ગતાંકથી આગળ…

લોહારા કપિલા સંગમ સ્થાને નિવાસ. અહીં પહોંચ્યા પછી મન એક અલગ જ ભાવમાં વિચરણ કરતું થયું. નર્મદાતટે સુંદર વિશાળ ઘાટ, જળ પ્રવાહમાન સ્નિગ્ધ. કેટલાંક પ્રાચીન વટવૃક્ષો અને ચોક વચ્ચે પ્રાચીન વૃક્ષતળે ગોળાકાર ઓટલો. ગામના સાદાસીધા, સરળ લોકોની આવન-જાવન. આશ્રમમાં નર્મદામૈયા સમાન સબળ વૃદ્ધ માતાજીની નિ :સ્વાર્થપૂર્ણ પાવન સેવા. ચારે તરફ કેટલાંય કૂતરાં-ગલુડિયાં. સાંજ પડી ગઈ હતી. નર્મદાના નિર્મળ જળમાં સ્નાન કરીને સંધ્યા-ઉપાસનામાં બેઠા. અનાયાસે મન જપ-ધ્યાનમાં મગ્ન; જાણે કોઈ દિવ્ય ભાવમાં ડૂબ્યું! આજે ઘણા જોક્સ સાંભળ્યા અને કહ્યા હતા અને એનો આનંદ પણ માણ્યો. મને થયું મા તો આપણી પાસે જ છે. લાવ એમને પણ થોડા જોક્સ સંભળાવું. વાળુ પછી એકલો સીધો જ પહોંચી ગયો ઘાટ પર શ્રીશ્રીમા નર્મદા પાસે અને શ્રીશ્રીમાને કેટલાય જોક્સ સંભળાવી દીધા. જાણે શ્રીશ્રીમાએ એ જોક્સ સાંભળી લીધા હોય એવો અંતરમાં આનંદ ઊભરાયો. સાંત્વના આપવા માટે સૂરદાસજીનું આ જીવનદૃષ્ટાંત પૂરતું છે. સૂરદાસજી તો અંધ હતા, છતાં દરરોજ મંદિરે દર્શને જતા. કોઈએ વળી ટકોર કરી કે ભાઈ તમે તો અંધ અને વળી દેવદર્શને ! તેમણે કહ્યું, ‘હું મારા પ્રભુજીને જોઈ શકતો નથી, પણ મારા પ્રભુજી તો મને જુએ છે ને!!’ એમ મને ભલે આ ચર્મચક્ષુથી નર્મદામૈયાનાં દર્શન ન થાય, પણ મૈયા તો મને જોઈ અને સાંભળી શકે છે ને! આનંદ માણતાં માણતાં ધર્મશાળાએ પહોંચ્યો. પી. સ્વામીએ પૂછ્યું, ‘ક્યાં ગયા હતા ?’ હું શ્રીશ્રીમાને જોક્સ સંભળાવવા ગયો હતો એમ એમને સીધે સીધું તો કંઈ કહેવાય નહીં; અને કહું તો પાગલ જ ગણે ને ! એટલે મેં કહ્યું કે હું નર્મદાતટે શ્રીશ્રીમા પાસે ગયો હતો. એમણે કહ્યું, ‘રાત્રે નર્મદાજળનો સ્પર્શ ન કરવો જોઈએ, શ્રીમા નર્મદામૈયા ધ્યાન કરતાં હોય છે.’ આ વળી એક નવી વાત જાણી. દરેક વ્યક્તિને પોતપોતાના અનુભવો અને તદનુસાર ભાવ હોય છે. પહેલાં જ કહેવાયું છે કે આ સ્થાને આવ્યા પછી મન એક ઉચ્ચભાવમાં વિહરતું થયું. તે આ સ્થાનનો મહિમા કે સાધકની સાધનાની કોઈ એવી અવસ્થા કે અંતેવાસીઓના સાંનિધ્યનો પ્રભાવ હોય; એ ભલે ગમે તે હોય પણ એક વાત તો ચોક્કસ હતી કે શરીર-મનની આ ઉચ્ચ અવસ્થા કાયમી તો હતી જ નહીં, નહીંતર આ પરિક્રમા કરવા શું અમથા નીકળ્યા છીએ? નહીં તો કુટિચક બનીને અંત :સ્થલમાં ડૂબી ગયા ન હોત! આજે અમે ખૂબ જ થાકી ગયા હતા. રાત્રે પથારી તૈયાર કરીને નિદ્રાધીન થવાની તૈયારીમાં હતા, ત્યાં જ વૃદ્ધ માતાજી તેમજ તેમનાં સહાયક માતાજી અનેે સાંજે આવેલ એક પરિક્રમાવાસી ભાઈ સત્સંગના બહાને પરાણે વાતો કરવા લાગ્યાં. એક બાજુ આ લોકો ખેંચે અને બીજી બાજુ નિદ્રાદેવી ખેંચે ! વાતોમાં ઘણો સમય વીત્યો. આ પરમભાવ તો કાયમનો હતો નહીં એટલે વચ્ચે એક વિભાવનાના ઉદય સાથે આ લોકોનો આ દેહ પ્રત્યેના આકર્ષણના ભાવનો અસ્ત થયો અને સાપ જેમ કાંચળી છોડે એમ તેઓ રવાના થયા. આ વખતે મારા મનમાં ગીતાનો આ શ્લોક બરાબર બેસી ગયો. आपूर्यमाणमचलप्रतिष्ठं… તથા નરસિંહ મહેતાની પ્રખ્યાત કાવ્ય પંક્તિ ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે….’ ની જેમ હવે સુખે માણીશું નિદ્રાસન!

