બીન ઉપયોગી વૃક્ષોનું ‘મોનોકલ્ચર’ અટકાવીએ, દેશી વૃક્ષો વાવીએ
ચોમાસું આવે અને એકાદ-બે વરસાદી ઝાપટાં પડે એટલે દરેક પ્રકૃતિપ્રેમીને વૃક્ષો વાવવાનું સહેજે મન થાય. એમાંયે વરસાદી માહોલ બરાબર જામે એટલે વૃક્ષારોપણની ઋતુ પણ જામે. જો આપણે કોઈ બેંકમાં પૈસા જમા કરવાના હોય કે ફિક્સ્ડ ડિપોઝીટ કરવાની હોય, તો તેમાંથી આપણને ભવિષ્યમાં ક્યા-ક્યા લાભો મળશે તે વિષે ખાસ્સું વિચારીએ છીએ. પરંતુ વૃક્ષ વાવતી વખતે આવો કોઈ વિશેષ વિચાર આપણે કરતાં નથી. હકીકતે તો આપણે વાવેલું વૃક્ષ પણ એક ‘ફિક્સ્ડ ડિપોઝીટ’ જેવંુ જ કામ કરે છે. એક વખત જો વૃક્ષ વાવીએ તો પછી આવનારાં ઓછામાં ઓછાં ૪૦-૫૦ વર્ષ કે પછી તેનાથી કેટલાંય વધુ વર્ષો સુધી આપણને વળતર રૂપે આૅક્સિજન, છાંયો, ફળ-ફૂલ અને સમગ્ર જીવસૃષ્ટિ-ઈકોસીસ્ટમને ઉપયોગી નીવડે છે; ભૂગર્ભજળભંડારની જાળવણીનું અણમોલ કાર્ય કરે છે. પરંતુ જેમ ખોટી જગ્યાએ રોકેલાં નાણાંનું ઉચિત મૂલ્ય મળતું નથી, તે જ રીતે અયોગ્ય વૃક્ષનાં વૃક્ષારોપણથી પણ કોઈ ખાસ લાભ થતો નથી. ઊલટું ઘણી વખત આવાં વૃક્ષો ભૂગર્ભજળનો નાશ કરે છે, જીવસૃષ્ટિને પણ ખાસ ઉપયોગી નીવડતાં નથી, જમીનનો બગાડ કરે છે. વૃક્ષારોપણ કરવાનું થાય એટલે મોટે ભાગે લોકો નજીકની નર્સરીમાં જઈને વૃક્ષોના થોડા રોપ ઉપાડી લાવે છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા મફતમાં વહેંચાતા રોપાઓ વાવે. ગમે તે વૃક્ષ વાવીએ એટલે પર્યાવરણને ફાયદો જ થાય એવી એક સામાન્ય માન્યતા છે. એટલે વૃક્ષ વાવતાં પહેલાં કયું વૃક્ષ વાવવું એની કોઈ વિશેષ પસંદગી કે કાળજી હોતી નથી. મોટે ભાગે આજુબાજુમાં ક્યાંક જોયેલ, કોઈકના ફાર્મ હાઉસમાં જોયેલ, કોઈ મલ્ટીસ્ટોરી બિલ્ડીંગની આગળ શોભા માટે વાવેલ, ઓછો ‘કચરો’ કરે અને ઓછાં પાંદડાં ખેરવે એવાં કે પછી નર્સરીવાળા ભલામણ કરે તે વૃક્ષ પર પસંદગીનો કળશ ઢોળાય.
હકીકતે, વૃક્ષ એવું જ વાવવું જોઈએ કે જે પર્યાવરણને ખરેખર ઉપયોગી હોય, જમીનના જળસ્તરને જાળવી રાખતું હોય, તેનાં ફૂલ-ફળ પક્ષીઓ અને કીટકોને ઉપયોગી નીવડે, ભરપૂર ઓક્સિજન આપતું હોય અને સાથે ને સાથે વાવનાર વ્યક્તિને પણ પોષક આહાર આપતું હોય. પરંતુ આપણે આજ-કાલ જે વૃક્ષો વાવી રહ્યાં છીએ તેમાં આવા ગુણો શોધ્યા નથી મળતા. આજકાલ મોટે ભાગે સપ્તપર્ણી, પેલ્ટાફોરમ, સુબાવળ, ગુલમહોર, સીમારુબા, નીલગીરી, ક્રીસમસ ટ્રી, પામ ટ્રી, શરુ જેવાં શોભાના ગાંઠિયા જેવાં વૃક્ષો મોટા પાયે વવાય છે. આ વૃક્ષોનાં ફળ-ફૂલ મોટે ભાગે પક્ષીઓ, મધમાખીઓ, કીટકો કે અન્ય સજીવોને પસંદ આવતાં નથી. એટલું જ નહીં, પણ આવાં વૃક્ષો જમીનના ભૂગર્ભજળને પુષ્કળ પ્રમાણમાં વાપરી નાખે છે, તેમનું આયુષ્ય ઓછું હોય છે અને આમાંનાં ઘણાં તો જમીનના બંધારણને પણ બગાડી મૂકે છે. ટૂંકમાં આવાં વૃક્ષ ઊગે કે જે પશુ, પક્ષી, મનુષ્ય, વાતાવરણ, અને ભૂગર્ભજળસ્તરના બચાવ કે વધારા માટે કોઈપણ રીતે ફાયદાકારક નથી હોતાં. જમીનના રસ્તાની બંને બાજુએ, સોસાયટીઓમાં, ઓફિસ, બિલ્ડીંગ અને શાળા કે આંગણવાડીનાં પટાંગણોમાં પણ આવાં જ બીન ઉપયોગી વૃક્ષોની ભરમાર જોવા મળે છે. આ વૃક્ષોની બીજી ખાસિયત એ છે કે તે ઝડપથી વધે છે, ઘટાદાર બને છે અને અમુકને તો પક્ષીઓને તો જવા દો, ઢોર-ઢાંખર પણ ખાતાં નથી. સાંકડી શેરીઓમાં, શાળાઓમાં કે સંસ્થામાં એક વખત આવાં બીન ઉપયોગી વૃક્ષો વવાય એટલે ઉપયોગી વૃક્ષો વાવવાનો પછી અવકાશ જ રહેતો નથી. વર્ષો સુધી આવાં બીન ઉપયોગી વૃક્ષો યથાવત્ રહે. ઘણી વખત વૃક્ષ કેવડું મોટું થશે એનો અંદાજ કર્યા વગર જ વૃક્ષ વાવી દેવાતું હોય છે. પછી જ્યારે એ વૃક્ષ મોટું થાય ત્યારે ઈલેક્ટ્રિકના તારને નડવાથી, હવા-ઉજાસ માટે કે અન્ય કોઈ કારણ આગળ ધરીને એ વૃક્ષને કાપી નખાતું હોય છે અથવા તો એની ડાળીઓ એટલી હદે કપાતી હોય છે કે વૃક્ષની બદલે ફક્ત તેનું થડિયું જ ઊભું હોય છે. આવું ન થાય એ માટે આપણે દેશી વૃક્ષોની સાથે-સાથે વૃક્ષ પુખ્ત થયે તેનું કદ કેટલું હશે તે અંદાજ મેળવી લેવો ખૂબ જરૂરી છે.
આ ઉપરાંત આપણે વર્ષો સુધી એક જ પ્રકારનાં વૃક્ષો વાવીને એક પ્રકારનું ‘વૃક્ષોનું મોનોક્લ્ચર’ ઊભું કરી દીધું છે. તેને લીધે વૃક્ષોનું વૈવિધ્ય જે પહેલાંના સમયમાં જોવા મળતું હતું, એને બદલે અમુક ગણ્યાં-ગાઠ્યાં પ્રકારનાં વૃક્ષો જ આપણી આસપાસ આજે ઊભરાઈ રહ્યાં છે. એને લીધે પક્ષીઓ અને કીટકોનું વૈવિધ્ય પણ જોવા મળતું નથી. આવા મોનોકલ્ચરમાં ‘લીમડા’નાં વૃક્ષો મુખ્ય છે. વર્ષો સુધી આપણે જંગી માત્રામાં લીમડા જ વાવ્યે રાખ્યા છે. અને બીજાં અતિ-ઉપયોગી દેશી વૃક્ષોની સદંતર અવગણના કરી છે. આજે પરિસ્થિતિ એ છે કે જો કોઈને તેમની આજુબાજુ ઊગેલાં પાંચ દેશી વૃક્ષોનાં નામ બોલવાનું કહે તો લીમડા સિવાય બીજું નામ પણ કદાચ જીભે ન ચડે ! હજુ આજે પણ જ્યારે એવા સમાચાર વાંચીએ કે અમુક-તમુક સંસ્થા કે લોકોએ સેંકડોની સંખ્યામાં લીમડા (‘જ’) વાવ્યા કે વાવશે, ત્યારે કોઈપણ પર્યાવરણ પ્રેમીનું દિલ સહેજે કચવાય. ભલા માણસ, પક્ષીઓ અને પશુઓને ઉપયોગી, પ્રમાણમાં મજબૂત, ભૂગર્ભજળ વધારતાં અને ઓક્સિજનનો ભંડાર એવાં પીપળ, પીપળા, વડ, ઉંબરા જેવાં તો અનેક ઉપયોગી વૃક્ષો છે, જે વાવ્યા પછી
ખાસ મહેનત વગર ઊછરી જાય છે. તો પછી આવાં વૃક્ષોની અવગણના શા માટે ?
અરે, વડ જેવું આપણું એકદમ દેશી વૃક્ષ કે જેના વગર ગામનો ચોરો કે પાદરની કલ્પના જ ન થઈ શકે તે અત્યારે IUCN ‘રેડ લીસ્ટ ટ્રી’ અને ‘એન્ડેંજર્ડ’ એટલે કે ઝડપથી લુપ્ત થઈ રહેલાં વૃક્ષોની કતારમાં આવીને ઊભું છે ! વૃક્ષારોપણ કરનારા આપણે સૌ અત્યારે નહીં જાગીએ તો ક્યારે જાગીશું ભલા ? હવે લીમડાને બદલે આવાં વૃક્ષોને પણ વાવીએ અને પર્યાવરણની સાચા અર્થમાં સેવા કરીએ.
જો ખરા અર્થમાં વૃક્ષારોપણ કરવું હોય અને વૃક્ષ વાવીને સમગ્ર જીવચક્ર (ઈકોસીસ્ટમ)ને ફાયદો પહોંચાડવો હોય તો દેશી વૃક્ષોનું જ વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષારોપણમાં જો બીન ઉપયોગી એવાં વૃક્ષો વવાઈ ગયાં હોય તો તેને ઉપયોગી વૃક્ષોના રોપાઓ વડે રિપ્લેસ કરવાની શક્યતા ચકાસી જોવાય. એમાંયે જો ફળાઉ વૃક્ષ વવાય તો તો સોનામાં સુગંધ ભળે. આપણે સૌ એક સામાન્ય ધારણા એવી રાખીએ છીએ કે ફળો રોજ ખરીદવાં ને ખાવાં તો મોંઘાં પડે. મોટાભાગનાં ઘરોમાં અઠવાડિયામાં એક-બે વખત જ ફળ આવતાં હોય છે અને તે પણ બધા સભ્યોના ભાગે ન પણ આવે કે મર્યાદિત માત્રામાં આવે. હવે આપણે સૌ જાણીએ છીએ કે વિવિધ ફળો વિટામીન એ, બી, સી, કેલ્શિયમ, લોહતત્ત્વ, સોડિયમ-પોટેશિયમ, ફોલીક એસીડ જેવાં અતિ-ઉપયોગી પોષકતત્ત્વોનો કુદરતી ભંડાર છે. જો ઘરની આજુબાજુ, જાહેર સ્થળોએ, શાળાઓનાં પટાંગણમાં લીમડા કે અન્ય બીન ફળાઉ વૃક્ષોને બદલે ફળાઉ વૃક્ષો વવાય તો બાળકોથી લઈને મોટેરાં સુધી દરેકને સ્વાદિષ્ટ, જંતુનાશક દવાઓ વગરનાં તાજાં, પોષક ફળો વિનામૂલ્યે મળી રહે. આટલું જ નહીં, જો ઘર-આંગણે સુંદર રંગબીરંગી પક્ષીઓના ટહુકા અને ચહેકાટ સાંભળવા મળે, તો ભલા કોને ન ગમે ? જો દેશી વૃક્ષો વાવીશું તો મોબાઈલની રીંગટોન સુધી સીમિત થઈ ગયેલો આ કલબલાટ ખરેખર ઘર સુધી ઊડી આવશે.
આપણે પહેલાં ફળાઉ વૃક્ષોની માહિતી મેળવી લઈએ. સૌ પહેલાં નાનીથી મધ્યમ ઘટાવાળાં અને ઓછી ઊંચાઈ સુધી વધતાં ફળાઉ વૃક્ષો જોઈએ તો તેમાં ચીકુ, લોટણ નારીયેળી, અંજીર, મીઠી ગૂંદી, ગુંદા, જામફળ, સીતાફળ, દાડમ, લીંબુ, આમળા-આમળી, ગોલાં કે અજમેરી બોર, ખારેક, શેતૂર, ગોરસ આમલી કે મીઠી આમલી, કરમદાં કે કરંડા, ફાલસા, ટીમરુ અને સરગવાનો આમાં સમાવેશ કરી શકાય. શાળા કે હોસ્ટેલની ફળોની રોજિંદી જરૂરિયાત પણ આવાં વૃક્ષો આરામથી પૂરી પાડી શકે છે. વિશાળકાય, ઘટાદાર ફળાઉ વૃક્ષોમાં બદામ, રાવણા જાંબુ, રાયણ, આંબા અને બીલી મુખ્યત્વે ગણાવી શકાય. નાની જગ્યા- બાંધેલા-રક્ષિત ફળિયા કે પટાંગણમાં આ પ્રકારનાં વિવિધ વૃક્ષો વવાય તો ઓછી જગ્યામાં બારે મહિના ફરતાં-ફરતાં સ્વાદિષ્ટ ફળો મળી રહે. આટલું જ નહીં, બાળકો અને મોટામાં પણ સૂક્ષ્મ પોષક્તત્ત્વોની ખામી સર્જાતી અટકાવી શકાય અને એ પણ વિનામૂલ્યે ! બીજે ક્યાંય નહીં તો શાળા, કોલેજ અને આંગણવાડીઓમાં તો લીમડા, શરૂ, મેંદી, ગુલમહોર કે સપ્તપર્ણી તો ન જ વાવીએ અને ફળાઉ વૃક્ષ જ રોપીએ.
દેશી વૃક્ષોમાં પીપળો, પીપર, ઊમરો, કાંચનાર, કોડીયો કે કઈડો, મહુડો, પોંગરો કે પનેરવો, પીલુડી, આસોપાલવ (પેંડુલમ નહીં, પરંતુ ઘટાવાળા), અશોક, પુર્ત્ત્મજીવા, રગત રોહીડો, ખાખરો-કેસૂડો, શીરીષ, પવિત્ર સવન, બોરસલી, દાંતણ-બાવળા કે દેશી બાવળ (મોટી શૂળવાળો), ખીજડો, ખાટી આમલી, ટીમરું, ચંદન, ખજૂરી, નારીયેળી, રૂખડો-બાઆૅબાબો, પારસ પીપળો, બુચ વગરેનો સમાવેશ કરી શકાય.
મોટા પાયે વૃક્ષારોપણ કરતી અને કરાવતી સંસ્થાઓ અને સેવાભાવી લોકો આ માટે આગળ આવે તો સીમેન્ટ-કોંક્રીટના ખડકલા જેવાં આપણાં નગરો ખરેખર નદંનવન બનવા તરફ પહેલું પગલું ભરે એમ જરૂરથી માની શકાય.
Your Content Goes Here