પ્રશ્ન : હું મંદિરે ન જ જાઉં, એ યોગ્ય ગણાય ?
ઉત્તર : વાસ્તવિક રીતે સ્વામી વિવેકાનંદે અદ્વૈત આશ્રમની સ્થાપના વખતે આમ કહ્યું હતું, ‘અહીં સત્ય અને માત્ર સત્ય જ રહેશે.’ કોઈપણ પ્રકારની પૂજા નહીં થાય. અરે શ્રીરામકૃષ્ણદેવની પૂજાની પણ મના છે. છબી કે પૂજાનો નિષેધ છે. અગરબત્તી કે દીપની પણ મના છે. એટલે મંદિરે ન જાઓ તો ચાલે એ શક્ય છે. પરંતુ બાબત એ છે કે આપણામાંના મોટા ભાગના લોકો આવી બધી પૂજાની બાબતોના વાતાવરણમાં ઊછર્યા છે અને આ બધાં આપણા અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવાનાં સાધનો છે. શ્રીરામકૃષ્ણદેવે ઉચ્ચતમ આધ્યાત્મિકતા મૂર્તિપૂજાથી જ મેળવી હતી. એટલે આપણે મંદિરની સહાય લેવા ઇચ્છતા લોકોની ટીકા ન કરવી જોઈએ. પણ સાથે ને સાથે એ બધું આવશ્યક નથી. સ્વામીજીએ કહ્યું છે કે જો તમે મંદિરમાં કે બીજાં સ્થળોએ પ્રભુની પૂજા કરી શકો, તો તમે માનવરૂપે રહેલા ઈશ્વરની પૂજા પણ કરી શકો અને એ પૂજા સેવા દ્વારા કરી શકો. જેણે પ્રશ્ન પૂછ્યો છે તેની ઇચ્છા બીજાને મદદ કરવાની છે. તમે બીજા માનવોને મદદ કરી શકો પણ એમના પ્રત્યે કોઈ દયા કરો છો એ ભાવથી નહીં. તમારે તો માનવમાં રહેલા ઈશ્વરને પૂજવાના છે, એની સેવા કરવાની છે. તે પોતે જ ઈશ્વર છે એમ માનીને એમની સેવા કરવાનો પ્રયત્ન કરો. આવું કરશો તો તમે આધ્યાત્મિક રીતે ઉન્નત થશો અને બીજી વ્યક્તિને એનો લાભ મળશે.
પ્રશ્ન : સ્વામી વિવેકાનંદની અને શ્રીઠાકુરની ઈશ્વરની અનુભૂતિ શું એક સરખી જ છે ?
ઉત્તર : આપણે બધાં જાણીએ છીએ કે શ્રીરામકૃષ્ણદેવે અનુભવેલી નિર્વિકલ્પ સમાધિ એમની ભીતર રહેલા ઈશ્વરની તેમજ એમની આજુબાજુ રહેલા ઈશ્વરની ઉપસ્થિતિમાં મેળવી હતી. તે દ્વૈતાદિક અનુભૂતિ તરીકે જાણીતી છે. શ્રીરામકૃષ્ણે ભિન્ન ભિન્ન તબક્કે અનેક પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિઓ કરેલી. સ્વામી વિવેકાનંદ પર તેમના ગુરુ શ્રીરામકૃષ્ણદેવની અમીકૃપા થઈ હતી અને કાશીપુરમાં ઉદ્યાનગૃહમાં શ્રીઠાકુરના અંતિમ દિવસોમાં તેમણે નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ કરી હતી.
આમ ગુરુ અને શિષ્ય બન્નેએ ઈશ્વરની સર્વોચ્ચ અનુભૂતિ કરી હતી. પરંતુ એમાં થોડો ભેદ છે. સ્વામી વિવેકાનંદને નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ આપીને શ્રીરામકૃષ્ણે સ્વગત કહ્યું હતું કે હવે હું આ બધું મારાં તાળાચાવીમાં બંધ રાખીશ. તું જ્યારે મા જગદંબાનું કાર્ય પૂર્ણ કરીશ ત્યાર પછી જ તું તારા મૂળ સ્થાને પાછો જઈશ.
પ્રશ્ન : હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ વચ્ચે કઈ બાબતનો ભેદ છે ?
ઉત્તર : વાસ્તવિક રીતે હિન્દુ ધર્મ એ સનાતન ધર્મ એટલે કે શાશ્વત ધર્મ છે. એક જ ધર્મનાં આ બે નામ છે. સ્વામીજીને સનાતન ધર્મ નામ વધુ પસંદ હતું કારણ કે એ શાશ્વત છે અને તે સર્વ-સમાવેશક છે.
આવો જ પ્રશ્ન સત્યયુગ અને કળિયુગ વિશેનો છે. જ્યારે ઘરમાં યુવાનો કર્મકાંડ કે વિધિવિધાનોમાં રસ લેતા નથી ત્યારે વડીલો કહે છે કે આ ઘોર કળિયુગ છે. શું આ ઘોર કળિયુગ છે કે ઉચ્ચતર શિક્ષણ ? આજના યુવાનો દરેક વસ્તુની વિગતોનું અંધાનુકરણ કરવાને બદલે એનું સાતત્ય જાણવા માગે છે. તો આપણે શું એને સત્યયુગ ન કહી શકીએ ? આ બન્ને કળિયુગ અને સત્યયુગ કાળનાં પરિમાણો છે. સત્યયુગમાં ઉચ્ચકક્ષાના માનવોમાં આધ્યાત્મિક મૂલ્યો પ્રાધાન્ય ધરાવતાં. પરંતુ આ કળિયુગમાં ઈર્ષ્યા, અહંભાવ અને મનની દુર્વૃત્તિઓ મુખ્ય ભાગ ભજવે છે.
Your Content Goes Here