વૈષ્ણવો વિશેની વાતચીત પ્રસંગે ‘જીવ પ્રત્યે દયા’ એવા શબ્દો આવતાં શ્રીઠાકુરે કહ્યું કે જીવ પ્રત્યે દયા શાની ? સર્વ જીવની સેવા એ જ સાચો ધર્મ છે. સ્વામી વિવેકાનંદે આ ઉપરથી ‘શિવજ્ઞાને જીવસેવા’નો જે આદર્શ આપ્યો તેને ધ્યાનમાં રાખીને છેલ્લાં ૨૫-૨૬ વર્ષથી દર રવિવારે સવારે ૮ થી ૧૨ દરમિયાન રાજકોટની આજુબાજુનાં ગામડાંમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાહનમાં ડાૅક્ટર્સ, સ્વયંસેવકો સાથે જાય છે. ત્યાં જઈને દાક્તરી ચકાસણી થાય છે અને બાળકોને મૂલ્યલક્ષી કેળવણી આપવાનો પ્રયાસ થાય છે. વિધિવત્ રીતે ગ્રામ્ય વિકાસ સેવાકાર્યની શરૂઆત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના તત્કાલીન અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી મહારાજના આદેશથી થઈ. તે પહેલાં મહારાજે અમને રાજકોટથી નજીકના ગામડાંમાં જઈ શૈક્ષણિક સેવાકાર્ય કરવાનો આદેશ આપ્યો. અમારા માટે આ એક કસોટી હતી. એમની પ્રેરણાથી હું, હર્ષાબહેન ત્રિવેદી, હર્ષિદાબહેન ઠાકર તથા ઇંદિરાબહેન વોરા રીક્ષા કરીને દર રવિવારે સાંજે ૩ થી ૪ કલાક રાજકોટની નજીક વાજડી ગામે જતાં. ત્યાં બાળકોને પોતાના શિક્ષણમાં આડે આવતી મુશ્કેલીઓ-સમસ્યાઓનો ઉકેલ અમારી રીતે કરતાં અને બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એવી વાતો કરતાં. પછી બાળકોને પ્રસાદ આપતાં. આવું એકાદ વર્ષ ચાલ્યું. ત્યાર પછી ૧૫મી ઓગસ્ટ, ૧૯૯૨ના રોજ વાજડી મુકામે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં પ્રાર્થના, નાટક, રાસ, વેશભૂષા અને રમતગમતની સ્પર્ધાનું આયોજન થયું હતું. સ્વામી જિતાત્માનંદજી, સ્વામી પ્રમાનંદજી (સુબોધ મહારાજ), સ્વામી દુર્ગેશાનંદજી તથા રાજકોટનાં ભક્ત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. અને બાળકોને પ્રેરણાવચનો કહ્યાં હતાં. અહીંના એક ટ્યૂશન ક્લાસમાં સ્વામી વિવેકાનંદના ફોટાની સ્થાપના થઈ. કાર્યક્રમ ઘણો સફળ રહ્યો.