ધર્મશાળાની ઓસરી વિશાળ હાૅલ જેવી હતી. બહારની બાજુએ લોખંડની જાળી હતી. ઓસરીની વચ્ચે સંન્યાસીનું શૈયાસન, ડાબી તરફ બીજાં બધાં પરિક્રમાવાસીઓ. જમણી તરફ જગ્યા ખાલી હતી. સંન્યાસીને હજુ તો થોડી નિદ્રા આવી, ત્યાં તો એના શરીરે એક સુંવાળો સ્પર્શ અનુભવ્યો. સંન્યાસી તો ઝબકીને જાગી ગયા. જોયું તો આશ્રમનાં પાંચ-છ ગલુડિયાં રાત્રે મસ્તીએ ચડ્યાં હતાં. અને આમાંથી બે ગલુડિયાં મસ્તી કરતાં કરતાં છેક પથારી પર આવી ચડ્યાં અને શરીર સાથે ટકરાયાં. સંન્યાસીએ દંડ ભગવાનને ઉઠાડ્યા અને તેની સહાય લીધી. પણ આ ગલુડિયાં તો જાણે આજે એવાં તોફાને ચડ્યાં હતાં કે તેમણે સંન્યાસીની કે દંડ ભગવાનની હાજરીની જરાય પરવા ન કરી.

‘આ દંડ ભગવાન કોણ?’ આ દંડ ભગવાન એટલે લાકડી. જો ભાઈ, તમે ઉપનિષદનું ભાષ્ય વાંચવા બેસો ત્યારે તમારે અધ્યાસ, આરોપ, આવરણ, વિક્ષેપ, સમષ્ટિ, વ્યષ્ટિ વગેરે જેવા શબ્દોની પરિભાષા જાણી લેવી જોઈએ. એવી જ રીતે તમે જ્યારે નર્મદા પરિક્રમાનો લેખ વાંચવા બેસો, ત્યારે રામરસ, પ્રેમકટારી, અમન્યા, મૂર્તિ, દોલડાલ, દંડ ભગવાન ઇત્યાદિ શબ્દોની પરિભાષા જાણી લેવી જોઈએ. જેમ કે રામરસ એટલે મીઠું. મીઠા વગરનાં ભોજન કે રસોઈ સ્વાદમાં મોળાં હોય છે. એટલે કે નિ :સ્વાદ લાગે છે. એમ રામ વગર આ સંસાર પણ મોળો ગણાય. એટલે મીઠાને રામરસ કહે છે. એક વાર પરિક્રમા દરમિયાન સંન્યાસી એક મંદિરમાં પહોંચ્યા. ત્યાં સદાવ્રત ચાલતું હતું. સદાવ્રત એટલે કાચું-સીધું અપાય અને પરિક્રમાવાસીએ જાતે રાંધી લેવાનું. વાતવાતમાં સંન્યાસીએ બીજાં પરિક્રમાવાસીઓને કહ્યું, ‘દીજિયે, મૈં સબ્જી કાટ દેતા હઁૂ —।’ આ સાંભળીને પૂજારી ગરજી ઊઠ્યા, ‘કાટના તો બકરે કો હોતા હૈ, સબ્જી કો અમન્યા બોલતે હૈં —।’ પછી સંન્યાસીએ શાકભાજી સુધારવા છરી માગી એટલે પૂજારી તાડૂકી ઊઠ્યા, ‘ઉસકો છૂરી નહીં, પ્રેમકટારી બોલતે હૈં ।’ (મૂર્તિ, દોલડાલ, જેવા શબ્દોનો અર્થ અગાઉના લેખોમાં આવી ગયો છે.

વાસ્તવમાં સંન્યાસીના શૈયાસન પાસે માથા તરફ કપડામાં શ્રીઠાકુર, શ્રીમા, સ્વામીજી તથા નર્મદામૈયા વગેરેને પોઢાડેલાં હતાં. તેથી આ ગલુડિયાં તોફાન મસ્તી કરતાં કરતાં એ આસન પર જઈ શકે કે સંન્યાસીની પથારી પર પણ પાછા આવી શકે. એટલે વચ્ચે વચ્ચે સંન્યાસી લાકડીને એટલે કે દંડ ભગવાનને જમીન પર પછાડતા રહ્યા. એક વાર તો આ બધાં ગલુડિયાંને લોખંડની જાળીની બહાર કાઢી મૂક્યાં, તોય વળી પાછું થોડી વારમાં હતું તેવું જ વાતાવરણ સર્જાઈ ગયું. અડધી રાત સુધી આવું ચાલતું રહ્યું.

બીજે દિવસે ૩ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ પરિક્રમાના પ્રારંભના સમયગાળા દરમિયાન સંન્યાસી ભગવદ્ ગીતામાંથી પસંદગીના શ્લોકોનું ચયન કરતા હતા. ભગવદ્ ગીતાના ૭૦૦ શ્લોકોમાંથી ૧૮૦ જેટલા શ્લોકોનું ચયન થયું છે. સંન્યાસી માટે આ શ્લોકો ઘણા મહત્ત્વના છે. વૃદ્ધ માતાજી વગેરેની વિદાય લીધી. મનમાં ને મનમાં તેમની નિ :સ્વાર્થ સેવાને અમે વંદી રહ્યા.

તરુવર, સરોવર, સંતજન, ચોથા વરસે મેહ,
પરમારથને કારણે ચારેયે ઘડિયો દેહ.

૩ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ બપોરે સંન્યાસી નર્મદે હરના સાદ સાથે પરિક્રમામાં આગળ નીકળ્યા. લોહારાથી એકાદ માઈલ દૂર સિદ્ધેશ્વર મહાદેવનું સ્થાન હતું. કોઈ સાધુના નિવાસ દરમિયાન પહાડી ટેકરી પર પાંચ-છ નાનાં નાનાં પણ મજબૂત મંદિર બંધાયાં હતાં. ત્યાર પછી એ સાધુ આ સ્થળ છોડીને ચાલ્યા ગયા. કિનારા તરફના મંદિર નીચે એક ગુફા હતી. સાધના માટે આ સ્થળ સારું હતું. કિનારાના ઊંચા ટેકરા પર આવેલું સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર તપ માટે અનુકૂળ હતું. અહીંનું એકાંત સારું હતું. હાલના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના મહાત્માએ આવકાર આપ્યો અને રોકાવા માટે આગ્રહ કર્યો. એકાંત સ્થાન અને મહારાજના પ્રેમભાવને કારણે ત્યાં રોકાઈ ગયા. વાતવાતમાં જાણવા મળ્યું કે કોઠારા ગામમાં થોડા સમય પહેલાં બ્રહ્મચારી બની બેઠેલ પૂજારી પરમાનંદ કે જે સંન્યાસીનો મોબાઈલ તથા નર્મદા આશ્રમનો કેટલોક સામાન ચોરીને ભાગી ગયો હતો; તે જ બ્રહ્મચારી આ સિદ્ધેશ્વર મહાદેવના મહાત્માને ભોળવીને રૂા.૧૦,૦૦૦/- લઈને ભાગી ગયો હતો. આજે ખૂબ ઠંડી હતી એટલે બહાર સૂવું ઘણું જોખમ ભરેલું હતું. સંન્યાસીએ તો શિવજીની બે ત્રણ નાની નાની દેરીઓમાંથી એક દેરીમાં નિવાસ કરવાનો નિર્ણય કર્યો. લગભગ ૮ # ૮ ફૂટની એક દેરી. તેમાં આરામથી સૂઈ શકાય અને ઠંડી પણ ઓછી લાગે. પરંતુ પી. સ્વામીએ સંન્યાસીને કહ્યું કે શિવમંદિરમાં સૂવાય નહીં. પણ સંન્યાસીએ એનો ઉડાઉ જવાબ આપતાં કહ્યું, ‘ભાઈ, આપણે તો શિવજીના ભૂતગણ. આપણને કશું થાય નહીં.’ એમ કહીને શિવમંદિરમાં આસન લગાવીને શિવલિંગ પાસે સૂઈ ગયા.

બીજે દિવસે સવારના નિત્યક્રમ પતાવીને નર્મદે હરના સાદ સાથે સંન્યાસી પરિક્રમા માર્ગમાં આગળ વધ્યા. એક જગ્યાએ ખેતર પાસેથી ડાબી બાજુએ નાની પાકી સડક જતી હતી. વિષય-ચર્ચાઓ થાય નહીં અને એકાંતમાં ભગવાનનું સ્મરણ થાય એ માટે બન્ને સંન્યાસીઓ એકબીજાની વચ્ચે થોડું અંતર રાખીને ચાલતા હતા. અમે લોકો નિશ્ચિંત મને અતિ વિશ્વાસથી આગળ ડગ માંડતા જતા હતા. આ સાચો માર્ગ છે એવો અતિ વિશ્વાસ, છતાં મનના એક ખૂણે થોડો સંશય પણ હતો જ. આ બાજુ અતિ વિશ્વાસને કારણે, મનના અહંકારને લીધે એક દોઢ કિલોમીટર સુધી ચાલતા જ રહ્યા. પણ સંન્યાસીને મનમાં શું થયું કે એમણે ચાલતાં ચાલતાં જ રસ્તામાં એક બાળકને પૂછ્યું, ‘આ મોહીપુરા ગામનો જ રસ્તો છે ને ?’ બાળકે જવાબ આપ્યો, ‘આ તો નલવાઈ ગામે જાય છે.’ સાંભળીને મારા પગ તો થંભી ગયા. પી. સ્વામીને સાદ કર્યો અને અમે પાછા વળ્યા. વાસ્તવમાં ખેતર પાસેના વળાંક દરમિયાન આ પાકી સડક પર ન ચડતાં; ખેતરની પાસેની કેડીનો રસ્તો મોહીપુરાનો હતો.

આ ઘટનાથી અમને એક મોટો બોધપાઠ મળ્યો. આપણા આધ્યાત્મિક જીવનની શરૂઆતમાં આમ જ બનતું હોય છે. આપણા અતિવિશ્વાસ, અહંકાર કે જડતાને કારણે આપણે કોઈનું સાંભળતા નથી કે કોઈને ગણકારતા નથી. આપણે વારંવાર જીવનલક્ષ્ય વિશે ચિંતન-મનન કરવું જોઈએ. સાથે ને સાથે જ્ઞાનીજનો પાસે નમ્રતાપૂર્વક, શ્રદ્ધા સાથે, સમર્પિતભાવે પ્રશ્નો પૂછવા જોઈએ. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના સાતમા શ્લોકમાં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે : कार्पण्यदोषोपहतस्वभावः….. આ રીતે જ્યારે અર્જુન વિનમ્રતાપૂર્વક ભગવાનનો શરણાગત બનીને પ્રશ્ન કરે છે, ત્યારે જ ભગવાન તેમને ઉપદેશ આપે છે! આધ્યાત્મિક જીવનમાં પણ જ્યાં સુધી સાચા સદ્ગુરુની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક જ્ઞાનીજનો પાસે જઈને પથપ્રદર્શન માટે વિનંતી કરવી જોઈએ. (ક્રમશ 🙂

Total Views: 393

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.