ઈ.સ. ૧૭૪૭ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબનો પરાજય થયો અને ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એક વેપારી પેઢીએ ભારતની પ્રજામાં રહેલાં દ્વેષ, કુસંપ તેમજ રાષ્ટ્રભાવનાનો સદંતર અભાવ જોઈને અમીચંદ જેવા વચેટિયાઓને સાથે રાખીને ભારતના શાસનને હચમચાવવાનું કાર્ય કર્યું. આ તો એક એગ્રેજી વેપારી પેઢી હતી. આવી પરાધીનતા ઈ.સ. ૧૯૪૭ સુધી એટલે કે ૨૦૦ વર્ષ સુધી આપણે સૌએ ભોગવી. એ પહેલાંય મોગલ શાસનનો પ્રારંભ પણ આ જ રીતે થયો હતો. એ પરાધીનતાના સ્વાદ તો આપણે ચાખ્યા હતા.

અંતે આપણે ઈ.સ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતાનો અમીઓડકાર ખાધો. ઈ.સ.૧૯૪૭થી માંડીને આજની તારીખ સુધી આપણે એક ભારતીય તરીકે ક્યાં છીએ ? કેવી રીતે છીએ ? અને શા માટે ત્યાં છીએ ? એનાં કારણો શોધવા જવાં પડે તેમ નથી. આજે આઝાદી મળ્યાને તોંતેર તોંતેર વર્ષનાં વહાણાં વહી ગયાં છે, ત્યારે આપણે ક્યાં ઊભા છીએ, એ બાબતનું નિરીક્ષણ કરવાની ઘડી આવી ગઈ છે.

સ્વામી વિવેકાનંદે આજથી સવાસો વર્ષ પહેલાં સમાજમાં સમરસતા લાવવા આ વાણી ઉચ્ચારી હતી :

જો એક એવું રાજ્ય રચી શકાય કે જેમાં ક્ષાત્ર સંસ્કાર, બ્રાહ્મણ સમયનું જ્ઞાન, વૈશ્યોની વહેંચી આપવાની ભાવના અને શૂદ્રોનો સમાનતાનો આદર્શ – આ બધાંનો એમનાં દૂષણોને દૂર રાખીને સમન્વય સાધી શકાય તો આવું રાજ્ય આદર્શ બની રહે. હું માનું છું કે જ્યારે એક જ્ઞાતિ, એક વેદ અને શાંતિ તથા સુમેળની સ્થાપના થશે ત્યારે જ સત્યયુગનો આ આદર્શ ભારતવર્ષમાં નવચેતન ફેલાવશે. વિશ્વાસ રાખો. જાગ્રત થાઓ, નવયુવકો ! અને કાર્યમાં લાગી જાઓ !… સનાતન હિંદુ ધર્મ હંમેશને માટે, હરહંમેશ ટકી રહેવાનો ! જાગો, જાગો, મારા નવયુવકો ! જાગી ઊઠો, આપણો વિજય નક્કી છે !

હળ હાંકતા ખેડૂતની ઝૂંપડીમાંથી, માછીમારીની, ચમારોની અને ઝાડુવાળાઓની ઝૂંપડીમાંથી તેનું – નવભારતનું ઉત્થાન થવા દો; મોદીની દુકાનમાંથી, ધાણી દાળિયા વેચનારાઓની ભઠ્ઠીમાંથી તેને બહાર આવવા દો; કારખાનામાંથી અને બજારોમાંથી તેને બહાર નીકળવા દો; ઝાડી અને જંગલો, ટેકરીઓ અને પર્વતોમાંથી તેને બહાર આવવા દો…

સ્વામીજીની કલ્પનાનું આ સ્વરાજ્ય કે સાચંુ સ્વાતંત્ર્ય આવ્યું છે કે કેમ એ વિશે આપણે સૌ વિચારતાં થઈ ગયાં છીએ.

આજે આ સ્વાતંત્ર્ય પર્વના ઉત્સવ ટાણે અહીં સ્વાતંત્ર્યવીર અને ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર સ્વર્ગસ્થ ઉમાશંકર જોષીનું સ્વાતંત્ર્યદિનના ઉપલક્ષ્યમાં પ્રસિદ્ધ થયેલું એક કાવ્ય યાદ આવે છે.

તેં શું કર્યું?
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?

દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?

‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર,
મામામાશીના, કાળા બજારો, મોંઘવારી : ના સીમા!’ રોષથી સૌ દોષ ગોખ્યા, ગાળથી બીજાને પોંખ્યા.

આળ પોતાનેય શિર આવે ન, જો! તેં શું કર્યું?
આપબળ ખર્ચ્યું પૂરણ? જો, દેશના ભાગ્યમાં તેં શું ભર્યું?

સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.

ગાફેલ, થા હુંશિયાર! તું દિનરાત
નિજ સૌભાગ્યને શું નિંદશે?

શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે.
હર એક હિંદી હિંદ છે,

હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ :

એ સ્વાતંત્ર્યદિનની બંદગી.
-ઉમાશંકર જોશી

સ્વતંત્રતા એ શબ્દનો અર્થ જાણવા માટે ક્યારેય શબ્દકોષ ન ઉથલાવતા. એ શબ્દનો સાચો અર્થ અનુભવકોષમાં પડ્યો છે : એ શબ્દ પણ નથી, એક લાગણી છે, જે અનુભવી શકે એ અનુભવી શકે; ન અનુભવી શકે એના માટે એ બારાખડીમાં આવતા કેટલાક સંકેતોથી વિશેષ કશું જ નથી.

સ્વતંત્રતા એટલે શું ?

તમે માનું નામ લ્યો અને હૃદયમાં જે લાગણીનો ઝરો છલકાઈ ઊઠે, એ જ વત્સલતા સ્વતંત્રતા નામમાં છે. બીજા બધા સંજીવની મંત્રો વિશે તો આપણે વાર્તા-પુરાણોમાં વાંચ્યું છે, પણ સ્વતંત્રતા એ તો સિદ્ધ સંજીવની મંત્ર છે. નિર્જીવના હૃદયમાં જીવન પ્રેરે એવો મહાન મંત્ર.

પરાધીનતાના દીર્ઘકાળ પછી પહેલી જ વાર જ્યારે માણસ પોતે સ્વતંત્ર છે એવો અનુભવ કરે એ ક્ષણનો જ મહિમા છે – અને ભારતમાં આ ક્ષણ પંદરમી ઓગસ્ટ ૧૯૪૯ના રોજ નહીં, એ પહેલાં કેટલાયે દાયકાઓ અગાઉ આવી હતી. પરાધીનતા એ બહારની કોઈ પરિસ્થિતિ નહીં, પણ આંતરિક મન :સ્થિતિ છે; અને આ સ્વતંત્રતાનો અમલ માનવીના મનમાં ઘૂંટાય પછી એને કોઈ બંધન બાંધી શકતાં નથી.

આપણે સ્વતંત્ર નહોતા ત્યારે કવિએ અનુભવેલી સ્વતંત્રતાની ખુમારીનું આ કાવ્ય છે. આપણે આઝાદી દિન ઉજવીએ છીએ, પણ આજના આ ઉત્સવને શક્ય બનાવવા માટે પોતાની સમસ્ત આવતી કાલ જે માણસોએ હોમી દીધી, એમને કેમ વીસરી શકીએ?

કેટકેટલા યુવાનોએ સામેથી છૂટતી ગોળીઓની બોછાર સામે હસતા મુખે ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના નારાઓ બુલંદ કર્યા હતા, એ વાત હજી ગઈકાલના ઇતિહાસની છે. સ્વતંત્રતા શબ્દનું જાદુ આ યુવાનો પર જે હતું એ આજે છે ખરું? એ જમાનામાં ગુલામીનું અન્ન ખાવા કરતાં આઝાદીના તરણાં પર જીવવાની ખુમારી ધરાવતા લોકો આપણી વચ્ચે હતા. આજે આઝાદ થયાને આટલો સમય વીત્યો છે ત્યારે આ કવિતા આપણને ફરી એક વાર એ વાતાવરણમાં મૂકી દે છે અને આપણા એ કવિના શબ્દો વેધક તીરની માફક આંખો અને હૃદયમાં વાગે છે.

દેશ તો આઝાદ થતાં થૈ ગયો – તેં શું કર્યું?

આ સંઘર્ષમય યુગમાં આ પ્રશ્નનો ઉત્તર ભલે સૌ કોઈ પોતપોતાની રીતે આપે છતાં એ પ્રશ્ન અત્યારે તો નિરુત્તર જ લાગે છે.

ક્યાં છે એ ખુમારી જ્યારે હસતાં હસતાં જુવાનો ફાંસીને વરમાળા સમજીને પહેરી લેતા હતા !

માતૃભૂમિ માટેનો પ્રેમ – આ કૈ શીખવવાની વસ્તુ નથી. બાળકને કોઈ શીખવી નથી શકતું કે માને કેમ પ્રેમ કરાય! પણ જે બાળક માતાને પ્રેમ કરે છે એ સારી પેઠે જાણે છે કે માનો હાથ જો મસ્તકે હશે તો ગમે તેવી આપત્તિનો એ સામનો કરી શકશે..! ગમે તેવા ભય વચ્ચે પણ માતાનું નામ હોઠે આવી જશે, તો મૃત્યુ સાથે પણ એ પોતાનો પંજો મિલાવી શકશે.

માતાનો પ્રેમ મળવો એ જન્મસિદ્ધ હકીકત છે; માતાને પ્રેમ કરવો એ કર્મસિદ્ધ અધિકાર છે.

-હરીન્દ્ર દવે

સાચું સ્વાતંત્ર્ય લાવવા, સમાજને સમરસ બનાવવા આજના યુવાનો પર એક મોટી ભવિષ્યની જવાબદારી આવી ગઈ છે. આપણા દેશની કુલ વસતીનો અડધો ભાગ યુવાનોનો છે. ૬૦ કરોડથી વધારે એવા આ યુવાનો પાસે સ્વામી વિવેકાનંદ કેવી અપેક્ષા રાખતા હતા, એ એમના જ શબ્દોમાં જોઈએ :

‘આપણે ઘણું રુદન કર્યું; હવે રડવું છોડી દઈ મર્દ બનો. મર્દ બનાવે એવા મર્દની આપણને જરૂર છે. મર્દ બનાવે એવા સિદ્ધાંતોની આપણને જરૂર છે. સર્વ રીતે મર્દ બનાવે એવી કેળવણીની આપણને જરૂર છે અને આ રહી સત્યની કસોટી – જે કાંઈ તમારામાં શારીરિક, માનસિક કે આધ્યાત્મિક નિર્બળતા આણે તેનો ઝેર ગણીને ત્યાગ કરો; તેનામાં જીવનનું સત્ત્વ નથી. તે સાચું હોઈ શકે જ નહિ. સત્ય બળવર્ધક છે, પવિત્ર છે અને જ્ઞાનમય છે. સત્ય તો શક્તિદાયક, જ્ઞાનસ્વરૂપ, ચેતનવંતું છે.’ રોદણાં રોવાની વાત દૂર કરીને ‘આજ આજ ભાઈ, અત્યારે કે આજની ઘડી રળિયામણી, કાલ કોણે દીઠી છે’ એમ માનીને યુવાનોએ પૂરેપૂરા જુસ્સા સાથે રાષ્ટ્રને ચેતનવંતું બનાવવા પ્રયત્નશીલ બનવું રહ્યું. આવું કરવા જતાં આપણી ટીકા પણ થશે પણ એ માટે સ્વામીજીના આ શબ્દો યાદ રાખજો :

‘મારાં બહાદુર બાળકો ! મહાન કાર્ય કરવાને તમે સરજાયાં છો એવી શ્રદ્ધા રાખો. કૂતરાં ભસભસ કરે તેથી બીતાં નહિ, અરે ! આકાશ તૂટી પડે તો પણ શું ? ટટ્ટાર ખડાં રહો અને કામ કરો….. તમારા દેશને વીરોની જરૂર છે; મર્દ બનો. પર્વતોની જેમ અડગ રહો. સત્યનો સદા જય છે. રાષ્ટ્રની નાડીઓમાં નવું ચેતન ઝબકે એટલા માટે ભારતને નવીન વિદ્યુત પ્રવાહોની જરૂર છે. મર્દ બનો, મર્દ બનો; માણસ માત્ર એકવાર મરે છે.’

મર્દ બનવાની કળા કેવી રીતે કેળવવી એની વાત પણ સ્વામીજીએ આ શબ્દોમાં કરી છે :

‘બળ એ જીવન છે; નિર્બળતા એ મૃત્યુ છે; બળ એ પરમાનંદ છે, શાશ્વત અને અનંત જીવન છે ! નિર્બળતા એ કાયમી બોજો અને સંતાપ છે. નિર્બળતા મૃત્યુ છે. બાળપણથી જ બળવાન અને ઉચ્ચ વિચારો તમારા મગજમાં ધારણ કરો….. અત્યારે આપણા દેશને વજ્ર જેવી માંસપેશીની, પોલાદી સ્નાયુઓની જરૂર છે, જેનો સામનો થઈ શકે નહિ એવી પ્રબળ ઇચ્છાશક્તિની જરૂર છે. વિશ્વનાં રહસ્યો ઉકેલી શકે અને મહાસાગરના ઊંડાણમાં મૃત્યુનો સામનો કરીને પણ અડગ રીતે પોતાનું કાર્ય સાધી શકે એવી ઇચ્છાશક્તિની જરૂર છે…..હિમાલય સમાં વિઘ્નો ઓળંગવાની તમારામાં ઇચ્છાશક્તિ છે ? હાથમાં તલવાર ખેંચીને તમારી વિરુદ્ધ આખી આલમ ખડી રહે તો પણ તમે જેને સત્ય માનતા હો, તે કરવાની તમારામાં હિંમત છે ? તમારાં બાળકો તથા પત્ની વિરોધ કરે, તમારું સર્વસ્વ હરાઈ જાય, તમારું નામ ભૂંસાઈ જાય, તો પણ તમે સત્યને વળગી રહેશો ? ગમે તે થાય તો પણ તમે તમારા લક્ષ્યસ્થાન પ્રત્યે નજર રાખી આગળ વધશો ?’

જો આજના યુવાનો આવું કરી શકે, આવા બની શકે તો સેવાનો પથ, સર્વકલ્યાણનો પથ, રાષ્ટ્ર-કલ્યાણનો પથ સહજ સરળ બની જાય. એટલે તેઓ સેવા વિશે કહે છે :

માનવમાત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકો નહિ; તમે તો માત્ર સેવા કરી શકો. જો તમને તક મળી હોય તો ઈશ્વરનાં બાળકોને ઈશ્વર ગણી તેમની સેવા કરો. જો ઈશ્વર તમારા ઉપર એવી કૃપા કરે કે તમે તેના કોઈપણ બાળકને મદદરૂપ થઈ શકો તો તમે ભાગ્યશાળી છો; તમારા પોતાના સંબંધી વધારે પડતા વિચારો કરો નહિ. બીજાઓને એ તક મળી નહિ અને તમને મળી, માટે તમે નસીબદાર છો; પૂજારૂપે એ બધું કરો. દીન અને દુ :ખી આપણી મોક્ષસાધના માટે છે, જેથી રોગીરૂપે આવતા નારાયણની, મૂર્ખરૂપે આવતા નારાયણની, કુષ્ઠ રોગીરૂપે આવતા નારાયણની અને પાપીરૂપે આવતા નારાયણની આપણે સેવા કરી શકીએ.

જેને શિવની સેવા કરવી છે તેણે તેનાં સંતાનોની પણ સેવા કરવી જોઈએ. પહેલાં તો તેણે આ દુનિયાનાં બધાં પ્રાણીઓની સેવા કરવી જોઈએ. શાસ્ત્રો કહે છે કે જેઓ ઈશ્વરના દાસની સેવા કરે છે તે તેના સૌથી ઉત્તમ સેવકો છે. નિ :સ્વાર્થપણું એ મર્દની કસોટી છે. આ નિ :સ્વાર્થવૃત્તિ જેનામાં જેટલી વધારે હોય તેટલી તેનામાં આધ્યાત્મિકતા વધારે અને તેટલો તે પ્રભુની વધુ નજીક.

તમને લાગણી થાય છે ? તમને લાગી આવે છે કે દેવોનાં અને ઋષિમુનિઓનાં લાખો સંતાનો હેવાન જેવાં થઈ ગયાં છે ? લાખો માનવીઓ આજે ભૂખમરાથી મરી રહ્યાં છે અને લાખોએ કેટલાય જમાનાથી કાયમ ભૂખમરો વેઠ્યો છે, એ માટે તમને કંઈ લાગે છે ? કાળાં વાદળાંની જેમ અજ્ઞાનાંધકાર દેશ પર છવાઈ ગયો છે, એનું તમને કાંઈ થાય છે ? તેને લઈને તમે વ્યગ્ર બનો છો ? તેને લઈને તમારી ઊંઘ ઊડી જાય છે ? આ વાત તમારા લોહીમાં ઊતરી ગઈ છે ? તમારી નસોમાં ફરી રહી છે ? તમારા હૃદયના ધબકારા સાથે ધબકી રહી છે ? આને લઈને તમારી દશા ઉન્મત્ત જેવી થઈ ગઈ છે ? વિનાશના દુ :ખના એકમાત્ર વિચારે તમારા પર સત્તા જમાવી છે ? અને તમારી પોતાની કીર્તિ, નામ, સ્ત્રી-છોકરાં, તમારી માલમત્તા, અરે ! તમારા દેહ સુધ્ધાં તમે વીસરી ગયા છો ? આમ થઈ ગયું છે ? સ્વદેશપ્રેમી થવાનું આ પહેલું પગથિયું છે, માત્ર પહેલું જ પગથિયું.’

જો બધા યુવાનો આ માર્ગે ચાલે તો દેશને દુર્માર્ગે દોરનારા ભલે ગમે તેટલાં ડાકલાં વગાડતા રહે પણ એમનું એક ફદિયુંયે ઊપજવાનું નથી. ઊપજશે દેશને માટે બલિદાન આપનાર નવી પેઢીના નવયુવાનોનું.

Total Views: 420

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.