ત્યાર પછી મહારાજે શૈક્ષણિક ક્ષેત્રમાં આગવી પ્રતિભા ધરાવતા ભક્તો અને બીજા અંતરંગ ભક્તો સાથે ગ્રામ્ય સેવાકાર્યનું આયોજન કરવા એક સભા બોલાવી. તે વખતે રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે રહેલ અને ગાંધી વિચારધારાને વરેલ આભાબહેન ગાંધી આશ્રમમાં આવતાં. તેઓ કસ્તુરબાધામ (ત્રંબા)નાં મુખ્ય ટ્રસ્ટી હતાં. તેમની ઇચ્છાથી ત્રંબામાં એક આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું. ત્રંબામાં એક સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન થયું. આજુબાજુના ૧૦ થી ૧૫ કિ.મી.ના વિસ્તારના ગ્રામ્યજનોએ તેનો લાભ લીધો હતો. પછી દરરોજ સવારે ડાૅક્ટર્સ અને સ્વયંસેવકોનું જૂથ ગ્રામ્યસેવા માટે નિયમિત ત્રંબા જવા લાગ્યું. એ દરમિયાન સ્વામી જિતાત્માનંદજીએ ભક્તો દ્વારા સંચાલિત ‘રામકૃષ્ણ સેવાસમિતિ’નું ગઠન કર્યું. ડૉ. ડી.સી.શુક્લ તેના પ્રમુખ બન્યા, હર્ષાબહેન ત્રિવેદી અને ડૉ. એલ. કે. ચાવડા ઉપપ્રમુખ બન્યાં. પુષ્પાબહેન મહેતા, કુસુમબહેન પરમાર તથા કીર્તિબહેન ભટ્ટ સેક્રેટરી બન્યાં. આ સમિતિ અનૌપચારિક જ રહી. હર્ષાબહેન, પુષ્પાબહેન અને કુસુમબહેન શિક્ષણ વિભાગ સંભાળતાં. ડૉ. શુક્લ, ડૉ. ચાવડા, હેમેન્દ્ર વ્યાસ અને હું મેડિકલ વિભાગ સંભાળતાં. ધીમે ધીમે સ્વયંસેવકોની સંખ્યા વધવા લાગી એટલે દરેક રવિવારની અલગ યાદી બનાવાતી અને એ પ્રમાણે સ્વયંસેવકો ત્યાં જઈને સેવાકાર્ય કરતા.

શિક્ષણવિભાગમાં પણ સારું કામ થતું રહ્યું. ત્રંબામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના યુવાનો માટે યુવા શિબિરનું આયોજન થયું. તેમાં ૪૦૦ યુવાન ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. દરેક યુવાનને ચાદર આપવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે ‘મટકી ફોડ’ ઉત્સવ પણ ઉજવાયો હતો. આ કાર્યક્રમનું નેતૃત્વ નિહારિકાબહેન પટેલે સંભાળ્યું હતું. શિક્ષણસેવાના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાતા.

આભાબહેન ગાંધીના અવસાન પછી ત્રંબાનું કામ આગળ ન વધ્યું એટલે ત્યાંથી ચારેક કિ.મી. દૂર અણિયારા ગામે આ સેવાકાર્ય ચાલુ થયું. કેટલાક નવા ડાૅક્ટર્સ અને સ્વયંસેવકો પણ સેવાકાર્યમાં જોડાયા. ત્યાર પછી આ સેવાકાર્ય ઢાંઢણી ગામે શરૂ થયું. અહીં આધ્યાત્મિક શિબિર, સર્વરોગ નિદાન અને નેત્રચિકિત્સા કેમ્પ યોજાયાં. ૧૪મી એપ્રિલ, ૧૯૯૮ના રોજ અણિયારામાં શૈક્ષણિક સેવાઓના ઉપક્રમે શ્રીરામકૃષ્ણ જયંતીની ઉજવણી થઈ. તેમાં નૃત્યગીત; શ્રીમા, ઠાકુર અને સ્વામીજીના જીવનપ્રસંગોનો નાટ્યાભિનય; વેશભૂષા, કાલીકીર્તન પર રાસ જેવા કાર્યક્રમો ઉપસ્થિત