયં લખ્યું હતું, ‘દીક્ષા from મઠ is only a stepping stone to બ્રહ્મચર્ય – hence invaluable’. બીજા એક પત્રમાં લખ્યું હતું, ‘આપે શિવાનંદજી મહારાજને આ વિષયમાં લખ્યું છે, તે સાંભળીને ખૂબ હર્ષ થયો. જેમણે દીક્ષા આપી છે, તેઓ સદા મંગલચિંતા કરે છે. એમને કહ્યા વિના કોઈ પરામર્શ કરે નહીં. વિશેષ રીતે : as to such a serious step as you propose to take. પોતાની બુદ્ધિ weighed in balance is found wanting, ગુરુ કર્ણધાર છે. ગુરુ કેટલી મહાન વસ્તુ તેમને appreciate ન કરી શકાય. એ પોતાની બુદ્ધિ અથવા પોતાના friendsની બુદ્ધિ પર નિર્ભર કરે છે. Now that you have taken દીક્ષા your patha is straight – easy and clear, Cast your care on the Preceptor who is so kind, affectionate, અહેતુક કૃપાસિંધુ’. અને એક પત્રમાં લખ્યું હતું, ‘શ્રી શિવાનંદજી મહારાજ આપના ગુરુદેવ છે. એમની સાથે વાતચીત કરીને અને એમની આજ્ઞા લઈને કામ કરી રહ્યા છો, પછી કોઈ ચિંતા નહીં. શ્રી શ્રી ઠાકુરની કૃપાથી બધું જ મંગળ થશે.’

મઠમાં યોગદાન કર્યા પછી એક સમસ્યા ઉપસ્થિત થઈ. શ્રી મ.એ ઉપદેશ આપ્યો હતો કે ચોવીસ કલાક ભગવાનનું નામ લેવામાં આવે, ત્યારે જ ગેરુઆં લેવાનો અધિકાર છે. આ વાત ઘણી વાર વર્ષો સુધી લગાતાર સાંભળી-સાંભળીને મનમાં ગંઠાઈ ગઈ હતી. નક્કી કરી લીધું કે હું તો ગેરુઆં લેવાનો અધિકારી નથી; સફેદ કપડામાં જ રહીશ – મૃત્યુ પહેલાં જો ઈશ્વરની કૃપાથી એવી અવસ્થા આવશે તો ગેરુઆં ધારણ કરીશ. મઠમાં ગયાના થોડા દિવસ પછી એક દિવસ મને એકલો જોઈને મારા ગુરુદેવ પરમ કરુણામય પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી શ્રી શિવાનંદજી મહારાજે કહ્યું, ‘ગેરુઆં ધારણ કરીને મદ્રાસ જવું પડશે. Get ready for Gerua,’

લગભગ ત્રણ મહિના સુધી આવું ચાલ્યું. એક દિવસ કોલકાતા આવીને શ્રી મ.ને પ્રસંગોપાત્ત આ વાત કરી. એમણે કુતૂહલતાથી પૂછ્યું, ‘તેં મહાપુરુષ મહારાજને શો ઉત્તર આપ્યો ?’ મેં કહ્યું, ‘કાંઈ જ નહીં. ચૂપ રહ્યો.’ શ્રી મ. વિરક્ત થઈને ઉત્તેજિત ભાવથી કહેવા લાગ્યા, ‘તું ચૂપ રહ્યો ! જો મને કહેત તો હું તો ગેરુઆં માથા પર લઈને થૈ-થૈ કરીને નાચત. એ શું વળી મહાપુરુષ મહારાજ આપે છે ? ઠાકુર આપે છે. તેઓ ઠાકુરની Link છે.’

મારું અભિમાન ઘવાવાથી મેં કહી નાખ્યું, ‘એ તો મહાશય, આપના ઉપદેશનું જ ફળ છે. આપ બરાબર કહેતા આવ્યા છો, ચોવીસ કલાક ઈશ્વરને પોકારી શકીએ, તો જ ગેરુઆં લેવાનો અધિકાર હોય છે’. એ સાંભળીનેે હસીને કહેવા લાગ્યા, ‘એ તો ત્યારે કહેતો હતો, હવે આ વાત કરું છું. જલદી મઠમાં જાઓ. તેઓ જ્યારે ફરી કહે, ત્યારે હાથ જોડીને કહેજો, જી, જેવી આપની આજ્ઞા, આપની જે ઇચ્છા હોય તે જ કરો.’ (ક્રમશ 🙂

Total Views: 355

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.