લોકોએ માણ્યા હતા. આ ઉપરાંત રાજસમઢિયાળા, ગઢકા, કાળીપાટમાં પણ આધ્યાત્મિક શિબિરોનું આયોજન થયું હતું. શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૦મી ડિસેમ્બર, ૨૦૦૩ના રોજ અણિયારામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. તેમાં જિતુભાઈ અંતાણીનાં ભજનો, શાળાની બાળાઓનો રાસ રજૂ થયાં હતાં. સ્વામી ચિત્તપ્રભાનંદ, શ્રી ચંદ્રકાંતભાઈ દવે તથા પુષ્પાબહેન મહેતાએ વક્તવ્યો આપ્યાં હતાં. ૯૦ જરૂરિયાતમંદોને ધાબળા આપવામાં આવ્યા હતા. એવી જ રીતે ઢાંઢણીમાં ૧૮મી ડિસેમ્બર, ૨૦૦૩ના રોજ શ્રીમા જયંતીની ઉજવણી થઈ. તેમાં શાળાના આચાર્ય, સરપંચ અને આગેવાનોનો સહકાર મળતાં ગામની બાળાઓ દ્વારા પ્રાર્થના ‘શત શત વંદન શારદે’નું દીવાનૃત્ય, શ્રીમાના જીવનના ત્રણ પ્રસંગો – ષોડશીપૂજા, લૂંટારું માતાપિતા અને શ્રીમાને ગુરુરૂપે દર્શાવતા નાટ્યપ્રસંગો રજૂ થયાં હતાં. શિવતાંડવ નૃત્ય પણ યોજાયું હતું. પુષ્પાબહેન મહેતાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સ્વામી જિતાત્માનંદજીનું શાલ ઓઢાડીને સન્માન થયું હતું. સ્વામી જિતાત્માનંદજીએ આશીર્વચન પાઠવ્યાં હતાં. કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોેને સ્કૂલબેગ તથા ‘માતૃવાણી’ પુસ્તક ભેટરૂપે આપવામાં આવ્યાં. ૧૨૫ જરૂરિયાતમંદોને ધાબળા આપવામાં આવ્યા. બીજા એક કાર્યક્રમમાં ગામની ૧૫૦ બહેનોને સાડી આપવામાં આવી હતી.

અહીં સેવાકાર્ય શરૂ થયું ત્યારે મેડિકલ વિભાગમાં જગદીશભાઈ બેટાઈ, ગગલાણીભાઈ, વર્ષાબહેન પટેલ, દિનેશભાઈ અને શૈક્ષણિક કાર્યમાં હું તથા હર્ષાબહેન કારિયા પોતાની સેવા આપતાંં. અહીંનાં બાળકોએ બે વાર શ્રીરામકૃષ્ણ આશ્રમની મુલાકાત લીધી હતી. ૧૭-૯-૨૦૦૮ના રોજ વિવેક હાૅલમાં આરતી પછી ઢાંઢણીનાં બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમમાં શારદાવંદના, ગણેશઅર્ચના, નૃત્યગીત અને સ્વામીજી અને શ્રીમાનાં જીવન વિશે બે નાટ્યપ્રયોગો અને ‘યુગાવતાર શ્રીરામકૃષ્ણ’નું નાટક રજૂ થયાં હતાં. આ વખતે સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે બાળકોને સંબોધ્યાં હતાં. પ્રસાદ લઈને બાળકો તથા ગ્રામ્યજનો ગામડે પાછાં ફર્યાં. ઢાંઢણીમાં ઘણા નેત્રચિકિત્સા કેમ્પ થયા. અણિયારા સેન્ટર બંધ થતાં સરધારમાં સેવાકેન્દ્ર ચાલુ થયું. આ સમય દરમિયાન ‘દીર્ઘકાલીન મૂલ્યનિષ્ઠ શિક્ષણ’ની યોજના ચાલુ થઈ. ઢાંઢણીમાં તેનું એક યુનિટ હતું. નવનિર્મિત કોમ્યુનિટી હાૅલમાં સફાઈ, વૃક્ષારોપણ, રમતગમત, યોગ જેવી પ્રવૃત્તિઓ થતી. બાળકોનાં કૌશલ્યથી હાૅલને સુશોભિત કરવાનો પ્રકલ્પ થયો હતો. રાજકોટથી વૃક્ષના રોપા લઈને અણિયારા અને ઢાંઢણીમાં સુબોધ મહારાજના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ૧૫મી જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ સ્વામીજીની ૧૫૦મી જન્મજયંતી ઢાંઢણીમાં ઉજવવામાં આવી. તત્કાલીન અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજી, સ્વામી ઇષ્ટમયાનંદજી તથા પૂનાથી આવેલ ગેસ્ટ સ્વામીજીનું શાલ ઓઢાડી સન્માન કરાયું. એવી જ રીતે ડૉ. એલ. કે. ચાવડા અને ડૉ. હસમુખભાઈ રાવલનું પણ સન્માન થયું. દીપ પ્રાકટ્ય પછી વિદ્યાર્થિનીઓ દ્વારા શાંતિમંત્રો અને મૂર્તમહેશ્વર સ્તોત્ર દ્વારા સ્વામી વિવેકાનંદજીની અર્ચના કરવામાં આવી. ‘સીમા કે બીચ’ ભજન પર નૃત્ય, ગામની બહેનોનાં ભજન, સ્વામીજીના બાળપણના ત્રણ નાટ્યપ્રયોગો તથા વિવેકવાણી અને વૈદિક રાષ્ટ્રગાન રજૂ થયાં. ‘દીર્ઘકાલીન મૂલ્યનિષ્ઠ શિક્ષણ’ની યોજના હેઠળ બનાવેલી બેગ કુમારી શિલ્પાએ સ્વામી સર્વસ્થાનંદજીને અર્પણ કરી. ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં. સ્વામી સર્વસ્થાનંદજીએ પ્રેરણાત્મક પ્રવચન આપ્યું અને વિવેકાનંદ ગ્રંથમાળા શાળાને અર્પણ કરી. શાળાના આચાર્ય, સરપંચ તથા અગ્રગણ્ય કાર્યકર્તા, શાળાના શિક્ષકો, ગામનાં ભજનિક બહેનો સર્વને પ્રતીકભેટ આપવામાં આવી. શિયાળામાં એક નાનો કાર્યક્રમ યોજીને શાળાનાં બાળકોને ગરમ ટોપી અને સ્કાર્ફ અપાયાં. આ પ્રસંગે સ્વામી સર્વસ્થાનંદજી અને સ્વામી ગંગાનંદજી ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ કાર્ય જ્યારે શરૂ થયું ત્યારે ગામડાંમાં જર્જરિત સ્કૂલો અને ધૂળિયા રસ્તાઓ હતા તથા વાહન વ્યવહારની ખાસ સુવિધાઓ ન હતી. તેથી શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે જાગરૂકતા લાવવા આવા કાર્યક્રમો શરૂ થયા હતા. શૈક્ષણિક સેવાને લીધે ગામડાંની બાળાઓ ત્યાંથી નીકળીને કોલેજ સુધીનું અને વ્યવસાયલક્ષી શિક્ષણ લેવા લાગી. વિદ્યાર્થીભાઈઓ પણ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં જોડાઈ પગભર થવા લાગ્યા. નાનાં બાળકો શાળાએ જતાં તથા વાંચન તરફ અભિરુચિ કેળવતાં થયાં. સર્વરોગ નિદાન કેન્દ્ર અને નેત્રચિકિત્સા કેમ્પનું કાર્ય મહત્ત્વનું બની ગયું. તેથી ગામડાંના લોકોમાં આરોગ્ય વિશેની જાગરૂકતા આવી. આજે આ કાર્ય હડમતિયા અને ભાડલામાં ચાલે છે. શૈક્ષણિક કાર્ય માત્ર ભાડલામાં ચાલે છે. ઠાકુર, મા અને સ્વામીજીની કૃપાથી આ ગ્રામસેવાની જ્યોત સદૈવ જલતી રહે તેવી અમારા સૌ ભક્તજનોની અપેક્ષા છે.

Total Views: 244
By Published On: September 2, 2019Categories: Kirtibahen Bhatt0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram